વિશ્રામ ૫૮
સંવત ૧૯૭૬ના વૈશાખ સુદ પૂનમને દિવસ સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી ને વૃંદાવનદાસજી આદિ પચીસ સંત તથા આશાભાઈ આદિ હરિભક્ત તે સર્વે મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન-સમાગમ કરવા વૃષપુર આવ્યા હતા. અને તે સર્વે રાત્રીના ત્રણ વાગે જાગી સ્નાન કરી માનસીપૂજા ને મૂર્તિપૂજા આદિ નિત્યવિધિ કરીને મંદિરની ઓસરીમાં સભા કરીને બેસતા ને બાપાશ્રી પણ સ્નાન-પૂજા કરીને સભામાં આવી આસન ઉપર બેસતા અને સંત કંઠે કરેલાં વચનામૃત, હરિસ્મૃતિ, ભક્તચિંતામણિનાં પ્રકરણ તેને બોલતા ને બાપાશ્રી સાંભળતા, ને બાપાશ્રી વાતો કરીને સર્વેને મૂર્તિમાં રસબસ જોડી દેતા. પછી અજવાળું થાય ત્યારે પુ. ધર્મકિશોરદાસજી રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકાએ સહિત પ્રથમ ભાગના ‘વચનામૃત’ની કથા વાંચતા ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત બાપાશ્રીને ‘વચનામૃત’ના પ્રશ્ન પૂછતા ને તેનો ઉત્તર કરીને બાપાશ્રી સમજાવતા તેને સ્વામી લખી લેતા. એવી રીતે બાપાશ્રી દિવસના આઠ વાગ્યા સુધી કથાવાર્તા કરાવીને ઘેર જમવા પધારતા અને જમી આવીને ઓરડીમાં ઢોલિયામાં બેસતા ને સદગુરુ આદિ સંત બાપાશ્રી પાસે આવીને બેસતા ને બાપાશ્રી વાતો કરીને સુખ આપતા. પછી અગિયાર વાગે ‘હરે’ થાય ત્યારે સંત બાપાશ્રી પાસે આવીને પત્તર ધરતા, એટલે બાપાશ્રી આંબાના રસના વાટકા ભરી ભરીને સંતના પત્તરમાં આપતા અને સંત પાછા પંક્તિમાં બેસતા. અને બીજા સંત રોટલી, શાક વગેરે પીરસતા ને ‘સ્વામિનારાયણ’ નામની ધૂન કરતા. પછી ‘જય’ બોલાય, ત્યારે બાપાશ્રીનાં દર્શન કરતા થકા મૂર્તિમાં રહીને જમતા ને જમીને પછી ‘વચનામૃત’ની કથા વાંચતા ને સર્વે સાંભળતા. એમ બાપાશ્રી અહોનિશ સમાગમનું સુખ આપતા હતા.
