વિશ્રામ ૬

ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રીએ કિશોર અવસ્થાની લીલાઓ તેણે કરીને પોતાના સ્નેહી મિત્રોને તથા સર્વેને અતિશય આનંદ પમાડ્યા છે -એવી લાખો લીલાઓ છે તેમાંથી એક બે લવલેશ લખીએ છીએ.

કોઈક સમે વૈશાખ માસમાં મુક્તરાજશ્રી પોતાની લખાઈ નામે વાડીએ ગયા હતા. તે સમે પોતાના અતિ સ્નેહે મિત્રો આવ્યા; તે કિયા, તો કુંવરજી, જાદવજી, કેસરાભાઈ, વિશરામ, કાનજી, કરસન, ગાંગજી, ખેતા તથા નારાયણ આદિ મુખ્ય સખાઓ છે ને મુક્તરાજશ્રીને વિષે અતિ સ્નેહવાળા છે તે આવ્યા. તેમને જોઈને મુક્તરાજશ્રી પોતે કોસ હાંકતા હતા, તે કોસને છોડીને તે સખાની સાથે સભા કરીને બેઠા અને પ્રત્યક્ષ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરવા લાગ્યા જે, ‘‘પર્વતભાઈ શ્રીજીમહારાજના અનાદિમુક્ત હતા અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતા ને તેમની સર્વ ક્રિયા શ્રીજીમહારાજ કરતા ને પોતે તો મૂર્તિ વિના બીજું કાંઈ દેખતા જ નહિ ને પર્વતભાઈને કાંટા-કાંકરા વાગે તે શ્રીજીમહારાજને વાગતા; કેમ જે પર્વતભાઈ શ્રીજીમહારાજ સાથે એકાત્મ્યપણું પામ્યા હતા અને મોટા મોટા દેવ ને અવતાર તે પણ શ્રીજીમહારાજ ને પર્વતભાઈનાં દર્શન કરવા આવતા ને પર્વતભાઈના સાંતીની આગળ પાછે પગે ચાલતા થકા શ્રીજીમહારાજનાં ને પર્વતભાઈનાં દર્શન કરતા, એવો શ્રીજીમહારાજના અનાદિમુક્તનો મહિમા છે. અને કૈવલ્યમુક્ત ને નિત્યમુક્ત તે પણ અનાદિમુક્તનાં નામ છે અને તેવા મુક્ત પણ અનંતકોટિ છે, ને તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે ને અખંડ મૂર્તિનું સુખ ભોગવે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી અને બહાર દેખાય છે, તે તો શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે. તેવા શ્રીજીમહારાજના સંકલ્પસ્વરૂપ અનાદિમુક્ત તમને પ્રત્યક્ષ મળ્યા છે તમને પણ મૂર્તિમાં રાખશું, પણ એવા મોટા સાથે જીવ જોડવો જોઈએ અને તેમના વચનમાં રહેવું જોઈએ.’’ -એમ ઘણીક વાતો કરીને સ્નાન કરવા સારુ લખાઈવાડીને કૂવે ગયા.

