વિશ્રામ ૬૧

સંવત ૧૯૭૮ના ફાગણ માસમાં દિવ્ય ગુણના ભંડાર ને કરુણાના સાગર એવા અનાદિમુક્તશ્રી વૃષપુરમાં નિવાસ કરીને રહ્યા છે. તે સમે પોતે છત્રીની આથમણી જગ્યાનો લેખ કરાવીને તે જાગીરનું કામ કરાવતા હતા ને ઘણા હરિભક્તો તે કામ કરતા હતા ને તે કામ પૂરું થવા આવ્યું ત્યારે પાષાણની એક હનુમાનજીની પ્રતિમા તથા તેમની દેરી તે પણ કરાવી. પછી મુક્તરાજ બાપાશ્રીએ તે જગ્યાનું વાસ્તુ તથા હનુમાનજીની પ્રતિષ્ઠા કરવા નિમિત્ત યજ્ઞ કરીને સર્વે સંત-હરિભક્તને દર્શન-સેવા ને સમાગમનું સુખ આપવાનો, તથા જે યજ્ઞમાં આવી માહાત્મ્ય સમજીને સેવા-સમાગમ કરે તેનો આ જન્મે જ આત્યંતિક મોક્ષ કરવો એવો સંકલ્પ કર્યો. પછી એ વાત બ્ર. નિર્ગુણાનંદજી, સાધુ કેશવપ્રિયદાસ ને ધનજી, જાદવજી આદિને જણાવી. ત્યારે તે સર્વે રાજી થઈને બોલ્યા જે, ‘બાપા ! જેમ આપની મરજી હોય તેમ કરો. આપ તો સ્વતંત્ર છો અને અતિ મોટા છો, તે જેમ ધારો તેમ કરવા સમર્થ છો માટે યજ્ઞ કરો તે ઘણું જ સારું છે; કેમ જે તેમાં અનેક જીવોના ઉદ્ધાર થશે ને આપ અનેક જીવોના મોક્ષ કરવા પધાર્યા છો, માટે આપે યજ્ઞ કરવાનો ધાર્યો છે તે સારું જ છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તેમને આ વાત જણાવવી જોઈએ માટે તેમને પત્ર લખો.’’ પછી પત્ર લખાવીને સ્વામીને મોકલ્યો. ત્યાર પછી ધનજી પટેલ પાસે માંડવી બંદરથી એક હજાર મણ સારો ગોળ લેવરાવ્યો ને તે યજ્ઞ સારુ ઘી, ખાંડ, સાકર, ચોખા, મગ, મઠ આદિ હજારે હજાર મણ સામાન લેવરાવીને મોટા મોટા ઓરડા ભરાવી રાખ્યા હતા.

ત્યાર પછી ગામ ઘડાણીથી સોની નારાયણભાઈની કંકોતરી આવી, ત્યારે બાપાશ્રી શામજી પટેલની ઊંટગાડીમાં બેસી ધનજી પટેલ ને ખીમજીભાઈ આદિને સાથે લઈને ઘડાણી પધાર્યા. હવે બાપાશ્રીને આવતા સાંભળીને તે ગામના ને સમૈયે આવેલા તે દેશના સર્વે હરિભક્ત નાળિયેર લઈ લઈને મુક્તરાજશ્રીને સન્મુખ આવ્યા ને હજારો હરિભક્તોથી એક ગાઉ સુધી સીમમાં સર્વત્ર હરિભક્તો જ દેખાતા હતા. તે સર્વે બાપાશ્રી પાસે આવીને દંડવત્‌ કરવા લાગ્યા. પછી હસ્ત જોડી દર્શન કર્યાં ને તે ભક્તજનોએ મુક્તરાજશ્રીના ચરણે નાળિયેર મેલ્યાં તેનો મોટો ઢગલો થઈ રહ્યો હતો ને તે સર્વે હરિભક્ત મુક્તશ્રીનાં દર્શન કરીને અતિ રાજી થયા. અને બાપાશ્રીએ પણ જીવા પટેલ ને સોની નારાયણ આદિ સર્વેને મધુર વચને બોલાવીને રાજી કર્યા પછી તેમની સાથે મંદિરમાં આવ્યા, ત્યારે સ્વામી ભક્તિપ્રિયદાસજી, પુ. કેશવપ્રિયદાસજી, શ્રીરંગદાસજી આદિ સર્વે સંત બાપાશ્રીનાં દર્શન કરીને અતિ રાજી થયા ને બાપાશ્રી મંદિરમાં આસન ઉપર બેઠા ને હજારો હરિભક્ત દર્શન કરવા લાગ્યા. ત્યાં ધનજી પટેલ આદિ હરિભક્તોએ સહિત બાપાશ્રીનો ઉતારો ગામમાં રાખ્યો હતો ને મંદિરમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા વંચાતી ને સંત-હરિભક્તની મોટી સભા બેસતી, ને બાપાશ્રી બે વખત સભામાં પધારતા ને વાતો કરતા. પછી ફાગણ વદ અમાસને દિવસ સવારમાં કથાની સમાપ્તિ થઈ, ત્યારે સોની નારાયણભાઈએ પુસ્તક અને પુરાણીની પૂજા કરીને આરતી ઉતારી, પછી બાપાશ્રીની પૂા કરીને પાઘ બંધાવી. તે સમે બાપાશ્રી મોટી સભામાં બેઠા હતા ને ઘણાક પુષ્પના હાર કંઠને વિષે ધારણ કર્યા હતા ને ચંદન ચર્ચ્યું હતું ને માથે મોટી પાઘ બાંધી હતી. તેવા મુક્તશ્રીનાં દર્શનથી સર્વે હરિભક્તને અતિશય આનંદ થયો હતો. એમ બાપાશ્રી સર્વેને સુખ આપી બીજે દિવસે રવાના થયા તે ગામ રવાપુર ને નેતરા થઈને વૃષપુર પધાર્યા.

