વિશ્રામ ૮૮

સંવત ૧૯૮૪ની સાલમાં બાપાશ્રીએ છેલ્લો યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને તે યજ્ઞ સારુ ઘી, ગોળ, ઘઉં વગેરે સર્વે સામાન તૈયાર કરીને કોઠાર ભરી રાખ્યા હતા અને યજ્ઞની કંકોત્રીઓ પણ સર્વે દેશમાં ગામેગામ મોકલી દીધી હતી. તેવા સમયમાં ધનજીભાઈ ધામમાં ગયા હોવાથી તેમના ખરખરે બાપાશ્રી તથા કણબીની સાજી નાત તથા બીજા કેટલાક આવ્યા હતા અને મંદિરમાં તે સર્વેની સભા બેઠી હતી ને બાપાશ્રી પણ તે સભામાં વિરાજમાન હતા. તે સમે બાપાશ્રી સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘ધનજી ગયા તે બહુ ખાલું પડ્યું ને ખોટું થયું ને અમે પણ મહેમાન છીએ; તે અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જઈને બેસશું ત્યારે ઘણાંકને ઘણું જ ખાલું લાગશે.’’ -એમ બોલ્યા. પછી બાપાશ્રી ધનજીભાઈને ઘેર પધાર્યા. ત્યાં સર્વે બાઈઓને પણ જ્ઞાન-ઉપદેશ આપીને ધનજીભાઈનો શોક નિવારણ કર્યો અને પોતે પ્રસન્ન થઈને કહ્યું જે, ‘‘ધનજીને મેં મારા ભેગા શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખ્યા છે ને તમને સર્વેને પણ મારા ભેગા મૂર્તિમાં રાખીશ.’’ -એમ ધનજીભાઈના કુટુંબ સર્વેને વર આપ્યો. પછી ધનજીભાઈનાદીકરા ત્રણેએ બાપા પાસે આવીને કહ્યું જે, ‘બાપા ! અમે અમારા પિતાશ્રીના તેરમાનું કાર્ય કેવું કરીએ ?’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘નારાયણપુર ગામ ધૂંવાડાબંધ બે દિવસ જમાડવું ને સત્સંગી ને સગાંને તેડજો ને તેને બે દિવસ જમાડજો.’’ -એમ બોલ્યા. ત્યારે તે પ્રમાણે તેમના દીકરાએ કાર્ય કર્યું અને બાપાશ્રી સર્વેને દર્શન દઈને વૃષપુરમાં પધાર્યા.

ત્યાર પછી બાપાશ્રીએ ચોવીસ ગામના મોટા મોટા હરિભક્તને તેડાવીને વૃષપુર-મંદિરમાં સભા કરીને પોતે પણ સભામાં બેઠા હતા. તે વખતે બાપાશ્રીએ સર્વે સભાને કહ્યું જે, ‘‘આ અમારો છેલ્લો યજ્ઞ છે,તે તમે સર્વે મળીને સુધારી દો ને સેવાનો લાભ લઈ લો; હવે મારું મોઢું તમે ત્રણ મહિના સુધી દેખશો પણ ઝાઝા દિવસ મારું મોઢું જોવાની આશા રાખશો નહિ.’’ -એમ પોતાને અંતર્ધાન થવાનું સર્વેને જણાવ્યું. પછી યજ્ઞમાં સર્વેને ભલામણ કરી અને યજ્ઞનું કામ ચાલતું કરાવ્યું.

