વિશ્રામ ૧૧
સંવત ૧૯૩૦ના ફાગણ માસમાં સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતમંડળ તથા અનાદિ મુક્તરાજ અબજીભાઈ આદિ સર્વે સંત-હરિભક્ત મળીને ભૂજમંદિરનો સભામંડપ કરાવવા સારુ સદ્. સ્વામી નિર્ગુણદાસજીને પત્ર લખી અમદાવાદથી ભૂજ બોલાવ્યા હતા. ત્યારે સ્વામીશ્રી પોતાના મંડળ સહિત ભૂજમંદિરનો સભામંડપ કરાવવા સારુ ને અનાદિમુક્તનો સમાગમ કરવા સારુ અમદાવાદથી ભૂજનગરને વિષે આવીને રહ્યા હતા. પછી સભામંડપની જગ્યાનો લેખ રાજાના અમલદાર પાસેથી કરાવીને સભામંડપ કરવાનું કામ ચાલુ કરાવ્યું ને સભામંડપ પૂરો થયો ત્યારે સ્વામીશ્રીએ સભામંડપનું વાસ્તુ કરાવ્યું પણ તેમાં બ્રાહ્મણોએ ઉપાધિ કરી ત્યારે સ્વામી નિર્ગુણદાસજીને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આવોને ન જમાડો તો શું થાય ?’’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘લોક નિંદા કરે માટે જમાડવા પડે છે, પણ પુણ્ય તો આ લક્ષ્મીરામભાઈ માંડવીના છે તેમને પાશેર અન્ન જમાડીને તેનો પાસંગ પણ અનંતકોટિ બ્રહ્માંડના બ્રાહ્મણ જમાડવાથી ન થાય.’’ -એમ ઘણીક વાતો કરી. પછી સ્વામી નિર્ગુણદાસજી વૃષપુર આવીને એક માસ પર્યંત રહ્યા હતા. તે સમયે માંડવીના લક્ષ્મીરામભાઈ, દહીંસરાના કેસરાભાઈ, નારાયણપુરના જાદવજીભાઈ, રામપુરના દેવરાજભાઈ, સુખપુરના દેવજીભાઈ આદિ મોટા મોટા હરિભક્ત સ્વામીશ્રી નિર્ગુણદાસજી તથા મુક્તરાજશ્રી અબજીભાઈ તેમનાં દર્શન-સમાગમ કરવા વૃષપુર આવ્યા હતા ને અહોનિશ કથાવાર્તારૂપી બ્રહ્મયજ્ઞ થતો હતો.
તેમાં ફાગણ સુદ એકાદશીને દિવસ સવારના મંદિરમાં સંત-હરિભક્તની મોટી સભા ભરાઈને બેઠી હતી અને સ્વામી નિર્ગુણદાસજી ને મુક્તશ્રી અબજીભાઈ તે પણ સભામાં બેઠા હતા ને વચનામૃતની કથા વંચાતી હતી. તેમાં લોયાનું ૧૪મું વચનામૃત વંચાતું હતું ત્યારે મુક્તશ્રી અબજીભાઈએ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને પૂછ્યું જે, ‘‘સ્વામી ! આ વચનામૃતમાંથી શ્રીજીમહારાજે પોતાનો અભિપ્રાય તથા રુચિ કહી, તેમાં અવતાર અવતારીનો ભેદ ને પોતાની સર્વોપરી ઉપાસના ને આજ્ઞા તેને સંક્ષેપમાં કહ્યાં તેને સવિસ્તાર સમજાવો.’’ ત્યારે સ્વામી નિર્ગુણદાસજી બોલ્યા જે, ‘‘મેં ગોપાળાનંદસ્વામી પાસેથી જે સાંભળ્યું છે, તેવી રીતે કહું છું. આ વચનામૃતમાં શ્રીજીમહારાજે મનનો વિશ્વાસ ન કરવો’’ -એમ કહ્યું. તે મન વશ થયું હોય તેને પણ આજ્ઞામાં રહેવુંપણ નિયમ મેલીને વિષયનો સંબંધ કરવો જ નહિ ને નિયમ પ્રમાણે વર્તવું. તે પ્રથમના ૩૪માં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘‘પરમેશ્વરના વચનને મૂકીને આડોઅવળો ડોલે છે ત્યારે કલેશને પામે છે, અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે ને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને કલેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું ને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે.’’ તેમ જ મધ્યના ૩૫માં કહ્યું છે જે, ‘‘પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે તો ધર્મમાં રહેવાય. એવી રીતે રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, તથા ભગવાનના અવતારચરિત્રનું શ્રવણ-કીર્તન કરવું, તથા ભગવાનનું નામસ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવનના અતિશય કલ્યાણને અર્થે છે તેમાં ભગવાનની મૂર્તિની ઉપાસના, ને ભગવાનના ચરિત્ર, ને ભગવાનનું નામસ્મરણ એ ત્રણ વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તો તુંબડાં બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે, ને ભગવાનની ઉપાસના હોય, ને ભગવાનના અવતારચરિત્રને ગાતો સાંભળતો હોય, ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તેને માથે પા’ણો લઈને સમુદ્રને તરવાને ઇચ્છે એવો જાણવો, ને તેને ચાંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનનું કલ્યાણ જરૂર થાય છે. પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે જેણે કરીને કલ્યાણ થાય.’’ -આમાં શ્રીજીમહારાજે નિયમમાં રહીને ધર્મ દૃઢ રાખવો એ પોતાની રુચિ કહી છે. બીજું લેશમાત્ર પ્રીતિ રાખવી નહિ ને શ્રીજીમહારાજરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવું અને ધ્યાન કરીને મૂર્તિમાં અખંડ જોડવું - એ જ મોટું તપ છે તે કરવું.
હવે શ્રીજીમહારાજ પોતાને સર્વ અવતારના અવતારી સર્વોપરી સમજવા એ પોતાની રુચિ જણાવે છે જે, ‘‘ભગવાનના ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે તોપણ એ અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઊતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બેય સરખા જણાય છે ને એ ત્રણે અવતાર કરતાં કોટિગણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે.’’ -આમાં શ્રીજીમહારાજનો એવો અભિપ્રાય છે જે, બીજા અવતાર કરતાં શ્રીકૃષ્ણભગવાન કોટિગણા મોટા છે, પણ તે શ્રીકૃષ્ણ લક્ષ્મીના પતિ ગોલોકવાસી મહાપુરુષ છે અને તે કૃષ્ણાવતારથી અમે કોટિગણા મોટા છીએ - એમ મહારાજ જણાવે છે; તે શું તો ‘‘બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને આમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો.’’ -આમાં બીજા અવતાર કહ્યા, તે શ્રીકૃષ્ણ, નરનારાયણ ને વાસુદેવ આદિ જાણવા. તેથી ‘આ અવતાર’ એટલે શ્રીજીમહારાજ, તે ‘બહુ મોટા’ એટલે શ્રીકૃષ્ણાદિ સર્વે અવતારને સુખ, સામર્થ્ય ને પ્રકાશને આપનારા છે અને ‘બહુ સમર્થ’ એટલે સર્વ મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છે. આવી રીતે શ્રીજીમહારાજે પોતાને સર્વોપરી કહ્યા છે. અને વળી કહ્યું છે જે, આવી રીતે અમારે ઉપાસના છે જે, ‘‘સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્યભાગને વિષે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે, એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થાતાં ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તોપણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શન કરીને જ અતિ સુખ થાય છે, અમારે એવી રીતે ઉપાસના છે.’’ -આમાં શ્રીજીમહારાજે ‘શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન’ કહ્યા તે પોતાને જ કહ્યા છે અને ‘તેજનો સમૂહ’ કહ્યો તે તેજ પોતાની મૂર્તિનું છે અને આવી રીતે પોતાની ઉાસના કરવાનું કહ્યું છે, માટે શ્રીજીમહારાજના ભક્તે શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ઉપાસના કરવી.