ત્યાર પછી બાપાશ્રી ચૈત્ર સુદ હરિનવમીને દિવસ ભૂજ આવ્યા, ત્યાં બાપાશ્રીએ સ્વામી મહાપુરુષદાસજી ને બ્ર. નિર્ગુણાનંદજી આદિ સંતમંડળને તથા ભોગીલાલભાઈ, ઘેલાભાઈ આદિ હરિભક્તને બોલાવીને સભા કરી. પછી બાપાશ્રીએ યજ્ઞપ્રારંભનું મુહૂર્ત જોવાની વાત કરી. ત્યારે હિંમતરામ જોશીએ મુહૂર્ત જોઈને કહ્યું જે, ‘સંવત ૧૯૭૮ના ચૈત્ર વદ એકાદશીને દિવસે કથાનો પ્રારંભ કરવો ને વૈશાખ સુદ ત્રીજની સમાપ્તિ કરવી.’ તિથિ વધવાથી નવ દિવસનો યજ્ઞ કરવાનો નિર્ધાર થયો ને સમાપ્તિને આગલે દિવસે હનુમાનજીની પ્રતિષ્ઠા કરવી. આવી રીતે નિર્ણય કરીને સર્વે ઊઠ્યા પછી બાપાશ્રી બીજે દિવસે જમીને વૃષપુર પધાર્યા.

પછી મુક્તરાજશ્રીએ ચોવીસ ગામના મોટા મોટા હરિભક્તને વૃષપુર તેડાવીને મંદિરમાં સભા કરી અને પોતે પણ સભામાં આસન ઉપર વિરાજમાન થયા ને પાસે દેવરાજભાઈ, ધનજીભાઈ, ઝીણા પટેલ ને ખીમજીભાઈ આદિ બેઠા હતા. પછી મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘તમે સર્વે હરિભક્ત મારી એક વાત સાંભળો : અમારે આ યજ્ઞ કરવો છે તેમાં સર્વે આવજો ને સેવા કરજો ને પ્રસાદી જમજો, પણ જો કોઈ હરિભક્ત પંચવર્તમાનમાંથી પડી ગયો હોય તેને યજ્ઞમાં લાવશો નહિ ને જે કોઈ લાવશે તેને પંક્તિમાં બેસવા દેશું નહિ, ને જો તે પ્રાયશ્ચિત કરવાની હા કહે, તો સંતને પૂછીને ધર્મશાસ્ત્ર પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત સંત બતાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરાવવું ને વ્રત કર્યા પછી સુખેથી યજ્ઞમાં આવે તેનેનાનથી. તે પંચવર્તમાન કિયાં ? (૧) સ્વપરની હિંસા ન કરવી, (૨) માંસ-મદિરાનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો, (૩) કોઈની ચોરી ન કરવી, (૪) પરસ્ત્રી સામી ખોટી દૃષ્ટિ પણ ન કરવી, ને (૫) પોતાથીજે જાતિએ કરીને નીચ હોય કે ધર્મમાંથી પડ્યો હોય તેનું અન્ન-જળ ખાવાપીવાથી ભ્રષ્ટ થાય છે માટે તેનું ખાવુંપીવું નહિ. એ પાંચ વર્તમાન સત્સંગી માત્રને મુખ્ય પાળવાનાં શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યાં છે, તેમાં એક વર્તમાનમાંથી જે કોઈ પડ્યો હોય તો તેને સત્સંગમાંથી બહાર કરવો. અને અમે તમારી નાતના નથી; કોઈના બાપ-દીકરા નથી; અમે તો સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મુક્તાવતાર છીએ. ને યજ્ઞ કરીએ છીએ તે કાંઈ મોટા થવા સારુ નથી કરતા; મોટા તો અમને સત્સંગમાં સર્વે માને છે માટે મોટા થવાની કાંઈ ઇચ્છા નથી, પણ અનેક જીવનો મોક્ષ કરવા સારુ આ યજ્ઞ કરીએ છીએ. અને અમે શ્રીજીમહારાજની ઇચ્છાથી જીવોના મોક્ષ કરવા આવ્યા છીએ ને આ યજ્ઞ કરીને સર્વેને મૂર્તિનું સુખ આપવું છે, ને જે મહારાજને શરણે આવે તે સર્વેનો મોક્ષ કરવો છે.’’

