વિશ્રામ ૫૪
ત્યાર પછી પછી સંતમંડળ ઠાકોરજી જમાડીને કથા કરી રહ્યા. પછી સ્વામી ને બ્રહ્મચારી આદિ સર્વે સંત મળીને વિચાર કર્યો જે, ‘‘બાપાશ્રી આપણા ઉપર દયા કરી આપણને સુખ દેવા સારુ રહ્યા, અને બાપાશ્રીએ ‘પુરુષોત્તમલીલા-સુખસાગર’ની કથા વાંચવાનું કહ્યું છે માટે આપણે કથા ચાલુ કરીએ.’’ પછી પુસ્તક મગાવીને બીજે દિવસે કથા વાંચવાનું નક્કી કર્યું. અને વળી તે રાત્રીએ બાપાશ્રીએ પોતાનો મંદવાડ ગયો ને પોતે સાજા થયા, એવાત સર્વેને જણાવવા સારુ બાપાશ્રીએ એક નવીન ચરિત્ર કર્યું તે કહું છું -તે સાંભળો :-
હવે બાપાશ્રી રાત્રીએ ઘેર ખાટલામાં સૂતા છે અને સેવકો સર્વે પાસે સૂતા છે ને રાત્રીના બાર વાગ્યા, ત્યારે બાપાશ્રી જાગ્યા અને કાનજીભાઈ, મનજીભાઈ, મોતીભાઈ, આશાભાઈ તેમને બાપાશ્રીએ જગાડીને કહ્યું જે, ‘‘મારે દિશાએ જાવું છે.’’ ત્યારે તે સેવકે બાપાશ્રીને દિશાએ જવા બેસાર્યા ને પછી સ્નાન કરાવ્યું ને કોરાં વસ્ત્ર પહેરાવીને ખાટલામાં સુવાડ્યા. ત્યારે મુક્તરાજ બાપાશ્રી સોની મોતીભાઈ આદિ સેવકને વાત કરવા લાગ્યા જે, ‘‘બ્ર. નિર્ગુણાનંદજી ને પુ. કેશવપ્રિયદાસ તેમણે મને સાજો કર્યો અને મારો મંદવાડ મટાડી દીધો માટે તેમને રાજી કરવા જોઈશે, તેથી મંદિરમાં સ્વામી ઈશ્વરચરણદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી ને કેશવપ્રિયદાસ આદિ સંતને બોલાવી લાવો.’’ ત્યારે તે સેવકમાંથી મોતીભાઈ મંદિરમાં આવ્યા ને સર્વે સંત સૂતા હતા તેમને જગાડ્યા ને સ્વામીને કહ્યું જે, ‘‘બાપાશ્રી તમને તથા સ્વામી વૃંદાવનદાસજી તથા બ્ર. નિર્ગુણાનંદજી તથા કેશવપ્રિયદાસજી આદિ સંતને બોલાવે છે.’’ ત્યારે સ્વામી આદિ સર્વે સંત બાપાશ્રી પાસે જઈને નમસ્કાર કરીને પાસે બેઠા.ત્યારે મુક્તશ્રી વાત કરવા લાગ્યા જે, ‘‘અમને બ્રહ્મચારી ને પુરાણીએ ન્યાલ કર્યા; તે શું, તો અમને આજ સ્વપ્નમાં એમ જણાયું જે, ‘અમે બહિર્ભૂમિ જવા બેઠા હતા અને બ્ર. નિર્ગુણાનંદજી ને કેશવપ્રિયદાસજી ને ઘેલાભાઈ એ ત્રણ અમારી પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે અમે કહ્યું જે, ‘તમે અહીં કેમ આવ્યા છો ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘તમારો રોગ લેવા સારુ આવ્યા છીએ.’ પછી તેમણે મને દેહક્રિયા કરાવી અને બહુ સારી રીતે નવરાવવા લાગ્યા. તે સર્વે અંગ ચોળી ઘણુંક પાણી રેડીને મને નવરાવ્યો અને મને સાજો કર્યો ને મારો રોગ લઈ લીધો. પછી મને એમ જણાયું જે, ‘હવે મને સારું થઈગયું.’ પછી તો હું જાગ્યો ને દેહક્રિયા કરવાગયો ત્યારે દિશાનો ખુલાસો થયો અને લઘુનો પણ ખુલાસો થયો અને શાંતિ થઈ ગઈ, માટે આજ અમને બ્રહ્મચારીએ અને મુનિએ ન્યાલ કર્યા; એટલે સાજા કર્યા.’’ -એમ મુક્તરાજ બાપાશ્રીએ પોતાને સાજા થવાનું જણાવ્યું અને તે ભેળો પોતાના સંતનો મહિમા પણ જણાવ્યો. પછી સદગુરુ આદિ સંત બાપાશ્રીને નમસ્કાર કરીને મંદિરમાં આવ્યા ને મહારાજનું ધ્યાન-ભજન કરીને પછી પોતાનો નિત્યવિધિ કર્યો.
