વિશ્રામ ૨૨

અક્ષરાતીત મુક્તના સ્વામી, સર્વાત્માબ્રહ્મના આત્મા, ક્ષર-અક્ષરથી પર એવું અક્ષરધામ તેના આધાર, ને તે ધામનાં કિરણે કરીને ક્ષર-અક્ષરના આધાર ને પરમ એકાંતિક-અનાદિમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા ને ધર્મભક્તિના પુત્ર, રામપ્રતાપભાઈના અનુજ, ઇચ્છારામભાઈના અગ્રજ ને મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી આદિ પાંચસો પરમહંસ જેમના ગુણ ગાય છે એવા સ્વામિનારાયણ ભગવાન છે. તેમની ઇચ્છાથી અક્ષરધામમાંથી ને મૂર્તિમાંથી મુક્તાવતાર થાય છે. -એમ સત્સંગિભૂષણમાં કહ્યું છે, માટે શ્રીજીમહારાજની ઇચ્છાથી મનુષ્યરૂપે દર્શન દેતા-એવા મુક્તશ્રી અબજીભાઈ સંવત ૧૯૫૬ના અષાડ માસમાં શ્રીજીમહારાજનું જન્મસ્થાન જે છપૈયાપુર ત્યાં દર્શને જવાનો વિચાર કરતા હતા. તે સમે ઉપરદળના રામજીભાઈ માંદા હતા, તેથી તેમણે મુક્તશ્રીને પ્રાર્થનાપત્ર લખી મોકલ્યો. તેને વાંચી બાપાશ્રીએ રામજીભાઈને દર્શન દઈ પછી છપૈયે જવું એમ નક્કી કર્યું ને પોતાની સાથે આવનાર ખીમજીભાઈ, જાદવજીભાઈ, પ્રેમજી આદિ હરિભક્તને તે વાત જણાવી, ત્યારે તે પણ રાજી થયા ને બાપાશ્રી સાથે છપૈયે જવા તૈયાર થયા ને વૃષપુર આવીને બાપાશ્રીની સાથે ભૂજ આવ્યા ને ભૂજમાં સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતને તે વાત કરી, ત્યારે તે પણ રાજી થયા. પછી બીજે દિવસે ઠાકોરજી ને સંતનાં દર્શન કરી જમીને અંજાર આવ્યા ને ખારીરોડથી વહાણમાં બેઠા. ત્યાં સમુદ્રમાં તોફાન થયું ને વહાણ ડૂબવા લાગ્યું ને ખીમજીભાઈ આદિ બીવા લાગ્યા, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘કોઈ બીશોમા; તમારું પૂરું કરનારા ને ધામમાં લઈ જનારા ભેળા છે ને વહાણ બૂડશે તો ઠેઠ મહારાજના સુખમાં પહોંચાડી દેશું.’’ -એમ કહી ઊભા થઈને દિવ્યરૂપે દર્શન દીધાં, ત્યાં તો તોફાન બંધ થઈ ગયું ને વહાણ ચાલ્યું ને કાંઠે પહોંચ્યા ને રેલે બેસી સૌ મૂળીએ આવ્યા. મૂળીમાં સ્વામી હરિનારાયણદાસજી, બાળકૃષ્ણદાસજી આદિ સંતોએ રોકવાને આગ્રહ કર્યો. તેથી બે દિવસ રહીને ઉપરદળ જવા નીકળ્યા ને ઘણા સંત કેડે સ્ટેશન સુધી આવ્યા. તેને પાછા વાળીને બાપાશ્રી સંત-હરિભક્ત સહિત ઉપરદળ પહોંચ્યા, ત્યારે રામજીભાઈ તો તાવમાં ને તાવમાં ઊભા થઈ બાપાશ્રીને બાથમાં લઈને મળ્યા ને બહુ રાજી થયા. એવી રીતે રામજીભાઈને રાજી કરી અમદાવાદ આવ્યા, ત્યાંથી પ્રાણશંકરભાઈ આદિ થોડા હરિભક્તને સાથે લઈ છપૈયે જવા તૈયાર થયા. તે સમે ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે મુક્તશ્રીને પાસે બોલાવીને કહ્યું જે, ‘‘તમે જયપુરમાં એક રાત રોકાઈ જજો; કેમ જે ત્યાં ઝવેરી ત્રિકમજીભાઈ રહે છે તે બહુ મહિમાવાળા છે ને વળી સંતનું મંડળ પણ છે ને અમે અહીંથી તાર કરશું, જેથી સૌ સ્ટેશને તેડવા આવશે.’’ -આ રીતે ભલામણ કરવાથી બાપાશ્રી જયપુર એક દિવસ રોકાઈ સંત-હરિભક્તને રાજી કરી છપૈયાધામ પહોંચ્યા, ત્યાં મંદિરમાં ને જન્મસ્થાનમાં શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કર્યાં ને ઠાકોરજીના થાળ કરાવ્યા ને સંત તથા ધર્મકુળના વિપ્ર આદિને, ભોજન કરાવીને જમાડ્યા ને નારાયણસર, ગૌઘાટ, ભૂતિયો કૂવો આદિ સ્થાનમાં સ્નાન-દર્શન કરતા થકા છપૈયામાં રહ્યા.

કોઈક દિવસ બાપાશ્રી ખીમજીભાઈને સાથે લઈ જન્મસ્થાનને કૂવે સાંજ વખતે નાહવા ગયા હતા. તે સમે ખીમજીભાઈએ જળનો લોટો ભરીને આપ્યો ને બાપાશ્રી બહિર્ભૂમિ જઈને કૂવા ઉપર આવ્યા ને ખીમજીભાઈએ કૂવામાં લોટા વતી જળ સીંચીને સ્નાન કરાવ્યું ને મુક્તરાજશ્રી કોરાં વસ્ત્ર પહેરી તે કૂવા પાસે છત્રી છે ત્યાં ઓટા ઉપર બેઠા ને ખીમજીભાઈ લૂગડું ધોઈને પાસે આવ્યા. તે સમે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિનાં દેવ-તે અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં ને શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શનકરવા સારુ આવ્યા હતા. તેથી આકાશમાં અતિશય તેજ છાઈ રહ્યું ને તેજના ગોળેગોળા દેખાવા લાગ્યા. તે સર્વે દેવ મુક્તશ્રીનાં દર્શન કરી ચરણારવિંદમાં નમસ્કાર કરીને પાછા આકાશમાં જતા રહે ને ચારેકોર તેજના ગોળારૂપે દેખાય ને મુક્તરાજશ્રી ત્યાંથી ચાલ્યા, તે રસ્તામાં પણ આકાશમાંથી આવી પગમાં નમસ્કાર કરે, તે ખીમજીભાઈ પ્રત્યક્ષ નજરે દેખતા હતા. તેવી રીતે મંદિર પાસે આવ્યા ત્યાં સુધી દેખાયા ને જન્મસ્થાન ને શ્રીઘનશ્યામ મહારાજનાં મંદિર ઉપર ને બાગમાં ઝાડવાં ઉપર આકાશમાં અનંત તેજના ગોળા સાધુ શ્યામચરણદાસજી તથા ભગવાનપ્રસાદબાબુતેમને પણ દેખાયા. તેને જોઈને પરસ્પર બોલવા લાગ્યા જે, ‘‘અહો ! આ શિખર ઉપર ને જન્મસ્થાન ઉપર તેજના ગોળા જેવું શું દેખાય છે !’’ ત્યારે બીજા બોલવા લાગ્યા જે, ‘‘આ ઘનશ્યામ મહારાજનું જન્મસ્થાન મોટું તીર્થ છે તેમાં કચ્છદેશના મોટા મુક્ત અબજીભાઈ આદિ દર્શન કરવા આવ્યા છે, માટે તે મુક્તનાં ને શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા સારુ દેવ આવ્યા છે.’’ તે કેટલાક કહે જે, ‘‘તે દેશના હરિભક્ત બહુ પ્રેમી ને ધર્મવાળા છે માટે તેમના સમાસને અર્થે શ્રીઘનશ્યામ મહારાજે કાંઈક ચમત્કાર દેખાડ્યો હશે.’’ -એમ બોલતા હતા ને તે દેવ બે ઘડી સુધી મુક્તરાજનાં તથા મંદિરમાં શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરીને પછી મુક્તશ્રીની તથા શ્રીહરિની ઇચ્છાથી પોતપોતાના સ્થાનકે ગયા ને બાપાશ્રી સભામાં આવીને બેઠા ને સભામાં બાળમુકુંદબાબુ ને ભગવાનપ્રસાદજી આદિ બેઠા હતા તેમની સાથે વાતો કરી ત્યાં આરતી થઈ, ત્યારે મંદિરમાં સર્વે દર્શન કરવા ગયા. તે સમે શ્રીઘનશ્યામ મહારાજ આદિ મૂર્તિઓનાં પણ તેજોમય ને ‘મંદ મંદ’ હાસ્યજુક્ત એવાં સર્વેને દર્શન થવા લાગ્યાં. તેથી ભગવાનપ્રસાદજી આદિ સર્વે બહુ રાજી થયા ને બાપાશ્રીએ દર્શન કરી કથાવાર્તા કરીને આસને આવી યોગનિદ્રા અંગીકાર કરી.

વળી એક દિવસ મુક્તરાજશ્રીએ પ્રેમજીભાઈને કહ્યું જે, ‘‘પ્રેમજી ! અહીં તો વરસાદ બહુ વરસે છે પણ આપણા કચ્છમાં તો કાળ છે.’’ ત્યારે પ્રેમજીભાઈને વિચાર થયો જે, ‘‘અનાદિ મુક્તરાજ કચ્છમાંથી અહીં આવવા નીકળ્યા ત્યારે મારે અમદાવાદથી પાછા કચ્છમાં જવાની ઇચ્છા હતી, પણ બાપાશ્રીની સાથે આંહીં આવવાનું થયું છે તેથી કચ્છમાં જવાનો વિલંબ થશે અને દેશમાં વરસાદ નથી અને છોકરાને ભલામણ પણ કરી નથી તેથી ખેતીનું કામ છોકરા શી રીતે કરશે ?’’ ત્યારે મુક્તરાજશ્રીએ પ્રેમજીનો સંકલ્પ જાણીને પ્રેમજીને કહ્યું જે, ‘‘નાહવા જાવું છે.’’ ત્યારે તે પ્રેમજી ઊઠીને બાપાશ્રી સાથે ચાલ્યા અને બાપાશ્રી દરવાજા પાસે આવ્યા. ત્યારે પ્રેમજીએ કહ્યું જે, ‘‘બાપા ! દરવાજો બંધ છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમે આંખો મીંચો.’’ એટલે તેમણે આંખો મીંચી ને ઉઘાડીને જોયું, ત્યાં તો નારાયણસરના કાંઠે આવ્યા તેવામાં આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવીને ત્યાં જ ઊભું રહ્યું ને બાપાશ્રી વિમાનમાં બેઠા ને પ્રેમજીભાઈને બેસવાનું કહ્યું ત્યારે તે પણ બેઠા, ત્યાં તો વિમાન આકાશમાર્ગે ઊડ્યું તે બે મિનિટમાં નારણપુર પ્રેમજીની વાડીએ આવ્યું. ત્યાં પ્રેમજીના દીકરા જાગીને બાપાશ્રી દંડવત્‌ કરીને મળ્યા ને પ્રેમજીભાઈ તો જોઈ રહ્યા ને બાપાશ્રીએ પ્રેમજીના દીકરાને કહ્યું જે, ‘‘આ દુષ્કાળનું વર્ષ છે, માટે વાડી વિના બીજાં ખેતર વાવશો નહિ.’’ -એમ કહીને બાપાશ્રી પોતાની વાડીએ ચાલ્યા ત્યાં તો બાપાશ્રીના દીકરા જાગીને દંડવત્‌ કરીને મળ્યા. ત્યારે બાપાશ્રીએ તેમને પણ બીજાં ખેતર વાવવાની ના કહી ને વાડીના કામની ભલામણ કરીને કહ્યું જે, ‘‘અમે જઈએ છીએ.’’ -એમ કહીને વિમાનમાં બેઠા, ત્યાં તો બે મિનિટમાં છપૈયે આવ્યા ને બાપાશ્રી તથા પ્રેમજી વિમાનમાંથી નીચે ઊતર્યાં ત્યાં જ વિમાન અદૃશ્ય થઈ ગયું. પછી ઉતારે આવી બાપાશ્રીએ પ્રેમજીને કહ્યું જે, ‘‘તમારો સંકલ્પ પૂરો થયો ને ?’’ ત્યારે પ્રેમજીએ કહ્યું જે, ‘‘બાપા ! તમે પૂરો કર્યો.’’

એક દિવસ બાપાશ્રી આસને બેઠા હતા, -તે વખતે ધ. ધુ. વાસુદેવપ્રસાદજી મહારાજનો જન્મ થયો તેની મંદિરમાં વધામણી આવી. ત્યારે બાપાશ્રીએ પ્રાણશંકરભાઈને કહ્યું જે, ‘‘વાસુદેવપ્રસાદજી મહારાજ નરનારાયણદેવની ગાદીના આચાર્ય થશે.’’ -તે વાત સાંભળીને સર્વે જનો આશ્ચર્ય પામ્યા. એમ આનંદ-ઉત્સવ કરતા થકા છપૈયામાં દસ દિવસ રહીને પાછા કચ્છદેશમાં ભૂજનગર પધાર્યા. હવે બાપાશ્રીને ભૂજનગરમાં પધાર્યા જાણી હજારો હરિભક્તો સન્મુખ આવ્યા હતા. તે સર્વે બાપાશ્રીનાં દર્શન કરીને પરમ આનંદ પામ્યા ને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સંત-હરિભક્તોને મળીને વૃષપુર પધાર્યા.

કોઈક સમે વૃષપુરમાં પ્લેગનો ઉપદ્રવ થવા લાગ્યો,ત્યારે ગામના સર્વે મનુષ્ય વાડીઓમાં છાપરાં કરીને રહેવા ગયા ને બાપાશ્રી નારાયણપુર ગયા હતા તે આવ્યા, ત્યારે ગામમાં કોઈ મનુષ્ય મળે નહિ ને બાપાશ્રીને ઘેર બાપાના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ આદિ રહ્યા હતા તે પણ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘બાપા ! ગામના મનુષ્યો સર્વે વાડીઓમાં રહેવા ગયા છે તો આપણે કેમ કરશું ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આપણે ઘેર બેઠા મહારાજનું ભજન કરો.’’ ત્યારે તેમણે કહ્યું જે, ‘‘ગામમાં કોઈ નથી ને આપણાથી કેમ રહેવાય ?’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘એ સાચુ; માટે કાકરવાડીએ જઈએ.’’ પછી તે વાડીમાં માંડવા કરીને રહ્યા ને બાપાશ્રી પોતે ઠાકોરજીની સેવા કરવા સારુ મંદિરમાં ત્રણ વાર આવીને ઠાકોરજીને જગાડે, જમાડે ને પોઢાડે એમ નિત્યે સેવા કરતા. પછી ગામધણીએ ગામના ફરતા કાંટા દેવરાવીને ગામમાં કોઈને પેસવા ન દેવા તેવી બંધી કરાવી. પછી બાપાશ્રી માવજી પટેલ આદિ હરિભક્ત પાસે ઠાકોરજીની મૂર્તિઓ સિંહાસનમાંથી બહાર કઢાવીને કાકરવાડીએ લઈ ગયા, ત્યાં વડવાળા કૂવા પાસે મંડપ કરાવ્યો ને તેમાં ઠાકોરજીને પધરાવ્યા ને મુક્તશ્રી ઠાકોરજીની સેવા કરતા, હજારી તથા મોગરા આદિ પુષ્પના હાર કરીને પહેરાવતા ને સાંજ-સવાર બે વખત આરતીઓ થતી ને બીજી વાડીઓમાંથી હજારો હરિભક્ત મુક્તરાજશ્રીની વાડીએ શ્રીઠાકોરજીનાં ને મુક્તશ્રીનાં દર્શન કરવા આવતા ને કથાવાર્તા સાંભળવા બેસતા ને મુક્તરાજશ્રીના મુખકમળનાં વચન સાંભળીને તથા દર્શન કરીને સર્વેને અતિશય આનંદ થતો હતો. ને તે સર્વે ગામ-પરગામના હરિભક્ત મુક્તરાજશ્રીને વિષે અતિશય સ્નેહે કરીને દૃઢ આત્મબુદ્ધિ ને પ્રીતિને પામ્યા થકા મુક્તશ્રીને ક્ષણમાત્ર પણ ત્યાગ કરવાને સમર્થ થતા નહિ; અહોનિશ મુક્તશ્રીને સેવા-સમાગમ કરતા ને બીજી વ્યાવહારિક ક્રિયામાં પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં તેલધારાવત્‌ અખંડ વૃત્તિ રાખતા અને તે પ્લેગના રોગમાં મુક્તરાજ બાપાશ્રીએ વચનામૃતનાં સાત પારાયણો વાંચ્યાં ને ઘણાક ભક્તજનો બેસતા, એમ અહોનિશ કથાવાર્તા-કીર્તન કરતા ને કરાવતા ને હરિભક્ત સત્સંગી સર્વે પોતપોતાના ધર્મની મર્યાદામાં રહીને મહારાજનું ભજન કરતા, તોપણ અવિદ્યાવાળા હતા તે અવગુણ લેતા ને તે પ્લેગના રોગમાંજ બાપાશ્રીએ ભોજાભક્તનેદેહ મેલાવીને મહારાજની મૂર્તિમાં રાખ્યા. તે ભોજાભક્તના ઘરનું મનુષ્ય અધર્મી હતું, તોપણ તેનો સંગ લાગ્યો નહિ. પછી ગામમાં આવવાની રજા થઈ ત્યારે મુક્તશ્રીએ કાકરવાડીએ સર્વે સત્સંગીને બોલાવ્યા ને પ્રતિમારૂપ મહારાજને પાલખીમાં પધરાવ્યા ને હરિભક્ત પાસે પાલખી ઉપડાવી અને ઉત્સવિયા હરિભક્ત ઝાંઝ-મૃદંગ વજાવી કીર્તન બોલીને ઉત્સવ કરતા આગળ ચાલ્યા ને બાપાશ્રી પાલખીને પડખે ચાલ્યા ને બે હરિભક્તેબે પડખે રહીને મહારાજ ને મુક્ત ઉપર છત્રધારણ કર્યું ને ચામર ઢોળવા લાગ્યા અને કેટલાક પાછળ ચાલતા હતા એવી શોભાએ યુક્ત શ્રીજીમહારાજને ગામમાં ફેરવીને મંદિરમાં આવ્યા. પછી બાપાશ્રીએ પ્રતિષ્ઠાવિધિપૂર્વક શ્રીજીમહારાજની મૂર્તિઓ પોતાને હાથે સિંહાસનમાં પધરાવી. તે સમે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજનો સમૂહ દેખાયો ને સિંહાસનમાં