વિશ્રામ ૫૩
હવે મુક્તરાજ બાપાશ્રીએ ઘેર જઈ પોતાના પુત્રકાનજીભાઈ તથા મનજીભાઈ તેમને પાસે રાખીને અને ધનજીભાઈ તથા દેવરાજભાઈના હસ્તે પોતાની સ્થાવર-જંગમ સર્વે મિલકતની વ્યવસ્થા પોતે કરાવી; તે કેવી રીતે તો બેય દેશના મોટા મોટા મંદિરમાં રસોઈઓ આપવી, ભૂજ-ઠાકોરજીની આટલી સેવા કરવી, મારી પાછળ એક મોટું પારાયણ બેસાડવું ને સાંખ્યયોગી વાલબા ને રાધાબાને આટલી કોરીઓ આપવાનીતે બધી મળી ૨૮૦૦૦ હજાર કોરીઓ થઈ. તે ઉપરાંત બાકી રહેલી સર્વે કોરીઓ તથા ઘર તથા વાડીઓ આદિ સ્થાવર-જંગમ સર્વે મિલકત બે ભાઈને સરખા ભાગે વહેંચી આપી ને તેનું પાકું લખત કરાવ્યું ને તેમાં સાક્ષીઓની સહી નાખી. પછી પોતે સર્વેને કહેવા લાગ્યા કે, ‘‘હવે મારા શરીરનો નિર્ધાર નથી; હું તો અક્ષરધામમાં જઈને બેસીશ ને તમે સર્વે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહીને શ્રીજીમહારાજનું ભજન કરજો ને કથાવાર્તા-કીર્તન કરજો.’’ -એમ કહ્યું ત્યારે સર્વેનાં હૃદય ભરાઈ આવ્યાં અને નેત્ર સજળ થઈ ગયાં ને રુદન કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે દિલગીર ના થાઓ. હું કાંઈ મરી જાઉં તેવો નથી; હું તો અહીં છું તોપણ અક્ષરધામમાં છું ને અક્ષરધામમાં જઈને બેસીશ તોપણ તમારા ભેગો રહીશ ને તમારી રક્ષા કરીશ ને તમને સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખ્યા છે, માટે તમે કાંઈ ચિંતા કરશો નહિ.’’ -એમ બાપાશ્રીએ કહ્યું. તે સમે જ સર્વેને શ્રીજીમહારાજનાં અને બાપાશ્રીનાં દિવ્યરૂપે દર્શન થયાં તેથી સર્વેને શાંતિ થઈ ગઈ. પછી શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા ને બાપાશ્રી જેવા હતા તેવા જ પાછા દેખાયા.
વળી બાપાશ્રીએ ફરી પોતાના શરીરમાં મંદવાડ જણાવ્યો; તે એક તો તાવ આવતો હતો ને વળી મરડો થયો, તેથી દિવસમાં ને રાત્રીમાં પંદર પંદર વખત દિશાએ જવાનું થતું ને વળી લઘુ બંઘ થયાની પીડા પણ જણાવતા. તે મંદવાડને સાંભળીને ભૂજના મહંત સ્વામી મહાપુરુષદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ સંત આવ્યા હતા અને મહેતા ભોગીલાલભાઈ, જેઠી ઘેલાભાઈ આદિ ભૂજના હરિભક્ત તે પણ સર્વે આવ્યા હતા અને મુક્તસ્વરૂપ મોટાં ડોશી ધનુબા ને તેમનાં સેવક કાનબા આદિ સાંખ્યયોગી બાઈઓ પણ ગાડામાં બેસીને આવ્યાં હતાં અને દેવરાજભાઈ, નારાયણપુરના ધનજીભાઈ ને સોની મોતીભાઈ તે તો પ્રથમથી જ સેવામાં હતા ને દહીંસરાના કેસરાભાઈ, તેમના પુત્ર ખીમજીભાઈ, દેવજીભાઈ તથા રત્નાભાઈ આદિ સર્વે આવ્યા હતા. તેમ જ ગુજરાત, ઝાલાવાડ આદિ દેશના હેતવાળા સર્વે હરિભક્ત આવ્યા હતા. અને તે આવેલા સર્વે હરિભક્ત મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન કરી ને બાપાશ્રીનો મંદવાડ જોઈને અતિશય જ ઉદાસ થઈ ગયા હતા અને આ લોક, ભોગ, દેહ તેને ભૂલી જવારૂપી ઉપશમ અવસ્થાને પામીને અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ થઈ કથાવાર્તા, કીર્તન ને ધ્યાન-ભજન કરતા હતા. ને આ મંદવાડમાં બાપાશ્રી પ્રથમ દસ દિવસ મંદિરમાં રહ્યા, ત્યારે બાપાશ્રીની સેવા સંત-હરિભક્ત કરતા હતા ને બાપાશ્રીની રુચિ અનુસાર કાંજી વગેરે જમવાનું બ્રહ્મચારીકરતા.