વિશ્રામ ૧૩
ફાગણ વદ ૧૨ના દિવસે સ્વામી નિર્ગુણદાસજી ને મુક્તશ્રી અબજીભાઈ તથા લક્ષ્મીરામભાઈ આદિ સર્વે વૃષપુરના મંદિરમાં વિરાજમાન હતા ને સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને વચનામૃતની કથા વંચાતી હતી. તેમાં સારંગપુરના ૧૧ના વચનામૃતમાં વાત આવી જે, ‘‘ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે.’’ ત્યારે સ્વામી નિર્ગુણદાસજી બોલ્યા જે, ‘‘મૂર્તિમાં રહેવાની વાતો મેં ગોપાળાનંદસ્વામી થકી જે સાંભળી છે તે કહું છું :-
(૧) એક સમયે શ્રીજીમહારાજ રાત્રીને વિષે સુરા ભક્તના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પાસે ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી, નિષ્કુળાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી આદિ મોટા મોટા સંત શ્રીજીમહારાજ પાસે બેઠા હતા. પછી શ્રીજીમહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ‘‘સંતો ! પ્રશ્ન પૂછો.’’ ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ‘‘હે મહારાજ ! અનાદિમુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે, કે નિરાકાર થકા મૂર્તિમાં રહે છે ?’’ (૨) ‘‘ને સમગ્ર મૂર્તિમાં રહે છે, કે એક અંગમાં રહે છે ?’’ (૩) ‘‘ને અખંડ મૂર્તિમાં રહે છે, કે ક્યારેક મૂર્તિમાં રહે છે ને ક્યારેક મૂર્તિથી બહાર પણ રહે છે તે કહો ?
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ‘‘અનાદિમુક્ત તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ મૂર્તિમાં રહે છે, પણ નિરાકાર થઈને રહેતા નથી; કેમ જે શ્રીજીમહારાજની પેઠે જ અનાદિમુક્ત સદાય સાકાર મૂર્તિ છે.’’ (૨) ‘‘અને તે અનાદિમુક્ત શ્રીજીમહારાજના મસ્તકથી ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે; પણ મુખ, કે છાતી, કે ચરણ એમ એક અંગમાં રહેતા નથી; માંહીં બહાર સળંગ મૂર્તિમાં લીન થઈને રહે છે.’’ (૩) ‘‘અને અખંડ મૂર્તિમાં રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી ને અનાદિમુક્ત જીવના કલ્યાણ કરવા આવ્યા છે -એમ કહેવાય છે, તે તો શ્રીજીમહારાજ પોતાની ઇચ્છાથી અનાદિમુક્તને જીવના કલ્યાણ કરવા સારુ દેખાડે છે; પણ અનાદિમુક્ત તો શ્રીજીમહારાજની ઇચ્છાથી મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આવતાજતા નથી. અને સારંગપુરના ૧૧માં કહ્યું છે જે, અનાદિમુક્ત અતિશય હેતે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે, તે પણ મૂર્તિમાં રહ્યા થકા જ શ્રીજીમહારાજની ઇચ્છાથી બ્રહ્માંડમાં દર્શન આપે છે ને જીવનો મોક્ષ કરવા રૂપી સેવા કરે છે.’’
પછી ગોપાળાનંદસ્વામીએ શ્રીજીમહારાજને (૪) ચોથું પ્રશ્ન પૂછ્યું જે, ‘‘અનાદિમુક્ત ને પરમએકાંતિક મુક્તમાં ભેદ કેટલો છે ? (૫) પાંચમું જે, ‘‘અનાદિમુક્ત તમારામાં લીન રહે છે તે અનાદિમુક્તને તમારા વિષે દાસભાવ કેવી રીતે રહે છે ?’’ ને પ્રશ્ન (૬) છઠ્ઠું જે, ‘‘તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિ કાળના રહે છે તેઓ અનાદિમુક્ત કહેવાય છે તે તો બરાબર છે, પણ જે તમને ભજીને નવા મુક્ત થયા તેઓ અનાદિ કેમ કહેવાય ?’’
