વિશ્રામ ૩૧

ત્યાર પછી અનાદિમુક્તશ્રી સર્વે સંત-હરિભક્તને સાથે લઈને કાકરવાડીએ પધાર્યા, ત્યાં વાતો કરીને સર્વેને સુખ આપી પાછા મંદિરમાં આવ્યા. તે વખતે ભૂજના સાધુ ભક્તિપ્રિયદાસજી, જોગેશ્વરદાસજી આદિ પચીસ સંત વૃષપુર આવ્યા ને બાપાશ્રીને તથા સર્વે સદગુરુને મળ્યા ને વૃષપુરમાં સ્વામી વૃંદાવનદાસજી આદિ પચીસ-ત્રીસ સંતા હતા ને ભૂજના આવ્યા તે સર્વે મળીને પચાસ-પંચાવન સંતનો સમૂહ થયો. તે સમે બાપાશ્રીના પુત્ર છપૈયાની યાત્રા કરીને આવ્યા હતા, તેથી તેમણે બાપાશ્રીની આજ્ઞાથી સર્વે સંતોને રસોઈ કરાવીને જમાડ્યા, ને સર્વે સંતની પોતાને ઘેર પધરામણી કરી ને સર્વે સંતને ધોતિયાં ઓઢાડ્યાં. પછી બાપાશ્રીએ દ્રાક્ષની પ્રસાદી સર્વેને આપી ને જે બીજા હરિભક્ત છપૈયાની યાત્રા કરીને આવ્યા હતા, તે પણ સર્વે સંતની ને બાપાશ્રીની પધરામણી કરવા લાગ્યા ને મંદિરમાં સંત અહોનિશ કથાવાર્તા કરતા. પછી ભૂજના સંત પાંચ દિવસ રહીને ભૂજ ગયા અને મૂળી-અમદાવાદના સંત રહ્યા.

ત્યાર પછી કોઈક દિવસ બાપાશ્રી કાકરવાડીમાં સભા કરીને બેઠા હતા તે સમે બાપાશ્રીએ સંતને કહ્યું જે, ‘‘આપણે ભેગા થયા છીએ-તે શ્રીજીમહારાજની મૂર્તિ સારુ ભેગા થયા છીએ પણ બીજો કોઈ સ્વાર્થ નથી, માટે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહેવું ને જાણે-અજાણે કાંઈ ફેર પડ્યો હોય તો આ બ્રહ્મસભામાં હાથ જોડીને પ્રાર્થના કરવી તો મહારાજ તેનું માફ કરે.’’ ત્યારે મૂળીના સ્વામી સનાતનદાસજી ને તેમના શિષ્ય હરિકૃષ્ણદાસજી-તે બાપાશ્રીને દંડવત્‌ કરી હાથ જોડીને કહેવા લાગ્યા જે, ‘‘અમે વઢવાણમાં કુંજવિહારીપ્રસાદ ભેળા ભળ્યા હતા, તે અમારી ભૂલ માફ કરો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ભૂલ ઓળખીને પાછા વળી આવ્યા તો માફ છે.’’ -એમ કહી રાજી થઈને તેમના માથે હાથ મેલ્યા. પછી સર્વે સંત પ્રત્યે બોલ્યા જે, ‘‘તમે મહારાજની આજ્ઞામાં દૃઢ રહેશો ને ઉપાસના પરિપક્વ સમજશો ને અમારે વિષે આત્મબુદ્ધિ રાખશો, તો અમે અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં ભેળા રાખશું ને શ્રીજીમહારાજની સળંગ મૂર્તિના રોમરોમમાં નવીન નવીન સુખ અખંડ અનુભવાવશું.’’ -એમ સર્વેને આશીર્વાદ આપ્યા, ત્યારે સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીને દંડવત્‌ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી સર્વેને મળ્યા. એવી રીતે બાપાશ્રી વાડીમાં સભા કરીને સર્વેને સુખ આપતા. પછી નાગજીભાઈ, ભૂરાભાઈ આદિ સર્વે હરિભક્તને બાપાશ્રીએ દેશમાં જવાનું કહ્યું ત્યારે ભૂરાભાઈ આદિ હરિભક્તે બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! અમારે અહીં રહેવાની તાણ નથી પણ તમે અમારું પૂરું કરી દો. એટલે સદાય તમારા ભેળું રહેવાય; ક્યારેય વિયોગ થાય નહિ.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમારું સર્વેનું પૂરું કર્યું છે; કાંઈ પણ બાકી રાખ્યું નથી.’’ ત્યારે તેમણે કહ્યું જે, ‘‘બાપા ! મૂર્તિ અખંડ દેખાય છે પણ અનાદિમુક્ત મૂર્તિના સુખમાં થીજી રહે છે ને મૂર્તિ વિના બાજું કાંઈ દેખતા નથી, તેવું સુખ આવતું નથી ને આ લોક-દેહ ભુલાતા નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમને આ મુક્તના સમાગમનું સુખ આપવા સારુ એમ રાખ્યા છે પણ કાંઈ અધૂરું રાખ્યું નથી ને વખત આવશે ત્યારે તેવી સ્થિતિ ભોગવાવશું.’’ એવાં બાપાશ્રીનાં વચન સાંભળી તે સર્વે કૃતાર્થ થયા. પછી બાપાશ્રીની આજ્ઞાએ કરીને સૌ પોતપોતાને ગામ જવા તૈયાર થયા ને બાપાશ્રીને તથા સર્વે સંતને મળીને ચાલ્યા, અને બાપાશ્રી તેમને વળાવવા નદી સુધી ગયા ને ફેર સર્વેને મળી પાછા મંદિરમાં આવ્યા.

