વિશ્રામ ૪૬

ત્યાર પછી બાપાશ્રી સરસપુરથી જયતલપુર પધાર્યા. ત્યાં બાપાશ્રીનો ઉતારો સભામંડપને મેડે ધ. ધુ. આચાર્યશ્રીને રહેવાના હૉલમાં રાખ્યો હતો ને સદગુરુ આદિ સંત પણ સાથે જ હતા ને ‘સત્સંગિજીવન’નું પારાયણ ચાલુ થયું હતું ને બાપાશ્રી નિત્યે મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં બેસતા. તે સમે અમદાવાદથી મહંત સ્વામી ઘનશ્યામજીવદાસજી તથા સુરતના મુનસબ સાહેબ મનસુખભાઈ-તે મોટરમાં બેસીને બાપાશ્રીનાં દર્શન કરવા નિત્યે આવતા ને બીજા પણ ઘણાક સંત-હરિભક્ત દર્શન કરવા આવતા, તેથી જયતલપુરમાં સમૈયો હોય ને શું ! એમ લાગતું ને નિત્યે સવારમાં નવ વાગે કથાની સમાપ્તિ થતી. ત્યાં બાપાશ્રી ને સદગુરુ આદિ સંત-હરિભક્ત નિત્યે દેવસરોવરમાં સ્નાન કરવા જતા ને સ્નાન કરી મહોલમાં દર્શન કરી આસોપાલવ નીચે ઓટા ઉપર બેસીને વાતો કરતા ને ક્યારેક બોરસડી નીચે ચોતરામાં બેસતા ને સંત-હરિભક્ત પણ પાસે બેસતા ને બાપાશ્રી અલૌકિક વાતો કરતા.

એક દિવસ બાપાશ્રીએ બોરસડી નીચે વાત કરી જે, ‘‘અક્ષરધામના પતિ સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત તે આ સ્થાનમાં રહેતા ને તેમને જોગે અનંત જીવના આત્યંતિક મોક્ષ થયાં. અત્યારે પણ મહારાજ ને મુક્ત પ્રગટ છે ને તેમનાં જોગ-દર્શન તેવાં જ છે, તેવું સમજાય તો તેનું કામ પૂરું થઈ જાય. આવો જોગ સદાય રહે નહિ, અત્યારે તો તેવું જ ટાણું આવ્યું છે. અને શ્રીજીમહારાજે અત્યારે પોતાનું સર્વોપરીપણું સમજાવવાની ઇચ્છા આ મુક્ત દ્વારે કરી છે, તેથી જ આ મુક્ત શ્રીજીમહારાજને સર્વોપરી સમજાવે છે. તે જે શ્રીજીમહારાજને સર્વોપરી સમજે છે તેના ઉપર બહુ રાજી થાય છે; કેમ જે ઉપાસના સમજવી ને આજ્ઞા પાળવી તે તેમનો સિદ્ધાંત છે. શ્રીજીમહારાજની ઉપાસના તે શું, તો અક્ષરથી પર એકાંતિક છે, તેથી પર પરમએકાંતિક ને તેથી પર અનાદિમુક્ત છે ને અનાદિમુક્તના સ્વામી સુખદાતા ને નિયંતા શ્રીજીમહારાજ છે. તે અત્યારે પ્રત્યક્ષ છે, માટે તે મૂર્તિમાં ધ્યાન કરીને જોડાવું પણ બીજા ડોળે ચઢી જાવું નહિ ને શ્રીજીમહારાજની આજ્ઞામાં સદાય સાવધાન થઈને રહેવું, ને આ મળ્યા છે, તે પણ મૂકશે નહિ એવો દૃઢ નિશ્ચય રાખવો.’’ -એમ વાત કરીને મંદિરમાં પધાર્યા.