ત્યારે તે સભામાં બેઠેલા સર્વે હરિભક્ત બાપાશ્રીનાં આવાં વચન સાંભળી અતિશય રાજી થઈને મુક્તરાજશ્રી પ્રત્યે બોલ્યા જે, ‘હે ગુરુવર્ય ! આપ તો અનાદિમુક્ત છો ને શ્રીજીમહારાજના સંકલ્પથી અમને સુખ દેવા આ વૃષપુરને વિષે પ્રગટ થયા છો, તે અમને સુખ આપો છો ને અનંત જીવના મોક્ષ કરો છો ને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખો છો ને સળંગ મૂર્તિનું સુખ ભોગવાવો છો, અને આપ તો આકાશ જેવા નિર્લેપ ને નિર્ગુણ છો, તે તમે અમને યજ્ઞની સેવામાં પ્રેરો છો -એ જ અમારા ઉપર મોટી દયા છે ને આપે અમારા કુળમાં પ્રગટ થઈને અમને કૃતાર્થ કર્યા છે, માટે આપ જેમ કહેશો તેમ યજ્ઞમાં સેવા કરવા અમે તૈયાર છીએ.’ પછી મુક્તરાજશ્રીએ સર્વે હરિભક્તને યજ્ઞની જે જે સેવા કરવાની હતી તે તે બતાવી ને સભા વિસર્જન કરી. પછી સોનાના વરખથી કંકોતરીઓ છપાવીને ગુજરાત ને સૌરાષ્ટ્ર આદિ દેશ-દેશાંતરમાં મોકલાવી.

અને તે યજ્ઞનું કામ કરવા સારુ ભૂજથી સાધુ બાળકૃષ્ણદાસજી આદિ સંત આવ્યા હતા. તેમણે મંદિરમં કોઠાર તથા ભંડાર વગેરેની સગવડ હરિભક્ત પાસે કરાવી, તેમ જ બાપાશ્રીના વંડામાં પાકશાળા અને શીરો ભરવાના મોટા હોજ કરાવ્યા હતા અને મંદિરના ચોકમાં ચંદની બંધાવીને સભામંડપકરાવ્યો હતો ને કથાની પાટ ને ઠાકોરજીનું સિંહાસન, તે તોરણ તથા જરીનાં વસ્ત્ર તેણે કરીને અતિશય શોભાયમાન કર્યાં હતાં.