તે સમે મુક્તરાજની અવસ્થા બાર વર્ષની હતી અને તેમના બીજા સખા કોઈ બાર વર્ષના ને કોઈ દસ, કોઈ પંદર ને કોઈ વીસ વર્ષના હતા. તે સર્વે મિત્રજનો પોતાનાં વસ્ત્ર કૂવાની સમીપે મેલી એક વસ્ત્ર પહેરી મુક્તરાજશ્રીની વાટ જોઈને ઊભા રહ્યા હતા, ત્યાં તો મુક્તરાજશ્રી દૈહિક ક્રિયા કરીને આવ્યા ને કૂવાને કાંઠે આવી તુરત જળમાં ભૂસકો મારીને જળમાં સ્નાન કરવા લાગ્યા, ત્યારે બીજા સર્વે વારાફરતી કૂવામાં ધૂબકા મારવા લાગ્યા, એમ ઘણી વાર સ્નાન કર્યું. પછી મુક્તશ્રી મિત્રજનને કહેવા લાગ્યા જે, ‘‘આપણે કૂવામાં ધૂબકો મારવો ને જળમાં ઉપર રહેવું પણ ઊંડા પેસી જવું નહિ; છાતી સુધી જળમાં ડુબાય અને બાકીનું શરીર બહાર રહે તેમ ધૂબકો મારવો.’’ ત્યારે સર્વે સ્નેહી ભક્તો એવો વિચાર કરીને ભૂસકો મારવા લાગ્યા, પણ તે તો પાણીમાં ઊંડા પેસી જાય પરંતુ પાણી ઉપર રહી શકે નહિ. અને મુક્તરાજશ્રી તો ઉપરથી ધૂબકો મારે તોપણ છાતી બરોબર જળમાં જાય ને બાકીનું શરીર બહાર રહે. તે જોઈને સર્વે સખા આશ્ચર્ય પામી કહેવા લાગ્યા જે, ‘‘હે સમર્થ ! અમે તો જળમાં ઉપર રહેવાનો ઘણો ય પ્રયાસ કરીએ છીએ, તોપણ જળમાં ઊંડા પેસી જવા. છે ને આપ તો અનાદિમુક્ત છો, તે ચહાય તે કરો પણ અમારાથી તમારા જેવું થઈ શકે નહિ.’’ -એમ કૂવામાં ઘણી વાર જળક્રીડા કરીને પછી પોતપોતાનાં વસ્ત્ર પહેરીને આંબાના વૃક્ષ નીચે માનસીપૂજા કરવા બેઠા. પછી મુક્તરાજશ્રી જાગ્રત થઈને સર્વે મિત્રોને વાત કરવા લાગ્યા જે, ‘‘શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજવી અને આજ્ઞા પાળવી; એ જ આત્યંતિક મોક્ષનું કારણ છે. તે આવા અનાદિમુક્તના જોગે કરીને જ આજ્ઞા-ઉપાસનાનું સ્વરૂપ સમજાય છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સમજાય નહિ.’’ -એમ વાત કરી. પછી તે સર્વે મિત્રજનો મુક્તરાજશ્રીને નમસ્કાર કરીને પોતપોતાને ઘેર ગયા. ત્યાર પછી મુક્તરાજશ્રી તે વાડીથી નવી વાડીએ આવીને પોતાનું ખેતીસંબંધી કામ કરવા લાગ્યા અને સાંજે મંદિરમાં આવી ગોડી, આરતી, ધૂન, સ્તુતિ, દંડવત્‌ વગેરે કરીને સર્વેને ‘જય સ્વામિનારાયણ’ કહી મંદિરમાં બેસી સખાઓ સહિત કીર્તન બોલવા લાગ્યા. પછી માળા ફેરવી ને કથાની સમાપ્તિ થઈ એટલે ઘેર વાળુ કરવા પધાર્યા, ત્યારે મુક્તરાજશ્રીનાં માતુશ્રી દેવબાએ પોતાના પુત્રને અતિ સ્નેહથી ખીચડી, ઘી, દૂધ, પાપડ, અથાણું વગેરે જમાડ્યું અને જમીને મંદિરમાં આવી કીર્તન બોલવા લાગ્યા ને વચનામૃતની કથા વાંચીને વાતો કરી, પછી લીલા-કીર્તન અને ધ્યાન કરીને સૂઈ રહ્યા. એવી રીતે નિત્યે મંદિરમાં કથાકીર્તન ને વાતો કરતાકરાવતા -એવા મુક્તરાજશ્રીના જોગ-સમાગમથી સર્વે ભક્તોને ઘણો આનંદ વર્તતો હતો.

