વિશ્રામ ૮૬

પછી બીજે દિવસ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરતા હતા, ને વૃષપુરથી બાપાશ્રીને તેડવા માટે એક હરિભક્ત આવ્યા. તેણે કહ્યું જે, ‘ભૂજથી સ્વામી ભક્તિપ્રિયદાસજી ને સ્વામી શ્રીવલ્લભદાસજી આવ્યા છે અને ગામના હરિભક્ત ભેગા થયા છે ને આપને પૂછવાનું છે : જે મંદિર આગળ મેડી કરવી છે ને કૂવો ફેરવવો છે તે કેવી રીતે કરવાં ? આપ જેમ બતાવો તેમ કરીએ અને એટલા માટે જ આપને તેડાવ્યા છે.’ પછી બાપાશ્રી ઘોડાગાડીમાં બેસીને વૃષપુર આવ્યા અને મંદિરની ઓસરીમાં આસને બિરાજ્યા ને સંત તથા ગામના મોટેરા હરિભક્ત આવીને બાપાશ્રીને પગે લાગીને બેઠા ને બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘આ કામ કેવું કરવું ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ મંદિરનું કારખાનું કરવું છે, તેમાં સર્વે શ્રદ્ધા રાખીને દેહથી ને દ્રવ્યથી સેવા કરજો પણ મંદિરમાં પૈસા છે તે લાવો વાપરીએ ને ખજીનો ખાલી કરીએ -એમ ન કરશો; મંદિરનો મમત્વ રાખજો.’’ એમ કહીને પછી કૂવો કરવાની તથા મેડી કરવાની જગ્યા બતાવી, તે અત્યારે જેવી મેડી છે તેવી મેડી કરવાનું કહ્યું ને અત્યારે કૂવો છે ત્યાં કૂવો કરવાનું બતાવ્યું. પછી મંદિરના ચોક વચ્ચે સૂતા. ત્યાર પછી આશાભાઈને સાથે લઈને ઘેર જમીને વાડીએ પધાર્યા ને સાંજના ગાડીમાં બેસીને પાછા કેરે ગયા ને રાત્રીએ જમી કથાવાર્તા કરીને ગામમાં બાકી જે ઘર રહ્યાં હતાં તેમના ઘરોઘર પધારીને સર્વેનાં ઘર પ્રસાદીનાં કરી આપ્યાં. પછી મંદિરમાં આવ્યા ને સર્વે સંતને મળીને પોઢી ગયા.

ત્યાર પછી પૂનમના દિવસે સ્નાન-પૂજા કરીને બાપાશ્રી આસને બેઠા ને કથાવાર્તા કરી. પછી સદગુરુઓને કહ્યું જે, ‘‘આજ આપણે વૃષપુર જઈશું.’’ -એમ કહીને જમવા પધાર્યા ને જમી આવીને મંદિરમાં ઢોલિયા ઉપર બેઠા. અને સદગુરુ સ્વામી ત્રણેયને બોલાવીને કહ્યું જે, ‘‘હવે તમારી શી મરજી છે; અહીં રહેવાની, કે દેશમાં જવાની ?’’ ત્યારે કેટલાક સંતોને જવાની મરજી હતી ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કેટલાકને રહેવાની મરજી હતી. પછી બાપાશ્રી તેમની મરજી જાણીને બોલ્યા જે, ‘‘તમારામાં બે મત છે, તે તમારે રહેવું હોય તો બધાય રહો ને જવું હોય તો બધાય જાઓ ને અમારી સેવા તો વૃષપુરમાં પચાસ સેવક છે તે કરશે ને તમે જેટલા દિવસ સેવા કરી તેટલો તમને લાભ ને તમારે રહેવું હોય તો રહો; બાજરો ઘણોય છે, તે આપણે જમશું ને ભગવાન ભજશું ને જવું હોય તો તમારી મરજી. અને અમારી મરજી તો એમ છે જે, ‘આજ વૃષપુર જઈએ ને ત્યાં ચાર-પાંચ દિવસ રહીએ. પછી માધાપુર જઈને જાજો.’’ એમ કહીને બાપાશ્રી કુંવરજી રામજીની વાડીએ સર્વે સંતોએ સહિત નાહવા પધાર્યા ને નાહીને પાછા મંદિરમાં આવ્યા અને સર્વે હરિભક્ત પણ મંદિરમાં દર્શન કરવા સારુ આવ્યા. પછી સંતોને વાતો કરવાની આજ્ઞા કરી, ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ આજ્ઞા, ઉપાસના ને પ્રગટપણાની વાતો કરી. પછી હરિભક્તોએ બાપાશ્રી અને સંતની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં. ત્યાર પછી બાપાશ્રીએ સર્વેની પૂજા કરી ને પ્રસાદી વહેંચી. ત્યાર બાદ હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘‘બાપા ! આજ તો દયા કરીને રહો.’’ ત્યારે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, ‘‘હરિભક્તોના હેતથી જવાતું નથી.’’ -તે સાંભળીને સર્વે રાજી થયા ને રાત્રીએ કથાવાર્તા કરી. પછી બાપાશ્રી મંદિરના ચોકમાં ઢોલિયે વિરાજમાન થયા ને સંત-હરિભક્ત ઢોલિયા ફરતા રાસ રમ્યા નેબાર વાગે રાસ બંધ રખાવી સર્વેને પ્રસાદી વહેંચીને બાપાશ્રી પોઢી ગયા.