શ્રીજીમહારાજ સાક્ષાત્‌ બિરાજમાન છે, તેવાં દર્શન બાપાશ્રીને થતાં હતાં ને સેવક નારાયણ ભક્ત આદિ કેટલાકને બાપાશ્રીનાં પણ તેજોમય દર્શન થયાં. પછી તેજ શ્રીજીમહારાજમાં સમાઈ ગયું, ત્યારે સર્વે હરિભક્ત આશ્ચર્ય પામ્યા. પછી બાપાશ્રીએ ઠાકોરજીને થાળ ધરીને સર્વેને પ્રસાદી વહેંચી આપી ને સાધુ-હરિભક્તને જમાડ્યા. પછી મુક્તરાજે પોતાના પુત્રે સહિત વાડીથી ગામમાં આવીને પોતાના ભુવનમાં નિવાસ કર્યો. હવે બાપાશ્રી મંદિરમાં સંતનું મંડળ આવે તેને પોતાના ઘેરથી લોટ, ઘી, ગોળ, ખીચડી, શાક આદિ લાવીને જમાડતા ને બીજા હરિભક્ત પાસે પણ ઠાકોરજી ને સંતની સેવા કરાવતા ને જે હરિભક્ત દર્શન-સમાગમ સારુ આવે તેને પણ પોતાના ઘેર રસોઈ કરાવીને જમાડતા ને શ્રીજીમહારાજ તથા અનાદિમુક્તનો મહિમા સમજાવીને સુખિયા કરતા ને બાપાશ્રીનાં ઘરનું કામ તે બાપાશ્રીના હેતવાળા હરિભક્ત કરતા. પછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ મોટા થયા ત્યારે તે કામ કરતા ને બાપાશ્રી તો દેખરેખ રાખતા ને કૃપાદૃષ્ટિ માગે, તેને કૃપા કરીને મૂર્તિમાં રાખતા.

સંવત ૧૯૫૭ની સાલમાં સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ પોતાના ગુરુની સાથે પહેલવહેલાં કચ્છમાં ગયા હતા ને ભૂજ થોડા દિવસ રહીને પછી વૃષપુર ગયા. ત્યાં તેમણે પ્રીતિ-અનુવૃત્તિથી ને સેવાએ કરીને મુક્તરાજશ્રીને ખૂબ રાજી કર્યા ને થોડા દિવસ રહીને પાછા આ દેશમાં આવતા હતા, તે રસ્તામાં આવતાં હળવદ રોકાયા. ત્યાં રાત્રીએ એમને શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દર્શન થયાં, તેમાં શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજનાં કિરણો છૂટે છે ને મૂર્તિ અતિશય રૂપાળી છે ને બાપાશ્રી તો મનુષ્યરૂપે હતા તેવા જ દેખાયા. પછી બાપાશ્રી શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા ને શ્રીજીમહારાજ પણ અંતર્ધાન થયા ને સાધુ કેશવપ્રિયદાસજી જાગી ગયા, ત્યારે પણ તેવી જ સ્મૃતિ રહી ને જ્યારે ધ્યાન કરે ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં ચિત્તમાં નિરોધ થઈ જાય ને બીજી ક્રિયામાં પણ મૂર્તિમાં વૃત્તિ રહેવા લાગી ને મૂર્તિનું સુખ પણ આવવા લાગ્યું, તેથી અનાદિમુક્ત બાપાશ્રીનો મહિમા ને દિવ્યભાવ સમજાયો ને બાપાશ્રીમાં આત્મબુદ્ધિ પણ થઈ ગઈ, પછી તેઓ ત્યાંથી અમદાવાદ ગયા.

ઇતિ વિશ્રામ ૨૨