કોઈક સમયે શ્રાવણ માસમાં મુક્તશ્રી પોતાના મિત્રજનો સહિત સ્નાન કરવા સારુ કાળીતલાવડીએ ગયા હતા. ત્યાં મુક્તરાજશ્રી સર્વે સખાઓ સહિત પોતપોતાનાં વસ્ત્રો સરોવરને કાંઠે મૂકીને સરોવરમાં સ્નાન કરવા લાગ્યા અને ઊંડા જળમાં જઈને તરવું, ડૂબકીઓ મારવી એવી રીતે ઘણીક વાર જળક્રીડા કરી. પછી મુક્તશ્રીએ સખાઓને કહ્યું જે, ‘‘આપણે સર્વે જળને વિષે ડૂબકીઓ દઈએ -તેમાં કોણ જળમાં અધિક રહે છે ?’’ -એમ કહીને સર્વે વારાફરતી ડૂબકી દઈને જળમાં પેસી જાય; તેમાં કોઈ જળમાં ત્રણ મિનિટ સુધી રહ્યા ને કોઈ ચાર ને કોઈક બે મિનિટ જળમાં રહીને બહાર આવ્યા. પછી અનાદિમુક્તશ્રી ડૂબકી મારીને જળમાં ઊંડા જઈને બેસી રહ્યા ને એક કલાક થઈ તોપણ જળમાંથી બહાર ન આવ્યા, ત્યારે સર્વે સ્નેહીજનો જળમાં મુક્તરાજશ્રીને ખોળવા લાગ્યા પણ ભાઈશ્રી હાથ ન આવ્યા, તેથી સર્વેની છાતીઓ શ્વાસે કરીને ભરાઈ આવી અને સર્વે અતિશય થાકી ગયા. પછી તેઓ ઊંડા જળમાંથી બહાર આવીને અતિશય દિલગીર થઈને બોલવા લાગ્યા જે, ‘‘અહો ! આ શું થયું ! અને આપણા જીવનપ્રાણ મુક્ત ક્યાં ગયા ? હે સ્વામિનારાયણ ! હે હરિકૃષ્ણ મહારાજ ! તમે જ એક અમારી રક્ષા કરનારા છો અને શાંતિ પમાડનારા છો, માટે અમારા પરમ સ્નેહી મુક્તના વિયોગે કરીને દુઃખને પામતા એવા અમને તેમનો સંયોગ કરાવીને સુખિયા કરો.’’ -એમ વિલાપ કરતાં જ મુક્તરાજશ્રી ઊંડા જળમાંથી ઉપર આવીને દેખાયા અને તત્કાળ સ્નેહી ભક્તજનોની મધ્યે આવ્યા. ત્યારે તે સર્વે ભક્તજન મુક્તશ્રી પ્રત્યે બોલ્યા જે, ‘‘હે મુક્તરાજ ! તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા ? અમે તો તમને જળમાં ખોળી ખોળીને થાકી ગયા, અને તમારા વિના જીવ વિનાનો દેહ જેમ જડ થઈ જાય, તેમ અમે સર્વે જડ થઈ ગયા હતા.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘અમે ડૂબકી મારી તે આ સત્સંગમાં મૂળી, ગઢપુર, જેતલપુર, અમદાવાદ, વડતાલ આદિ મોટાં મોટાં સ્થાનમાં શ્રીજીમહારાજની મૂર્તિઓનાં દર્શન કરીને તથા બીજાં ગામોમાં જે અતિ પ્રેમી ભક્તો રહ્યા છે, તેમનો સ્નેહ જોઈને તેમને દર્શન દઈ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિમાં થઈને તેથી પર અક્ષરધામમાં શ્રીજીમહારાજની સમીપે ગયા હતા, અને મહારાજ ને અનંતકોટિ મુક્ત તેમને મળીને શ્રીજીમહારાજની મૂર્તિમાં થીજી રહ્યા હતા. પછી મહારાજે ઇચ્છા કરી એટલે ત્યાંથી ડૂબકી મારી તે અહીં તમારી પાસે આવ્યા.’’ ત્યારે સર્વે મિત્ર અતિ આનંદ પામી મુક્તના ચરણમાં નમસ્કાર કરીને મળ્યા અને મુક્ત પણ સર્વેને મળ્યા, તેથી સર્વે શાંતિ પામ્યા. પછી જળમાંથી બહાર નીસરી પોતપોતાનાં વસ્ત્ર પહેરી પુરમાં પોતપોતાને ઘેર ગયા અને તે સખાઓએ મુક્ત અબજીભાઈના ચમત્કારની વાતો પોતાના સંબંધીને કરી તેને સાંભળીને સર્વે ભક્તજનો આશ્ચર્ય પામ્યા અને વિચાર કરવા લાગ્યા જે, ‘‘આ કોઈક બહુ મોટા મુક્ત પ્રગટ થયા છે.’’