ત્યાર પછી કાર્તિક વદિ એકાદશીને દિવસ કથાવાર્તા કરી. પછી બાપાશ્રીએ સ્વામી ઘનશ્યામજીવનદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘‘તમારી વૃત્તિ અમદાવાદ પહોંચી ગઈ છે પણ અમારે તો સર્વે સંતને ચાર મહિના વૃષપુરમાં રાખવા છે, પછી માધાપર થઈને અમદાવાદ જઈશું.’’ -એમ કહીને વળી કહ્યું જે, ‘‘ભલે, જેમ તમારી મરજી હોય તેમ કરજો પણ આજ વૃષપુર ચાલો.’’ પછી સંતો જમીને તૈયાર થયા અને અનાદિમુક્તશ્રી પણ જમી આવી તૈયાર થઈને ગાડીમાં બેઠા ને કુંવરજીભાઈની વાડીએ આવ્યા ને ગામના સર્વે હરિભક્ત પણ આવ્યા. પછી ત્યાં સભા કરીને બાપાશ્રી પોતે ઢોલિયે બેઠા ને હરિભક્ત પુષ્પના હાર કરીને ઘણાક લાવ્યા હતા -તે સંતોને આપ્યા, તેથી સંતોએ બાપાશ્રીની પૂજા કરીને હાર પહેરાવ્યા. પછી હરિભક્તોએ બાપાશ્રીની ને સંતની પૂજા કરીને હાર પહેરાવ્યા ને વસ્ત્ર ઓઢાડ્યાં. તે સમે બાપાશ્રીના કંઠમાં ઘણા હાર પહેરેલા હતા ને સભાએ સહિત બાપાશ્રી અતિશય શોભતા હતા, તેથી સર્વે સંત-હરિભક્તને દિવ્યભાવની અતિ દૃઢતા થઈ હતી. પછી હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘અમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજો ને અંતે દર્શન દઈને તેડી જજો ને ભેગા રાખજો.’ પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તમારા ઉપર બહુ રાજી છીએ ને તમારું પૂરું કરીને ભેગા રાખશું ને તમે આ સભા તથા આ પૂજા થઈ તેને સંભારજો; આ સભાને દિવ્ય સમજશે તે દિવ્ય થશે.’’ પછી બાપાશ્રી કેરાના હરિભક્તને પાછા વળવાની આજ્ઞા કરીને પોતે ગાડીમાં બેસી સંતોએ સહિત ચાલ્યા અને નારાયણપુર ને ભારાસરના હરિભક્ત આવ્યા હતા, તે પણ બાપાશ્રી સાથે વૃષપુર આવ્યા ને ત્યાંથી બાપાશ્રી મંદિરની ઓસરીમાં સંત-હરિભક્તની સભામાં વિરાજમાન થયા.