હવે રાત્રીના નવ વાગે બાપાશ્રી મંદિરના ચોકમાં બેઠા હતા, -તે સમે સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ પચીસ સંતમંડળ તે યજ્ઞમાં આવ્યા. તેમને જોઈને બાપાશ્રી બહુ રાજી થઈને મળ્યા. પછી સર્વે સંત આસન કરી બાપાશ્રીની પાસે આવીને બેઠા. તે સમે બાપાશ્રી બહુ જ રાજી થઈને બોલ્યા જે, ‘‘સંતો ! તમે આ યજ્ઞમાં આવ્યા તે અમને તમારો મેળાપ થયો ને અમારે તો સર્વેને સમાગમનું સુખ આપવું છે, તે સારુ આ યજ્ઞ કરીએ છીએ.’’ -એમ કહીને પોતે બહુ જ રાજી થયા. પછી પૂછ્યું જે, ‘‘તમે કિયે રસ્તે આવ્યા ?’’ ત્યારે સંતોએ કહ્યું કે ‘નારાયણપુર થઈને આવ્યા, ત્યાં ધનજીભાઈના ત્રણેય દીકરા તથા સર્વે હરિભક્તોને મળીને આવ્યા છીએ ને સર્વેએ ‘જય સ્વામિનારાયણ’ કીધા છે.’ પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘ત્રણે ભાઈ સમજુ ને જ્ઞાની છે, એથી ધનજીનો કાંઈ પણ શોક ન કર્યો, ને અમે ધનજીને મૂર્તિનું સુખ દેખાડ્યું ત્યારથી તે તો મૂર્તિમાં જોડાઈ ગયાહતા.’’ એટલી વાત કરીને સંતને આજ્ઞા કરી જે, ‘‘હવે સૂઈ રહો.’’ ત્યારે સર્વે સંત ધ્યાન કરીને સૂઈ રહ્યા.

પછી વળી બીજે દિવસ સવારમાં મંદિરની ઓસરીમાં સંત-હરિભક્તની સભા બેઠી હતી ને બાપાશ્રી પણ સભામાં બેઠા હતા. તે સમે સંતોએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘પુરુષોત્તમપ્રકાશમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘આચાર્ય મહારાજની તથા સંત, -તે મારું સ્વરૂપ છે.’ તે આચાર્ય ને સંત કેવા હોય તેને શ્રીજીમહારાજનું સ્વરૂપ કહેવાય ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આદિ આચાર્ય જે શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રીરઘુવીરજી મહારાજ તે જેવા હોય અને મુક્તાનંદસ્વામી ને બ્રહ્માનંદસ્વામી જેવા ધર્મવાળા સંત હોય, તે શ્રીજીમહારાજનું સ્વરૂપ કહેવાય; તેમને પૂજે શ્રીજીમહારાજ પૂજાય છે, પણ જે શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તતા ન હોય ને શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજતા ન હોય -તે શ્રીજીમહારાજનું સ્વરૂપ ન કહેવાય, ને તેમની પૂજાએ શ્રીજીમહારાજ પૂજાય નહિ ને તેમના સમાગમથી આત્યંતિક મોક્ષ પણ ન થાય, માટે શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી જોઈએ ને આજ્ઞામાં તત્પર રહેવું જોઈએ. અને સંતને મંદિરના અધિકારની ઇચ્છા પણ ન રાખવી ને શ્રી સ્વામિનારાયણ રાજી કેમ થાય તેવા વિચાર કરવા ને એવા ઉપાય લેવા ને મૂર્તિ સિદ્ધ કરવી; મૂર્તિ સિદ્ધ કરે તે સંત કહેવાય ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તે ને સાધુનાં બત્રીસ લક્ષણ કહ્યાં છે તેણે યુક્ત થાય ત્યારે તે સંત કહેવાય; અને કામ, ક્રોધ ને લોભ તથા પંચવિષયના રાગનો અંતરમાં સંકલ્પ થવા દે નહિ ને શ્રીજીમહારાજની મૂર્તિ ભૂલે નહિ તે સંત કહેવાય; અને રૂપવાન ને યૌવનવાન એવી જે સ્ત્રીઓ અને કુરૂપ ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ, તેને વિષે ને માન-અપમાનને વિષે જેને સમભાવ હોય તે સંત કહેવાય; અને સારા-નરસા વિષય મળે તેમાં રાજી-કુરાજી ન થાય, -એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણે જુક્ત હોય તે સંત કહેવાય. એવાસંત તમે છો; તમ જેવા સંત છે તે મોક્ષનો દરવાજો કહ્યા છે. એવા સંત હોય, તે મૂર્તિની પ્રતિષ્ઠા કરે તો તે મૂર્તિમાં મહારાજ નિવાસ કરીને રહે છે. તેવા સંતના સમાગમે કરીને સાધુતા આવે ને એકાંતિક ધર્મ ને પ્રેમલક્ષણા ભક્તિ -તે તેવા સંતના સમાગમથી જ ઉદય થાય છે, માટે એકાંતિક ધર્મના પ્રવર્તક શ્રીજીમહારાજ ને મુક્ત છે. એવા અનાદિમુક્તરૂપ સંત તમે છો ને મૂર્તિના સુખભોક્તા છો ને સર્વેને મૂર્તિને સુખે સુખી કરો છો.’’ -એમ સંતનો મહિમા કહ્યો.

