વિશ્રામ ૫૨
સંવત ૧૯૭૪ના અસાઢ માસમાં બાપાશ્રીને મોટો મંદવાડ ગ્રહણ કરવાની ઇચ્છા થઈ હતી, તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી ને વૃંદાવનદાસજી આદિ સંતને પોતાની સેવામાં તેડાવવા સારુ તેમના અંતરમાં પ્રેરણા કરી અને સ્વામી ઈશ્વરચરણદાસજીને આવવાનો પત્ર પણ લખ્યો હતો, તેથી સર્વે સંત રેલે બેસી ભૂજ આવ્યા અને બાપાશ્રી પણ સંતની રાહ જોઈ રહ્યા હતા. પછી તે સર્વે સંત ભૂજથી અસાઢ સુદ બીજને દિવસ પાંચ વાગે વૃષપુર આવ્યા. તે સમે બાપાશ્રી મંદિરની ઓસરીમાં બેઠા હતા અને સર્વે સંતોએ પ્રથમ તો ઠાકોરજીને દંડવત્ કરી દર્શન કર્યાં. પછી બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી સર્વે સંતને મળ્યા ને સંત બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા. તેમાં સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુ. ધર્મકિશોરદાસજી, પુ. હરિપ્રસાદદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, ગોપીવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ સંત પચીસ મૂર્તિ હતા. અને વળી અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ એમ પણ વિચાર કર્યો જે, ‘મારે વિષે હેતવાળા સંત-હરિભક્ત છે તેમને મારી સેવાનું તથા દર્શન-સમાગમનું સુખ દેવું છે, તે જો હું મંદવાડ ગ્રહણ કરું તો સર્વેને મારી સેવાનો લાભ મળે.’ -એમ સંકલ્પ કરીને મંદવાડ ગ્રહણ કર્યો. હવે તે મંદવાડની વાત કહીએ છીએ.
હવે જે દિવસે સંતમંડળ આવ્યાં તે દિવસે જ સાયંકાળે બાપાશ્રીને તાવ આવ્યો, ત્યારે સંતોએ બાપાશ્રીને ઓસરીમાં આસન પાથરીને સુવાડ્યા ને સર્વે સંત ચારેકોર બેસીને કથાવાર્તા કરવા લાગ્યા. પછી સવારે બાપાશ્રીને તાવ ઓછો થયો ત્યારે સંતોએ સ્નાન કરાવ્યું ને પૂજા કરાવી. પછી જમવાનું પૂછ્યું ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ગોળનું પાણી ગાળીને લાવો.’ પછી ગોળનું પાણી કરી સવાસો વાર ગાળીને બાપાશ્રીને પાયું. તેનો રેચ લાગવાથી દિશાએ જવાનું થતું ને તાવ પણ અતિશય જ આવ્યો હતો, તેથી બાપાશ્રી તો શરીરે શિથિલ થઈ ગયા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ ચોકમાં એક પડખે ખાડો ખોદી ફરતાં ડાંડર બાંધીને દિશાએ જવાનું કર્યું હતું અને સ્વામી ને પુ. હરિપ્રસાદદાસજી આદિ સંત બાપાશ્રીને માંચીમાં બેસાડીને ખાડે તેડી જતા અને પાછા માંચીમાં બેસાડીને સ્નાન કરાવતા ને વસ્ત્ર પહેરાવી ઢોલિયામાં સુવાડતા અને દિવસ ને રાત્રીમાં સર્વે સંત સેવામાં તત્પર રહેતા.