પછી બાપાશ્રી ઘેર જઈને રહ્યા ત્યારે બાપાશ્રીને સ્નાન કરાવવું,જળપાન કરાવવું આદિ સેવા બાપાના પુત્ર કાનજીભાઈ આદિ કરતા અને બાપાશ્રીને રુચે તેવી રાબ, ખીચડી, શાક, ભજિયાં આદિ ભોજન કરીને જમાડવા તે સેવા બાપાશ્રીનાં સેવક વાલબા, કાનબા વગેરે કરતાં હતાં. એવી રીતે બાપાશ્રીને મંદવાડની લીલા કરતાં ઘેર દસ દિવસ વીત્યા. ત્યારે કોઈક દિવસ મોટાં ડોશી ધનુબા તથા મુક્તસ્વરૂપ કેસરાભાઈ તે બેય અનાદિ મુક્તરાજ બાપાશ્રી પાસે આવીને બેઠાં અને બાપાશ્રીનાચરણે અને શરીરે હાથ ફેરવીને કહેવા લાગ્યા જે, ‘‘કૃપાળુ ! તમે તો સ્વતંત્ર ને સમર્થ છો માટે તમે અમને અહીં મેલીને ધામમાં જવા યોગ્ય નથી. પ્રથમ અમને ધામમાં મેલીને પછી જેમ આપની મરજી હોય તેમ કરશો. અને જો તમારે ધામમાં જવું હોય તો અમને સાથે લઈ જશો.’’ ત્યારે મુક્તશ્રી ઘડીભર તો નેત્ર મીંચી શ્રીજીમહારાજના સ્વરૂપમાં ઊંડા ઊતરીગયા. પછી નેત્ર ઉઘાડીને કહ્યું જે, ‘‘તમે કાંઈ ચિંતા કરશો નહિ. તમારો સંકલ્પ મહારાજ પૂરો કરશે.’’ ત્યારે તે કેસરાભાઈ તથા ધનુબારાજી થયાં ને પોતાને ગામ ગયાં.
ત્યાર પછી બીજે દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી, સાધુ કેશવપ્રિયદાસજી, પૂ. સ્વામી ધર્મકિશોરદાસજી, સ્વામી વૈકુંઠદાસજી આદિ સંતમંડળ ને ભૂજના સ્વામી મહાપુરુષદાસજી આદિ સર્વે સંત મંદિરમાંથી બાપાશ્રીને ઘેર આવી બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા ને બાપાના કાનજીભાઈ તથા બીજા હરિભક્ત પણ પાસે બેઠા હતા. તે સમે બાપાશ્રી પોતાને જે અંતર્ધાન થવાની ઇચ્છા છે તે વાત સર્વેને કહેવા લાગ્યા જે, ‘‘તમે સર્વે સંત તથા સર્વે હરિભક્ત પરસ્પર હેત રાખજો ને મહારાજની આજ્ઞામાં રહીને મહારાજનું ભજન કરજો અને સ્વામી ઈશ્વરચરણદાસજીની ને બ્ર. નિર્ગુણાનંદજીની આજ્ઞામાં રહેજો.’’ -એમ સર્વેને કહીને મોટા સ્વામી ઘનશ્યામજીવનદાસજીને તથા મહાપુરુષદાસજીને કહેવા લાગ્યા જે, ‘‘તમે મોટેરા છો માટે સર્વેને સત્સંગ દૃઢ રખાવજો ને મહારાજની આજ્ઞા-ઉપાસના પણ દૃઢ રખાવજો ને કથાવાર્તા કરજો-કરાવજો. હવે આ દેહે મારાં દર્શન નહિ થાય પણ દિવ્યરૂપે શ્રીજીમહારાજ ભેગા સદાય રહેશું, માટે અમારો શોક કરશો નહિ અને અમારી પાછળ ‘પુરુષોત્તમલીલામૃત-સુખસાગર’ની કથા કરાવજો.’’ -એમ પોતાને અંતર્ધાન થવાનું કહ્યું, ત્યારે સર્વે સંત-હરિભક્ત અતિશય ઉદાસ થઈ ગયા ને સર્વેનાં નેત્રમાંથી જળ પડવા લાગ્યાં ને બાપાના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ તથા બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ આદિ કેટલાકને તો અતિશય શોક થયો ને નેત્રમાંથી અશ્રુની ધારાઓ ચાલી અને રુદન કરતા થકા બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘હે કૃપાળુ ! આપ અમને મેલીને જશો તો અમારા દેહ રહેશે નહિ; કેમ જે તમે તો અમારા જીવનપ્રાણ છો, માટે દયા કરીને હમણાં અમને દર્શન દો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે શ્રીજીમહારાજની પ્રાર્થના કરો; મહારાજ સારું કરશે. તેમની મરજી થશે તો અમને રાખશે.’’ ત્યારે સર્વે સંત-હરિભક્ત શ્રીજીમહારાજની પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે સ્વામિન્ ! હે સ્વતંત્ર ! હે સર્વ કારણના કારણ ! હે શ્રીજીમહારાજ ! અમે આપની મરજી પ્રમાણે વર્તીશું; આપની લગાર પણ મરજી નહિ લોપીએ, પણ તમે દયા કરીને અમને આ તમારા મુક્તનાં દર્શન થાય તેવી કૃપા કરો અને તમે તો અક્ષરાધિપતિ અને સર્વ પરમએકાંતિક તથા અનાદિમુક્તના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન છો, તે તમારા સંકલ્પથી આ મુક્ત આ લોકમાં અમને સુખ દેવા આવ્યા છે, તે અમને સુખ અપાવો. કેમ જે અનાદિમુક્ત પણ આપની મરજીને આધિન છે એવા આપ સમર્થ છો.’’ -એમ શ્રીજીમહારાજની પ્રાર્થના સર્વેએ કરી તે સાંભળીને મહારાજે પ્રેરણા કરી.
