વિશ્રામ ૯૧
ત્યાર પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી બીજે દિવસ વૃષપુર-મંદિરના ચોકમાં ઓરડા આગળ ખુરસીમાં બેઠા ને આગળ સદગુરુ વગેરે સંત-હરિભક્તની સભા બેઠી હતી. તે સમે સાધુ કેશવપ્રિયદાસે મુક્તરાજશ્રીની વાતોનું પુસ્તક બાપાશ્રીના હસ્તમાં આપ્યું, ત્યારે બાપાશ્રીએ ચંદનથી પુસ્તકની પૂજા કરીને વંચાવ્યું અને રાજી થયા, ને પુસ્તકમાં પોતાની સહી કરી આપી ને કેશવપ્રિયદાસને પાછું આપ્યું.
વળી સાંજના બાપાશ્રી મંદિરના ચોકમાં ઓરડી આગળ ખુરસીમાં બેઠા હતા ને આગળ સંત-હરિભક્તની સભા બેઠી હતી. પછી બાપાશ્રીએ પૂછ્યું જે, ‘‘વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ શ્રેષ્ઠ -તે કહો ?’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, ‘‘ભક્તિ શ્રેષ્ઠ.’’ પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘ભક્તિમાંથી વૈરાગ્ય આવે.’’ પછી સંતમંડળને કહ્યું જે, ‘‘કેમ, વૈરાગ્ય રાખો છો ને ભક્તિ કરો છો ? જો વૈરાગ્ય રાખીને ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે.’’ પછી બોલ્યા જે, ‘‘મળે તેટલું જમવું નહિ; પત્તર ભરીને ખૂબ જમીએ તો કૂખો તણાય ને ભગવાનની સ્મૃતિ રહે નહિ; માટે યુક્ત આહાર કરવો, પાણી નાખી મેળાવીને જમવું’’ -એમ કહીને બોલ્યા જે, ‘‘અમને સારાં સારાં ભોજન જમવાની રુચિ નથી માટે નિઃસ્વાદી થઈને જમવું; પણ સ્વાદ કરીને જમવું નહિ ને સ્વાદ તો ઝેર છે. તે ખાવામાં ત્યાગ ન રાખીએ તો વૈરાગ્ય શાનો ? ને ‘જ્ઞાન સમ વસ્ત્ર નહિ, ધીરજ સમ નહિ ઢાલ; શીલ સમ સિંહાસન નહિ.’ ત્યાગી સાધુએ શીલ જે બ્રહ્મચર્ય વ્રત -તેને રાખવાનું ઘણું યત્ન કરવું. તેમાં પ્રથમ આહાર નિયમમાં રાખવો, પછી દેહને નિયમમાં કરવો, રસના ઇંદ્રિયને જીતવી. પ્રાણને નિયમમાં કરીને મનની વૃત્તિ મૂર્તિમાં રાખવી. દેહદમન ને વિચાર સદાય રાખવાં અને નેત્ર ને શ્રોત્ર ઇંન્દ્રિયને નિયમમાં રાખવી. વાણી જીતવી. સારો સ્પર્શ ત્વચાએ કરીને તજવો. સારા સાધુનો સંગ રાખવો. બરોબરિયાનો તથા નાની અવસ્થાવાળાનો સંગ ન રાખવો; નિષ્કામશુદ્ધિમાં નિયમ કહ્યાં છે તે રાખવાં, તો જ બ્રહ્મચર્ય વ્રત પળે. અને પુરુષને સ્ત્રીનો રાગ ને સ્ત્રીને પુરુષનો રાગ જીવમાં રહ્યો છે, તે પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમનું ધ્યાન કરે ને તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન થાય ત્યારે રાગ માત્ર ટળી જાય. પછી શ્રીજીમહારાજ તેને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખે છે. જો મોટાનો અતિશય રાજીપો થઈ જાય, તો મોટા પુરુષ તે જીવના રાગ માત્રને ટાળીને મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ ભોગવાવે. અને બ્રહ્મચર્ય રાખવાનો ઉપાય લોયાના પહેલામાં કહ્યો છે જે, ‘એક તો આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચ વર્તમાન તેને દૃઢ કરીને પાળે ને ભગવાનનો મહિમા અતિશય સમજે -એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે, અને કામનું મૂળ ઊખડી જાય તોય પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહિ અને અતિશય કામનું મૂળ ઊખડ્યાનો કોઈ ઉપાય એ છે : જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો.’’ -એમ શિક્ષાનાં વચન કહીને કથાની સમાપ્તિ કરીને બોલ્યા જે, ‘‘સંતો ! ગાઓ ગોડી, મહારાજ આવે દોડી.’’ -એમ કહીને ગોડી ગાવાની આજ્ઞા કરી.
