વિશ્રામ ૫૯
સંવત ૧૯૭૬ના પ્રથમ શ્રાવણ સુદ ત્રીજને દિવસ પરમ દયાળુ મુક્તરાજશ્રી હિંડોળામાં ઠાકોરજીનાં દર્શન કરવા ભૂજ આવ્યા ને ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કરીને ચાર દિવસ રહ્યા ને સર્વેને સુખ આપીને પાછા વૃષપુર પધાર્યા.
ત્યાર પછી કોઈક સમયે મૂળી મંદિરમાં મોટા મોટા સંત તથા હરિભક્તો ભેગા થયા હતા, તેમણે એવો વિચાર કર્યો જે, ‘મોટાં મોટાં મંદિરોમાં દેવની મિલકત સચવાય ને સાધુ, બ્રહ્મચારી ને પાર્ષદ તેમના દૈહિક વ્યવહારની સગવડ સારી રીતે થાય તે સારુ મહાસભા કરવી, -તેમાં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીને બોલાવવા અને તેમનો અભિપ્રાય લેવો, તે મહારાજના સિદ્ધાંત પ્રમાણે રસ્તો બતાવશે ને બાપાશ્રી પધારશે એટલે તેમનાં દર્શન-સમાગમનો સર્વેને લાભ મળશે; માટે અહીં તેમને તેડાવવા.’ એવો વિચાર કરીને સ્વામીને તેડવા મોકલ્યા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ને ગોપીવલ્લભદાસજી આદિ સંત બાપાશ્રીને તેડવા આવ્યા. પછી બાપાશ્રીએ ધનજીભાઈ ને દેવરાજભાઈ આદિ હરિભક્તને મૂળીએ જવાની વાત કરી ત્યારે તે સર્વે તૈયાર થઈને બાપાશ્રી સાથે શ્રાવણ વદ પાંચમે ભૂજ આવ્યા ને ભૂજના તથા ગામડાંના હરિભક્ત મળીને પચીસ-ત્રીસ બાપાશ્રી સાથે ચાલવા તૈયાર થયા, ત્યારે બાપાશ્રી તે હરિભક્તને તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને સાથે લઈને ભૂજથી રેલે બેસી તૂણા બંદર આવ્યા, ત્યાંથી આગબોટમાં બેસી જામનગર આવ્યા ને બીજે દિવસે રેલગાડીમાં બેસીને મૂળી સ્ટેશને ઊતર્યા. તે વખતે ઘણા સંત-હરિભક્તો મંદિરમાં આવ્યા, ને હરિભક્તોએ સહિત બાપાશ્રીનો ઉતારો કોઠારના મેડા ઉપર રાખ્યો હતો ત્યાં ઊતર્યા. પછી બાપાશ્રી વસ્ત્રે સહિત સ્નાન કરી બીજાં ધોયેલાં વસ્ત્ર પહેરીને ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ને પછી સભામાં પધાર્યા. તે વખતે ઘણા સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા, તેમને સર્વેને મળીને બાપાશ્રી આસને આવીને બેઠા.
હવે અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી મૂળીએ પધાર્યા છે, તે વાત સાંભળીને ઝાલાવાડના તથા ગુજરાત આદિ દેશના હજારો હરિભક્ત આવ્યા હતા, તે સર્વે બાપાશ્રીનાં દર્શન કરીને પરમ આનંદને પામ્યા. આવી રીતે મૂળીમાં હરિભક્તની અતિશય જ ભીડ થઈ તેથી ઉતારાનો પણ માર્ગ મળતો નહિ, ને નદીમાં પાણી પણ હતું નહિ તેથી સ્નાન કરવાની ઘણી અડચણ થતી. પછી સંતોએ બાપાશ્રીને વિનંતી કરી, ત્યારે બાપાશ્રીએ દયા કરી એટલે વરસાદ વિના પણ નદીમાં પૂર આવ્યું, તેથી સર્વે મનુષ્યને સુખ થયું. પછી સંત તથા હરિભક્ત સર્વે મળીને સભા કરી ને બાપાશ્રી પણ તે સભામાં આવીને બેઠા. તે સમે સંત-હરિભક્ત માંહોમાંહી સત્સંગનો વ્યવહાર સુધારવાની વાતો કરતા હતા. પછી બાપાશ્રીને પૂછ્યું જે, ‘આ સત્સંગનો વ્યવહાર કેવી રીતે કરવો ?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’ ને ‘શિક્ષાપત્રી’માં ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીના ને સાધુ-બ્રહ્મચારી ને ગૃહસ્થ-સત્સંગી તથા પાર્ષદ, તે સર્વેના ધર્મ કહ્યા છે તે પ્રમાણે સર્વેને વર્તવું. અને સત્સંગનો વ્યવહાર પણ કહ્યો છે તે પ્રમાણે કરવો તો મતભેદ ન થાય, ને સર્વેને સંપ-શાંતિ રહે.’’ બાપાશ્રીની આવી વાત સાંભળીને સર્વે સંત-હરિભક્તોએ શ્રીજીમહારાજનો આ સિદ્ધાંત છે એ જાણ્યું ને એમ વર્તવા સારુ મહાસભા કરી ને બાપાશ્રીને રાજી કર્યા. અને મુક્તરાજ બાપાશ્રી મૂળીમાં નિત્યે સંત-હરિભક્તની સભામાં બેસી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના તથા આજ્ઞામાં યથાર્થ વર્તવાની વાતો કરતા ને સર્વે સંત-હરિભક્ત શ્રીજીમહારાજ ને બાપાશ્રીના સિદ્ધાંત પ્રમાણે રહેવું, તે જ મોક્ષનું સાધન છે એમ જાણીને તે પ્રમાણે વર્તવા લાગ્યા. એવી રીતે બાપાશ્રી બાર દિવસ સુધી મૂળીમાં રહ્યા, પછી સંત-હરિભક્તની રજા લઈ ત્યાંથી રેલગાડીમાં બેસીને રાજકોટમાં એક રાત રહ્યા, ત્યાંથી જામનગર બે દિવસ રહ્યા ને ત્યાંથી ભૂજનગર આવ્યા. હવે બાપાશ્રી ભૂજ-સ્ટેશને ઊતર્યા, તે સમે ઘણાક હરિભક્ત બાપાશ્રીની સન્મુખ આવ્યા હતા ને બાપાશ્રી મંદિરની વાડીએ આવી હરિભક્તોએ સહિત સ્નાન કરી રેલગાડીમાં વસ્ત્ર ધોઈ-સૂકવીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને સર્વે સંતને મળ્યા, પછી મેડા ઉપર આસને આવીને બેઠા. તે સમે શહેરના સર્વે સત્સંગિઓ અનાદિમુક્તશ્રી ભૂજમંદિરમાં આવ્યા છે -એમ જાણીને બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા. પછી સર્વે સંત-હરિભક્તની સભા થઈ ને બાપાશ્રી પણ સભામાં આવીને બેઠા. તે સમે બાપાશ્રીએ વાત કરી જે, ‘‘મૂળીમાં દસબાર હજાર સત્સંગી ભેળા થયા હતા, સંત પણ ઘણા આવ્યા હતા ને નિત્યે સભાઓ થતી ને કથાવાર્તા કરતા. તેમાં એક દિવસ સત્સંગના વ્યવહારની વાત સર્વેએ અમને પૂછી, ત્યારે અમે સર્વેને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું ને સત્સંગનો વ્યવહાર પણ શિક્ષાપત્રી પ્રમાણે કરવો. અને જે શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તે શ્રીજીમહારાજના આશ્રિત ન કહેવાય.’’ એ આદિ ભૂજના સંત-હરિભક્તોને વાત કહી સંભળાવી પછી સભા વિસર્જન થઈ, ને સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રી સારુ ખીચડી ને શાક કરી રાખ્યું હતું-તે બાપાશ્રી જમ્યા. પછી બીજે દિવસે ઠાકોરજીના થાળની આરતી થઈ, ત્યારે બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રીને જમાડ્યા ને બાપાશ્રી જમીને વાડીએ પધાર્યા ને સર્વે હરિભક્તને ચાલતા કરી પોતે સ્નાન કરીને બે કલાક સૂઈ રહ્યા. પછી ધનજીભાઈની ઘોડાગાડીમાં બેસીને ચાલ્યા તે ભારાપરની સમીપે આવ્યા. ત્યાં વૃષપુરથી કેટલાક હરિભક્ત આવ્યા હતા તેમને મળી દર્શન દઈને વૃષપુર આવ્યા.
હવે તે વૃષપુર કેવું છે તો, જે પુરને વિષે શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત ઘણાક રહેલા છે ને જે પુરને વિષે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનાં મંદિર બાઈઓનાં તથા ભાઈઓનાં -એમ જુદાં જુદાં છે, જે પુરમાં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનું ભુવન અક્ષરધામ જેવું શોભી રહ્યું છે, જે પુરને વિષે ભક્તજનો અહોનિશ કથા-વાર્તા, કીર્તન વગેરે કરે છે તેણે કરીને ગાજી રહ્યું છે, જે પુરને વિષે મુક્તરાજશ્રીનાં દર્શન-સમાગમ કરવા સારુ મોટા મોટા સંતનાં મંડળ આવીને અહોનિશ વસે છે અને હજારો હરિભક્ત પણ આવે છે ને જાય છે, જે પુરને વિષે અહોનિશ જ્ઞાનયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ થયા કરે છે, જે પુરને સમીપે વિશ્વામિત્રી નામે નદી છે ને નદીના કાંઠે નાના પ્રકારનાં વૃક્ષનું વન છે ને તેથી ઉત્તરમાં સમીપે કાળીતલાવડી છે ને તેના કાંઠાને વિષે શ્રીજીમહારાજનું બેઠકરૂપ મોટું તીર્થ રહેલું છે, જે પુરને ફરતી મિષ્ટ જળના કૂપે સહિત છએ ઋતુમાં સુખદાયી વાડીઓ રહેલી છે. તેમાં મુક્તરાજની નવીવાડી, લખાઈવાડી ને કાકરવાડી તે તો મોટાં તીર્થો છે એવું, ને મુક્તરાજ બપાશ્રીના યોગે અક્ષરધામ તુલ્ય થયેલું, એવું પ્રસિદ્ધ જે પુર તે પ્રત્યે બાપાશ્રીએ હરિભક્તના સમૂહે સહિત પ્રવેશ કર્યો ને તે પુરમાં મંદિરમાં શ્રીજીમહારાજનાં દર્શન કરીને પછી પોતાના ભુવન પ્રત્યે આવ્યા, ને પોતાનાં પત્ની ને બે પુત્રો તથા બે પુત્રીઓ એ આદિ પોતાના સ્વજન તથા બીજા પણ સ્નેહવાળા ઘણા હરિભક્તો સેવ્યા થકા તે પુરને વિષે પોતાના મંદિરને વિષે નિવાસ કરીને રહ્યા.
ઇતિ વિશ્રામ ૫૯