પછી બાપાશ્રીએ સંતોને કહ્યું જે, ‘‘તમે સર્વે અમારા સંત છો, તે અમારું મંડળ છે; તે સદાય ભેળા રહેશો; કોઈ દિવસ અમારું મંડળ વિખાય નહિ-એમ અમારી ખાસ ભલામણ છે. અને જો તમારી મરજી હોય તો ચાર દિવસ અથવા દસ દિવસ રહો ને મરજી ન હોય તો ભલે આજ, કે કાલ જાઓ ને માધાપુર પણ આપની મરજી હોય, તો એક બે દિવસ રહેજો ને મરજી ન હોય તો પરબાર્યા સ્ટેશન થઈને નગર જાજો. પછી ત્રીજને દિવસ ચાલવાનો ઠરાવ થયો. ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, ‘‘મારે સ્વામી ઈશ્વરચરણદાસજી ભેળું અહીંયાં રહેવું છે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘રહો તો તમે બધાય રહો ને જાઓ તો બધાય જાઓ’’ ને વળી બોલ્યા જે, ‘‘રહો તો આંખ-માથા સમા અને ન રહો તો શ્રીહરિની મૂર્તિમાં રાખશું; તે મૂર્તિનો પાર આવે તેમ નથી.’’

પછી ત્રીજને દિવસ સંતને કહ્યું જે, ‘‘કરો થાળ ને થાઓ તૈયાર.’’ પછી ઠાકોરજી જમાડીને સહુ સંત તૈયાર થયા ને ગાડાં આવ્યાં. તે દિવસ બળદિયા, કેરા, નારાયણપુર, ભારાસર, માનકૂવા, દહીંસરા, રામપુર આદિ ગામોના ઘણાક હરિભક્ત આવ્યા હતા તે સર્વે બાપાશ્રીની સાથેસાથે ગામ બહાર ભાગોળ સુધી વળાવવા આવ્યા. પછી બાપાશ્રીએ સર્વેને સુખડીની પ્રસાદી વહેંચી આપી. તે સમે સર્વે સંતો તથા સર્વે હરિભક્તોનાં નેત્ર સ્નેહથી સજળ થઈ ગયાં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે કથા-વાર્તા કરીને સુખ આપતા હતા તે સુખ બંધ કરીને ચાલ્યા.’’ -એમ બોલીને અતિશય ઉદાસી જણાવી ને બોલ્યા જે, ‘‘અમારે તમને જવા દેવા નહોતા.’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, ‘‘આપની મરજી હોય તો અમે પાછા વળીએ; અમારે જવું નથી.’’ પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘હવે તો સર્વે ભેળા જાઓ; અમે તમને તેડાવીએ ત્યારે આવજો.’’ પછી બાપાશ્રી પાલખીમાં બેસીને પાછા મંદિરમાં પધાર્યા ને સંતમંડળ મૂર્તિ સંભારતા થકા માધાપુર ગયા ને ત્યાંથી સાતમે દિવસ સવારે રેલે બેસવા સ્ટેશને આવ્યા. ત્યારે તે ગામના તથા ભૂજના ભોગીલાલભાઈ, ઘેલાભાઈ, ધનજીભાઈ, મોતીભાઈ, મગનભાઈ, વિઠ્ઠલજીભાઈ આદિ ઘણાક હરિભક્તો આવ્યા હતા ને નારાયણપુરના ધનજીભાઈ ને તેમના પુત્ર આદિ બીજા ગામના પણ ઘણાક હરિભક્ત આવ્યા હતા. પછી ત્યાં આસન પાથરીને સર્વે બેઠા ને સ્વામીએ શ્રીજીમહારાજ ને બાપાશ્રીના મહિમાની વાતો કરી, તેને સાંભળીને બધા રાજી થયા. પછી રેલગાડી આવી, ત્યારે સંતો તથા કેટલાક હરિભક્તો રેલમાં બેઠા ને બીજા સર્વે ઉદાસ થઈ ગયા ને આંખોમાંથી જળ વરસાવ્યાં. પછી તૂણેથી હરિભક્તને પાછા વાળી સંતો આગબોટમાં બેસીને નગર ગયા, ત્યાંથી વિરમગામ થઈને અમદાવાદ ગયા.

ઇતિ વિશ્રામ ૮૬