એક દિવસ બ્ર. નિર્ગુણાનંદજી છેલ્લા પ્રકરણનું ૧૭મું વચનામૃત મુખપાઠે બોલ્યા. તેમાં એમ વાત આવી જે, ‘ભરતજીને મૃગનો અવતાર આવ્યો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ભરતજી તો રાજ્ય મેલીને સાધુ થયા હતા તોપણ મૃગના બચ્ચામાં સ્નેહે કરીને બંધન થયું, તો તમે સાધુ થયા છો પણ બહુ વિચાર રાખવો જોઈએ; મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય હેત રાખવું નહિ ને મહારાજની આજ્ઞા અમર પાળવી, પણ આ લોકના પદાર્થ સારુ મહારાજની આજ્ઞા લોપવી નહિ. અને સત્સંગમાં પદાર્થના તો ઢગલેઢગલા થાય છે, તે પોતાનું કરી રાખવા માંડે તો આજ્ઞા ન રહે. તે સદ્. સ્વામી નિર્ગુણદાસજી દેશમાં ફરીને મંદિરમાં આવે, ત્યારે ધોતિયાનું ગાડું ભરીને લાવે અને મંદિરમાં સ્વામી હોય તોપણ હરિભક્તો ધોતિયાં, ઘી, ગોળ, સાકર, ફળફૂલ, મેવા આદિ વસ્તુ લાવી લાવીને ઢગલા કરે, પણ સ્વામી તેમાંથી પોતાને જોઈએ તેટલું જ ગ્રહણ કરતા ને પોતાના સાધુને પણ અવશ્ય જોઈએ તેટલું જ આપતા અને બીજું મંદિરમાં જે સાજા-માંદા સાધુ હોય, તેને જેમ ઘટે તેમ આપતા ને બાકી કોઠારમાં આપી દેતા, તેમ આપણે વર્તવું. અને હરિભક્ત સંતની સેવા-પૂજા કરે ને ધોતિયાં આદિ વસ્તુ આપે, તે પણ શ્રીજીમહારાજને આપે છે અને પૂજા પણ શ્રીજીમહારાજની થાય છે, માટે સંતે તે બધું પોતાનું માનવું નહિ અને પોતાને તો તેમાંથી યોગ્ય હોય તેટલું જ ગ્રહણ કરવું. વળી સંતમંડળને રાત્રીએ સૂવું ત્યારે પણ દીવો રાખવો અને ગુરુ-શિષ્ય આદિ સર્વેને આસન પાસે પાસે રાખવાં, પણ શિષ્ય ક્યાંય સૂએ ને ગુરુ ક્યાંય સૂએ એમ ન રાખવું ને કથાવાર્તામાં પણ સર્વેને ભેગા થઈ જવું ને કથાવાર્તા-લીલાકીર્તન કરવાં.’’
વળી મુક્તરાજ બાપાશ્રીએ વાત કરી જે, ‘‘અમને એક મહારાજની મૂર્તિ વિના બીજું કંઈ ગમતું નથી પણ તમે કહેશો જે, ‘બાપા ! આ જમો; આ લો.’ ત્યારે લગાર ગ્રહણ કરવું પડે પણ આ લોકના કોઈ પદાર્થમાં ભાવ નથી. અમે તો એક મહારાજની મૂર્તિને સુખે સુખિયા છીએ ને મૂર્તિના સુખને જ ભોગવીએ છીએ ને મૂર્તિમાં જ રહ્યા છીએ, અને શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ ને અમે તો આનંદઘન મૂર્તિ છીએ, પણ પિંડ-બ્રહ્માંડ આદિનું કાંઈ આવરણ નથી.’’ વળી બોલ્યા જે, ‘‘સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન.’ તે આપણને મહારાજ કેવડા મળ્યા છે ! જેમ સાકરનું નાળિયેર હોય તેમાં ત્યાગ-ભાગ શું ? તેમ મહારાજની મૂર્તિ દિવ્ય તેજોમય છે. તેમાંથી ઝળહળાટ તેજ છૂટે છે ને કિશોર મૂર્તિ છે, તેમાં રસબસ જોડાઈ જાવું. પણ મન એવું છે જે, એવી મૂર્તિમાંથી પુસ્તક, પૂજા આદિમાં ક્યાંય જાતું રહે પણ વિચાર કરીને મનને પાછું વાળવું. તે વિચાર એમ કરવો જે, ‘અહો ! અહો ! આવા મહારાજ, આવા અનાદિમુક્ત ને આવું મૂર્તિનું સુખ તેમને મેલીને અરે પાપિયા, વિષ્ટા ખાવા ક્યાં જાય છે ?’ તે મહાકાળ સુધી પ્રકૃતિનું કાર્ય સર્વે ઝેરનું ઝાડવું છે, તેમાંથી આપણે જે જોઈએતે માલ ક્યાંય મળે નહિ. વૈરાજપુરુષ, તેથી પર પ્રધાનપુરુષ, તેથી પર પ્રકૃતિપુરુષ, તેથી પર મહાકાળ, તેથી પર વાસુદેવ, તેથી પર અક્ષર, તે સર્વેમાંથી મહારાજનું સુખ મળે નહિ, પણ સત્સંગમાં અક્ષર તો કેટલાકના જીવમાં પેસી ગયા છે, પરંતુ અક્ષરથી પર અક્ષરધામ છે ને તે ધામ શ્રીજીમહારાજ ને અનાદિમુક્તનું તેજ છે ને શ્રીજીમહારાજ તે ધામમાં મુક્તે સહિત રહ્યા છે. અને અનાદિમુક્ત છે, તે પણ તેજરૂપ અક્ષરધામથી પર છે ને તે મુક્ત મૂર્તિમાં જ રહે છે તેથી મહારાજની મૂર્તિને પણ ધામ કહેવાય છે, આવો મહિમા સમજાય ત્યારે ઉપાસના થઈ કહેવાય., જો ઉપાસના ન સમજાણી હોય ને કોઈ આવી વાત કરે તોપણ મનાય નહિ પણ મહારાજને ને મોટાને જેવા જાણશું તેવા થઈશું. તે સમે આ સંત-હરિભક્ત અક્ષરધામની સભા છે, તેમાં આપણ સર્વે બેઠા છીએ. આવો મહિમા હોય તો ત્રિવિધ તાપમાં પણ શ્રીજીમહારાજની મૂર્તિ ને અનાદિમુક્ત તેમાંથી લગાર પણ ડગે નહિ. તે કહ્યું છે જે, ‘ત્રિવિધ તાપે રે કે દી અંતર ડોલે નહિ’ તે ત્રિવિધ તાપ તે શું, તો દેહમાં ઘાસણીનો રોગ થાય ને શરીરમાંથી રોગ વહ્યા જ કરે તે અધ્યાત્મ, ને રાજાનો ઉપદ્રવ થાય, ચોર દુઃખ દે એ આદિ અધિભૂત, ને સો કાળ સામટા પડે; અન્ન ખાવા ન મળે એ આદિ અધિદૈવ, એવા ત્રિવિધ તાપમાં પણ મહારાજની મૂર્તિમાંથી ચળાયમાન થાય નહિ ત્યારે મહિમા સમજાયો કહેવાય.’’ -એમ વાત કરી. આવી રીતે બાપાશ્રી બળદિયાના મંદિરમાં યોગયજ્ઞ ને જ્ઞાનયજ્ઞ તે રૂપી કથાવાર્તાનો અખાડો અખંડ ચાલુ રખાવતા ને કોઈક દિવસ તો પોતે બે વાગે મોટા મોટા સદગુરુ આદિ સંત સહિત વાડીએ પધારતા, ને તે વખતે બાપાશ્રીને શરીરમાં તાવ ને ગરમી જણાતી હતી ને નવીવાડીએ કૂવા પાસે જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સદગુરુ આદિ સંત પાસે બેસતા ને બાપાશ્રી વાતો કરતા. એક દિવસ બાપાશ્રી વાડીએ બેઠા હતા તે વખતે વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, -‘આવો ને આવો આનંદ સદાય કેમ રહે ?’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘આવા અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિથાય તો સદાય આનંદ રહે.’’ -એમ વાત કરીને મંદિરમાં આવ્યા.
