વિશ્રામ ૬૮
ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી ત્યાંથી સંત-હરિભક્ત સહિત માંડલ, ત્રેંટ, કાળિયાણા, રામગ્રી, શેડલા આદિ ગામોમાં હરિભક્તને દર્શન દઈ લીલાપુર આવ્યા ને તે દિવસ હુતાશની હતી, તેથી સર્વે હરિભક્તને આનંદ થઈ ગયો. પછી બાપાશ્રીએ જીવા પટેલના કહેવાથી કેશ ઉતરાવીને સ્નાન કરીને વસ્ત્ર પહેર્યાં. પછી થાળ તૈયાર થયા હતા એટલે બાપાશ્રી તથા સંતો ઠાકોરજીને જમાડવા બેઠા, ત્યાં પણ સૌ દર્શન કરતા હતા. પછી બાપાશ્રીએ સર્વે હરિભક્તની ઇચ્છા જાણીને સર્વેના ઉપર રંગ નાખ્યો, એવી રીતે ત્યાં રંગ-ઉત્સવ કર્યો. પછી બાપાશ્રી નાહી વસ્ત્ર પહેરીને સંત સહિત ત્યાંથી રેલે બેસી ગામ ધ્રાંગધ્રા આવ્યા ને સર્વે હરિભક્તો સ્ટેશન ઉપર સામા આવેલા તેમણે બાપાશ્રી તથા સંતોને ગાડીમાં જોયા, એટલે હેતભર્યા સહુ ‘શ્રી સહજાનંદસ્વામી મહારાજ’ની જય બોલતા દંડવત્ કરવા લાગ્યા. પછી બાપાશ્રી તથા સંતો ગાડીમાંથી ઊતર્યા ત્યારે ફૂલના હાર પહેરાવ્યા અને ‘જય સ્વામિનારાયણ’ કરીને મળ્યા. પછી ત્યાંથી બાપાશ્રી ઘોડાગાડીમાં બેસી સંઘ સહિત મંદિરમાં પધાર્યા. ત્યાં તે ગામના શુક્લ ચતુર્ભુજ આદિ વિપ્ર ને ગાંધી કાનજીભાઈ, પાનાચંદભાઈ, મણિયાર મોહનભાઈ આદિ હજારો ભક્તજનો બાપાશ્રીની સેવા કરવા લાગ્યાને સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજીએ સભામાં વાતો કરી સર્વેને રાજી કર્યા ને બાપાશ્રી માટે થાળ તૈયાર થયો હતો, તેથી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડ્યા ને સર્વે સંત પણ જમ્યા. પછી ગામના હરિભક્તને પોતપોતાને ઘેર પધરાવવાની બહુ તાણ હતી તેથી બાપાશ્રીએ સંતમંડળ સહિત હરિભક્તના ઘેર જઈને તેમના મનોરથ પૂરા કર્યા. અને સાંજ-સવાર મંદિરમાં કથાવાર્તા વખતે સભા તો ભરી ને ભરી જ રહેતી ને જ્યારે બાપાશ્રી વાતો કરવા માંડે ત્યારે તો સૌને અતિશય આનંદ થાય.
એક દિવસ રાત્રીએ સભા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, ‘‘અનાદિ મુક્તરાજ પર્વતભાઈએ સમ ખાધા જે, ‘‘અમે મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું કે સાંભળ્યું હોય અથવા કાંઈ ભોગવ્યું હોય, તો પાંચસો પરમહંસના સમ છે.’’ ત્યારે કોઈએ મહારાજને રાવ કરી જે, ‘મહારાજ ! પર્વતભાઈએ આ રીતે પરમહંસના સમ ખાધા.’ ત્યારે મહારાજે તેમને ઠપકો આપ્યો જે, ‘‘તમે જાણ્યા વિના બોલો છો ને અમથા નિર્ણય કરો છો, પણ પર્વતભાઈ જેવા મોટા મુક્તનો મહિમા તમે શું જાણો ? એમને તો અમારી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.’’ -આમ મોટાની વાત જાણ્યા વિના કેટલાક કહે છે કે, ‘ંમૂર્તિમાં મુક્ત કેમ રહેતા હશે ?’ પણ એ વાત મૂર્તિરૂપ થયેલા મુક્તની છે તે દેહધારીને ક્યાંથી સમજાય ? એ તો મોટા મુક્તને દિવ્ય જાણી તેમનો સમાગમ કરે ને કૃપા મેળવે તો સમજાય, આ તો બહુ ભારે વાત છે. આ સમે મહારાજ સૌને પળમાં ન્યાલ કરે છે, કેમ કે એ ન્યાલકરણ મૂર્તિ છે. એમને જેવા છે તેવા જાણે ને અખંડ જોગ રાખેતો કામ થઈ જાય; તે વિના બીજા સાધને કલ્પેકલ્પ વીતી જાય તોપણ કામ ન થાય.’ -એમ વાત કરી.