અને એ શ્રીજીમહારાજના અવતાર ત્રણ પ્રકારના છે તેમાં એક તો ઐશ્વર્યાવેશ અવતાર, બીજા મુક્ત અવતાર, તથા ત્રીજા સંકલ્પ અવતાર. તેમાં (૧) શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ ને અક્ષર એ સર્વે શ્રીજીમહારાજના ઐશ્વર્યાવેશ અવતાર કહ્યા છે. (૨) અને રામાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી તથા ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ, શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ ને શ્રીરઘુવીરજી મહારાજ આદિ મુક્ત અવતાર કહ્યા છે. (૩) અને લોયાના ચોથા વચનામૃતમાં ‘ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તોપણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અનેપોતે તો સદા દ્વિભુજ છે, તોપણ પોતાની ઇચ્છાએ કરીને ક્યાંય ચાર ભુજ, ક્યાંય અષ્ટ ભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે.’ તેમ જ લોયાના ૧૮માં પણ કહ્યું છે જે, ‘તે સ્વરૂપ સદા દ્વિભુજ છે ને પોતાની ઇચ્છાએ કરીને રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે.’ -આ બે વચનામૃતમાં શ્રીજીમહારાજે સમાધિ-પ્રકરણમાં મુમુક્ષુને પોતાનો નિશ્ચય કરાવવા સારુ નરનારાયણ, રાધાકૃષ્ણ આદિ રૂપે પોતે દર્શન આપ્યાં હતાં તેની વાત કરી છે અને તે સ્વરૂપને સંકલ્પસ્વરૂપ કહ્યાં છે અને તે જ સ્વરૂપ આપણાં મંદિરમાં શ્રીનરનારાયણ, શ્રીલક્ષ્મીનારાયણ, શ્રીરાધાકૃષ્ણ, શ્રીગોપીનાથ આદિ પધરાવ્યાં છે. (૩)
અને મહાપુરુષમાંથી જે અવતાર થાય છે તેમાં મહાપુરુષનું ઐશ્વર્ય આવે છે અને મહામાયા જે લક્ષ્મીજી ને તેમના પતિ જે મહાપુરુષ તે શ્રીકૃષ્ણ છે ને તે સર્વે અવતારના અવતારી છે પણ તે શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં મહાપુરુષ છે. તે ભાગવતમાં કહ્યું છે :-
एते चांशःकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम् ।
इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे ।।
બીજા અવતારોમાં મહાપુરુષનું અંશકળા માત્ર ઐશ્વર્ય આવ્યું છે અને શ્રીકૃષ્ણ ભગવાન તો પોતે મહાપુરુષ છે. તેમ જ સત્સંગિજીવન-પ્ર. ૪માં શ્રીજીમહારાજે કહ્યું છે જે :-
सिसृक्षाभूत् यदा तस्य ब्रह्मांडानां तदा तु सः ।
प्राबोधयत् स्वेक्षणेन महाकालारव्यपूरुषम् ।।
यं जीवं चाक्षरं ब्रह्म प्रवदन्ति नरं मुने ।
अनेककोटि ब्रह्मांडजन्मस्थित्यंतकारणम् ।।
આ શ્લોકમાં મહાપુરુષને અનેકકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણ કહ્યા છે. તેમ જ મહાપુરુષને અક્ષર, વાસુદેવ, નરનારાયણ, મહાકાળ ને કૃષ્ણ એ આદિ નામે કરીને કહ્યાં છે. તેમજ સત્સંગિભૂષણમાં મહાપુરુષને નારાયણ આદિ નામે કરીને કહ્યા છે તે જુઓ :-
शास्त्राणि जीवं नरमक्षरं यं कूटस्थमाहुः प्रकृतेः परं च ।
नारायणं ब्रह्म विभो पुमांसं शुद्धं महापूरुषमव्ययं च ।।
અને પ્રથમના ૪૧માં ‘અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિસમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે.’ માટે શ્રીજીમહારાજે સૃષ્ટિ કરવાની પ્રેરણા પ્રથમ અક્ષરને કરી, અક્ષર દ્વારા વાસુદેવને પ્રેરણા કરી અને વાસુદેવે મહાકાળને ને મહાપુરુષને સૃષ્ટિ કરવાનું કહ્યું ત્યારે મહાકાળે માયાને ક્ષોભ કર્યો અને પુરુષે માયા સંગાથે રમણ કર્યું, તે પુરુષ ને માયા તેમના શ્રમજળનો સુધાસિંધુ થયો. તે જળ પ્રકાશમય ને આનંદકારી છે, તેના એક ટીપામાં અનંતકોટિ બ્રહ્માંડના જીવ ને ઈશ્વર સુખિયા છે, તેજળને જ સુધાસિંધુ તથા વીરજ્યા નદી કહે છે. તે નદીની વચમાં મહાપુરુષે ગોલોક ધામ રચ્યું ને તેમાં પોતે મહાપુરુષે શયન કર્યું કહેતાં નિવાસ કર્યો અને મહામાયા જે મહાલક્ષ્મીજી તે મહાપુરુષ જે શ્રીકૃષ્ણ ભગવાન તેમની સેવા કરવા લાગ્યાં. તે જ્ઞાનામૃતમાં કહ્યું છે.