કોઈક દિવસ મુક્તરાજ બાપાશ્રી સંત સહિત લખાઈવાડીમાં આંબાના વૃક્ષ નીચે વિરાજમાન હતા ને આગળ સર્વે સંત બેઠા હતા. ત્યારે સાધુ કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘આ જીવનો આત્યંતિક મોક્ષ કેમ થાય ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ જીવને મોક્ષનાં સાધન કરતાં કરતાં જ્યારે પ્રગટ શ્રીજીમહારાજ, કે તેમના અનાદિમુક્ત મળે ને તેમને ઓળખીને શરણે થાય ત્યારે જ તે જીવનો મોક્ષ થાય.’’ તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે, ‘‘કોયલ પક્ષી છે તેનો કંઠ બેસી ગયેલો હોય તેથી બોલાય નહિ. પણ જ્યારે વસંતઋતુમાં આંબા મો’રે ને તે આંબાનો મો’ર ખાય ત્યારે તેનો કંઠ ઊઘડે ને તેનાથી બોલાય, પણ જો આંબાનો મો’ર હોય ને તેની ચાંચ પાકી હોય તો તેનાથી મો’ર ખવાય નહિ ને તેનો કંઠ પણ ઊઘડે નહિ ને જ્યારે પાછા બાર મહિને આંબા મો’રે ત્યારે મો’ર ખાય તો કંઠ ઊઘડે. તેમ આ જીવનો મોક્ષ મહારાજ કે મુક્ત મળે ત્યારે થાય પણ તેવિના થાય નહિ. અને મોટા પ્રગટ હોય ને ઓળખે નહિ ને પંચવિષયને વિષે આસક્તિના લીધે જોગ કરે નહિ, તો તેનો મોક્ષ ન થાય; પછી જે દિવસ તેવો જોગ આવે ત્યારે થાય. માટે આપણે તો જેવો જોઈએ તેવો જોગ આવ્યો છે, તે જોગ કરી જીવમાંથી રાગમાત્ર કાઢીને મૂર્તિમાં રસબસ જોડાવું.’’ -એમ વાત કરીને સંતને કીર્તન બોલવાનું કહ્યું. ત્યારે સંત ‘પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ’ તથા ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ.’ એ બે ચોસર કીર્તન બોલ્યા. પછી બાપાશ્રીએ કૂવા ઉપર સંત સહિત સ્નાન કર્યું ને કોરાં વસ્ત્ર પહેરીને સર્વે સંતમંડળને મળ્યા. પછી સંતને ચોળાફળીની પ્રસાદી વહેંચી આપી ને મંદિરમાં આવ્યા. તે સમે દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈ માંદા હતા, તેમનાં દર્શન કરવા સારુ બાપાશ્રીએ કેટલાક સંતને મોકલ્યા. પછી એકાદશીને દિવસે બાપાશ્રી નિત્યવિધિ કરીને માંચીમાં બેસી સર્વે સંત-હરિભક્ત સહિત છત્રીએ પધાર્યા, ત્યાં ચરણારવિંદનાં દર્શન કરીને અગાશી નીચે માંચીમાં બેઠા ને આગળ સંત-હરિભક્તની સભા બેઠી હતી ને વચનામૃતની કથા વંચાવીને સાંભળતા હતા. તે સમે દહીંસરાથી બ્ર. નિર્ગુણાનંદજી તથા કેટલાક સાધુ આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને બેઠા. ત્યારે બાપાશ્રીએ બ્રહ્મચારીને કહ્યું જે, ‘‘વાત કરો.’’ ત્યારે બ્રહ્મચારીએ આજ્ઞા-ઉપાસનાની વાતો કરી. પછી બાપાશ્રી સર્વે સંતમંડળ સહિત મંદિરમાં પધાર્યા અને ચાર વાગે વચનામૃતની કથા વંચાવીને સાંભળતા હતા. એમ અહોનિશ કથાવાર્તા ને દર્શન-સમાગમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા. પછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંતમંડળને ગુજરાત દેશમાં જવાની રજા આપી, ત્યારે સર્વે સંત તૈયાર થઈને ચાલ્યા ને બાપાશ્રી પણ સર્વે સંતમંડળને નારાયણપુર સુધી મેલવા ગયા, ત્યાંથી સંતમંડળને ભૂજ મોકલ્યું ને પોતે વૃષપુર આવ્યા ને સર્વે સંત ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરી સંતોને મળીને ગુજરાતમાં ગયા.
ઇતિ વિશ્રામ ૫૮