વિશ્રામ ૬૬
ત્યાર પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી કરાંચી જવા નીકળ્યા ત્યારે તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંત તથા આશાભાઈ, સોમચંદભાઈ આદિ હરિભક્ત ભેગા ગયા હતા. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કરાંચી તાર કર્યો જે, ‘બાપાશ્રી કરાંચી પધારે છે.’ તેથી ગાડી પહોંચ્યાના સમયે સર્વે હરિભક્ત મોટરો હાજર રાખી ફૂલના હાર લઈ લઈ સ્ટેશને રાહ જોઈને ઊભા હતા. ત્યાં ગાડીમાં બાપાશ્રી તથા સર્વે સંતોને દેખ્યા, એટલે ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજ’ની જય બોલતાં સૌને હર્ષનો પાર રહ્યો નહિ. પછી ગાડીથી નીચે ઊતર્યા, ત્યારે સૌએ દંડવત્ કરી બાપાશ્રી તથા સંતોને ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવવા માંડ્યા. તે વખતે આખું સ્ટેશન હરિભક્તથી ઊભરાતું હતું ને સૌ અનાદિ મુક્તરાજ બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. તે સમે બાપાશ્રીનું સ્વરૂપ અતિશય અદભુત ને અલૌકિક ભાસતું હતું અને કંઠને વિષે ઘણાંક પુષ્પના હાર પહેરેલા ને ભાલને વિષે ચંદન ચર્ચેલું ને ચારે કોર મોટા સંતોએ સહિત શોભતા, એવા બાપાશ્રીનાં દર્શનથી જ સર્વેને દિવ્યભાવનો આનંદ વર્તતો હતો. આમ ઘણા સમૂહે વીંટાયેલા બાપાશ્રી તથા સંતો ધીરે ધીરે ચાલતા સ્ટેશન બહાર આવીને મોટરમાં બેઠા. ત્યાંતો નાના નાના સત્સંગીઓનું મંડળ પ્રથમથી જ મોટરની આગળ ગોઠવાઈ ગયું હતું. તેમાં આગળ બે મોટા યુવાન પુરુષોએ ‘હે પ્રભુ ! ધર્મની રક્ષા કરો.’ એવા કપડામાં લખેલા સોનેરી શબ્દોનો વાવટો ઝાલ્યો હતો. તેની આગળ ઉત્સવિયા હરિભક્તની મંડળીઓ હતી, તેમણે પણ ઉત્સવનાં કીર્તન બોલવા શરૂ કર્યાં ને મોટા મોટા ગૃહસ્થ હરિભક્ત તો તેનાથી આગળ ચાલ્યા. વચમાં બાપાશ્રી તથા સંતની બે મોટરો, તેની પાછળ પણ હજારો મુમુક્ષુજનો ચાલ્યા આવે. આ પ્રકારે બાપાશ્રીને શહેરમાં લઈ જવા સૌએ ધીરે ધીરે ચાલવા માંડ્યું. કરાંચીના હરિભક્તનું આવું હેત જોઈને બાપાશ્રી પ્રેમને આધીન થઈ જે કોઈ માર્ગમાં આવી હાર પહેરાવી જાય, કે છૂટાં ફૂલ માથે ઉછાળે, કે કોઈ ભાલે કંકુમના ચાંદલા કરી જાય તે સર્વે સેવા અંગીકાર કરતા ને સૌને માથે હાથ મૂકી સુખ આપતા. એવી રીતે તેમની સેવા અંગીકાર કરી સર્વેના મનોરથ પૂરા કરીને ચાલ્યા, ત્યારે શેઠ લાલુમલ, મહાદેવભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, હીરાભાઈ, પ્રભાશંકરભાઈ ગોવિંદભાઈ, ઠાકરસીભાઈ આદિ ઘણાક ઉત્સવિયા હરિભક્ત બાપાશ્રીની મોટર આગળ ઉત્સવ કરતા થકા ચાલ્યા ને તેની આગળ વાજિંત્ર વગાડનારા વાજિંત્ર વજાડતા થકા ચાલતા હતા.