વૈશાખ સુદ ચોથને દિવસ અનાદિમુક્તશ્રી સંત-હરિભક્તોએ સહિત લખાઈવાડીએ પધાર્યા હતા ને ત્યાં વડ નીચે પૈયામાં ગાદીતકિયે આથમણે મુખે બેઠા હતા ને સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પ્રથમનું ૫૬મું વચનામૃત વાંચ્યું. તેમાં આત્મા, અનાત્મા ને પરમાત્માની વાત આવી, ત્યારે બાપાશ્રીએ સ્વામી ઘનશ્યામજીવનદાસને પૂછ્યું જે, ‘‘સ્વામી ! આ વચનામૃતમાં આત્મા, અનાત્મા ને પરમાત્મા કહ્યા તે કોને જાણવા ?’’ ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, ‘‘આ દેહમાં રહેનારો જીવ તે આત્મા ને દેહ તે અનાત્મા ને જીવને વિષે અંતર્યામીપણે રહ્યા -એવા જે પરમેશ્વર તે પરમાત્મા જાણવા.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે મોટા સદગુરુ છો ને આવો ઉત્તર કેમ કરો છો ? યથાર્થ ઉત્તર કરો. ત્યારે સ્વામીએ બાપાશ્રી સાથે આત્માની એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન ધર્યું ને બાપાશ્રીએ પણ દયા કરી, તેથી હૃદયમાં શ્રીજીમહારાજ દેખાયા ને શ્રીજીમહારાજનો સિદ્ધાંત સમજાયો. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી બોલ્યા જે, ‘‘સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને પરમાત્મા કહ્યા છે. અને એ મૂર્તિના પ્રકાશને આત્મા કહેવાય છે. અને તેથી ઓરા અક્ષરકોટિ, બ્રહ્મકોટિ ને માયાનું કાર્ય તે સર્વ અનાત્મા કહેવાય છે ને આપ તો શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના અનાદિમુક્ત છો ને શ્રીજીમહારાજની ઇચ્છાથી અમને સુખ આપવા મનુષ્યરૂપે દર્શન આપો છો.’’ ત્યારે અનાદિમુક્તશ્રી બોલ્યા જે, ‘‘હવે બરાબર ઉત્તર આપ્યો.’’ પછી બોલ્યા જે, ‘‘મેં હું આદિ અનાદિ.’’ પછી બ્ર. નિર્ગુણાનંદજીની અનાદિ મુક્તપણાની વાત કરી.
પછી વળી બોલ્યા જે, ‘‘સ્વામી નિર્ગુણદાસજી અનાદિમુક્ત હતા ને બહુ સમર્થ હતા. તેમણે ભૂજમાં સભામંડપ કરાવી દીધો, પછી સ્વામીએ બે સાધુ માગ્યા તે અમે શ્રીકૃષ્ણદાસજી તથા યોગેશ્વરદાસજીને વૈરાગ્ય કરાવીને સ્વામીની પાસે સાધુ કરાવવા મોકલી દીધા ને તેમને ઉપાધિ ઘણી હતી તેથી અમે રક્ષા કરી. વળી ગોવિંદપ્રિયદાસજીને પણ ઘણી ઉપાધિ હતી તેમની પણ રક્ષા કરી ને સાધુ કર્યા.’’ વળી બોલ્યા જે, ‘‘અમે તો જીવને માયામાંથી ઉખેડીને મૂર્તિમાં જોડીએ છીએ.’’ -એમ વાત કરીને સંતોએ સહિત કૂવા ઉપર સ્નાન કર્યું. પછી વસ્ત્ર બદલાવીને આસને બેઠા ને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રી મંદિરમાં આવ્યા -ત્યાં ચોકમાં ખુરસી ઉપર વિરાજમાન થયા ને સંત-હરિભક્તની સભા બેઠી, ને વચનામૃતની કથા કરાવીને ગોડી-આરતી બોલ્યા. પછી કથાવાર્તા કરીને બાપાશ્રી પલંગમાં પોઢી ગયા.
હવે વૈશાખ સુદ પાંચમના બાપાશ્રી નવીવાડીએ પધાર્યા, ત્યાં જાંબુડા નીચે સભા કરીને વાતો કરી. પછી સંત-હરિભક્તોએ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને પૂજા કરી ને બાપાશ્રીએ પણ સંતોની પૂજા કરી. પછી ત્રણેય સદગુરુને ગાડીમાં બેસારી અને પોતે પણ ગાડીમાં બેસીને મંદિરમાં આવ્યા.
ત્યાર પછી છઠને દિવસ અનાદિ મુક્તરાજશ્રી ઓરડીમાં ઢોલિયે વિરાજમાન હતા ને આગળ સદગુરુ આદિ સંત-હરિભક્ત બેઠા હતા. તે સમે ધનજીભાઈના દીકરા રામજી, લાલજી ને હરજી -તે ગાડાં લઈને સંતમંડળે સહિત બાપાશ્રીને તેડવા આવ્યા ને નારાયણપુર આવવાની પ્રાર્થના કરી, ત્યારે અનાદિ મુક્તરાજશ્રી સદગુરુ આદિ સંતમંડળને સાથે લઈને નારાયણપુર જવા તૈયાર થયા.
ઇતિ વિશ્રામ ૯૧