એક દિવસ મહોલમાં બેસીને વાત કરી જે, ‘‘આ બોરસડી નીચે મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, મહાનુભાવાનંદસ્વામી આદિ મોટા સંત રહેતા. તેમાં એક સમે રાત્રીએ કથાવાર્તા કરીને ધ્યાન કરતા હતા ને કેટલાક સંત લીલા-ચરિત્ર સંભારતા હતા. તે સમે આકાશમાં તેજનો ગોળો દેખાયો. પછી તેજથી તળાવ ને મહોલ તથા સર્વે વૃક્ષ ઢંકાઈ ગયાં ને તે તેજમાં મોટા મોટા દેવ દેખાયા ને તે સર્વે દેવે મહોલમાં પ્રવેશ કર્યો, ત્યાં શ્રીજીમહારાજ પલંગમાં પોઢ્યા હતા તે બેઠા થયા ને તે દેવ દર્શન કરીને પાસે બેઠા. પછી શ્રીજીમહારાજે અમૃત દૃષ્ટિથી તેમના સામું જોયું, ત્યારે તેમને અતિશય આનંદ થયો ને શ્રીજીમહારાજનો અપાર મહિમા સમજાયો. પછી તે દેવ શ્રીહરિને બે હસ્ત જોડી નમસ્કાર કરીને સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે સ્વામિન્‌ ! હે પ્રભુ ! તમે અક્ષરાતીત મુક્તના સ્વામી છો, તમારી મૂર્તિનો પ્રકાશ અનંત અપાર છે ને તે તેજનાં કિરણે કરીને અમને સર્વેને પ્રકાશમાન કરો છો, એવું તમારું અતિ તેજોમય ધામ છે. તેમાં તમે સદા વિરાજમાન છો. ને તે ધામમાં તમારી સેવામાં જે મહામુક્ત રહ્યા છે તેમને જ તમારાં દર્શન છે પણ અમને તમારા ધામમાં દર્શન કરવા આવવાની ગતિ નથી, પરંતુ અત્યારે તમે કૃપા કરીને સર્વેને દર્શન દો છો. ને અમને પણ તમે કૃપા કરીને દર્શન દેવાની ઇચ્છા કરી ત્યારે તમારાં દર્શન થયાં. હે અનાદિ મુક્તાધિપતિ ! તમે નરનાટક ધારણ કરીને તમારા પ્રેમી ભક્તને લાડ લડાવો છો, તે તમે અમારા ઉપર કૃપા કરીને તમારા ભક્તને ઘેર જન્મ આપો, એટલે અમને પણ તમારાં ને તમારા મુક્તનાં દર્શન-સેવાસમાગમનો લાભ મળે.’’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘તમને અમારાં ને અમારા મુક્તનાં દર્શન થયાં; હવે તમે તમારા સ્થાનમાં રહીને અમારું ધ્યાન-ભજન કરજો, ને વળી કોઈક સમે આવા જોગમાં લાવીશું.’’ પછી તે સર્વે દેવ મહારાજની મરજી જાણીને ગયા. આ દેવને વચનામૃત આદિ શાસ્ત્રમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ દેવ કહ્યા છે પણ તે દેવ તો મોટા અક્ષરપુરુષ, મહાપુરુષ આદિ અવતારો આવ્યા હતા પણ જેમ છે તેમ લખવામાં આવે નહિ; કેમ જે ઉપાસનાની વાત સમજવી અટપટી છે. તે તો મહારાજ ને મોટા મુક્તના મુખથી જ સમજાય છે.’’ -એમ વાત કરી. પછી મંદિરમાં આવ્યા ને દેવરાજભાઈ આદિ પોતાની સાથે આવેલા હરિભક્ત તેને સાથે લઈને હવેલીમાં જમવા પધાર્યા ને જમીને આસને આવીને બે ઘડી વિશ્રાંતિ કરી -ત્યાં કથાનો સમય થયો એટલે ઠાકોરજીનાં દર્શન કરી કથામાં બેઠા. આવી રીતે અનાદિ મુક્તરાજ જયતલપુરમાં સર્વેને સુખ આપતા હતા. પછી કથાની સપ્તાહ પૂરી કરીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં. ત્યાર પછી જયતલપુરથી ગામ અસલાલી આવ્યા નેત્યાં મંદિરમાં ઊતર્યા, ત્યાં કંકુબાના ભાઈ શંકરભાઈને ઘેર થાળ જમીને મંદિરમાં રાત્રી રહ્યા ને સર્વેને રાજી કરી અમદાવાદ સમૈયામાં પધાર્યા.