ત્યાર પછી મુક્તરાજશ્રી કોઈ દિવસ પોતાના મિત્રજનોને સાથે લઈને વિશ્વામિત્રી નદીના તટમાં જે ખજૂરીઓ, આંબા આદિ વૃક્ષનાં વન છે, તેમાં જઈને નાના પ્રકારની રમતો રમવા લાગ્યા. તેમાં પ્રથમ સર્વે સખા મળીને મુક્તરાજશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘એક જણ આગળ દોડે ને તેને બીજા ઝાલી લે, માટે તમે આગળ દોડો; અમે તમને ઝાલીએ.’’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે; ‘‘સારું; તમે અમને ઝાલજો.’’ -એમ કહીને મુક્તશ્રી મિત્રજનોને હાથતાળી દઈને આગળ દોડ્યા, ત્યારે સર્વે સખા તેમને ઝાલવા કેડે દોડવા લાગ્યા. તે સમે મુક્તરાજશ્રી ખેતરવા સુધી સખાઓને આગળ આગળ દોડતા દેખાયા..., પછી જેટલા પોતાના મિત્ર છે તેટલા સ્વરૂપે થયા અને ચારે કોર નોખા નોખા સ્વરૂપે મુક્તશ્રી સૌની આગળ દેખાયા. ત્યારે સખા પણ કોઈક જાણે જે, ‘મુક્તશ્રી પૂર્વમાં જાય છે.’ ને કોઈક જાણે જે, ‘ઉત્તરમાં જાય છે.’ -એમ જોઈને નોખા નોખા સ્વરૂપે દેખાતા જે મુક્ત તેમને ઝાલવા સારુ તે સખા પણ એક એક કેડે દોડવા લાગ્યા. પછી તે સર્વે સખા તો દોડી દોડીને અતિશય થાકી ગયા તોપણ અબજીભાઈશ્રીને ભેળા થઈ શક્યા નહિ. ત્યારે પરમ કૃપાળુ ભાઈશ્રી ઊભા રહ્યા, એટલે નોખા નોખા સ્વરૂપે ઊભા રહેલા એવા મુક્તરાજને તે તે સખાએ પણ ઝાલીને બાથમાં લીધા. ત્યારે મુક્તશ્રી પોતાના મિત્રની બાથમાંથી નીકળીને આગળ દેખાયા, એટલે સર્વે સખા ફરીને ઝાલવા જાય છે, તેટલામાં તો મુક્તશ્રી સર્વે સખાની આગળથી એકસ્વરૂપે થઈને સર્વેને મધ્યે દૂર દેખાયા ત્યારે તે તે મિત્રજન ચારે દિશાઓમાંથી દોડીને મુક્તશ્રીની પાસે આવ્યા, એટલે મુક્તરાજશ્રી ‘મંદ મંદ’ હસીને સખા પ્રત્યે બોલવા લાગ્યા જે, ‘‘અમે તો અહીં જ ઊભા છીએ ને તમે ચારે કોર કોને ઝાલવા ગયા હતા?’’ ત્યારે સર્વે મિત્રજન કહેવા લાગ્યા જે, ‘‘હે ભાઈ ! અમેતમને આગળ દોડતા દેખતા હતા તેથી અમે ચારે કોર ગયા હતા. પછી તમે અમારી પાસેથી અદૃશ્ય થઈ અહીં આવીને ઊભા છો એટલે અમે તમારી પાસે આવ્યા. આપ આવી લીલા કરો છો તે તમે કોણ છો ? તે અમે કળી શકતા નથી.’’ -એમ કહી આનંદમાં મુક્ત અબજીભાઈના ચરણમાં મસ્તક મેલી નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘અમે તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં થીજી રહ્યા છીએ અને લીલા તો મુક્ત દ્વારા શ્રીજીમહારાજ કરે છે.’’ -એમ કહીને સર્વે મંદિરમાં આવ્યા. પછી ગોડી, આરતી, ધૂન, સ્તુતિ વગેરે કરીને કીર્તન બોલવા લાગ્યા. પછી કથા, માળા, માનસીપૂજા વગેરે કરીને વાળુ કરવા ગયા, ત્યારે માતુશ્રી દેવબા પોતાના પુત્ર અબજીભાઈને અતિ સ્નેહે કરીને ખીચડી, દૂધ, પૂરી, પાપડ, અથાણું આદિ ભોજન જમાડવાં લાગ્યાં. પછી મુક્તશ્રી જમીને પાછા મંદિરમાં આવી કીર્તન બોલીને ભક્તચિંતામણિની કથા વાંચવા લાગ્યા. તે મુક્તરાજશ્રીને સ્વર અતિ મધુર હતો તે જાણે વાંસળીવાગતી હોય ને શું ! એમ શ્રોતા સર્વેને પ્રિય લાગતું હતું અને સર્વેની વૃત્તિઓ કથામાં સ્થિર થઈ જતી એવી એમની વાણી દિવ્ય હતી. પછી કથાની સમાપ્તિ કરી ચેષ્ટાનાં પદ બોલી મંદિરની ઓસરીમાં જ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને યોગનિદ્રા અંગીકાર કરી.

ઇતિ વિશ્રામ ૬