હવે તે સમયે કચ્છમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનાદિમુક્ત અબજીબાપાશ્રી પધાર્યા છે, એવું સાંભળીને શહેરના લાખો માણસો દર્શન કરવા આવ્યા હતા ને મોટા મોટા શેઠિયા શાહુકારો પણ હજારે હજાર આવ્યા આવ્યા ને બજારને બન્ને પડખે મુક્તરાજનાં દર્શન કરવા ઊભા રહ્યા હતા. તે સમે બાપાશ્રીનું દર્શન અતિ અલૌકિક દિવ્યભાવે સર્વેને થતું હતું; તે કેવા, તો સર્વે શ્વેતવસ્ત્રને ધારણ કરતા ને વિશાળ એવું ઉરઃસ્થળ તેમાં મોગરા, ગુલાબ આદિ પુષ્પના ઘણાક હારને ધારણ કરી રહેલા ને જેમના વિશાળ ભાલમાં કેસર-ચંદનનું લેપન કર્યું છે ને જેમનું મુખકમળ શરદઋતુના પૂનમનો ચંદ્રમાહોય ને શું ! એવું શોભે છે. ને પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિકૃષ્ણ મહારાજની ઇચ્છાથી મનુષ્યરૂપે દર્શન આપતા, એવા પરમ અનાદિ મહા મુક્તરાજ બાપાશ્રી તેમનાં દર્શન સર્વેને દિવ્યભાવે થતાં હતાં. અને તે સમયે મેઘાડંબરથી આકાશ અતિશય શોભતું હતું ને પૃથ્વીનું તળ પણ ભક્તજનોથી અતિશય શોભતું હતું, અને સર્વેનાં અંતરમાં અક્ષરધામનું સુખ વર્તાતુંહતું ને મુક્તરાજશ્રીએ પણ તે સર્વનાં અંતઃકરણની વૃત્તિઓને શ્રીજીમહારાજની મૂર્તિમાં આકર્ષણ કરી હતી. એવી રીતે શહેરમાં સૌને દર્શન દઈને મંદિરમાં આવ્યા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી વગેરે સંતોની મોટર આગળ કરી, તેથી તે સર્વે સંતો મંદિરમાં ગયા ને બાપાશ્રીની મોટર દરવાજા પાસે ઊભી રાખી. ત્યાં મોટા ચોગાનમાં સાંખ્યયોગી વગેરે બાઈઓનો સમૂહ બાપાશ્રીનાં દર્શન કરવા તલપી રહ્યો હતો, તેથી બાપાશ્રી મોટરથી નીચે ઊતર્યા એટલે સર્વે બાઈઓએ છેટેથી ‘જય સ્વામિનારાયણ’ કહી દર્શન કર્યાં. પછી મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને મંદિરની જગ્યાએ મેડા ઉપર સાધુમંડળ ભેગા ઊતર્યા. અને રેલગાડીમાં આવ્યા હતા તેથી વસ્ત્ર સહિત સ્નાન કર્યું ને બાઈઓના મંદિરમાં સાંખ્યયોગી બાઈઓએ બાપાશ્રી સારુ થાળ તૈયાર કર્યા હતા, તેથી પોતાના ભેગા આવેલા સેવકોએ સહિત ત્યાં જમવા પધાર્યા ને જમી આવીને વિશ્રામ કર્યો. ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ તે દિવસે જમ્યા નહિ; કેમ કે રેલગાડીમાં આવ્યા હતા. પછી બીજે દિવસે પોતાને હાથે રસોઈ કરી ઠાકોરજીને થાળ ધરીને સૌ સંત જમ્યા.