હવે બાપાશ્રીના મંદવાડની ભૂજમંદિરમાં તથા રામપુર આદિ ગામડામાં સર્વેને ખબર પડી. તેથી બ્ર. નિર્ગુણદાસજી ને કેશવપ્રિયદાસ આદિ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા. તે સમે બાપાશ્રીનો પલંગ મંદિરની ઓસરીમાં આથમણા ખૂણામાં રાખ્યો હતો. તેમાં બાપાશ્રી ઉઘાડું મુખ રાખી સૂતા હતા ને શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યું હતું અને ચારે પાસ સંત બેઠા હતા, એવાં બાપાશ્રીનાં દર્શન કરીને દંડવત કર્યા ને બાપાની સેવામાં રહ્યા. ને બાપાશ્રી તો દિવસે દિવસે વિશેષ મંદવાડને ગ્રહણ કરવા લાગ્યા અને બાપાશ્રીને તાવ અતિશય જ આવતો હતો ને ખાટલામાં સૂતા સૂતા મૂર્તિમાં ઊંડા ઊતરી જતા ને કોઈ બોલાવે તો બોલે પણ નહિ ને સ્વામી ઈશ્વરચરણદાસજી મસ્તક હલાવીને બહુ બોલાવે ત્યારે નેત્રને ઉઘાડી સામું જોઈને પાછા મૂર્તિમાં ઊતરી જાય ને પ્રાતઃકાળ થાય ત્યારે કહેશે જે, ‘‘મને સ્નાન કરાવો.’’ ત્યારે સ્વામી આદિ સંત ને કાનજીભાઈ આદિ બાપાના સેવક -તે બાપાશ્રીને માંચીમાં બેસાડીને દૈહિક ક્રિયા કરાવતા. પછી ઊના જળથી સ્નાન કરાવતા ને કોરાં વસ્ત્ર પહેરાવી તથા ઓઢાડીને ખાટલામાં સુવાડતા ને ચાંદલે સહિત તિલક કરાવી પૂજાની મૂર્તિઓનાં દર્શન કરાવતાં. પછી સ્વામી બાપાશ્રીને જમવાનું પૂછે, ત્યારે પોતે ઊંડા ઊતરીજતા. એક દિવસ બ્રહ્મચારી કાંજીચોખાની રાબ કરીને લાવ્યા, ત્યારે સ્વામી બાપાશ્રીના મસ્તકે હાથ અડાડીને કહેવા લાગ્યા જે, ‘‘બાપા ! આ બ્રહ્મચારી જમવાનું લાવ્યા છે તે દયા કરીને જમો.’’ ત્યારે બાપાશ્રી નેત્રને ઉઘાડીને વળી મીંચી જતા. ત્યારે વળી સ્વામી ને બ્રહ્મચારી તે બેય બાપાશ્રીને જગાડતા એટલે નેત્ર ઉઘાડીને જાગ્રત થાતા, ત્યારે બાપાશ્રીને બેઠા કરીને રાબ પાતા ને બાપાશ્રી લગાર પીને પછી ના કહેતા, ત્યારે સ્વામી બાપાશ્રીનાં હસ્ત-મુખ ધોઈને સુવાડી દેતા, ત્યારે વળી બાપાશ્રી ઊંડા ઊતરી જતા. એવી રીતે મંદવાડને નવ દિવસ વીતી ગયા.
પછી નોમને દિવસ ભૂજના સાધુ ભક્તિપ્રિયદાસજી, જોગેશ્વરદાસજી, હરિચરણદાસજી આદિ સંત-પાર્ષદ ત્રીસ મૂર્તિ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા. તે સર્વેએ બાપાશ્રીને દંડવત્ કરીને દર્શન કર્યાં ને બાપાશ્રી મંદવાડથી અશક્ત થયેલા છે તેથી બીજા હરિભક્તનો હાથ ઝાલી ઊભા થઈને સર્વે સંતને મળ્યા ને માથે હાથ મેલીને રાજી કર્યા ને બાપાશ્રીને તે દિવસે શરીરે સારું જણાતું હતું ને સંધ્યા-આરતી પછી બ્ર. નિર્ગુણાનંદજી બાપાશ્રીને જમવા સારુ શીરો, શાક, ખીચડી આદિ કરીને લાવ્યા ને બાપાશ્રી ખાટલાથી નીચે બેસીને થોડું જમ્યા. પછી જળપાન કરી ખાટલામાં ઓઠીંગણ દઈને બેઠા ને બાપાશ્રીએ ખાટલામાં બેઠા બેઠા ભૂજના સર્વે સંતને વસ્ત્ર ઓઢાડ્યાં ને તે ભૂજના સંત કથાવાર્તા-કીર્તન કરી બાપાશ્રીનાં દર્શન કરીને બે વાગે ભૂજ પાછા ગયા. પછી બાપાશ્રીએ અધિક તાવને ગ્રહણ કર્યો ને મૂર્તિમાં ઊંડા ઊતરી ગયા અને સંત બાપાશ્રીને જાગ્રત કરીને ચમચા વતી પાણી પાતા ને દશમને દિવસે પ્રાતઃકાળ થયો, ત્યારે સ્વામીએ બાપાશ્રીને સ્નાન કરવાનું પૂછ્યું. એટલે બાપાશ્રીએ નેત્ર ઉઘાડી મુખ હલાવીને હા કહી. ત્યારે સંતે બાપાશ્રીને દૈહિક ક્રિયા તથા દાતણ કરાવીને ઉષ્ણોદકથી સ્નાન કરાવ્યું. પછી કોરાં વસ્ત્રથી શરીર લૂછી ધોયેલું ધોતિયું પહેરાવીને બીજું એક વસ્ત્ર ઓઢાડ્યું ને