વિશ્રામ ૯૦

ત્યાર પછી ચૈત્ર વદ આઠમની સવારમાં શ્રીજીમહારાજના અનાદિ મુક્તશ્રીને સ્નાન, પૂજા વગેરે નિત્યનિયમ કરીને સંતને છત્રીએ જઈ ને સમૂહપારાયણ કરવાની આજ્ઞા કરી ને પોતે પણ તૈયાર થયા ને સેવક શંખલાદિ પલાણ નાખીને ઘોડી લાવ્યા ને બાપાશ્રી તે ઉપર બેઠા ને સર્વે હરિભક્ત કીર્તન ગાતા ગાતા ભેગા ચાલ્યા, તે છત્રીએ આવીને હૉલમાં ગાદીતકિયે બેઠા ને માંહી અને બહાર સંત-હરિભક્તની સભા બેઠી ને ટીકાવાળાં વચનામૃતના નોખા નોખા ભાગ કરીને સંત-હરિભક્ત વાંચવા બેઠા, તે અડધી કલાકમાં પૂરી પ્રત વાંચીને સમાપ્તિ કરી. પછી સર્વે સંત-હરિભક્તે પુસ્તક ને બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રી છત્રીને ઓટે આવીને આથમણે મુખે બેઠા ને સર્વે સંત-હરિભક્તની પોતે પૂજા કરી. ત્યાર પછી બાપાશ્રી ઘોડીએ બેસીને ચાલ્યા ને સર્વે સંત-હરિભક્ત પણ કીર્તન ગાતા ગાતા ભેગા ચાલ્યા, તે સૌ મંદિરમાં આવ્યા ને તે દિવસે આખા ગામને તથા પરદેશી હરિભક્તને જમાડવા હતા -તે સારુ બાપાશ્રીએ દાળ, ભાત, શાક આદિ ભોજન કરાવ્યાં હતાં ને શીરો વધેલો પડ્યો હતો, તેથી બાપાશ્રી ઘોડીએ બેસીને હજારો હરિભક્ત સહિત કીર્તન ગવરાવતા થકા પાકશાળામાં પધાર્યા ને પોતે સ્નાન કરીને જમ્યા. પછી સર્વેને પોતે પીરસીને તથા પિરસાવીને જમાડ્યા પછી માંચીમાં બેસી મંદિરમાં આવીને પોઢી ગયા.

ત્યાર બાદ બીજે દિવસ મંદિરની ઓસરીમાં સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને બાપાશ્રી પણ તે સભામાં આસન ઉપર બેઠા હતા, ને પુ. ધર્મકિશોરદાસજી વચનામૃતની કથા વાંચતા હતા. તેમાં પ્રથમ પ્રકરણનું ૫૪મું વચનામૃત વાંચ્યું -તેમાં સંતના સમાગમથી મોક્ષનો દરવાજો ઉઘાડો થાય છે ને ભાગવત ધર્મનું પોષણ થાય છે તે વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આવા સંતનો સમાગમ કરવો; આ સંત ચિંતામણિ ને કલ્પતરુ જેવા છે; આ સંત દુઃખી તો શ્રીજીમહારાજ ને અમે દુઃખી, શ્રીજીમહારાજ ને અમે આ સંતમાં રહીએ છીએ.’’ વળી સંત-હરિભક્તની સભા સામો હાથ કરીને બોલ્યા જે, ‘‘આ સભા અક્ષરધામની છે; આ સભામાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત વિરાજમાન છે. -તેમાંથી ઝળસ ઝળસ તેજ છૂટે છે, સર્વે જોઈને રાજી થાય છે; આ સભામાં સર્વે તેજોમય મુક્ત બેઠા છે ને અક્ષરધામથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત પણ છે, તમારા તો સંકલ્પ ચાલે છે. જેમ ગોપાળાનંદસ્વામી સંકલ્પથી સો સંત થયા હતા તેમ તમે પણ સંકલ્પે કરીને અનંતરૂપે થઈને અનંત જીવને અક્ષરધામમાં મેલી આવો છો, પણ તમને તમારા બાળની ખબર નથી; તમારું બળ તમારા સુખને અર્થે શ્રીજીમહારાજે ને અમે રોકી રાખ્યું છે.’’ -એમ કેટલીક વાતો કરી.

