વિશ્રામ ૩૬
ત્યાર પછી ફાગણ સુદ એકાદશીને દિવસે બાપાશ્રી નિત્યનિયમ કરીને પોતાના ઘેર પધાર્યા ને મંદિરમાં સદગુરુ આદિ સંત-હરિભક્તની સભા બેઠી હતી. પછી બાપાશ્રી ઘેરથી મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કરી સભામાં આસન ઉપર વિરાજમાન થયા ને સાધુ કેશવપ્રિયદાસજી વચનામૃતની કથા વાંચતા હતા. તેમાં પ્રથમના ૩૪ના વચનામૃતમાં એમ આવ્યું જે, ‘‘ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.’’ ત્યારે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘આપણે મહારાજની આજ્ઞા ક્યારેય લોપવી નહિ અને તમારે ત્યાગી સાધુને ધર્મામૃત પ્રમાણે વર્તવું તે આજ્ઞા પ્રમાણે કહેવાય ને અમારે ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું તે આજ્ઞા પ્રમાણે કહેવાય, ને વચનામૃત ને ભક્તચિંતામણિ તે તો બેયને જોઈએ. અને ભક્તચિંતામણિ તે આપણું ભક્તિશાસ્ત્ર છે અને વચનામૃત તે અધ્યાત્મશાસ્ત્ર છે, એનાથી મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય છે ને આત્યંતિક મોક્ષની રહસ્યવાર્તાઓ, તે પણ વચનામૃતમાં છે. પરંતુ પોતાની મેળે જેમ છે તેમ સમજાય નહિ પણ મોટા અનાદિમુક્ત હોય તેમનાથી સમજે ત્યારે સમજાય. અને સર્વે બીજાં શાસ્ત્ર ભણે છે પરંતુ વચનામૃત કોઈ ભણતું નથી; પણ ભણવા જેવાં એટલે મોટા સત્પુરુષ થકી તેનું રહસ્ય સમજવું. તે જો મોટા પુરુષથી સમજે તો જ સમજાય ને એમ જાણે જે, ‘‘એ તો પ્રાકૃત ગ્રંથ છે, એ તો અમે ઘણીવાર વાંચીએ છીએ; તેમાં શું ભણવું શું ? પણ તે તો શ્રીજીમહારાજના મુખકમળનાં વચન છે ને બહુ ગૂઢ અર્થમાં અર્થનાં ભરેલાં છે. તે જો મોટાનો વિશ્વાસ લાવીને સમજવા માંડે તો સમજાય ને સમજીને જીવમાં ઉતારે ત્યારે મૂર્તિનું સુખ આવે. અને સ્વામી નિર્ગુણદાસજી કહેતા જે, ‘‘ગોપાળાનંદસ્વામી વચનામૃતનું રહસ્યજ્ઞાન સમજાવતા ત્યારે અમને બહુ જ આનંદ થતો.’’ તે સ્વામી નિર્ગુણદાસજી ને અમે ભેગા બેસીને વચનામૃતની વાતો કરતા ને તેની તે વાતો અત્યારે તમને સર્વેને કરીએ છીએ. અને ધર્મામૃત ને શિક્ષાપત્રી તે ધર્મશાસ્ત્ર છે. તે પ્રમાણે ત્યાગીને વર્તવું ને ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. તેમાં જો ગૃહસ્થને ચોરીદારી ઇત્યાદિક મોટા વર્તમાનમાં ફેર હોય તો તેનું અન્નપાણી સાધુ-સત્સંગીને લેવાય નહિ અને ત્યાગીને સ્ત્રી-દ્રવ્યના ત્યાગરૂપી વર્તમાનમાં ફેર હોય, તો તેના ભેળું ખવાય નહિ. માટે જેને શ્રીજીમહારાજને પામવા છે તેને વિચાર રાખવો. તમારે ત્યાગી સાધુનો સંબંધ ઘણું કરીને ન થાય, પણ જો દ્રવ્યનો સંબંધ થાય તો તે પણ મોટો દોષ છે. માટે દ્રવ્ય રાખશે, તેને મહારાજની મૂર્તિમાં અમારા ભેળું રહેવાશે નહિ માટે ત્યાગીને દ્રવ્ય રાખવું નહિ.’’ પછી સદગુરુ આદિ સંત બોલ્યા જે, ‘બાપા ! સાધુ થયા-ત્યારથી જ આપે કહ્યું તે જ પ્રમાણે વર્તાય છે ને શ્રીજીમહારાજ ને આપની કૃપાથી વર્તવું છે.’ ત્યારે મુક્તરાજ બાપાશ્રી તે સાંભળીને અતિશય રાજી થયા.’’ -આવી રીતે સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ રાખવો એવો બાપાશ્રીએ શ્રીજીમહારાજનો સિદ્ધાંત જણાવ્યો.
પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘સંતમંડળ ગામડાંમાં ધર્માદો લેવા જાય ત્યારે હરિભક્ત દેવને ધર્માદાનું જે દ્રવ્ય આપે તે સાધુને સાચવી રખાવવું જોઈએ અને મંદિરમાં આવીને કોઠારમાં હિસાબ સહિત દઈ દેવું જોઈએ. ને સંત ગામડામાં કથાવાર્તા કરવા જાય ને હરિભક્ત સંતની ધોતિયાં વગેરે જે સેવા કરે તે દ્રવ્ય પણ થોડા દિવસ સાચવવું જોઈએ. પછી તે પૈસાનું સંતને ધોતિયાં વગેરે જે જોઈએ તે હરિભક્ત પાસે લેવરાવી આપવું. તેમ જ કોઈ મંદિરના કામમાં જે રૂપિયા આપ્યા હોય, તે પણ એ કામ ચાલે ત્યાં સુધી સાચવવા પડે, તેમ ક્યાંક જવું-આવવું હોય ત્યારે પણ તેની સગવડ કરીને તે વાપરી દેવું, પણ પોતાની પાસે રાખી મેલવું નહિ. એમ મુખ્ય સાધુ હોય તેમણે બીજા સંતને સાચવી રાખવા.’’ -આવી રીતે ઘણાક મોટા મોટા સંત-હરિભક્ત સભામાં બેઠા હતા, તેમને વાતો કરી અને આશીર્વાદ આપ્યા, તેથી સર્વેને ઘણો આનંદ થયો.તે સમે ગામ રામપુરમાં મોટા ડોશી ધનુબા તેમણે ‘વચનામૃત’ના પારાયણનો પ્રારંભ કરાવ્યો હતો ને સંતમંડળ સહિત બાપાશ્રીને કથામાં તેડવા દેવરાજભાઈને મોકલ્યા હતા; તેથી સંતને સાથે લઈ બાપાશ્રી રામપુર પધાર્યા ને ત્યાં કથાના પાંચ-છ દિવસ થયા. તેવામાં ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીને દંઢાવ્ય દેશમાં ફરવા જાવું હતું, તેથી સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી નારાયણસેવકદાસજી એ બેયને તાર કરીને તેડાવ્યા ત્યારે બંને સદગુરુ બાપાશ્રીની રજા લઈને જવા તૈયાર થયા. પછી સ્વામી નારાયણસેવકદાસજીએ બાપાશ્રી પાસે આવીને કહ્યું જે, ‘‘બાપા ! અમે ચાલીએ છીએ તે ચાલવા સમયની શીખ આપો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ઝાઝું ન સમજાય તો આટલું જરૂર જણાવજો જે, શ્રીજીમહારાજે આ મુક્તને સુખ આપવા મોકલ્યા છે; માટે શ્રીજીમહારાજ આ મુક્તદ્વારે સુખ આપે છે. એટલું જાણશો તો અમે તમારા ભેળા રહેશું ને તમને અમારા ભેળા મૂર્તિમાં રાખશું ને તમારું પરમ કલ્યાણ થાશે.’’ પછી સ્વામી વૃંદાવનદાસજીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, ‘‘દયા રાખજો ને ભેળા રહેજો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તો તમારા ભેળા જ છીએ અને તમે અમારા રૂપ છો ને અમે જેટલું કરીએ તેટલું તમે પણ અમને લઈને કરી શકો.’’ -એમ કહીને કહ્યું જે, ‘‘તમે સુખેથી જાઓ.’’ ત્યારે બેય સદગુરુ પોતાના સાધુએ સહિત બાપાશ્રીને મળીને ચાલ્યા ને બાપાશ્રી બન્ને સદગુરુને ભાગોળ સુધી વળાવવા ગયા. પછી કથામાં આવ્યા ને સ્વામી ભક્તિપ્રિયદાસજી વચનામૃતની કથા વાંચતા ને બાપાશ્રી વચનામૃતનું રહસ્ય સર્વેને સમજાવતા, એમ નિત્યે કથાવાર્તા થાતી. પછી કથાની સપ્તાહ પૂરી થઈ ત્યારે બાપાશ્રી છત્રી પાસેની ઓરડીમાં બેઠા હતા અને પાસે સ્વામી ઈશ્વરચરણદાસજી ને ભૂજના ભક્તિપ્રિયદાસજી આદિ સંત તથા બીજા કેટલાક હરિભક્ત બેઠા હતા તે સમે ભારાસરના પટેલ ગાંગજી તથા માવજી આદિ હરિભક્તે હાથ જોડીને બાપાશ્રીને કહ્યું જે, ‘‘અમારા ગામમાં બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવવી છે ને ‘શિક્ષાપત્રીભાષ્ય’નું સાત દિવસનું પારાયણ કરાવવું છે માટે આપ દયા કરીને આ સંતમંડળને સાથે લઈને પધારો.’’ ત્યારે બાપાશ્રીએ હા કહી. પછી સંતમંડળ સહિત ભારાસર પધાર્યા. ત્યાં બાપાશ્રી કથામાં બેસીને પોતે વાતો કરતા જે, ‘‘શ્રીજીમહારાજના મુક્તાવતાર છે, તે બીજા અવતારથી અધિક છે ને શ્રીજીમહારાજની ઇચ્છાથી સત્સંગમાં મુક્તાવતાર થાય છે.’’ -એમ ઘણીક વાતો કરી.
પછી ફાગણ વદ આઠમને દિવસે બાપાશ્રી તથા સર્વે સંતમંડળે પ્રતિષ્ઠાવિધિપૂર્વક મૂર્તિઓ સિંહાસનમાં પધરાવી. પછી સર્વેને જમાડ્યા અને બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રીને જમાડ્યા. ત્યાર પછી બાપાશ્રી સર્વે સંતની સાથે ભૂજ આવ્યા ને ભૂજમાં પાંચ દિવસ રહ્યા. પછી મૂળી-અમદાવાદના સંતને વળાવીને પાછા બળદિયે આવ્યા ને વળી અન્નકૂટના સમૈયામાં ભૂજ પધાર્યા ને સ્વામી મહાપુરુષદાસજી આદિને ભેગા કરીને કહ્યું જે, ‘‘અમારે શ્રીજીમહારાજની સેવા કરવી છે. તે જો તમારી મરજી હોય તો શ્રી ઘનશ્યામ મહારાજની આરસની મોટી મૂર્તિ કરાવીએ ને તેનું સિંહાસન કરાવીએ ને પછી મોટો યજ્ઞ કરીને મૂર્તિ પધરાવીએ. અને તે કરવાનું મંદિરમાં સાનુકૂળ ન આવે તો અમારે ગામ કાળુ તલાવડીએ મહારાજની બેઠકનું સ્થાન છે, ત્યાં છત્રી કરાવીએ અને સંત-હરિભક્તને તેડાવીને મોટો યજ્ઞ કરાવીએ ને છત્રીએ ચરણારવિંદ પધરાવીએ.’’ ત્યારે ભૂજના સર્વે સંતે કહ્યું જે, ‘‘મંદિરમાં સંકડાશ છે, તેથી મૂર્તિ પધરાવવાનું સાનુકૂળ નહિ પડે ને તમારે ગામ કાળુ તલાવડીએ પ્રસાદીનું સ્થાન છે ત્યાં આપે જે ધાર્યું છે તે કરાવો.’’ પછી બાપાશ્રી તે કામ કરાવવા સારુ સંતને આવવાનું કહીને વૃષપુર પધાર્યા. પછી સાધુ વિજ્ઞાનદાસજી મંડળે સહિત તે છત્રીનું કામ કરાવવા સારુ આવ્યા ને બાપાશ્રીની અનુવૃત્તિ પ્રમાણે કામ કરાવતા. તેમાં પ્રથમ બાપાશ્રી સાધુ-હરિભક્તને સાથે લઈને તલાવડીએ પધાર્યા ને છત્રી છે, તેની આજુબાજુમાં ઘણાં ભૂત રહેતાં હતાં. તે સર્વે ભૂતનો મોક્ષ કરવાનો સંકલ્પ કરીને બાપાશ્રીએ અધમણ ગોળ-સાકર મંગાવ્યાં ને પોતે તેની મૂઠીઓ ભરી ભરીને ભૂતના સારુ ફેંકી, ત્યારે તે સર્વે ભૂતે ભેગા થઈને સર્વે પ્રસાદી અધ્ધરથી લઈ લીધી ને એકેય કણી ભોંય પડવા દીધી નહિ ને તે સર્વે ભૂતનો કેવળ કૃપાએ કરીને મોક્ષ કર્યો. પછી સર્વે હરિભક્ત પાસે છત્રીનો પાયો ખોદાવીને એક પ્રસાદીનો મોટો પથ્થર પાયામાં નંખાવ્યો ને તે કામ ચાલુ કરાવ્યું; વળી બાપાશ્રી કામ કરનાર કડિયા કાનજીને સારું કામ કરવાની ભલામણ કરતા. પછી તે છત્રી તથા ફરતો વરંડો તથા તલાવડીનાં પગથિયાં આદિ સર્વે કામ પૂરું થયું, ત્યારે બાપાશ્રીએ સાધુ વિજ્ઞાનદાસજીને શ્રીજીમહારાજની પ્રસાદીનાં સારાં બે જોડ ચરણારવિંદ પોતાની પાસે હતાં, તે લાવીને કહ્યું જે, ‘‘વિજ્ઞાનદાસજી ! તમે આ છત્રીના કામમાં બહુ દાખડો કર્યો છે માટે હું તમને રાજી થઈને આ બે જોડ ચરણારવિંદ આપું છું - તે લો.’’ ત્યારે તેમણે કહ્યું જે, ‘‘તમે રાજી થયા, તે મને કરોડ ચરણારવિંદથી પણ વધારે છે ને આવા ને આવા રાજી રહેજો ને અક્ષરધામમાં મૂર્તિનું સુખ અપાવજો;તેમાં કોઈ વિઘ્ન આવે નહિ તેવી દયા રાખશો.’’ ત્યારે બાપાશ્રી તેમના ઉપર રાજી થયા ને તે બંને જોડ ચરણારવિંદ બાપાશ્રીએ ભૂજમંદિરમાં પધરાવ્યાં છે. પછી તે સંત બાપાશ્રીનો પાંચ દિવસ સમાગમ કરીને ભૂજ ગયા ને બાપાશ્રીએ અનંત જીવનો ઉદ્ધાર કરવા સારુ મોટો યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો.
ઇતિ વિશ્રામ ૩૬