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૪) ‘‘અનંતકોટિ અનાદિમુક્ત છે તેમનો દરજ્જો પરમએકાંતિકથી અતિ અધિક છે; અનાદિમુક્ત તો મૂર્તિમાં છે, છે ને છે જ. અનાદિમુક્તને અમારું માહાત્મ્ય તથા અમારે વિષે પ્રેમ પણ પરમએકાંતિક મુક્તથી ઘણો અધિક છે ને અનાદિમુક્ત તો અમારા રૂપ છે ને અમારી સમગ્ર મૂર્તિમાં લીન રહ્યા થકા સમગ્ર મૂર્તિનું નવીન નવીન સુખ ભોગવે છે, માટે પરમએકાંતિક મુક્તથી અનાદિમુક્તને સુખ ઘણું અધિક છે.’’ હવે દાસભાવ કહીએ છીએ જે, (૫) ‘‘અનાદિમુક્ત જેમ મહિમા અધિક જાણે છે તેમ જ અમારે વિષે દાસભાવ પણ પરમએકાંતિકથી અતિ અધિક રહે છે; કેમ જે જેનું સુખ આવે તેને વિષે દાસભાવ રહે જ અને પરમએકાંતિક મુક્તનો સમૂહ પણ અનંત ને અપાર છે ને તે મધ્યે હું વિરાજમાન છું ને સર્વે મુક્તને પાસે ને સન્મુખ દેખાઉં છું. એવું મારું અલૌકિકપણું છે ને તે પરમએકાંતિક મુક્તને પણ ઊંચું-નીચું તથા પડખું-કેડે એવા ભાવ નથી તથા દેહ દેહી ભાવ નથી. દિવ્યવિગ્રહ ને ચૈતન્યઘન મૂર્તિઓ છે ને જેમ વૃક્ષ સાથે છાલ ચોટી જાય છે તેમ મારી મૂર્તિ સાથે બહારથી જોડાઈ ગયા છે, પણ અનાદિમુક્તથી પરમએકાંતિક મુક્તને મારું માહાત્મ્ય તથા હેત ઓછાં છે. તેથી પરમએકાંતિક મુક્તને મૂર્તિમાં રહેવાની ગતિ પડતી નથી ને તેથી જ તે મુક્તને સુખ ને દાસભાવ પણ અનાદિમુક્તથી ન્યૂન છે ને સર્વોત્તમ મુક્તની સ્થિતિ તો અનાદિમુક્તની જ છે અને અનાદિમુક્ત તો મૂર્તિ સ્વરૂપ છે.’’ હવે પ્રશ્ન (૬) છઠ્ઠાનો ઉત્તર જે, ‘‘નવાને અનાદિ કહેવાય છે તેનું કારણ એ છે જે, જે મુક્ત મૂર્તિમાં રહે છે તે મુક્તની અનાદિમુક્ત એવી સંજ્ઞા છે ને કૈવલ્યમુક્ત તથા નિત્યમુક્ત ને સર્વાત્માબ્રહ્મ તે પણ અનાદિમુક્તને જ કહ્યા છે. વળી નવા મુક્ત અનાદિ કહેવાય છે, તે શાથી તો, અનાદિમુક્તને આદિભાવ શ્રીજીમહારાજ ભુલાડી દે છે, તેથી તે મુક્તને હું અનાદિ કાળનો મૂર્તિમાં જ છું -એમ વર્તે છે. જેથી નવા મુક્ત મૂર્તિમાં આવે છે તે સર્વેને પણ અનાદિ કહેવાય છે ને તે મુક્તને એક શ્રીજીમહારાજ જ દેખાય છે, માટે કૈવલ્યમુક્ત છે ને શ્રીજીમહારાજ વિના સર્વથી પર ને મોટા છે તેથી સર્વાત્માબ્રહ્મ કહેવાય છે. વળી અનાદિ એવા ભગવાનમાં રહે છે ને ભગવાનરૂપ છે માટે ભગવાનને લઈને અનાદિમુક્ત કહેવાય છે. અને જે મુક્ત ધામમાં રહે છે તે મુક્તની પરમએકાંતિક એવી સંજ્ઞા છે તથા વિદેહીમુક્ત ને મહામુક્ત પણ તેમને જ કહ્યા છે.’’ (૬)
વળી શ્રીજીમહારાજે વાત કરી જે, ‘‘કેટલાક સ્થૂળ દૃષ્ટિવાળાને શંકા થાય છે જે, ‘એક મૂર્તિમાં અનેક મુક્ત કેમ રહી શકે ?’ તેનો ઉત્તર જે, મૂર્તિ તો અકળિત ને અમાપ છે ને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જ જાણે છે પણ તેમને તેવી શંકા થતી નથી. અને અનંતકોટિ અનાદિમુક્તને મારામાં રાખ્યા છે, તે સર્વે મુક્તની સ્થિતિ તથા સુખ સરખું છે ને તે સર્વે મુક્ત અનુભવજ્ઞાને કરીને મને પોતાને, બીજા સર્વે મુક્તને ને સુખ લેવાની ગતિને જાણે છે. પણ ધામમાં રહેલા મુક્તને, તથા ધામને, તથા તેથી ઓરું અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ ને માયાનું કાર્ય તેનું જાણપણું રાખતા નથી. અને તે અનાદિમુક્ત શ્રીજીમહારાજના સ્વરૂપમાં ભેગા જ રહે છે પણ એકબીજાને આવરણ ને સંકડાશ કરતા નથી; કેમ જે, ભારે-હળવું તથા ખોલું-નક્કોર આદિ માયિક તત્ત્વના ભાવ છે, તેવા ભાવ દિવ્ય તત્ત્વમાં નથી. અને અમે ને અમારા અનાદિમુક્ત તે તો દિવ્ય તત્ત્વથી પણ દિવ્ય છીએ, તો માયિક તત્ત્વના ભાવ ન હોય ને અપારપણું ને અલૌકિકપણું હોય તેમાં શું કહેવું ! ને અમારી મૂર્તિ પણ અકળિત છે ને મૂર્તિનું સુખ પણ કળાય તેવું નથી, પણ હું જ જેના ઉપર કૃપા કરી મારું અનુભવજ્ઞાન આપી મારા રૂપ અનાદિમુક્ત કરીને મારી મૂર્તિમાં રાખું છું, તે જ મારી મૂર્તિમાં રહીને મૂર્તિના સુખને પામે છે ને ભોગવે છે ને મૂર્તિ પણ સર્વેને આગવી દેખાય છે.’’ -આવી રીતે શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામી આદિ સંતમંડળને વાત કરી હતી અને ગોપાળાનંદસ્વામીએ મને કરી હતી, તે મેં તમને કહી. અને અનાદિમુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે તેથી કરીને વિસ્તારથી લખાણી નથી પણ ઘણાંક વચનામૃતમાં તથા ગ્રંથોમાં અનાદિમુક્તની સ્થિતિની વાત બીજ માત્ર તો લખાણી છે તે જુઓ :- પ્રથમના ૧૮માં ‘હું અનાદિમુક્ત જ છું.’ તથા પ્રથમના ૩૨માં ‘નારદ સનકાદિક જેવા અનાદિમુક્ત છે તે કથાવાર્તારૂપી ચારો કરીને મૂર્તિરૂપી માળામાં વિરામ કરે છે.’ તથા પ્રથમના ૫૧માં ‘પુરુષોત્તમને જ્ઞાને કરીને પુરુષોત્તમરૂપ થાય છે.’ ને સારંગપુરના ૧૧માં ‘ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે ને શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી ને લક્ષ્મીજીની પેઠે અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે, તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે.’ આ અનાદિમુક્તની સ્થિતિ કહી છે. તથા મધ્યના ૧૩માં, ‘સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે ને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે.’ એટલે અનાદિમુક્ત શ્રીજીમહારાજના સંકલ્પથી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી આ લોકમાં પ્રગટ થાય છે ને પાછા શ્રીજીમહારાજમાં લીન થાય છે. તથા મધ્યના ૬૬માં, ‘એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે.’ એટલે અનાદિમુક્ત કરે છે. અને છેલ્લાના ૨૧માં, ‘માયાથી પર દિવ્ય ધામમાં ભગવાનના પાર્ષદ છે, તેથી આ સત્સંગીને અધિક ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.’ તે અધિક અનાદિમુક્ત એવા ગોપાળાનંદ સ્વામી આદિને કહ્યા છે. આમાં પરમએકાંતિકથી અનાદિમુક્ત અધિક છે, એમ શ્રીજીમહારાજે સમજાવ્યું છે. અને જયતલપુરના ૧માં પણ અનાદિમુક્તને વિષે આપોપું કરવાનું કહ્યું છે અને બીજા ગ્રંથમાં તથા કાવ્ય-કીર્તનમાં પણ અનાદિમુક્તની વાત બીજ-માત્ર લખી છે તે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું છે જે :-
પદ – ૪૫૧ રસબસ હોય રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી.
તથા
પદ – ૨૨૬૧ મેં પ્રીતમ કે માંહ્ય, પિયા મોય ભીતરે;
અરસપરસ એક તાર, રહ્યા સ્વતંત્ર રે.
તથા નિષ્કુળાનંદસ્વામી
કીર્તનમાં - કોટિ મુક્ત સેવા કરે,
રોમરોમ રસરૂપ;
અંગ પ્રકાશ અગમ અતિ,
અક્ષરાતીત સ્વરૂપ.
તથા સારસિદ્ધિ
જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય,
રહ્યો ઇક્ષુ૩ માંહી જેમ રસ;
તેમ હરિજન માંહી હરિ,
હળીમળી રહ્યા એકરસ.
તથા હરિસ્મૃતિ
એક વ્યાપકાનંદ મુનિ, આ.
તે પર મે’ર મોટી પ્રભુની આ૦
સદા રહે મૂર્તિમાંઈ, આ.
હરે ફરે હરિઇચ્છાઈ, આ.
એક હરિજન પર્વતભાઈ, આ.
સદા રહે હરિમૂર્તિમાંઈ, આ.
તથા ભક્તચિંતામણિ પ્ર. ૪૭ -
કરી સમાધિ કૃષ્ણમાં રઈ રે,
દેહની વિસ્મૃતિ થઈ રે.
