વિશ્રામ ૯૮

સંવત ૧૯૮૪ના અસાડ સુદ ચોથ ને ગુરુવારે ભૂજના મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી, પુ. કેશવપ્રિયદાસજી, શ્રીરંગદાસજી, જોગેશ્વરદાસજી આદિ સંત તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્ત ભૂજથી પરોઢિયે શગરામ આદિ વાહનમાં બેસીને પાંચ વાગે ચાલ્યા તે સવારે આઠ વાગે વૃષપુર પહોંચ્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને બાપાશ્રીને ઘેર ગયા, ત્યારે બાપાશ્રી કાનજીભાઈ ને દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્ત બાપાશ્રીની સેવામાંહતા તેમણે સંતને બાપાશ્રીનાં દર્શન કરવા ઘરમાં બોલાવ્યા. ત્યારે સર્વે સંત ઘરમાં આવી બાપાશ્રીનાં દર્શન કરીને બાપાશ્રીના ઢોલિયાની પાસે બેઠા ને સંત-હરિભક્ત સર્વે કીર્તન ગાવા લાગ્યા. પછી સ્વામી ભક્તિપ્રિયદાસજીએ વચનામૃતની કથા કરીને પુ. કેશવપ્રિયદાસે વાતો કરી. પછી સર્વે સંત-હરિભક્તોએ સ્વામિનારાયણ નામની ધૂન કરી. તે સમયે પુ. કેશવપ્રિયદાસે બાપાશ્રીના મંદવાડની સ્થિતિ જોઈને વિચાર કર્યો કે, ‘‘બાપાશ્રી કહેતા હતા જે, ‘અમે છેલ્લો યજ્ઞ કરી ધામમાં જઈને બેસશું.’ માટે બાપાશ્રી જરૂર અંતર્ધાન લીલા કરશે.’’ તે સમે બાપાશ્રી નેત્રને મીંચી રાખતા ને મંદવાડની ગભરામણ હોય તેમ ઘડીભરમાં પડખું ફેરવતા ને ઢોલિયામાં સૂતા હતા. તે વખતે બાપાશ્રીએ પોતાના હસ્તની ચેષ્ટાથી લઘુ કરવાનું જણાવ્યું, ત્યારે બાપાશ્રીના મનજીભાઈએ લઘુ કરાવ્યું. પછી બાપાશ્રીએ જમણો હસ્ત મુખે અડાડીને જળવાન કરવાનું સૂચવ્યું, ત્યારે બાપાશ્રીના કાનજીભાઈએ જળપાન કરાવ્યું. એમ બાપાશ્રીના મંદવાડની સ્થિતિ જોઈને પુ. કેશવપ્રિયદાસ તથા ભક્તિપ્રિયદાસ આદિ સર્વે સંત-હરિભક્ત ઉદાસ થઈ ગયા ને દિવસના બાર વાગ્યા સુધી બાપાશ્રી પાસે બેઠા. પછી મંદિરમાં ગયા ને ત્યાંથી સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ સંત હતા તે ભૂજ ગયા અને કેશવપ્રિયદાસ ને રંગદાસ આદિ સંત બાપાશ્રીનાં દર્શન-સેવા સારુ ત્યાંના મંદિરમાં જ રહ્યા.