હવે તે દિવસ મુક્તરાજ બાપાશ્રી નિત્યવિધિ કરીને સંતો સહિત ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા ને ઘણાક હરિભક્તો પણ આવ્યા હતા. વળી તે વખતે શ્રીજીમહારાજની સર્વે મૂર્તિઓનાં તેજોમય ને ‘મંદ મંદ’ હાસ્ય જુક્ત એવાં દર્શન સૌને થતાં હતાં. આવો બાપાશ્રીનો પ્રતાપ જોઈને સર્વેને આનંદ થતો હતો ને બ્ર. પુરુષાનંદજીએ ઠાકોરજીને પહેરાવેલો ગુલાબના પુષ્પનો હાર લઈને બાપાશ્રીને પહેરાવ્યો, તેથી બાપાશ્રી પણ તેમના ઉપર ઘણા રાજી થયા. પછી બાપાશ્રી બ્રહ્મચારીને તથા પાર્ષદ અને હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કરી. સભામાં આસન ઉપર બેઠા ને સર્વે સંત-હરિભક્તની સભા પણ બેઠી ને બાપાશ્રીએ સર્વેને દર્શન દઈ વાતો કરી સુખિયા કર્યા. પછી દસ વાગે કથાની સમાપ્તિ કરીને થાળની આરતી થઈ, ત્યારે ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી જમવા પધાર્યા ને જમી આવીને આસને બિરાજમાન થયા. તે સમે લાલુમલ આદિ સત્સંગી તેમણે સાધુ-હરિભક્ત સહિત બાપાશ્રીને પોતાને ઘેર પધારવા પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી તે સર્વે હરિભક્તના ઘેર વારાફરતી નિત્યે પધારતા ને સૌના મનોરથ પૂરા કરતા ને બાપાશ્રી મંદિરમાં સભા કરીને સવારમાં તથા સાંજે વિરાજમાન થતા ને સિંધિયા, મોટા તથા બીજા કેટલાક જનો આવીને બાપાશ્રીનાં દર્શન કરીને રાજી થતા ને બાપાશ્રીની પ્રાર્થના કરી વર્તમાન લઈને સત્સંગી પણ થયા. તે સમે વિરમગામમાં ડૉ. નાગરદાસ માંદા હતા. તેમને બાપાશ્રીનાં દર્શન કરવાની ઇચ્છાથી બાપાશ્રીનો તાર કરાવ્યો હતો, તેથી બાપાશ્રીએ તેમને કરાંચીમાં રહ્યા થકા દર્શન આપીને તેમનો મનોરથ પૂરો કર્યો. આવી રીતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી કરાંચીમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ હરિભક્તને ક્ષણની પેઠે વીતી ગયા હતા ને સર્વે હરિભક્તો ખાવું-પીવું પણ ભૂલી જતા ને ઊંઘ-આળસ પણ જણાય નહિ, ને રાત્રી-દિવસ બાપાશ્રી પાસે બેઠા જ હોય -એમ અહોનિશ આનંદમાં જતા.
એવી રીતે દસ દિવસ સુધી સુખ આપીને બાપાશ્રી સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ સહિત ચાલવા તૈયાર થયા. ત્યારે સર્વે હરિભક્ત આવીને મેવાની ભેટો મેલી દંડવત્ કરવા લાગ્યા. પછી હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે અનાદિમુક્ત ! આવા ને આવા અમારા ઉપર રાજી રહેજો ને તમારા ભેગા શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખજો ને સળંગ મૂર્તિનું સુખ ભોગવાવજો ને તમારે વિષે મનુષ્યભાવ ન આવે ને પંચવિષય તે કાકવિષ્ટા જેવાં થઈ જાય ને ઐશ્વર્યમાં પણ સારપ્ય ન મનાય ને એક મૂર્તિમાં જ રસબસ જોડાઈને મૂર્તિને સુખે સુખી થવાય ને ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિની સ્મૃતિ રહે; હે દયાળુ ! અમારા ઉપર આવી દયા કરો.’ ત્યારે બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, ‘‘તમે આવું ને આવું હેત રાખજો ને આજ્ઞા યથાર્થ પાળજો, તો અમે તમારું પૂરું કરશું.’’ -એમ કહી મોટરમાં બેસીને ચાલ્યા ને સર્વે ભક્તજન બાપાશ્રીને મેલવા સ્ટેશન પર આવ્યા ને સંતમંડળ સહિત બાપાશ્રીને રેલગાડીમાં બેસારીને બાપાશ્રીના સામું જોઈ રહ્યા. તે વખતે ગાડી ઊપડવાની થોડી વાર હતી તેથી મોટી ઝોળીમાં મેવાનાં બધાં પડીકાં છોડી નાખીને બાપાશ્રીને ઝોળી આપી ને બાપાશ્રીએ સર્વે હરિભક્તને તેમાંથી ખોબે ખોબે પ્રસાદી વહેંચવા માંડી, તે ગાડી ઊપડવાની સીટી થઈ ત્યાં સુધી સર્વેને મેવો આપ્યો, તોપણ ઘણો વધી પડ્યો. આવો અદભુત ચમત્કાર સર્વેએ જોયો ને સર્વેનાં નેત્રમાં પ્રેમનાં અશ્રુ આવી ગયાં ને હાથ જોડીને રાજી રહેવાની માગણી કરતા ઊભા રહ્યા, ને કેટલાક હૈદરાબાદ સુધી વળાવવા જનારા હરિભક્તો ગાડીમાં ભેળા બેઠા. પછી ત્યાંથી રાત્રીએ ગાડી ચાલી, એટલે વળાવવા આવેલા સૌ હરિભક્તો આવી લીલાનું સ્મરણ કરતા થકા પાછા વળ્યા.