અને તેવા મહાપુરુષ અનંત છે. તે મધ્યના ૩૧માં કહ્યું છે જે, ‘પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘જેમ આ જીવને વિષે ને વૈરાજપુરુષ-ઈશ્વરને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે.’’
અને વળી વાસુદેવાનંદસ્વામીએ સત્સંગિભૂષણ-અંશ ચોથામાં શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ કહ્યા છે તે જુઓ :-
धृताः कत्यवतारास्तेऽवतारान्भवान् कति ।
धर्त्ता कत्यधुना संत्यवताराश्चात्र ते स्थिताः ।।
हरिकृष्णावतारोऽयं सर्वेभ्योऽत्यधिकस्तव ।
तेभ्योऽपि तत्समो नैव तस्य तत्कारणत्वतः ।।
-આમાં મુક્તાનંદ આદિ સદગુરુ શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે જે, ‘‘હે હરિ ! તમે આથી પૂર્વકાળમાં નરનારાયણ, રાધાકૃષ્ણ આદિ અવતાર ધારણ કર્યા છે અને ભવિષ્યકાળે સત્સંગમાં મુક્ત અવતારને ધારણ કરશો ને કેટલાક મુક્ત અવતારો તમારા ભેગા છે. તે મુક્ત અવતાર તથા ઐશ્વર્યાવેશ અવતાર, તેમનાથી આ હરિકૃષ્ણ તમે અતિ અધિક છો, કેમ જે, સર્વે મુક્તના સ્વામી ને સુખદાતા છો અને સર્વે અવતારને સુખ, સામર્થ્ય ને પ્રકાશના આપનારા છો.’’
(૧) હવે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યાવેશ અવતાર સત્સંગિજીવન પ્ર. ૩માં કહ્યા છે તે જુઓ :-
निःश्रेयसाय जीवानां श्रीविष्णुर्भगवान् स्वयम् ।
आविर्भवति भूर्लोके स्वतंत्रः करुणानिधिः ।।
नरनारायणो – दत्त – ऋषभ – कपिलादयः ।
रामकृष्णादयश्चास्यावताराः संति भूरिशः ।।
श्रीविष्णु કહેતાં સર્વ અવતારમાં વ્યાપવા સમર્થ ને સ્વતંત્ર ને દયાળુ એવા પુરુષોત્તમ ભગવાન તે જીવોના આત્યંતિક મોક્ષ કરવા મૃત્યુલોકને વિષે દયાથી પ્રગટ થાય છે. તે સ્વામિનારાયણ ભગવાનના નરનારાયણ, દત્ત, કપિલ ને ઋષભદેવ તથા રામ, કૃષ્ણ આદિ ઘણા અવતાર છે. તે સર્વે શ્રીજીમહારાજના ઐશ્વર્યાવેશ અવતાર કહ્યા છે. કેમ જે, જેમાં શ્રીજીમહારાજનું ઐશ્વર્ય આવે તે ઐશ્વર્યાવેશ અવતાર છે ને જેનામાં મૂર્તિમાન શ્રીજીમહારાજ વિરાજમાન રહે તે મુક્ત અવતાર કહેવાય છે.
