વિશ્રામ ૭૩
ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ તે બેય ગામમાં બબ્બે દિવસ રહીને વૃષપુર આવ્યા અને બાપાશ્રીનાં દર્શન કરીને આનંદ પામ્યા. હવે અનાદિ મુક્તરાજ નિત્યે રાત્રીના પાછલા પહોરમાં જાગી સંતને દર્શન દઈ સ્નાન કરવા ઊઠતા અને સ્નાન કરી ધોયેલું એક વસ્ત્ર પહેરી તથા બીજું ઓઢીને માનસીપૂજા ને બાહ્યપૂજા કરીને સંત-હરિભક્તને મળતા. પછી વસ્ત્ર પહેરીને ઠાકોરજીનાં દર્શન કરતા ને પછી ઘેર પધારી ત્યાં ભક્તજનને દર્શન દઈને પાછા મંદિરમાં આવી સંતની સભામાં વિરાજમાન થતા, ને મધુરે સ્વરે વાતો કરીને સંત-હરિભક્તોને આનંદ પમાડતા ને આઠ વાગે કથાની સમાપ્તિ કરી ઘડી વાર બેસીને પછી ઘેર જમવા પધારતા, જમીને પાછા મંદિરમાં આવી દર્શન દેતા ને સંતની પંક્તિનાં દર્શન કરીને ઓરડીમાં ઢોલિયા ઉપર બેસતા ને સંત જમીને બાપા પાસે વચનામૃતની કથા વાંચતા. પછી બાપાશ્રી થોડી વાર શયન કરીને જાગતા એટલે હરજીભાઈ ઘોડી તૈયાર કરીને લાવતા, તે ઉપર બેસીને વાડીએ પધારતા. ત્યાં જાંબુડાના વૃક્ષ નીચે ખાટલા ઉપર બેસતા ને રામપુર, નારાયણપુર આદિ ગામોથી પ્રેમી ભક્તજન દર્શન કરવા આવતા. પછી સદગુરુ આદિ સંત તે પણ ઊંઘ, આળસ, તડકો તેને નહિ ગણીને બે વાગે વાડીએ જતા. ત્યાં જાંબુડાના વૃક્ષ નીચે ખાટલામાં સૂતેલા પરમ પ્રિય મુક્તરાજશ્રીનાં દર્શન કરી નમસ્કાર કરીને પાસે બેસતા ને બાપાશ્રી પણ બેઠા થઈને સંતમંડળને ‘જય સ્વામિનારાયણ’ કહીને જેમણે એક ધોતિયું પહેર્યું છે એવા થકા ઉઘાડે શરીરે ખાટલામાં બેસતા ને હરિભક્ત પણ તે સમે પાકાં તરબૂચ ને નદીનાં ચીભડાં ને આમ્રફળ જે કેરીઓ આદિ લાવી બાપાશ્રીને અર્પણ કરી દર્શન કરીને પાસે બેસતા ને બાપાશ્રી તે ફળ સર્વે સંતને સુધારવા આપતા; સંત તે ફળને સુધારી ઠાકોરજીને જમાડી બાપાશ્રીને જમાડતા ને બાપાશ્રી જમીને સર્વે સંત-હરિભક્તને પ્રસાદી વહેંચી આપતા. પછી સંતમંડળ બાપાશ્રીની પૂજા કરતા. તેમાં મોટા સદગુરુ પ્રથમ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવે, પછી તે ચંદન કપડા વતી લૂછીને બીજા સંત ચંદન ચર્ચી હાર પહેરાવે, એમ વારાફરતી સંત પૂજા કરી રહે, પછી પાર્ષદ પૂજા કરે, ત્યાર પછી હરિભક્તો પૂજા કરે. તે સમે અનાદિમુક્તરાજશ્રી અતિશય શોભાયમાન જણાતા હતા; તે કેવા, તો વિશાળ ભાલમાં ઘણું ચંદન ચર્ચેલું ને વક્ષસ્થળમાં પુષ્પના હાર શોભી રહ્યા છે ને ઊપડતું ઉદર શોભે છે ને પુષ્ટ બે ભુજાઓ ને બધે શરીરે ચંદનના છાંટા પડેલા ને કોમળ બે ચરણ શોભે છે, એવા મુક્તશ્રીનાં દર્શન કરતા જાય ને પૂજા કરે. એવી રીતે સંત-હરિભક્ત પૂજા કરી રહે, એટલે બાપાશ્રી પણ સર્વે સંત-હરિભક્તોને ચંદનની અર્ચા કરી પ્રસાદીના હાર પહેરાવે, પછી સંત પાસે કીર્તન બોલાવે. તે ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ’ તથા ‘પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ’ એ આદિ કીર્તન બોલતા, ત્યારે બાપાશ્રી ધ્યાનમુદ્રાએ બેસીને સાંભળતા ને વાતો કરતા. પછી સંતને મંદિરમાં જવાની આજ્ઞા કરે ત્યારે સર્વે સંત કાકરવાડીએ સ્નાન કરીને મંદિરમાં આવે ને પોતે ઘોડી ઉપર બેસીને મંદિરમાં પધારે. તે સમે અનાદિ મુક્તરાજશ્રીને એંશી વર્ષની અવસ્થા થઈ હતી ને શરીરમાં કોઈ દિવસ દિશાનો બંધકોશ જણાતો ને કોઈ દિવસ શરીરમાં ગરમી જણાતી તેથી ઝાઝું બેસાતું નહિ ને બાપાશ્રી મંદિરમાં આવીને દર્શન કરતા, પછી ઘેર વાળુ કરી આવીને મંદિરના ચોકમાં આસન ઉપર સૂતા ને સંત-હરિભક્ત દર્શન કરી મંદિરમાં કથાવાર્તા ને નિત્યનિયમ કરીને પછી બાપાશ્રી પાસે આવીને બેસતા ને બાપાશ્રી ઓરડામાં ઢોલિયા ઉપર પોઢતા, એમ નિત્યે સર્વેને સુખ આપતા.