હવે મુક્તરાજ બાપાશ્રીએ શું કર્યું તો ઘડીવાર શયન કરીને પછી સ્નાન કર્યું અને મંદવાડની રીતે મૂર્તિની પૂજા કરી. પછી હરિભક્ત પાસે પોતાના ખાટલાને ઉપડાવીને મંદિરમાં આવ્યા, ત્યારે સર્વે સંતો પાસે આવીને બાપાશ્રીનાં દર્શન કરવા લાગ્યા અને બાપાશ્રીએ ઠાકોરજીનાં અને સંતનાં દર્શન કર્યાં. ને બાપાશ્રીને ખાટલો મંદિરની ઓસરીમાં આથમણે પડખે રાખ્યો હતો અને બાપાશ્રી ખાટલામાં સૂતા સૂતા સર્વેને દર્શન દેતા હતા ને સંતની સભા બેઠી હતી. તે સમે અસાડ વદ સાતમના દિવસે ‘પુરુષોત્તમલીલામૃત-સુખસાગરની’ની કથા વાંચવાનો પ્રારંભ કર્યો ને બાપાશ્રીની આજ્ઞાથી બ્ર. નિર્ગુણાનંદજી કથા વાંચવા બેઠા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આમ વિધિ વિના કથા કેમ કરો છો; વિધિ કરવી જોઈએ. પ્રથમ ચંદન પુષ્પથી પુસ્તકની ને પુરાણીની પૂજા કરવી જોઈએ, પછી સર્વે સંત-હરિભક્તની પૂજા કરવી જોઈએ, માટે તેમ કરો.’’ ત્યારે સંત ચંદન ઘસીને લાવ્યા ને પુષ્પના હાર કરીને લાવ્યા, ત્યારે બાપાશ્રીએ પુસ્તક ને પુરાણીની પૂજા કરી. પછી બાપાશ્રી સંતની પૂજા કરવા આવ્યા ત્યારે સર્વે સંતોએ પહેલી બાપાશ્રીની પૂજા કરી અને બાપાશ્રીએ સંત-હરિભક્તની પૂજા કરી. પછી બાપાશ્રી પલંગમાં બેસીને કથા સાંભળવા લાગ્યા ને કથાની સમાપ્તિ થઈ, એટલે બ્રહ્મચારીએ બાપા સારુ જમવાનું કરીને બાપાશ્રીને જમાડ્યા ને બાપાશ્રી મંદિરમાં રહ્યા.
પછી સાંજના સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતમંડળને પાસે બોલાવીને બાપાશ્રીને વાત કરી જે, ‘‘તમે સર્વે સંત છત્રીએ જઈને ત્યાં કથા કરો અને રસોઈ પણ ત્યાં કરો. અને હરિભક્ત પાસે રસોઈ કરવા માટે છાપરાં કરાવો ને અમે પણ એક પર્ણકુટિમાં આવીને રહેશું.’’ -એમ કહ્યું. પણ સ્વામી આદિ સંતને એમ જણાયું જે, ‘બાપાશ્રીને મંદવાડ છે તેથી બહાર તેડી જવા તે ઠીક નહિ અને બાપાશ્રી વિના આપણે ત્યાં એકલા શી રીતે રહેવું ?’ એમ વિચાર કરીને સ્વામી આદિ સર્વે સંતને છત્રીએ કથા કરવાની રુચિ ન થઈ. તેથી છત્રીએ કથા કરવાની બંધ રાખી ને બાપાશ્રીને છત્રીએ કથા કરવાની રુચિ હતી, પણ બાપાશ્રીની મરજી જાણી શક્યા નહિ. તેથી બાપાશ્રીએ જણાવ્યું જે, ‘‘અમે દયા કરીને રહ્યા પણ અમારી મરજી જાણતા નથી.’’ તેથી બાપાશ્રીએ છાતીમાં અતિશય જ દુખાવો જણાવ્યો ને ખાટલો ઉપડાવીને ઘેર જતા રહ્યા. પછી સંતમંડળ ગોડી આરતી કરીને બાપાશ્રીને ઘેર દર્શન કરવા ગયા, ત્યારે બાપાશ્રીને છાતીમાં દુઃખવાનું ને ઊલટી તે અતિશય થવા લાગ્યું. તેને જોઈને સૌ સંત તથા હરિભક્ત ઉદાસ થઈ ગયા અને બાપાશ્રીએ સંત-હરિભક્તની પાસે ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ ધૂન કરાવી. પછી ઊલટીઓ બંધ થઈ ગઈ, ત્યારે બાપાશ્રી જળના કોગળા કરીને સૂઈ રહ્યા ને સર્વે સંત મંદિરમાં આવ્યા.