(૨) અને મુક્ત અવતાર સત્સંગિજીવન-પ્ર. ૨ના અ. ૨માં કહ્યા છે જુઓ :-
अखंडस्व–स्वरूपयाः महांतो ये तु पुऱूषाः ।
कल्याणार्थं हि जगतां ज्ञेयं तज्जन्म भूतले ।।
आविर्भावतिरोभावौ तेषां स्वातंत्र्यतः किल ।
भवतो न त्वितरवन्निकर्मवशात् क्कचित् ।।
तद्देहत्यागमालोक्य मुह्यंत्यसुभृऽसुराः ।
देवास्तु तत् स्वरूपज्ञास्तेषां लीलां विदंति ताम् ।।
એ આદિ ત્રણ શ્લોકે કરીને મુક્ત અવતાર કહ્યા છે અને સત્સંગિજીવન - પ્ર. ૪માં પણ મુક્ત અવતાર કહ્યા છે જે :-
अप्राकृतशरीरा ये मुक्तास्ते तु निजेच्छया ।
आविर्भवन्ति ह्यथवा तेनावतरता सह ।।
(૩) હવે સંકલ્પ અવતાર (સંકલ્પસ્વરૂપ) સત્સંગિજીવન - પ્ર. ૨માં કહ્યા છે તે જુઓ :-
द्विभुजोऽपि सदा स्वामी भक्तेभ्यो निजदर्शनं ।
चतुर्भुजादिरूपेण दत्ते क्कापितदिच्छया ।।
केभ्यश्चित् कृष्णारूपेण राधिका–पार्षदादिभिः ।
ददाति दर्शनं स्वामी गोलोकेन सहेव च ।।
केभ्यश्चिद्दर्शनं दत्ते नरनारायणात्मना ।
विशालायं च मुनिभिः सहानेकैस्तस्विभिः ।।
આવી રીતે સ્વામિનારાયણ ભગવાને પોતે જ પોતાની ઇચ્છાએ કરીને રાધાકૃષ્ણ, નરનારાયણ આદિ અવતારરૂપે થઈને પોતાનો નિશ્ચય કરાવવા મુમુક્ષુને જે દર્શન દીધાં છે તે સ્વરૂપને સંકલ્પ અવતાર કહ્યા છે. અને તે જ સ્વરૂપ આપણા મંદિરમાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ પધરાવ્યાં છે, પણ બદરિકાશ્રમ, ગોલોક આદિ ધામના નિવાસી નથી પધરાવ્યાં. (૩)
અને શ્રીજીમહારાજ અક્ષરથી પર પોતાના પ્રકાશરૂપ અક્ષરધામમાંથી આવ્યા છે, પણ બદરિકાશ્રમવાસી નરનારાયણ તે શ્રીજીમહારાજ નથી એમ હરિકૃષ્ણલીલામૃતના (ઉત્તર ખંડે) અ. ૯૨માં કહ્યું છે તે જુઓ :-
अहं त्वक्षर–मध्यस्थोऽनंतमुक्तैर्वृतः सदा ।
संकल्पमित्यहं चक्रे ह्यवतारोऽस्तु मे भुवि ।।
અને શ્રીજીમહારાજે બદરિકાશ્રમમાં નરનારાયણને દર્શન દઈને એમ કહ્યું જે, ‘‘તમારા દ્વારે અમે શાપ ગ્રહણ કરીને અક્ષરધામમાંથી પ્રગટ થશું.’’ -એમ હરિદિગ્વિજય ગ્રંથના બીજા ઉલ્લાસમાં કહ્યું છે. તેમ જ ભક્તચિંતામણિમાં પણ કહ્યું છે જે :-
પ્ર. ૭૭ - વિધિ પર તે વિરાટ કહીએ,
તે પર પ્રધાનપુરુષ લઈએ,
તે પર મૂળપ્રકૃતિ પુરુષ,
તેથી પર અક્ષર સુજશ;
અક્ષર પર પુરુષોત્તમ જેહ,
તેણે ધર્યું મનુષ્યનું દેહ.