વળી બોલ્યા જે, ‘‘આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, સર્વેને જુએ છે પણ જતા રહ્યા નથી, ને જતા રહ્યા એમ જાણે તેનાથી આજ્ઞા પળે નહિ ને પ્રગટ છે એમ જાણે છે તેનાથી જ આજ્ઞા પળે છે, ને જેને પ્રગટ મળે તેને તો મહારાજ વિના બીજી કોઈ પ્રકારની વાસના રહે જ નહિ; તેને તો જ્યાં દેખું ત્યાં રામજી એમ થઈ જાય, તે જ્યાં જુએ ત્યાં મહારાજને મુક્ત દેખાય.’’

પછી બોલ્યા જે, ‘‘તમે મારા સંત છો તે મહારાજ વિના બીજું કાંઈ ઇચ્છશો નહિ ને શાસ્ત્રમાં સંતને વ્યવહારમાં અમાંગલિક કહ્યા છે માટે સંતને વ્યાવહારિક ક્રિયા કરવી નહિ; સાધુતા રાખવી. અને અહિંસા ધર્મ રાખવો ને અમે આ અહિંસામય યજ્ઞ કરીએ છીએ તેમાં સર્વેને કહ્યું છે જે, ‘કોઈને ગાડું જોડવાની અથવા બીજી કાંઈ ક્રિયા કરવાની શક્તિ ન હોય તેને પરાણે ન કરાવવી, ને પોતાની હોંશે કરીને કરે તેને કરાવવી. અને બળદ માંદો, ઘરડો કે દૂબળો હોય તેને જોડવો નહિ; કેમ જે તેનાથી ચલાય નહિ ત્યારે તે નિસાસા નાખે, એટલેતે પણ હિંસા કહેવાય માટે તેમ ન કરવું.’’ -એમ ઘણીક વાતો કરીને સભાની સમાપ્તિ કરી.

વળી એક દિવસ અનાદિ મુક્તરાજશ્રી મંદિરના ચોકમાં ખુરશી ઉપર બેઠા હતા, તે સમયે ગુજરાત આદિ દેશના ઘણા ભક્તજન આવ્યા ને બાપાશ્રીને દંડવત્‌ કરીને પાસે બેઠા. તે સમે તે સર્વે હરિભક્તોને બાપાશ્રીનું સ્વરૂપ અતિ અલૌકિક, શાંત ને શીતળ એવું દેખાયું. એવાં બાપાશ્રીનાં દર્શન કરીને સર્વેને અતિશય આનંદ થયો. પછી તે સર્વે હરિભક્ત બાપાશ્રીની આજ્ઞાએ કરીને પોતપોતાને ઉતારે ગયા.

ત્યાર પછી નારાયણપુરમાં ધનજીભાઈના કાર્યમાં ઘણા હરિભક્તો આવ્યા હતા, તેથી બાપાશ્રી કેટલાક હરિભક્તને સાથે લઈને નારાયણપુર પધાર્યા ને ત્યાં મંદિરમાં દર્શન કર્યાં. પછી બાપાશ્રી ઠાકોરજીને તેડીને તે સર્વે હરિભક્તોએ સહિત કીર્તન ગાતા થકા ધનજીભાઈના લાલજીના નવા ઘેર ઠાકોરજી જમાડવા ગયા. ત્યાં સુખડી, શીરો, ખીચડી આદિ ભોજન ઠાકોરજીને જમાડીને આરતી ઉતારી. પછી બાપાશ્રી તે સર્વે ઉપર હાથ ફેરવી પ્રસાદી કરીને બોલ્યા જે, ‘‘આ ધનજીના દીકરા ધનજીનું કાર્ય કરે છે, તે આ પ્રસાદી જે કોઈ જમશે તેને અમે અક્ષરધામમાં તેડી જઈશું.’’ -એમ વર દઈને બાપાશ્રી ગાડામાં બેસીને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૮૮