તે સમયે આથમણા સુખપુરમાં નવું મંદિર કર્યું હતું તેમાં મૂર્તિ-પ્રતિષ્ઠાનો સમૈયો આદર્યો હતો. તે મૂર્તિ નારાયણપુરના ધનજી પટેલનાં બહેન અમરબાઈએ ત્યાંના મંદિરમાં અર્પણ કરી હતી ને ત્યાંના ભક્ત ભીમજી, લક્ષ્મણ ને કચરા -તેઓ પાંચ દિવસથી આગળ આવીને બાપાશ્રીની પ્રાર્થના કરીને ગયા હતા. પછી તે સમૈયામાં ભૂજના સાધુનાં મંડળ ગયાં ને બાપાશ્રીને પણ કંકોતરી આવી પરંતુ સદગુરુ આદિ સંતમંડળને મેલીને બાપાશ્રીથી જવાય તેમ હતું નહિ; કેમ જે સદગુરુને બાપાશ્રીનાં દર્શન કર્યા વિના એક ક્ષણ તે યુગ જેવો થાય તેમ હતું તેથી બાપાશ્રી તે દિવસ સવારની કથામાં આવીને બેઠા, પણ કંકોતરી આવી છે ને જાવું જોઈશે તે કાંઈ વાત કરી નહિ ને કથા ઊઠ્યા પછી ઘેર જઈ ઠાકોરજી જમાડી પોતાના પુત્ર મનજીભાઈ તથા માવજીભાઈને સાથે લઈ પોતાની ઘોડાગાડીમાં બેસીને સાંજના પાંચ વાગે સુખપુર પહોંચ્યા. તે સમે અનાદિ મુક્તરાજશ્રીના આવવાથી સર્વે સંત-હરિભક્તને આનંદ થયો ને સર્વે સાધુ બાપાશ્રીને મળ્યા, પછી મંદિરમાં આસન ઉપર બિરાજમાન થયા ને સદગુરુ આદિ સંતના ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ને ત્યાંના ભક્તોએ બાપાશ્રીને જમાડ્યા. પછી બીજે દિવસે મૂર્તિની પ્રતિષ્ઠા કરી ને સંત-હરિભક્ત જમી રહ્યા, ત્યારે બાપાશ્રી પણ જમી સર્વેને મળી મનજીભાઈ ને માવજીભાઈ પાસે ગાડી જોડાવીને તેમાં બેસીને ચાલ્યા ને મનજીભાઈએ ઘોડી દોડાવી તે એક કલાકમાં સામત્રે આવ્યા, ત્યાંથી ઘોડી જે ચાલી તે સાંજે વૃષપુર આવ્યા ને સદગુરુ આદિ સર્વે સંત બાપાશ્રીનાં દર્શન કરીને રાજી થયા. પછી બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસજી ભૂજથી સદગુરુ તથા બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા ને દર્શન કરીને આનંદ પામ્યા.
ત્યાર પછી બાપાશ્રી કોઈક દિવસ ત્રીજા પહોરમાં વાડીએ જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બેઠા હતા ને સંત તથા હરિભક્ત પણ બેઠા હતા. પછી સ્વામી વૃંદાવનદાસજીએ એક મોટું આંબાનું ફળ હતું તેને ધોઈ તેનું ડીટિયું કાઢી બાપાશ્રીને ચૂસવા આપ્યું, ત્યારે બાપાશ્રી તે ફળ હસ્તમાં લઈ તેને ચૂસીને રસ જમ્યા. પછી બીજાં આમ્રફળ લઈ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી ઘનશ્યામજીવનદાસજીને ચૂસવા આપ્યાં ને બીજાં આંબાનાં ફળ હતાં તેમાંથી એક પાત્રમાં રસ કઢાવીને ઠાકોરજીને ધર્યો ને વડના પત્રના દડિયામાં તે રસ સર્વે સંત-હરિભક્તને વહેંચી આપ્યો. પછી સર્વે સંત-હરિભક્ત સહિત બાપાશ્રી માનસીપૂજા કરવા ધ્યાનમાં બેઠા તે એક કલાક સુધી માનસીપૂજા તથા ધ્યાન કરીને સ્વામી વૃંદાવનદાસજી પાસે એક કલાક વાતો કરાવી. પછી જવાની આજ્ઞા કરી ત્યારે સર્વે સંત બાપાશ્રીને મળી દંડવત્ કરીને મંદિરમાં આવ્યા, ને બાપાશ્રી ઘોડી ઉપર બેસીને પછીથી મંદિરમાં આવ્યા -એમ નિત્યે સુખ આપતા. પછી બ્રહ્મચારી ને પુરાણી તે થોડા દિવસ રહીને ભૂજ ગયા. ત્યાર પછી નારાયણપુરથી ધનજીભાઈ સંતમંડળ સહિત બાપાશ્રીને તેડવા આવ્યા, ત્યારે બાપાશ્રીએ સદગુરુ સ્વામીને નારાયણપુર થઈને દેશમાં જવાની આજ્ઞા કરી અને પોતે પણ ઘોડી ઉપર બેસીને સંત ભેળા નારાયણપુર આવ્યા. ત્યાં ધનજીભાઈની રસોઈ સંતોને જમાડી સદગુરુને ગાડામાં બેસાડીને ભૂજ મોકલ્યા ને પોતે વૃષપુર આવ્યા ને સંત ભૂજમાં બે દિવસ રહીને દેશમાં ગયા.
ઇતિ વિશ્રામ ૭૩