ત્યાર પછી સર્વે હરિભક્તે બાપાશ્રીની પ્રાર્થના કરી જે, ‘‘હે કૃપાળુ ! તમે અનાદિમુક્ત છો ને શ્રીજીમહારાજની ઇચ્છાથી અમારા આત્યંતિક મોક્ષ કરવા તમારો આવિર્ભાવ છે. તે વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં કરી છે જે, ‘સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે ને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે.’ તે તમે સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મુક્તાવતાર છો ને સ્વામિનારાયણ ભગવાન તમારામાં રહ્યા છે ને તમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં રહ્યા છો અને મુમુક્ષુને મૂર્તિમાં રાખવા શ્રીજીમહારાજના સંકલ્પથી આવ્યા છો, તે અમને કૃપાકરીને તમારા ભેગા મૂર્તિમાં રાખશો. અને તમે અનાદિમુક્તની સ્થિતિ સમજાવવા ને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવવા સારુ વચનામૃતની ટીકા કરીને અનંત ભક્તને અનાદિમુક્ત કર્યા છે, ને અમને પણ આવાં સુખ આપો છો ને આપશો.’’ એવી રીતે સ્તુતિ-પ્રાર્થના કરી, પછી સાષ્ટાંગ દંડવત્‌-પ્રણામ કરીને દર્શન કર્યા. ત્યારે અનાદિમુક્તશ્રી સર્વે ભક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘તમે અમારા છો ને તમને સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખ્યા છે ને મૂર્તિને સુખે સુખિયા કરીશું ને તમે પણ ખટકો રાખીને મુક્તે સહિત શ્રીજીમહારાજનું ભજન કરજો ને આજ્ઞામાં બરાબર વર્તજો. હવે અમારા દેહનો નિર્ધાર નથી પણ દિવ્ય દેહે સદાય તમારા ભેગા રહેશું.’’ -એમ કહીને સર્વેને મળ્યા ને કહ્યું જે, ‘‘હવે તમે સર્વે તૈયાર થઈ જાઓ.’’ ત્યારે તે ભક્તજનો ઉતારે જઈ સર્વે સામાન બાંધી ગાડામાં નાખી ફેર બાપાશ્રીનાં દર્શન કરીને ભૂજ ગયા ને ત્યાં દર્શન-સેવા કરીને પોતપોતાના દેશમાં ગયા અને સદગુરુ આદિ સંતમંડળ મુક્તશ્રીના સમાગમનું ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ લેતા હતા.વળી તે સમયે ભૂજથી સાધુ કેશવપ્રિયદાસ ને વિજ્ઞાનદાસ તથા ભોગીલાલભાઈ ને મોતીભાઈ આદિ સર્વે દર્શન કરવા આવ્યા હતા ને અનાદિમુક્તશ્રી સવારની કથા થઈ રહ્યા પછી કૂવા ઉપર નાહ્યા ને પછી ચોકમાં ઉગમણે મુખે તડકે ખુરસીમાં બેઠા, ને સાધુ કેશવપ્રિયદાસે ભૂજથી લાવેલાં પાનબીડાં બાપાશ્રીને આપ્યાં. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તથા બીજા સંત-હરિભક્ત પાસે બેઠા હતા ને બાપાશ્રીએ પાનબીડાંની પ્રસાદી હરિભક્તને વહેંચી આપી. પછી બોલ્યા જે, ‘‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર’ ને વળી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજ અને અમે તો સર્વેનો મોક્ષ કરવા આવ્યા છીએ.’’ વળી કહ્યું જે, ‘‘પૂર્વે મહાનુભાવાનંદસ્વામીએ સાત લીંબડા પાડ્યા તેના સાત ભાઈ થયા, તેમાંથી ચાર સાધુ થયા. તેમાં એક મોટા થઈને અર્ધી અવસ્થાએ સાધુ થયા હતા ને ત્રણ નાનપણથી જ સાધુ થઈને ભણ્યા હતા, -તેમાંથી આ સ્વામી ઘનશ્યામજીવનદાસજી એક રહ્યા છે. પહેલાં તો આ ઈશ્વર બાવો ને સ્વામી વૃંદાવનદાસજી તથા તેમના નાના ભાઈ કૃષ્ણજીવનદાસજી અમારી પાસે સમાગમ કરવા આવતા, ત્યારે તેમને આ સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહેતા જે, ‘આમ દોડાદોડ શું કરો છો ? -એમ અહીં આવનારને ના પાડતા ને હવે તો તે પણ અમારો જોગ-સમાગમ કરે છે’’ -એમ વાત કરી.

ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી બોલ્યા જે, ‘‘બાપા ! મારો સ્વભાવ લીંબડાનો રહ્યો છે તે કાઢી નાખો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘ગયો, ગયો, ગયો.’’ -એમ બોલ્યા. ત્યારથી તે સ્વામીની વૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ રહેતી ને સ્વામીને જ્યારે દેહ મેલવાનો સમય આવ્યો ત્યારે સ્વામીને અનંત મુક્ત ને બાપાશ્રીએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને શ્રીજીમહારાજનો અલૌકિક મહિમા કહીને દેહ મેલ્યો હતો.

હવે આવી રીતે બાપાશ્રી નિત્યે સુખ આપતા હતા. પછી સાંજના સંત-હરિભક્તને સાથે લઈને છત્રીએ પધાર્યા ને ત્યાં મહોલમાં ગાદીતકિયે બેઠા, ને સંત-હરિભક્તની સભા બેઠી ને ટીકાવાળાં વચનામૃતની કથા કરાવી. પછી સર્વેએ ચંદનપુષ્પના હારથી શ્રીજીમહારાજની ને બાપાશ્રી પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની પૂજા કરી, ને સર્વ સંત-હરિભક્તને છત્રી ફરતા રાસ રમવાની આજ્ઞા કરી. ત્યારે સંત-હરિભક્ત છત્રી ફરતા ફરીને કીર્તન ગાવા લાગ્યા ને બાપાશ્રી સદગુરુએ સહિત છત્રીના ઓટા ઉપર તલાવડી સામું મુખ રાખીને બેઠા ને સંત-હરિભક્ત ઘણી વાર રાસ રમ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજે પંચાળામાં સંત-હરિભક્તને રાસ રમાડ્યા હતા, -તેવો જ આ રાસ છે ને તે દિવસે મહારાજે અડધો કળિયુગ કાઢી નાખ્યો હતો અને આજ પણ આ જોગમાં આવ્યા તે સર્વેનો કળિયુગ ગયો, ને પર્વતભાઈએ જેવો યજ્ઞ કર્યો હતો તેવો જ આ યજ્ઞ છે.’’ -એમ વાત કરી. પછી રાસ બંધ રખાવીને સર્વેને પ્રસાદી આપી, ત્યારે સર્વે હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને તથા વર પામીને પોતપોતાને ગામ ગયા ને બાપાશ્રી સંત-હરિભક્ત સહિત મંદિરમાં આવ્યા. ત્યાર પછી ગોડી-આરતી કરી ને સંત પાસે કથાવાર્તા કરાવીને સાંભળી. પછી શયન કર્યું.

ઇતિ વિશ્રામ ૯૦