હવે મુક્તરાજ બાપાશ્રી એક દિવસ ઘેર રહ્યા ને બીજે દિવસ સાંજના મંદિરમાં આવ્યા. તે શાથી, તો બાપાશ્રીને એમ જણાયું જે, ‘મારા વિના સંત દુઃખી થતા હશે.’ -એમ જાણીને સંતના હેતથી મંદિરમાં આવ્યા અને સંતમંડળને નિત્યે સેવાનું સુખ દેવા લાગ્યા ને સ્વામી ઈશ્વરચરણદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ તેમની પાસે ‘પુરુષોત્તમલીલામૃત-સુખસાગર’ની કથા વંચાવીને અખંડ સાંભળતા હતા. ને બાપાશ્રી માટે જમવાનું બ્ર. નિર્ગુણાનંદજી કરતા ને બાપાશ્રી જમતા અને જમતી વખતે પણ કથા ચાલુ રખાવતા, અને કથા સાંભળતા થકા ને જમતા ને જમીને પણ કથા સાંભળતા. ને પ્રથમનો મરડો થોડો થોડો રહ્યો હતો, તેથી દિવસમાં ચાર-પાંચ વખત ને રાત્રીમાં ચાર-પાંચ વખત દિશાએ જવાનું થતું. તે દિશાએ જવાનું થાય ત્યારે પણ કથા ચાલુ રખાવતા ને બીજા સેવકો પાસે ખાટલાને ઉપડાવીને ચોકમાં ખાડે જતા. પછી સંત-હરિભક્ત સ્નાન કરાવીને કોરાં વસ્ત્ર પહેરાવતા ને ખાટલામાં સુવાડી ખાટલો ઉપાડીને પાછો સભામાં લાવતા, અને સંત-હરિભક્ત અખંડ સેવાનું સુખ લેતા. વળી તે સમે બાપાશ્રીને ગરમી બહુ જણાતી હતી તેથી ઠંડી હવા કરવા સારુ હરિભક્તોએ જવાસાની ટટ્ટીઓ કરીને બાપાશ્રીના ખાટલા આગળ ઓસરીની ઝેરે તે ટટ્ટીઓ બાંધી હતી ને તે ઉપર અખંડ પાણી છાંટતા. અને બાપાશ્રીને ચરણના તળિયામાં ગરમી જણાતી તેથી સાધુ કેશવપ્રિયદાસ થાળીમાં અરીઠાં પલાળી તે પાણીમાં લૂગડાં બોળીને બાપાશ્રીના પગનાં તળિયાંમાં ફેરવતા હતા ને કેટલાક તો મોટા પંખેથી વાયરો નાખતા. અને બાપાશ્રી બાર વાગે કથાની સમાપ્તિ કરાવી પોતાના ખાટલાને ઓસરીના વચલા બારણામાં રખાવીને સૂતા, ને રાત્રીએ મંદિરના ચોકમાં કૂવા પાસે ખાટલાને રખાવીને સૂતા ને સંત-હરિભક્ત બાપાશ્રી પાસે બેસીને વાયરો નાખવો, જળપાન કરાવવું, નાવાનું થાય ત્યારે દિશાએ જવડાવીને સ્નાન કરાવવું એ આદિ સેવા કરતા. ને મુક્તરાજશ્રી તે મંદવાડમાં રાત્રીએ પણ અતિ વાયરામાં એક વસ્ત્ર પહેરેલું હોય ને ઉઘાડે શરીરે શયન કરતા ને વળી વાયરો નખાવતા ને રાત્રી-દિવસમાં પાંચ-છ વખત દિશાએ જવાનું થતું ત્યારે સ્નાન પણ કરતા. અને બાપાશ્રીને જમવાનું તો કોઈક દિવસ પાંચ રૂપિયાભાર ને કોઈક દિવસે બે રૂપિયાભાર ને કોઈક દિવસ દસ રૂપિયાભાર -એમ જમતા. આવો બાપાશ્રીનો મંદવાડ જોઈને સર્વેને આશ્ચર્ય થતું.
ઇતિ વિશ્રામ ૫૪