પછી તે દિવસ સાંજે ભૂજથી બીજા સંત બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા, ત્યારે મંદિરમાંથી કેશવપ્રિયદાસ આદિ સંત અને ભૂજના સંત-તેઓ સર્વે ભેગા થઈને બાપાશ્રીનાં દર્શન કરવા તેમને ઘેર ગયા. ત્યારે બાપાશ્રીની સેવામાં દેવરાજભાઈ, કાનજીભાઈ આદિ હતા તેમણે બાપાશ્રીનાં દર્શન કરવા સંતોને ઘરમાં આવવાં કહ્યું, ત્યારે કેશવપ્રિયદાસ આદિ સંત બાપાશ્રીના ઢોલિયા પાસે આવીને દર્શન કરવા લાગ્યા. તે સમે સાધુ કેશવપ્રિયદાસને બાપાશ્રીના મંદવાડની સ્થિતિ સવારથી બીજી રીતની જણાઈ ને બાપાશ્રીનો શ્વાસ જોયો ત્યારે સારી સ્થિતિમાં જણાયો ને બાપાશ્રીની નાડી જોઈ ત્યારે પણ તે સારી ચાલતી દેખાઈ અને તે સમે બાપાશ્રી ઢોલિયામાં અતિ સ્થિર થઈને સૂતા હતા. તેવી બાપાશ્રીના મંદવાડની સ્થિતિ જોઈને કેશવપ્રિયદાસને એમ જણાયું જે, ‘બાપાશ્રી ઉપશમમાં ઊંડા ઊતરવા મંડ્યા છે તેથી હમણાં જ આ લીલા સંકેલી લેશે, પણ સદગુરુ સ્વામીને ભેગા થવા રહેશે નહિ.’ તેથી તેમના અંતરમાં ગભરામણ ઘણી થઈ; કાંઈ બોલાય ચલાય નહિ તેવું થઈ ગયું. પછી સંધ્યા-આરતીનો સમય થયો ત્યારે દેવરાજભાઈ તથા કાનજીભાઈ -તેમણે કેશવપ્રિયદાસ આદિ સંતોને કહ્યું જે, ‘બાપાશ્રીની પૂજા-આરતી કરો.’ ત્યારે તે સંતોએ ઢોલિયામાં સ્થિર થઈને સૂતેલા બાપાશ્રીને ચંદનનો ચાંદલો કર્યો ને પુષ્પનો હાર પહેરાવ્યો. પછી કેશવપ્રિયદાસે સંત-હરિભક્તે સહિત સંધ્યા-વખતે આરતી ઉતારી ને ધૂન બોલ્યા. વળી તે સમે ઘણા હરિભક્ત આવ્યા હતા ને બાપાશ્રીનાં દર્શન કરતા હતા. પછી દેવરાજભાઈ તથા મોતીભાઈએ સંતને મંદિરમાં જવાનું કહ્યું, ત્યારે સર્વે સંત મંદિરમાં ગયા પણ કેશવપ્રિયદાસ તથા બીજા સંતોના જીવ, તે તો બાપાશ્રી પાસે હતો ને બાપાશ્રીનાં દર્શન કરવા સારુ તલખતા હતા.

એમ કરતાં રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો ત્યારે ભૂજથી સાધુ હરિજીવનદાસજી આદિ બાપાશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યા. ત્યારે મંદિરમાંથી કેશવપ્રિયદાસ આદિ સંત, ને તે ભૂજના સંત બાપાશ્રીના ઘેર ગયા. ત્યારે દેવરાજભાઈ તથા મોતીભાઈ તેમણે સંતોને બાપાશ્રી પાસે દર્શન કરવાનો માર્ગ કરાવ્યો. પછી કેશવપ્રિયદાસ આદિ સંતોએ બાપાશ્રીનાં દર્શન કર્યાં. ને બાપાશ્રી તેમના આવ્યાથી ઘડી પહેલાં જ તેજબાઈ દૂધ લઈને આવ્યાં હતાં, તેમના પ્રેમથી દૂધપાન કરીને પાછા ઢોલિયામાં સૂતા હતા ને અતિશય તેજસ્વી સ્વરૂપ એવાં બાપાશ્રીનાં દર્શન થતાં હતાં. તે સમે મુનિ કેશવપ્રિયદાસે બાપાશ્રીની નાડી જોઈત્યારે મંદ ગતિમાં દેખાઈ, ને બાપાશ્રીના શ્વાસની ગતિ જોઈત્યારે કાંઈક વિશેષ ચાલતી જણાઈ, ને બાપાશ્રીનાં સર્વે અંગ બરાબર એક ચિત્તથી જોયાં ત્યારે નાસિકાનો અગ્રભાગ કાંઈક એક પડખે નમેલો દેખવામાં આવ્યો, તેમ જ ડાબો કર્ણ નીચલે ભાગેથી વળી ગયેલો જોવામાં આવ્યો. તેથી તે સમે કેશવપ્રિયદાસને એમ જણાયું જે, ‘બાપાશ્રી અંતર્ધાન લીલા કરવાની તૈયારીમાં છે.’ તે સમે દેવરાજભાઈ, મોતીભાઈ આદિ હરિભક્તે કેશવપ્રિયદાસ આદિ સંતોને કહ્યું જે, ‘બાપાશ્રીની આરતી કરો.’ ત્યારે સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને આરતી ઉતારી. તે સમે કેટલાક સંત-હરિભક્તને બાપાશ્રીનાં દિવ્યસ્વરૂપે દર્શન થયાં તેથી અતિશય આનંદ થયો ને બાપાશ્રીના સામુ જોઈ રહ્યા ને કેશવપ્રિયદાસ તો પોતાના દેહનું ભાન પણ ભૂલી ગયા. વળી તે સમે મગનભાઈ, જાદવજીભાઈ, પ્રેમજીભાઈ, વિઠ્ઠલજીભાઈ, લાલશંકરભાઈ આદિ કેટલાક હરિભક્ત તો અતિશય સ્નેહના રુદન કરતા થકા શ્રીજીમહારાજ ને બાપાશ્રીની પ્રાર્થના કરવા લાગ્યા ને બીજા પણ અતિશય સ્નેહવાળા દેવરાજભાઈ, માવજીભાઈ, હરજીભાઈ આદિ સર્વે શોકાતુર ને અતિશય ઉદાસી ને ધીરજતાએ રહિત થઈ ગયા ને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ ધૂન કરવા લાગ્યા. તે સમે બાપાશ્રીએ દયા કરીને સર્વ ભક્તના હૃદયમાં ધીરજતા પ્રેરી, તેણે કરીને સર્વને ધીરજ આવી ગઈ ને એમ જણાયું જે, ‘બાપાશ્રી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જ રહ્યા છે ને આ તો લીલા જણાવે છે.’ -એમ સમજીને બાપાશ્રીની પૂજા કરવા લાગ્યા. તે સમે બાઈઓના મંડળ સર્વે બાપાશ્રીનાં દર્શન કરવા તલપી રહ્યાં હતાં તેથી દેવરાજભાઈ તથા મોતીભાઈએ સંતોને કહ્યું જે, ‘બાઈઓને દર્શન કરવા આવવું છે, માટે તમે મંદિરમાં જાઓ.’ ત્યારે કેશવપ્રિયદાસ આદિ સંત મંદિરમાં ગયા.