પછી બીજે દિવસ લખાઈવાડીમાં મોટા આંબા નીચે સભા કરીને બેઠા હતા, ત્યારે બાપાશ્રીએ સર્વે સંતને કહ્યું જે, ‘‘આ આંબાની કેરીઓ ને આ બાજરાનો પોંક તમને જમાડીને પછી દેશમાં જવાની રજા આપશું.’’ તે વખતે કેરીઓ પાકવાની પંદર દિવસની વાર હતી ને બાજરાના પોંકને થવાની એક મહિનાની વાર હતી ને ત્યાં રહેવાનું તો દસ-પંદર દિવસ સુધી હતું, તેથી સાધુ કેશવપ્રિયદાસજીને એમ સંકલ્પ થયો જે, ‘‘બાપાશ્રી બોલ્યા તે સત્ય જ થાય, પણ ખોટું પણ નહિ, પણ થશે ત્યારે ખબર પડશે.’’ પછી એવી રીતે બાપાશ્રીનો જોગ-સમાગમ કરતાં પંદર દિવસ વીતી ગયા ને કેરીઓ પાકી ગઈ, એટલે બાપાશ્રી સંતને જમાડવા કેરીઓ લાવ્યા ને સંત જમ્યા અને તે ગામના હરિભક્ત પણ કેરીઓ લાવીને સંતને જમાડવા લાગ્યા, પરંતુ બાજરીના પોંકને તો હજી પંદર દિવસની વાર હતી.

પછી નારાયણપુરથી ધનજીભાઈ ને તેમના દીકરા હરજીભાઈ-તેઓ સંતમંડળને નારાયણપુર તેડી જવા માટે આવ્યા ને બાપાશ્રીને વિનંતી કરી જે, ‘‘સંતને નારાયણપુર મોકલો.’’ ત્યારે બાપાશ્રીએ સંતમંડળને નારાયણપુર જવાનું કહ્યું. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી આદિ સર્વે સંત બીજે દિવસ જમીને નારાયણપુર જવા ચાલ્યા, ત્યારે બાપાશ્રી સંતોને વળાવી અને મોટા સંતોને ગાડે બેસારી પાછા પોતાને ઘેર આવ્યા અને સર્વે સંત નારાયણપુરમાં બે દિવસ રહ્યા. પછી બાપાશ્રી જેઠ સુદ બારશના દિવસે ત્રણ વાગે નારાયણપુર આવ્યા. તે દિવસ તાપ બહુ હતો તેથી સર્વે સંતે બાપાશ્રીને કહ્યું જે, ‘‘આવા તડકામાં કેમ આવ્યા ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે તમારા સારુ તપ કર્યું.’’ પછી બાપાશ્રીને ઠંડું જળ પાયું ને ધનજીભાઈ પપનસ લાવ્યા, તેને સુધારી તેમાં સાકર નાખી ઠાકોરજીને જમાડીને બાપાશ્રીને જમવા આપ્યું, ત્યારે બાપાશ્રી જમ્યા ને સર્વેને પ્રસાદી આપી. પછી કથાવાર્તા કરીને સર્વે સંત-હરિભક્તને રાજી કર્યા ને બીજે દિવસ સંતોને ગાડામાં બેસારીને ભૂજ મોકલ્યા ને પોતે ઘેર પધાર્યા.

હવે સ્વામી ઘનશ્યામજીવનદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સર્વે સંત, તેઓ ભૂજના સંતોનો રાખવાનો આગ્રહ જોઈને ભૂજમંદિરમાં સોળ દિવસ રહ્યા. ત્યાં સર્વે સંતમંડળ ભેળા બેસીને અહોનિશ કથાવાર્તા કરતા ને દિવસના બાર વાગ્યા પછી સ્વામી વૃંદાવનદાસજીને બ્ર. નિર્ગુણાનંદજી ઠાકોરજીના મંદિરમાં બેસી મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેવી સ્થિતિ બાપાશ્રી કરાવે છે, તે પ્રસંગની વાતો કરતા હતા. તે સાંભરીને બ્રહ્મચારીને બાપાશ્રીનો સંપૂર્ણ મહિમા સમજાયો ને મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવાની લટક આવી. ત્યાર પછી બાજરીનો પોંક થયો એટલે અધમણ જેટલો પોંક એક હરિભક્ત પાસે લેવરાવી તે હરિભક્તને સાથે લઈને ભૂજ આવ્યા ને ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કર્યાં ને સંતને બાપાશ્રીનાં દર્શનથી ઘણો જ આનંદ થયો ને બાપાશ્રી પોંક લાવ્યા હતા તે ઠાકોરજીને ધરાવીને સર્વે સંતને વહેંચી આપ્યો. ત્યારે સાધુ કેશવપ્રિયદાસને બાપાશ્રીનું વચન જે, ‘પોંક જમાડીને મોકલશું.’ -તેમ કહ્યું હતું તે સત્ય થયું એમ સાંભરી આવ્યું. પછી બાપાશ્રી બે દિવસ ભૂજમાં રહ્યા ને સર્વેને સુખિયા કરીને જવાની રજા આપી ત્યારે સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો તૈયાર થયા ને બાપાશ્રી પોતે સ્ટેશન સુધી સંતને મૂકવા ગયા ને સંતને રેલગાડીમાં બેસાડીને પોતે બીજા સંત-હરિભક્તની સાથે ભૂજમંદિરમાં આવ્યા ને જમીને વૃષપુર ગયા.

ઇતિ વિશ્રામ ૩૧