હવે ત્યાંથી બાપાશ્રી છપૈયે જવાના છે એ વાત જાણીને કચ્છદેશનાં હરિભક્ત બાઈઓ-ભાઈઓ બે હજાર આવ્યાં હતાં ને નરનારાયણ તથા લક્ષ્મીનારાયણ દેશના હરિભક્ત પણ બાપાશ્રીને સમૈયામાં પધાર્યા જાણીને હજારો આવ્યાં હતાં, તેથી સમૈયામાં પણ ઘણી ભીડ થઈ હતી ને સમૈયામાં સાંખ્યયોગી નર્મદાબાએ ‘સત્સંગિજીવન’ના ત્રીજા પ્રકરણનું પારાયણ બેસાડ્યું હતું તેની સમાપ્તિ ચૈત્ર સુદ નોમની કરાવી. આવી રીતે બાપાશ્રી તે સમૈયામાં સર્વેને સુખ આપીને ત્રયોદશીને દિવસત્યાંથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને લઈને રનોડે, ધોળકે ગયા અને ત્યાંથી અસલાલી, ગામડી, બારેજડી થઈને સરસપુર આવ્યા. ત્યાંથી આશાભાઈના હેતથી કણભે જઈ પાછા સરસપુર આવ્યા ને છપૈયા જવા રેલગાડીના ડબ્બા રિઝર્વ્ડ કરાવ્યા. પછી શ્રીહરિની આજ્ઞા-ઉપાસનાએ જુક્ત એવા ઘણા સંત-હરિભક્તને સાથે લઈને બાપાશ્રી રેલમાં બેસી છપૈયા તરફ ચાલ્યા, તે જયપુર ઊતર્યા ને ત્યાંથી છપૈયે પધાર્યા. ત્યાં ગુજરાત આદિ દેશના ઘણા હરિભક્ત બાપાશ્રી સાથે તથા કેડેથી છપૈયે આવ્યા હતા અને ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ તે પણ પધાર્યા હતા ને જન્મસ્થાનમાં બાળસ્વરૂપ શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની સર્વે સામગ્રી તૈયાર કરી હતી ને ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું હતું ને અનાદિ મુક્તરાજશ્રી પધાર્યા, તેથી હજારેહજાર સાધુ-હરિભક્ત આવ્યા હતા. પછી સપ્તાહની પૂર્ણાહુતિ કરી ને પ્રતિષ્ઠાવિધિ પણ વિદ્વાન બ્રાહ્મણો પાસે શાસ્ત્રવિધિ પ્રમાણે ચાલુ કર્યો હતો ને બાપાશ્રી નારાયણ સરોવરમાં સ્નાન કરીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સંત-હરિભક્તને સાથે લઈને ખાંપાતળાવડી ને ગૌઘાટ આદિ તીર્થમાં જઈ આવ્યા. પછી ચૈત્ર વદ નોમને દિવસ ભારે ધામધૂમથી સર્વે સંત-હરિભક્ત, અનાદિમુક્ત બાપાશ્રી ને ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી તેમણે શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિ સિંહાસનમાં પધરાવી. પછી આચાર્ય મહારાજશ્રીએ ને બાપાશ્રીએ શ્રીઘનશ્યામ મહારાજની આરતી કરીને હરિભક્તોએ પણ વારાફરતી આરતીઓ ઉતારી, તે સમે સ્વામી વૃંદાવનદાસજી આદિને શ્રીઘનશ્યામ મહારાજનાં દિવ્યરૂપે દર્શન થયાં. પછી સર્વે હરિભક્તોએ શ્રીઘનશ્યામ મહારાજને ભેટ કરી. તેની સેવા શ્રીઘનશ્યામ મહારાજને ઘણી થઈ હતી ને સમૈયો પણ બહુ મોટો થયો હતો ને બાપાશ્રી પણ છપૈયામાં દસ દિવસ રહ્યા ને સર્વેને સુખ આપી ચૈત્ર વદ એકાદશીને રોજ છપૈયેથી રેલમાં બેસીને અયોધ્યે આવ્યા. ત્યાંથી આગ્રા, જયપુર, ખારચી, સિદ્ધપુર થઈને ભંકોડે ઊતર્યા ને ત્યાંથી દેવપરે ગયા, ત્યાંથી મણિપુરા, જોશીપુરા, વિરમગામ થઈને મૂળી આવ્યા ને પચાસ માણસોને કૉલેરા થયો હતો તેમને સદ્‌. સ્વામી હરિનારાયણદાસજીએ ત્યાં બાર મણ દહીં ને આઠ મણ ખાંડ પિવડાવીને બધાયને ઠંડા કર્યા ને તેમને ઊલટીઓ ને ફેરા બંધ થઈ ગયા ને સાજા થયા. વળી વાંટાવદરના શેઠ ભૂરાભાઈની પાસે બે ગાડાં તડબૂચ મંગાવીને કાંપમાંથી આઠ મણ દાડમ મંગાવીને સર્વેને જમાડ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામી ! ખર્ચ બહુ કર્યું.’’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘‘આ સર્વે શ્રીજીમહારાજનું ને તમારું છે.’’ પછી ત્યાંથી ચાલ્યા ને બાપાશ્રીની કૃપાદૃષ્ટિથી કોઈને પણ રોગ પરાભવ કરી શક્યો નહિ ને સર્વેને સારું થઈ ગયું અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત બાપાશ્રીને મોરબી સુધી મૂકવા ગયા હતા. ત્યાંથી બાપાશ્રી નવલખી આવી આગબોટમાં બેસી ભૂજ આવ્યા, ત્યારે ભૂજના ને ગામડાના સંત તથા હરિભક્ત બાપાશ્રીને સન્મુખ આવ્યા ને સ્ટેશન ઉપર મોટી સભા થઈ ને બ્ર. નિર્ગુણાનંદજી ને ભોગીલાલભાઈ આદિ હરિભક્ત તેમણે ચંદનપુષ્પના હારથી બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રીને સગરામમાં બેસાડીને સૌ મંદિરમાં આવ્યા, ત્યાં બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં બેઠા ને સંત-હરિભક્તની મોટી સભા ભરાઈ. પછી બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, ‘‘સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ અમને બહુ સાચવ્યા છે ને બહુ જ સેવાકરી ને સંત-હરિભક્તનાં હેત પણ બહુ. આખો દિવસ ને રાત પાસે બેઠા જ હોય. ને છપૈયામાં હરિભક્તોએ શ્રીઘનશ્યામ મહારાજની સેવા બહુ સારી કરી. બાર હજાર રૂપિયા તો ભેટના થયા ને બીજી સેવા પણ ઘણી કરી ને સમૈયો પણ બહુ ભારે થયો.’’ -એમ વાતો કરીને સર્વેને રાજી કર્યા ને બીજે દિવસ વૃષપુર આવ્યા.

ઇતિ વિશ્રામ ૪૬