એક દિવસ બાપાશ્રીએ સભામાં સ્વામી ભગવત્સ્વરૂપદાસજીની પ્રશંસા કરી જે, ‘‘આવા સંતનાં દર્શને મહારાજનાં દર્શનનું ફળ મળે; સદ્. સ્વામી હરિનારાયણદાસજીના ગુણ આપણે રાખ્યા છે. જે સંતો ધર્મામૃત પ્રમાણે વર્તે ને અખંડ કથાવાર્તા-ધ્યાનભજન કરે તે શ્રીજીમહારાજને બહુ ગમે, તેવા આ સંત છે.’’ પછી પુ. ધર્મકિશોરદાસજી સામું જોઈને બોલ્યા જે, ‘‘આ પુરાણી પણ ખરેખરા છે; મહારાજનો ને મોટાનો અભિપ્રાય તથા મહિમા તેમણે જાણ્યો છે ને તેમના વચનમાં ખબરદાર થઈને વર્તે છે.’’ એમ કહી પોતાના ઉપર બહુ પ્રસન્નતા જણાવી. એવી રીતે ત્રણ દિવસ ધ્રાંગધ્રામાં રહી સર્વેને સુખિયા કર્યા. પછી બીજે દિવસે સંતોએ સહિત હળવદ પધાર્યા ને હળવદના હરિભક્ત બાપાશ્રી પધારે છે, એવા સમાચારથી સ્ટેશન ઉપર સર્વે વાટ જોઈને ઊભા હતા ત્યાં ગાડી આવી, એટલે સંતોએ બાપાશ્રીનાં દર્શન કરીને દંડવત્ કરવા લાગ્યા. પછી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં આવ્યા, ત્યાં નાહી થાળ કરી સૌએ ઠાકોરજીને જમાડ્યા. ત્યાર પછી સભા ભરાણી ને તે સભામાં બાપાશ્રીએ ઘણી વાતો કરી. તદનન્તરમ્ હરિભક્તોએ બાપાશ્રીનાં પગલાં પોતાને ઘેર કરાવાની પ્રાર્થના કરી, તેથી સંતોએ સહિત બાપાશ્રીએ ઘેર ઘેર જઈને સર્વેને રાજી કર્યા. પછી ત્યાંથી મોટરમાં બેસી વાંટાવદર પધાર્યા, ત્યાં પણ હરિભક્તો બાપાશ્રીને આવતા જાણી સામા જઈ દંડવત્ કરીને મળ્યા. ને ઢોલ વગડાવી કીર્તન બોલતા બોલતા મંદિરમાં પધાર્યા. ત્યાં સૌએ ઠાકોરજીનાં દર્શન કર્યાં. અને એ ગામના મુક્તરાજ ભૂરાભાઈની સ્થિતિ મોટી હતી, તેમ બાપાશ્રીને વિષે તેમને અત્યંત હેત હોવાથી તેમણે તો આગળથી જ થાળ કરાવી રાખેલ હતો, એટલે બાપાશ્રીતથા સાથે આવેલા હરિભક્તને હેતે સહિત જમાડ્યા ને સંતો માટે મગજના લાડુ કરાવી રાખ્યા હતા, તે બાપાશ્રીના હાથે જમાડ્યા અને અડખેપડખેનાં ગામોમાંથી હરિભક્તો પણ આવી ગયા ને ત્યાં પણ મોટી સભા ભરાતી, જેથી સ્વામીશ્રી સભામાં ઘણી વાર વાતો કરતા.
પછી મુ. ભૂરાભાઈએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! આ ફેરે આપે ઝાલાવાડના હરિભક્ત ઉપર ઘણી દયા કરી; આપને પરિશ્રમ તો બહુ પડ્યો હશે, પણ કંઈકનાં કામ થઈ જશે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજ સર્વના સ્વામી છે; મુક્ત ગમે તેવા મોટા હોય ને ભગવાન જેવા કહેવાતા હોય, તોપણ મહારાજ પાસે એ સેવક; કોઈ ભગવાન નહિ. ભગવાન તો એક સ્વામિનારાયણ પોતે જ છે. -એ સમજણ દૃઢ રાખવી. કેમ કે આ ભગવાનની કોઈ જોડ નથી.’’ -આવી રીતે ચમત્કારી વાતો કરતાં સમય થયો, ત્યારે સમાપ્તિ કરી ચેષ્ટા આદિ નિયમ કરીને સર્વે સૂઈ રહ્યા. પછી સવારમાં વહેલા ઊઠી નાહી નિત્યવિધિ કરીને રાસંગપુર ગયા, ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી જે જે હરિભક્તોએ પ્રાર્થના કરી તેને ઘેર જઈ સેવા અંગીકાર કરી પાછા વાંટાવદર આવ્યા, ત્યાં પણ ઠાકોરજી જમાડી ઘેર ઘેર ફર્યા. પછી ધનાળા ગામથી હરિભક્ત તેડવા આવ્યા હતા તેથી ત્યાં જઈ સર્વેને દર્શન દઈ રાજી કર્યા. ત્યાંથી પ્રતાપગઢમાં હરિભક્તોને બાપાશ્રીના હાથથી મૂર્તિ પધરાવવાની ઇચ્છા હતી તેથી ત્યાં જઈ પ્રતિષ્ઠાવિધિ કરીને સર્વેને રાજી કર્યા.
ઇતિ વિશ્રામ ૬૮