પ્ર. ૭૯ - તમને જે મળી છે મૂરતિ,
તેને નિગમ કહે નેતિ નેતિ;
અતિ અપાર અક્ષરાતીત,
થઈ તમારે તે સાથ પ્રીત.
ભક્ત જક્તમાંહી છે જો ઘણા,
ઉપાસક અવતાર તણા;
જે જે મૂરતિ જનને ભાવે,
તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે.
પણ સર્વેપાર જે પ્રાપતિ,
તે છે તમારેકહે પ્રાણપતિ;
પ્ર. ૧૦૫ - એવા કામ લોભ ને જે ક્રોધ,
મહા જબર છે જગજોધ.
તેને જીતી કર્યો જેજેકાર,
તેથી મોટો કોણ અવતાર;
માટે એને દિયે જે વિદારી,
તે તો અવતારના અવતારી.
હરિસ્મૃતિ - અલૌકિક મૂર્તિ આજની,
ધરી ધર્મકુમાર;
જોતાં ના’વે જોડ્યમાં,
આ સમ અન્ય અવતાર.
સમર્થ મૂર્તિ સુખભરી,
ધરી ન ધરશે કોય;
સર્વોપરી છે શ્રીહરિ,
સહજાનંદ પ્રભુ સોય.
તેમ જ વૈશ્નવાનંદસ્વામીએ શ્રીજીમહારાજને બીજા અવતારના કારણ કહ્યા છે તે જુઓ :-
નહિ વૈકુંઠવાસી એવા,
નહિ ગોલોક વાસી જેવા;
નોય ભૂમા પુરુષ સુખધામ,
આ તો પૂરણકામ અકામ.
નોય મચ્છ ને કચ્છ વરાહ,
નોય વામ રામ અથાહ.
નહિ શ્વેતદ્વીપ પતિ શ્યામ,
નહિ બદ્રિકાવાસી અકામ.
આ તો સર્વના સ્વામી છે એક,
એમ જાણે તે પરમ વિવેક.
અને શ્રીજીમહારાજે પોતે પણ ‘હું અક્ષરધામનો પતિ ને સર્વ અવતારનો કારણ છું.’ -એમ હરિકૃષ્ણલીલામૃતમાં (ઉત્તરાખંડે અ. ૯૨) કહ્યું છે તે જુઓ :-
अहं सर्वावताराणां कारणं परमव्ययम् ।
कोट्यर्केन्दु–शुचि–त्विड्भेऽक्षरधाम्नि सदा स्थितः ।।
અને વળી બ્રહ્માંડના અધિપતિઓ સૃષ્ટિકર્તા સાકાર અક્ષરબ્રહ્મ ને વાસુદેવબ્રહ્મ ને મહામાયા ને મહાપુરુષ એ સર્વે પોતાના સ્થાનમાં રહીને શ્રીજીમહારાજની સ્તુતિ-પ્રાર્થના કરે છે ને શ્રીજીમહારાજ નરનાટક ધારણ કરી પૃથ્વીમાં વિચરે છે, ત્યારે શ્રીજીમહારાજની ઇચ્છાથી તે બધા શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવે છે. એમ નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું છે તે જુઓ :-
ચોસઠપદી
એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વના શ્યામ છે રે.
વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે રે.
ધામધામના જે રહેનાર, તે હજૂર રહે છે જોડી હાથને રે.
કરી આરત્યશું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે.
તથા કીર્તનમાં -
કોટિ અવતારના કારણ કહી, કોટિ કૃષ્ણ કર જોડ;
નિષ્કુળાનંદ રહે ચરણમેં, મેરે ઇષ્ટકી હજૂર.
આવી રીતે શ્રીજીમહારાજને સર્વે અવતારના અવતારી ને સર્વે મુક્તના સ્વામી સમજવા તે શ્રીજીમહારાજની રુચિ તથા અભિપ્રાય છે.
ઇતિ વિશ્રામ ૧૧