હવે બાપાશ્રી ને સંતમંડળ ને સાથે ગયેલા હરિભક્ત તે સર્વે સવારમાં હૈદરાબાદ પહોંચ્યા ને ત્યાં સ્ટેશન પાસે રાણીબાગ નામનો બગીચો છે તેમાં ઊતર્યાં. ત્યાં સૌએ નાહીને પૂજા કરી લીધી ને બાપાશ્રી પણ નાહ્યા ને પૂજા કરી. પછી હરિભક્તો મગજના લાડુનો ડબ્બો સાથે લાવેલા તે બાપાશ્રી પાસે મૂકીને પ્રાર્થના કરી જે, ‘આપ ને સંત પ્રથમ ઠાકોરજીને જમાડો. પછી અમને પ્રસાદી આપો.’ -એમ કહેવાથી બાપાશ્રી ને સંત મહારાજને જમાડીને પછી જમ્યા. ત્યાર પછી હરિભક્તની પંક્તિ કરીને બાપાશ્રીએ પોતાને હાથે પીરસ્યું, તેથી હરિભક્ત પોતાનાં અહોભાગ્ય માની ઉમંગભર્યા જમવા લાગ્યા ને બાપાશ્રી પણ ઘણા રાજી થયા ને બાપાશ્રીએ હરિભક્તોની પ્રશંસા કરીને કહ્યું જે, ‘‘આમને કાંઈ પ્રસાદી હોય તો આપીએ.’’ ત્યારે સ્વામીએ શ્રીજીમહારાજની મૂર્તિઓ ને પ્રસાદીનાં વસ્ત્ર બાપાશ્રીને આપ્યાં, -તેમાંથી એક એક મૂર્તિ ને વસ્ત્રનો એક એક કકડો પચાસ જેટલા હરિભક્ત હતા તેમને આપ્યા. પછી હરિભક્તોએ ઉઘાડે શરીરે બેઠેલા, એવા બાપાશ્રીની પ્રાર્થના કરીને ફૂલ પાથરીને તે ઉપર બેસાર્યા ને ભાલમાં ચંદન ચર્ચી ચાંદલા કર્યા ને વધેલાં ફૂલ બાપાશ્રી તથા સંતો ઉપર નાખ્યાં. એમ પૂજા કરી ત્યાં સુધી બાપાશ્રી નેત્ર મીંચી ધ્યાનયુક્ત બેઠા રહ્યા. પછી જાગ્રત થઈને સૌને ચંદન ચર્ચી કંકુમના ચાંદલા કર્યા ને સંતો પાસે નારંગી વગેરે ફળ હતાં, તેમાંથી એક એક ફળ બધાયને આપ્યાં ને માથે હાથ મૂક્યા ને કહ્યું જે, ‘‘તમને મૂર્તિ આપી ને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં રાખશું. તમે અમને ઘણા રાજી કર્યા છે; હવે આવા ને આવા સંભારજો.’’ પછી ગાડીએ જવાનો સમય થયો એટલે સર્વે સ્ટેશન ઉપર આવ્યા ને ગાડી તૈયાર ઊભી હતી તેમાં બેઠા ને ગાડી ઊપડવાનો સમયથયો. ત્યારે સર્વેએ પ્રાર્થના કરી એટલામાં ગાડી ઊપડી ત્યારે સૌ હાથ જોડીને ઊભા રહ્યા ને પછી સાંજની ગાડીમાં બેસી કરાંચી ગયા. આવી રીતે કરાંચી-નિવાસી હરિભક્તને સુખ આપ્યાં ને બાપાશ્રી સંતમંડળ સહિત હૈદરાબાદથી બપોરે ચાલ્યા તે બીજે દિવસ મારવાડ જંક્શન પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં નાહી-ધોઈ પૂજાઓ કરી. પછી ટીમણ કરીને ગાડીએ બેઠા તે અમદાવાદ સ્ટેશને આવ્યા, ત્યાં તો શેઠ બળદેવભાઈ મોટર લઈને ઊભા હતા. તેમ બીજા પણ ઘણા હરિભક્ત સામા આવ્યા હતા તે સર્વેને મળી મોટરમાં બેસી મંદિરમાં આવીને ઠાકોરજીનાં દર્શન કર્યાં. ત્યાં હેતવાળા સંત-હરિભક્તોએ સમાચાર પૂછ્યા, તેમને કરાંચીના સમાચાર કહી શેઠ બળદેવભાઈની સાથે અસારવા મિલમાં પધાર્યા.
ઇતિ વિશ્રામ ૬૬