હવે દશમને દિવસે ભૂજમંદિરના સર્વે સંત-પાર્ષદ આવ્યા ને ચૈત્ર વદ એકાદશીને દિવસે પ્રભાત સમયે માંગળિક વાજિંત્ર વાગવા લાગ્યાં ને હજારો સંત-હરિભક્ત સભામાં આવ્યા ને અનાદિ મુક્તરાજશ્રી પોતાના પુત્ર-પૌત્ર તેમણે સહિત સભામંડપમાં પૂજા કરવા આવ્યા. તે કેવા, તો જેમણે લલાટમાં ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું છે, એવા મુક્તરાજશ્રી મંડપમાં ઠાકોરજીને સન્મુખ શ્રીજીમહારાજની પૂજા કરવા આસન ઉપર બેઠા. તે સમે બ્રહ્માનુભવી વર્ણીરાજ નિર્ગુણાનંદજી તથા સાધુ કેશવપ્રિયદાસ ને ઉત્તમપ્રિયદાસ તેમણે મહામંત્ર બોલી વેદોક્ત વિધિપૂર્વક પુત્ર-પૌત્રતેમણે સહિત મુક્તરાજ બાપાશ્રીને યજ્ઞદીક્ષા આપવા માંડી, તેમાં પ્રથમ શ્રીજીમહારાજની પ્રતિમાનું પંચામૃત સ્નાનપૂર્વક ષોડશોપચારથી બાપાશ્રી પાસે પૂજન કરાવ્યું અને માતૃકાને સ્થાને શ્રીહરિના મુક્ત એવાં ભક્તિમાતા, સુવાસની, વસુમતી, સુનંદા, વીર્યા, જયા, લલિતા, રમા, સૂર્યા, કર્ણિકા, મીણા, ગંગા, રેવા, યતના, રતના અને અમૂલા આદિ સોળ શક્તિઓનું સ્થાપન કરીપૂજન કરાવ્યું. પછી નવ ગ્રહના સ્થાનકે ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ, શ્રીઅયોધ્યાપ્રસાદજી, શ્રીરઘુવીરજી, ઉત્તમનૃપ, હિંમતસિંહ ને સોમ-સુર એ સર્વે મુક્ત તેમનું સ્થાપન કરી પૂજન કરાવ્યું. પછી મહામંત્ર ભણીને મુક્તરાજ બાપાશ્રીનું પૂજન કર્યું ને તેમના કાંડાને વિષે મંગળસૂત્ર બાંધ્યું. તેમ જ બાપાશ્રીના પુત્ર વગેરે સર્વે કુટુંબનું પૂજન કરીને કાંડે મંગળસૂત્ર બાંધ્યાં, પછી તેમની પાસે પુસ્તક ને પુરાણીની પૂજા કરાવી ને મુક્તરાજશ્રી પોતાના પરિવારે સહિત આરતી કરવા લાગ્યા. તે સમે ઘણાંક સંત-હરિભક્તથી સભામંડપ ઊભરાતો હતો અને નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યાં હતાં ને સર્વે સંત-હરિભક્તનાં હૃદય આનંદથી પ્રફુલ્લિત થયાં હતાં ને ‘જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી;’ એ આરતી બોલવા લાગ્યા ને આરતી થઈ રહ્યા પછી સાધુ કેશવપ્રિયદાસ મંગળાચરણ કરીને કથા કરવા લાગ્યા ને બાપાશ્રી ચંદનનો વાટકો લઈને સંતની સભામાં પૂજા કરતા હતા. ત્યારે બાપાશ્રીના પૌત્ર માવજીએ કહ્યું જે, ‘‘બાપા ! તમે બેસો ને મને પૂજા કરવા દો.’’ ત્યારે બાપાશ્રીએ તેમને વાટકો આપી કથાની પાટ સન્મુખ ને સંતની સભા પાસે ગાદીતકિયે બેઠા ને માવજીભાઈ સંત-હરિભક્તની સભામાં ચંદન ચર્ચવા લાગ્યા ને જાદવજી ને હરજી, તેઓ હાર પહેરાવવા લાગ્યા.

તે સમે જેમ દુર્ગપુરમાં શ્રીજીમહારાજે અન્નકૂટોત્સવ કર્યો હતો ને તે વાતને સાંભળીને તે સમે જેમ સંત-હરિભક્તની મનોવૃત્તિ દુર્ગપુરમાં શ્રીજીમહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ હતી ને અતિશય સ્નેહથી આ લોક ને દેહનું ભાન ભૂલી જઈ પોતાનાં કામ મેલીને તથા લોક-લાજ, માન-અપમાન ને સુખ-દુઃખ આદિ સર્વેને નહિ ગણીને દુર્ગપુરમાં આવીને અક્ષરધામના અધિપતિ એવા શ્રીજીમહારાજને મળ્યા હતા, તેમ જ શ્રીજીમહારાજના અનાદિમુક્ત બાપાશ્રીએ વૃષપુરમાં યજ્ઞ આદર્યો છે ને તેની કંકોતરીઓ વાયુવેગે દેશ-દેશાંતરમાં સર્વત્ર પહોંચી તેથી સંત-હરિભક્તને યજ્ઞનું જાણ થઈ ગયું. ત્યારે સર્વની મનોવૃત્તિ અતિશય હર્ષથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત ને શ્રીજીમહારાજ તેમને સન્મુખ થઈ ગઈ. પછી તે સંતો ને હરિભક્તો અતિ ત્વરાપૂર્વક તત્કાળ પોતપોતાનાં કામ પડતાં મૂકીને અને દેહનાં સુખ-દુઃખ, લોક-લાજ ને હાણ-વૃદ્ધિ તેને પણ નહિ ગણીને જેમ મહા નદીઓ કોઈથી નહિ રોકાતાં સમુદ્રને મળે છે તેમ વૃષપુરમાં આવીને મુક્તરાજશ્રીને મળ્યા.

ઇતિ વિશ્રામ ૬૧