હવે બાઈઓ સર્વે આવીને બાપાશ્રીનાં દર્શન-પૂજા કરવા લાગ્યાં. પછી તે બાઈઓ પૂજા કરીને છેટે રહ્યાં થકાં દર્શન કરતાં હતાં. તે સમે બાપાશ્રીના કાનજીભાઈ, મનજીભાઈ, માવજીભાઈ, હરજીભાઈ આદિ ને દેવરાજભાઈ, જાદવજી આશા, હીરજી નાનજી, સોની મોતીભાઈ, મગનભાઈ, વિઠ્ઠલજીભાઈ, લાલશંકરભાઈ, અરજણ ભોજાણી, અણદા કેરાઈ, મૂળજી પર્બત, રામજી પર્બત, રામજી કરસન, વાઘજી ભોજાણી આદિ ઘણા હેતવાળા હરિભક્ત બાપાશ્રીની સેવામાં ચારે કોર બેઠા હતા અને કેટલાક ઊભા હતા ને કેટલાક તો સ્તુતિ-પ્રાર્થના કરતા હતા. વળી કેટલાક ધૂન કરતા હતા ને સર્વે એક દૃષ્ટિએ બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. તે સમે રાત્રીના સાડાબાર વાગ્યાનો સમય થયો ત્યારે બાપાશ્રીમાંથી એક હારે અતિશય ઝળઝળાટ તેજ દેખાયું ને આકાશમાંથી ચંદન-પુષ્પની વૃષ્ટીઓ થવા માંડી ને અનંત ધામોના અધિપતિના વિમાનથી આકાશ છવાઈ રહ્યું. અને અનંત મુક્તોએ સહિત દિવ્ય મૂર્તિમાન ને દિવ્ય વિમાનમાં વિરાજમાન એવાં શ્રીજીમહારાજનાં દર્શન કેટલાકને થયાં. તે જ સમયે બાપાશ્રી અંતર્ધાન થયા ને બાપાશ્રીનાં પણ દિવ્યરૂપે દર્શન થયાં ને શ્રીજીમહારાજ તે અનાદિમુક્તને પોતાની સાથે પોતાના વિમાનમાં બેસારીને અક્ષરધામમાં પધાર્યા અને મુક્તરાજશ્રી તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા ને શ્રીજીમહારાજ અનંતકોટિ મુક્તમંડળની સભામાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયા ને તેજ વગેરે સર્વે અદૃશ્ય થઈ ગયું, ત્યારે રાત્રીના એક વાગ્યાનો સમય થયો હતો.

આવી રીતે બાપાશ્રી સંવત ૧૯૮૪ના અસાડ સુદ ચોથ ને ગુરુવારે રાત્રીના એક વાગ્યાના સુમારે અંતર્ધાન થયા. હવે તે વખતે બાપાશ્રીની પાસે કાનજીભાઈ તથા મનજીભાઈ આદિ ઘણા હરિભક્ત હતા તેમણે બાપાશ્રીને તેડીને બારણા સામેની ભીતે પવિત્ર કરેલી પૃથ્વી ઉપર સ્વસ્તિક આસન વળાવીને બેસાડ્યા ને એક ધોતિયું પહેરાવ્યું છે ને એક વસ્ત્ર ઓઢાડ્યું છે ને એક વસ્ત્ર મસ્તકે બંધાવ્યું છે. વળી ભાલમાં કેસર-ચંદન ચર્ચીને અર્ચા કરી છે ને પુષ્પના હાર પહેરાવ્યા છે; એવાં બાપાશ્રીનાં દર્શન કરીને સર્વેને અતિશય શોક થતો હતો.

ઇતિ વિશ્રામ ૯૮