તથા પ્ર. ૧૮ -
સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે,
જે શ્રીકૃષ્ણસ્વરૂપમાં રહેવું રે.
તથા શિક્ષાપત્રી શ્લોક ૧૧૧માં ‘એ રાધિકાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણ- ભગવાનને પડખે હોય છે ને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે ત્યારે તે શ્રીકૃષ્ણભગવાન એકલા જ હોય એમ જાણવા.’ એટલે અનાદિમુક્ત મૂર્તિમાં લીન થઈને રહે છે ત્યારે શ્રીજીમહારાજ એક જ દેખાય છે. અને સત્સંગિભૂષણ- અંશ ૧માં ઇચ્છારામભાઈની નામકરણની વાતમાં-‘આ પુત્ર પોતાની ઇચ્છાએ કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રમશે અને બીજાને રમાડશે’ તથા ત્રીજા અંશમાં સચ્ચિદાનંદસ્વામીના પ્રેમની વાતમાં ‘સચ્ચિદાનંદસ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાંરહ્યા છે, માટે શ્રીજીમહારાજ ભેગા જમે છે અને ભેગા રહીને શ્રીજીમહારાજની સર્વે લીલા જાણે છે.’ તથા મુક્તાનંદસ્વામી કૃત સૂત્રભાષ્યરત્નમાં- ‘મુક્ત ક્યારેક અતિ પ્રેમે કરીને ભગવાનને વિષે લીન રહે છે ત્યારે પણ ભગવાનના સ્વરૂપનો આનંદ એક થઈને અનુભવે છે.’ માટે સ્વામીસેવકભાવ રહે છે. આવી રીતે સર્વશાસ્ત્રમાં મૂર્તિમાં રહેવાનીવાત છે એમ મને ગોપાળાનંદસ્વામીએ કહ્યું હતું. અને ગોપાળાનંદસ્વામીની વાતોમાં પણ કહ્યું છે જે, ‘અમે એક જ મૂર્તિ દેખીએ છીએ; મૂર્તિ વિના બીજું કાંઈ દેખતા નથી.’ -એટલે મૂર્તિમાં જ રહીએ છીએ. તથા ગુણાતીતાનંદસ્વામીએ પણ પોતાની વાતોમાં કહ્યું છે જે, ‘‘તમે જેમ દેહને ભૂલતા નથી ને દેહમાં રહો છો તેમ અમે મૂર્તિને ભૂલતા નથી.’ -એટલે મૂર્તિમાં જ રહીએ છીએ. આવી રીતે અનાદિમુક્તની સ્થિતિની વાત તથા સર્વોપરી ઉપાસનાની વાત કરીને સ્વામીશ્રી મુક્ત અબજીભાઈ પ્રત્યે બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજે તમને સર્વને સુખિયા કરવા ને અનાદિની સ્થિતિ સમજાવવા મોકલ્યા છે; કેમ જે તમ જેવા મુક્તના સમાગમ વિના શ્રીજીમહારાજનું રહસ્ય સમજાય તેવું નથી. માટે હું પણ સર્વેને તમારો સેવા-સમાગમ કરવાનું કહું છું ને સમાગમ કરશે, તેને તમે જ મહિમા સમજાવશો. અને મને તો તમારાં દર્શન-સમાગમથી બહુ જ શાંતિ-સુખ આવે છે ને મહારાજની મૂર્તિમાં પણ તમારાં દર્શન થાય છે.’’ -આવી રીતે સદ્. સ્વામી નિર્ગુણદાસજી વાતો કરતા હતા, તે સમે અનાદિ મુક્તરાજશ્રીનાં સર્વેને દિવ્યસ્વરૂપે દર્શન થયાં અને સભા સર્વે સમાધિને પામી હોય ને શું ! એમ સ્થિર થઈ હતી. પછી શ્રીજીમહારાજની ઇચ્છાથી મનુષ્યભાવે દર્શન થયાં. એવી રીતે નિત્યે કથાવાર્તા થતી અને અક્ષરધામના જેવો સર્વેને આનંદ થતો. પછી સ્વામીએ મુક્તશ્રીની રજા લઈને બીજે ગામ જવાની ઇચ્છા કરી ત્યારે લક્ષ્મીરામભાઈ તથા કેસરાભાઈ આદિ સર્વે મુક્ત તે પણ સ્વામીશ્રીની ને મુક્તશ્રીની રજા લઈ તથા મળીને પોતપોતાને ગામ ગયા ને સ્વામીશ્રી નિર્ગુણદાસજી નારાયણપુર, દહીંસરા, રામપુર એ આદિ ગામોમાં કેટલાક દિવસ રહીને કથાવાર્તાથી હરિભક્તોને રાજી કરીને ભૂજનગર ગયા.
ઇતિ વિશ્રામ ૧૩