ત્યાર પછી સર્વે સંત-હરિભક્ત અનાદિમુક્ત બાપાશ્રીની પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે બાપા ! આપ અમારા ઉપર દયા કરીને અમને થોડા દિવસ આપનાં આવાં ને આવાં પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન દેવા દયા કરશો અને આપ કહો છો જે, ‘કેડે કથા કરજો.’ પણ કથામાં જેમ આ પ્રત્યક્ષ બિરાજતા હો અને જેવું સુખ આવેતેવું પછીથી કેમ આવે ? માટે હે બાપ ! આટલી અમારી મરજી ઝીલવા કૃપાવંત થશોજી.’’ ત્યારે પરમકૃપાળુ બાપાશ્રી સર્વે સંત-હરિભક્તોના અતિ હેતથી પ્રસન્ન થઈને બોલ્યા જે, ‘‘તમારી પ્રાર્થના શ્રીજીમહારાજે સાંભળી અને ‘હેત જોઈ હરિજનનાં, વાલો પોતે થયા પ્રસન્ન.’ એ ટૂક કહીને બોલ્યા જે, ‘‘તમારાં હેત જોઈને મહારાજે અમને રાખ્યા છે; હવે દસ વર્ષ રહેશું અને હવે તમે પુસ્તક મગાવીને કથા વાંચવાનું કરો, અમે પણ કથામાં આવશું ને સૂતા સૂતા સાંભળશું.’’ એમ બાપાશ્રી દયા કરીને રહ્યા. પછી સર્વે સંત-હરિભક્ત આનંદ પામી મંદિરમાં આવ્યા.
અને વળી બાપાશ્રીએ એક ભક્તને દર્શન દઈ પોતે સાજા થયા તે વાત જણાવી; તે શું, તો એક સમે ભૂજના મહેતા ભોગીલાલભાઈ બાપાશ્રીનાં દર્શન કરી અને બાપાશ્રીનો મંદવાડ જોઈ પોતે ઉદાસ થઈ ગયા પછી મંદિરની ઓસરીમાં આવી મહારાજની મૂર્તિ ધારીને ધ્યાન કરવા બેઠા. તે સમયે જ તેમને ઉપશમ થઈ ગયું ને હૃદયમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી બહાર જોયું ત્યાં તો બાપાશ્રીનાં દર્શન થયાં; તે કેવાં, તો યુવાન અવસ્થા અને શરીરમાં સર્વે અવયવ પુષ્ટ અને ઘણાંક પુષ્પના હાર પહેર્યા છે ને મંદ હાસ્યે મુખ શોભી રહ્યું છે એવા બાપાશ્રીને જોઈને પગમાં પડ્યા. ત્યારે બાપાશ્રી હસતા થકા બોલ્યા જે, ‘‘ભોગીલાલ ! અમે તો આવા ને આવા દિવ્ય સ્વરૂપ છીએ ને આ મંદવાડ તો અનેક જીવના સુખને અર્થે ગ્રહણ કર્યો છે પણ અંતર્ધાન થવા ગ્રહણ કર્યો નથી; અમે તો સત્સંગમાં સદાય રહેશું અને આ સમયે અંતર્ધાન પણ નહિ થઈએ.’’ -એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ત્યારે ભોગીલાલભાઈ હર્ષ પામી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંત પાસે આવીને, પોતાને શ્રીજીમહારાજે ને બાપાશ્રીએ દર્શન દીધાં ને અંતર્ધાન નહિ થઈએ એ વાત કરી. એ જ્યારે સ્વામી આદિ સંતે સાંભળી ત્યારે નક્કી થયું જે, ‘‘બાપાશ્રીએ આપણા ઉપર દયા કરી માટે હમણાં આપણને સુખ દેશે.’’ -એમ જાણી સર્વેને અતિશય આનંદ થયો.
ઇતિ વિશ્રામ ૫૩