વિશ્રામ ૧૬

પછી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી સર્વે ભક્તને દર્શન-સમાગમથી મૂર્તિના સુખભોક્તા કરતા, એવા અનાદિમુક્તશ્રી સંઘે સહિત અસલાલીના મંદિરમાં દર્શન કરી તથા પ્રસાદીના તળાવે નાહી અમદાવાદ મંદિરમાં પહોંચ્યા. ત્યાં શ્રીનરનારાયણ દેવ, ધર્મભક્તિ, હરિકૃષ્ણ મહારાજ ને રાધાકૃષ્ણ ને ઘનશ્યામ મહારાજ-તે મૂર્તિઓનાં દર્શન કરીને સૌ ધ. ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજનાં દર્શન કરવા ગયા. ત્યાં સૌએ શ્રીફળ, રૂપામહોર આદિ ભેટ મૂકી દંડવત્‌ કર્યા, ત્યારે ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી પણ ઊભા થઈ મુક્તશ્રીને મળ્યા ને સર્વે હરિભક્તને કુશળ સમાચાર પૂછી ઉતારા કરાવવા સંતોને ભલામણ કરી. પછી સ્વામી નિર્ગુણદાસજીને આસને આ સંઘ આવ્યો. ત્યાં સંઘ સાથે સ્વામીએ મુક્તશ્રીને જોયા ને મુક્તરાજશ્રીએ સ્વામીશ્રીને જોયા કે તુરત જ પોતે દંડવત્‌ કરવા મંડી પડ્યા તે જોઈ સ્વામીએ ઉતાવળા ઊભા થઈ, ‘આ શું કરો છો !’’ -એમ કહીને ઝાલી લીધા ને બાથમાં ચાંપી મળ્યા ને હાથ ઝાલી આસન ઉપર બેસાર્યા. તે સમે મુક્તશ્રીનું સ્વરૂપ પુષ્ટ ને શોભાયમાન છે, તેથી સર્વે અતિ હર્ષભર્યાં દર્શન કરતા હતા. પછી સ્વામીશ્રીએ માર્ગના સમાચાર પૂછ્યા ને કેસરાભાઈ તથા જાદવજીભાઈને પાસે બોલાવીને સંઘના હરિભક્તોને ઉતારાની ગોઠવણ કરાવી. પછી સમય થયે સૌ સભામાં આવવા ઊઠ્યા ને બીજે દિવસે હરિનવમીનો સમૈયો હોવાથી સંત-હરિભક્તોથી મંદિર ઊભરાતું હતું ને વળી આ કચ્છી છસો હરિભક્તનો સંઘ આવ્યો હતો એટલે સૌ તેમને જોઈ જોઈ રાજી થતા. પછી સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી ને અનાદિમુક્તશ્રી સભામાં આવ્યા, ત્યારે સ્વામીશ્રીએ મુક્તશ્રીને આગળ બેસાર્યા અને સ્વામીશ્રી ગાદીતકિયે બેઠા ને દિવ્યસભા શોભતી હતી. હવે ધ. ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ સભામાં પધાર્યા ત્યારે મુક્તશ્રી તથા જાદવજીભાઈ, કેસરાભાઈ આદિ હરિભક્ત પુષ્પના હાર લઈ પૂજ્ય આચાર્યશ્રીને પહેરાવવા આવ્યા, ત્યારે સ્વામી નિર્ગુણદાસજીએ આચાર્યશ્રીને આ મુક્તરાજશ્રીની સમાધિની તથા ધ્રુવાનંદસ્વામી ધામમાં પધાર્યા તે સમયની વાત કરી ઓળખાણ પડાવી તેથી આચાર્ય મહારાજશ્રી બહુ રાજી થયા. પછી પૂજ્ય આચાર્યશ્રીએ મુક્તરાજશ્રીને મોટો હાર પહેરાવ્યો ને પાર્ષદ પાસે સભામાં આગળ આસન નંખાવીને બેસાર્યા. આવી રીતે ભરી સભામાં મુક્તરાજશ્રીનું સન્માન કર્યું. તેને જોઈને કચ્છીસંઘમાં આ સૌથી મોટા છે -એમ સૌને જાણ થઈ. ને આ મુક્તશ્રી સભામાં ધ્યાનસ્થ બેસીને માળા ફેરવતા હતા અને તે સમે સભા અતિશય શોભતી હતી. પછી શણગાર-આરતી થઈ ત્યારે સભા વિસર્જન થઈ ને મુક્તશ્રી તથા સ્વામીશ્રી મંદિરમાં તથા રંગમહોલમાં દર્શન કરવા પધાર્યા ને દર્શન કરીને પોતાને આસને આવ્યા, ત્યાં તો આસને ઘણા સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સભામાં સ્વામી તથા મુક્તશ્રી બેઠા ને તે સભામાં પુ. દેવચરણદાસજી, મુકુંદજીવનદાસજી આદિ સંત તથા નરસિંહભાઈ, દામોદરભાઈ, સોમેશ્વરભાઈ, ચીમનલાલ શેઠ આદિ મોટા મોટા હરિભક્તો પણ બેઠા હતા, તેમની આગળ સ્વામી નિર્ગુણદાસજી વાતો કરવા લાગ્યા જે, ‘‘જેતલપુરમાં ધ્રુવાનંદસ્વામીને શ્રીજીમહારાજ તેડવા આવ્યા હતા, પણ કચ્છદેશના હરિભક્તોને સ્વામીનાં દર્શન કરાવવા સારુ આ મુક્તે શ્રીજીમહારાજને કહીને બે દિવસ રખાવ્યા ને કચ્છના હરિભક્તે સ્વામીનાં દર્શન કર્યાં. પછી મુક્તશ્રીના કહેવાથી શ્રીજીમહારાજે ચંદનની વૃષ્ટિ કરી. એવો ચમત્કાર જણાવી સ્વામીને તેડી ગયા. એમ શ્રીજીમહારાજ આ મુક્તનું માને છે એવા આ મુક્ત મોટા છે. અને શ્રીજીમહારાજે અનંત જીવનો મોક્ષ કરવા આમને મોકલ્યા છે ને જો હું ખોટું કહેતો હોઉં તો અમારી સાધુતામાં ખોટ છે.’’ -એમ કહીને સ્વામી પોતાની છાતીએ હાથ અડાડ્યો. એવાં સ્વામીનાં વચન સાંભળીને શેઠ ચીમનલાલ ને સોમેશ્વરભાઈ આદિ હરિભક્ત મુક્તરાજશ્રીને દંડવત્‌ કરવા લાગ્યા ને પ્રાર્થના કરી જે, ‘‘અમે તમારા છીએ ને તમારા ભેગા મૂર્તિમાં રાખશો.’’ ત્યારે સ્વામીશ્રીએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘આ જીવ તમારા છે; તેનોતમે મોક્ષ કરશો.’’ ત્યારે મુક્તશ્રી તેમના પ્રત્યે બોલ્યા જે, ‘‘તમને મૂર્તિમાં રાખ્યા ને તમારું કામ પૂરું થઈ ગયું. અને આ સભા સર્વેને પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં ભેગા રાખશું.’’ -એમ સર્વેને આશીર્વાદ આપ્યા પછી સાંજની કથાનો સમય થયો એટલે સર્વે ઊઠ્યા. પછી મંદિર ઉપર જન્મોત્સવની તૈયારીને લીધે હરિભક્તો સમાય નહિ, એમ જ્યાં ને ત્યાં સંત-હરિભક્તની ભીડ જોવામાં આવતી હતી, જ્યારે દસ વાગ્યા ત્યારે જન્મસમયની આરતી થઈ. તે વખતે ‘જય ! જય!’ શબ્દ સર્વત્ર ગાજી રહ્યો ને સર્વે હરિભક્તો દર્શને ગયા પછી હરિભક્તની ભીડ ઓછી થઈ ત્યારે સ્વામીશ્રીની સાથે આ મુક્તરાજશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા ગયા તે વખતે પણ ઘણાક હરિભક્ત સાથે હતા ને મુક્તશ્રી ને સ્વામીશ્રી શ્રીજીમહારાજનાં તથા શ્રીનરનારાયણ દેવનાં દંડવત્‌ કરી દર્શન કરવા લાગ્યા, તે સમે મૂર્તિઓ ‘મંદ મંદ’ હસતી હોયને શું ! એવાં સર્વેને દર્શન થતાં હતાં ને પૂજારીએ સ્વામીશ્રીને તથા મુક્તરાજશ્રીને એક એક હાર પહેરાવ્યો. એવી રીતે દર્શન કરી મુક્તશ્રી સ્વામીને આસને આવ્યા, ત્યારે સ્વામીશ્રીએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘અમારા જેટલા સાધુ છે તે બધાયને તમારા માનીને સાચવજો.’’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામી ! તમારી બધી વાત જાણું છું. તમારું મંડળ ને અમારું મંડળ ક્યાં જુદું છે ? તમે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રમો છો ને જેવા ગોપાળાનંદસ્વામી શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે તેવા જ તમે અનાદિમુક્ત છો; પણ આ વાત સમજે તે સુખિયા થાય. અત્યારે શ્રીજીમહારાજ ને અનાદિમુક્તના સંકલ્પથી એ વાત કેટલાક સમજે છે.’’ -એમ વાતો કરીને પોઢી ગયા. અને સંઘના સર્વે હરિભક્ત ચોકમાં ગરબી રમવા લાગ્યા તે અતિ પ્રેમમાં સવારોસવાર રાસ રમ્યા. પછી સૌ સ્નાન, પૂજા આદિ નિત્યવિધિ કરવા ગયા ને મુક્તશ્રીને સ્વામી ઈશ્વચરણદાસજી આદિ સંતે કૂવા ઉપર સ્નાન કરાવ્યું પછી આસને આવી પૂજા કરી. તે સમયે મંગળા-આરતી થઈ ત્યારે સર્વે ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ને મુક્તરાજશ્રી દર્શન કરી ધનુબા આદિ બાઈઓના ઉતારે મોટા મોટા હરિભક્તોએ સહિત જમવા પધાર્યા ને સંઘના સર્વે નોખી રસોઈ કરીને જમ્યા. પછી સર્વે સભામાં આવીને બેઠા ને સ્વામીએ ઘણીક વાતો કરી પછી કથાની સમાપ્તિ થઈ. ત્યારે સર્વે પોતપોતાને ઉતારે ગયા, પરંતુ મુક્તરાજશ્રી સ્વામી પાસે આસને બેઠા હતા ને સાધુ બાળકૃષ્ણદાસજી પણ પાસે બેઠા હતા. તે સમે સદ્‌. સ્વામી નિર્ગુણદાસજીએ મુક્તરાજશ્રીને કહ્યું જે, ‘‘તમારાં દર્શન બરાબર થતાં નથી; કેમ જે તમે અંગરખું પહેરી રાખો છો માટે આંગડી ઉતારીને અમને દર્શન દો.’’ ત્યારે મુક્તશ્રી અંગરખું ઉતારી પલાંઠી વાળીને બેઠા. ત્યારે સ્વામી નિર્ગુણદાસજી ચશ્માં પહેરીને મુક્તરાજ સામું જોઈ રહ્યાં, ત્યાં તો તે મુક્તરાજશ્રી તેજના સમૂહમાં તેજોમય દિવ્યસ્વરૂપ દેખાયા, ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘અહો ! તમે આવા છો ? આ તો તેજોમય સ્વરૂપ છો.’’ ત્યારે મુક્તશ્રીએ સ્વામીને કહ્યું જે, ‘‘સ્વામી ! આપણે આ લોકના નથી; આપણે તો માયા પર દિવ્ય અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છીએ અને તમે પણ તેવા જ દિવ્ય છો અને અમે પણ એવા જ દિવ્ય છીએ, માટે જે આવા દિવ્ય સમજશે તે દિવ્ય થશે ને માયિકભાવ પરઠશે તે માયિક રહેશે.’’ -એમ બોલતાં જ મુક્તશ્રી પ્રથમના જેવા દેખાયા ત્યારે સ્વામીશ્રી અતિ હર્ષમાં બે હસ્ત જોડી નમસ્કાર કરીને ઊભા થઈને મળ્યા અને મુક્તશ્રી પણ અતિ પ્રસન્ન થઈને સ્વામીને મળ્યા. પછી એકાદશીને દિવસ સભામાં સ્વામીશ્રીએ ઘણી વાતો કરી. પછી થાળની આરતી થઈ ત્યારે સૌ દર્શન કરવા ઊઠ્યા. પછી બાપાશ્રી કેસરાભાઈ આદિ હરિભક્ત સહિત કાંકરિયા સરોવર સ્નાન કરીને મંદિરમાં આવ્યા અને પોતાના ઉતારે સંઘના હરિભક્ત પાસે બેઠા, ત્યારે મોટાં મુક્ત ધનુબાએ કહ્યું જે, ‘‘કાલે દ્વાદશીને દિવસે સંતને તથા સંઘને જમાડવા છે, માટે ઠાકોરજીના થાળ ને સંતની રસોઈ ભેગી આપણા સંઘની રસોઈ પણ કરાવો ને સર્વે સંઘ પણ જમે -એમ હરિભક્તને કહો.’’ ત્યારે કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ મોટેરા હરિભક્તે જમવાની હા પાડી, પરંતુ સંઘના ઘણાક હરિભક્તે કહ્યું જે, ‘‘શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘‘પોતાના ઇષ્ટદેવ ને સંત તેમના સ્થાનકને વિષે પારકું અન્ન ખાવું નહિ.’’ તો સાંખ્યયોગીનું કેમ ખવાય ? માટે અમે નહિ જમીએ.’’ તોપણ સંતની રસોઈ ભેગી અર્ધા સંઘની રસોઈ કરાવી અને સંતની તથા સંઘની ચોકમાં ચંદની હેઠે પંક્તિઓ થઈ ને ધ. ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ સંતની પંક્તિમાં લાડુ પીરસવા લાગ્યા અને મુક્તરાજશ્રી તથા સ્વામીશ્રી પંક્તિનાં દર્શન કરતા હતા. તે વખતે સ્વામીશ્રીએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘તમે સંઘના હરિભક્તની પંક્તિમાં લાડુ પીરસો.’’ ત્યારે મુક્તશ્રીએ સંઘના હરિભક્તની પંક્તિમાં પાંચ વાર ફરીને લાડુ પીરસ્યા. તે સમે સ્વામી નિર્ગુણદાસજીને સંત-હરિભક્તની પંક્તિમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં જે, ‘શ્રીજીમહારાજ પંક્તિમાં લાડુ પીરસે છે, શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પંખો કરે છે ને શ્રી રઘુવીરજી મહારાજ લાડુના તાસ ઝાલી રહ્યા છે ને વાસુદેવાનંદસ્વામી તે પણ શ્રીજીમહારાજની સેવામાં ભેગા છે.’’ -એવાં દર્શન સ્વામીને થયાં અને સર્વે સંત-હરિભક્ત મહારાજના હાથની પ્રસાદી જમ્યા. પછી સ્વામીશ્રી પોતાને આસને આવીને બેઠા, ત્યારે સર્વે હરિભક્ત પણ સ્વામી પાસે આવીને બેઠા. પછી સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘આજ તો શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત પ્રગટ છે. પ્રગટ પરચા સુખ આપે છે, તે દિવ્ય દૃષ્ટિવાળા દેખે છે. કેટલાક જાણે છે જે આ મંદિરમાં છે એટલા જ સંત-હરિભક્ત જમ્યા, પણ અક્ષરધામના ને બીજા ધામના અનંત મુક્ત પંક્તિમાં આવીને ભેગા જમ્યા ને શ્રીજીમહારાજે પોતે પંગતમાં લાડુ પીરસ્યા, ને જે જમ્યા તે શ્રીજીમહારાજના હાથથી પ્રસાદી જમ્યા ને ન જમ્યા તે પ્રસાદી વિના રહ્યા.’’ -એ વાત સંઘમાં એકબીજાથી સર્વેને જાણવામાં આવી. ત્યારે નહોતા જમ્યા તેમણે મુક્તશ્રી ને કેસરાભાઈ પાસે આવીને વિનંતી કરી જે, ‘‘અમે જમ્યા નહિ તે અમારી ભૂલ થઈ પણ હવે પ્રસાદી આપો.’’ ત્યારે ઘણા લાડુ વધ્યા હતા તેમાંથી બાકી હતા તે સર્વેને જમાડ્યા. પછી મુક્તશ્રી ને સંઘના મોટેરા હરિભક્ત સ્વામી પાસે આવીને બેઠા ને સૌએ મળી સ્વામી પાસે રજા માગી જે, ‘‘અમને અહીં આવ્યે પાંચ દિવસ થયા, હવે રાજી થઈને રજા આપો. જેથી વડતાલ આદિ ધામોમાં સુખે દર્શન કરીએ ને ગઢપુર થોડું રહેવાયું છે, તો હજી બે દિવસ ત્યાં પણ રહેશું.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘ભલે, સુખેથી જાઓ પણ શ્રીજીમહારાજ ને અમને ભેગા ને ભેગા રાખશો.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘આપણે તો સદાય ભેગા છીએ.’’ -એમ કહી રજા લઈને મળ્યા ને સવારમાં વહેલા નિત્યવિધિ કરી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, સંત-હરિભક્ત ને ઠાકોરજીનાં દર્શન કરી સંઘ વડતાલ જવા નીકળ્યો.

ઇતિ વિશ્રામ ૧૬