ખાટલામાં સુવાડી દીધા ને ચાંદલે સહિત તિલક કરાવ્યું ને પૂજા કરાવી. પછી સ્વામીએ બાપાશ્રીને જમવાનું પૂછ્યું, ત્યારે મૂર્તિમાં ઊંડા ઊતરી ગયા તે બોલાવ્યા પણ બોલ્યા નહિ. અને તાવ ને ગરમી શરીરમાં અધિક જણાતી હતી તેથી સંતોએ ચંદન ઘસી આખા શરીરે ચંદનનું લેપન કર્યું અને તે ચંદન સુકાઈ ગયું, ત્યારે ભીના કપડાથી પાછું લૂછી લીધું ને સાંજ-વખત થઈ,તોપણ તાવ ઊતર્યો નહિ, તેથી સર્વે ઘણા ઉદાસ થઈ ગયા. અને ગામડાના હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા ઘણા જ આવ્યા હતા તે પણ બાપાશ્રીનો મંદવાડ જોઈને ઘણા જ ઉદાસ થઈ ગયા અને બાપાશ્રીના ઢોલિયાની ચારે બાજુ બેસી કથાવાર્તા, કીર્તન કરતા હતા. એમ કરતાં રાત્રીના એક વાગ્યાનો સમય થયો ત્યારે બાપાશ્રીને મંદવાડ વધારે જણાયો અને બાપાશ્રી કોઈના બોલાવ્યા પણ બોલે નહિ, ત્યારે બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ આદિ સંત તથા બાપાશ્રીના કાનજીભાઈ, મનજીભાઈ આદિ સર્વે અતિશય જ દિલગીર થઈ ગયા ને આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં ને ધીરજ રહી નહિ, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી -તે સર્વેને ધીરજ આપતા હતા ને મંદિર બહાર સર્વે બાઈઓ બાપાશ્રીના મંદવાડને સાંભળીને દર્શન કરવા આવ્યાં હતાં. તેથી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ, મોતીભાઈ આદિ સર્વે મળી બાપાશ્રીનો પલંગ ઉપાડીને મંદિરને દરવાજે લઈ ગયા ત્યાં ઘણાંક બાઈઓ આવ્યાં હતાં, તેમણે બાપાશ્રીનાં દર્શન કર્યાં ને પૂજા કરીને નમસ્કાર કર્યા ને ઘણીક સ્તુતિ-પ્રાર્થના કરી, તોપણ બાપાશ્રી તો યોગનિદ્રામાં એમ ને એમ સૂઈ રહ્યા. પછી બાઈઓ સર્વે દર્શન કરીને ગયાં, ત્યારે હરિભક્ત બાપાશ્રીના પલંગને ઉપાડીને પાછો મંદિરની ઓસરીમાં લાવ્યા. પછી એકાદશીને દિવસે અજવાળું થયું પણ બાપાશ્રી તો જાગ્રત થયા નહિ. પછી સ્વામીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘સ્નાન કરશો ?’’ ત્યારે બાપાશ્રી નેત્રકમળને ઉઘાડી ધીરા રહીને જાગ્રત થયા ને જરાક મસ્તક હલાવીને હા કહી. ત્યારે સર્વે સંત ને હરિભક્તોએ મળીને બાપાશ્રીને માંચીમાં બેસાર્યા ને દાતણ કરાવ્યું. પછી ગરમ જળથી સ્નાન કરાવ્યું ને વસ્ત્ર પહેરાવીને ઢોલિયામાં સુવાડ્યા ને સ્વામીએ બાપાશ્રીને ફળાહાર કરવાનું પૂછ્યું, પણ બાપાશ્રી તો કાંઈ બોલ્યા જ નહિ ને મૂર્તિમાં ઊંડા ઊતરી ગયા ને સર્વે સંત પાસે બેસીને કથાવાર્તા કરતા હતા. એમ કરતાં દસ વાગ્યાનો સમય થયો ત્યારે નારાયણપુરના પટેલ ધનજીભાઈ આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘બાપા ! તમે મને મારી સાથે વાત કરવાનું કહ્યું હતું, તે અહીં કરશો કે ઘેર કરશો ?’’ ત્યારે બાપાશ્રીએ ધીરા રહી ધનજીભાઈના સામું જોઈને કહ્યું જે, ‘‘આપણે ઘેર જઈએ.’’ પછી તે દિવસે નિયમની એકાદશી હતી તેથી સર્વે સંત-હરિભક્તોએ બાપાશ્રીની પાસે વિશેષ નિયમ લીધા. પછી બાપાશ્રીએ ઘેર જવાની ઇચ્છા કરી, ત્યારે હરિભક્ત બાપાશ્રીનો ખાટલો ઉપાડીને ઘેર તેડી ગયા ને સર્વે સંત મંદિરની ખડકીથી પાછા વળી આવ્યા ને મંદિરમાં ઉદાસ થઈને બેઠા ને બાપાશ્રીનો મંદવાડ જોઈને અને બાપાશ્રી ધામમાં પધારશે -એમ જાણીને અતિ ઉદાસ થઈ ગયા ને હેતવાળા સર્વે હરિભક્તને બાપાશ્રીના મંદવાડના સમાચાર પત્રથી લખી મોકલાવ્યા.
ઇતિ વિશ્રામ ૫૨