વિશ્રામ ૮૧
ત્યાર પછી નારાયણપુરના ધનજીભાઈને પગે ઝામરો થયાની પીડા ઘણી થતી હતી, તેથી બાપાશ્રી બીજે-ત્રીજે દિવસે પોતાની ઘોડીએ ચડીને નારાયણપુર ધનજીભાઈને દર્શન દેવા જતા ને તેમને દર્શન દઈને શાંતિ પમાડતા. એક દિવસ બાપાશ્રી પોતાની ઘોડીએ બેસીને નારાયણપુર ધનજીભાઈને દર્શન દેવા ગયા ને દર્શન દઈ પાસે બેસીને પૂછ્યું જે, ‘‘પીડા કેટલીક થાય છે ?’’ ત્યારે ધનજીભાઈએ કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! પીડા તો બહુ થાય છે; ખમાતી નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હવે ત્રણ દિવસ પીડા થશે; પછી સારું થઈ જશે.’’ -એમ વર દઈ પોતે ઘોડી ઉપરને વૃષપુર પોતાની વાડીએ આવ્યા. ત્યાં વડ નીચે ગાડા પાસે ઘોડી ઊભી રાખી હતી ને ગાડા ઉપર પોતે ઊતર્યા. પછી બાપાશ્રી ગાડેથી હેઠે ઊતરતા હતા. તે સમે જાદવજીએ ઘોડી હાંકી પણ ઘોડી ચાલી નહિ; કારણ કે ઘોડીના પલાણનું પગેડું ગાડાની ઊપળીમાં અટકી રહ્યું હતું -તે કોઈના જોયામાં આવ્યું નહોતું, તેથી જાદવજીએ ફરી વાર જોરથી હાંકી એટલે ઘોડી જોરથી ચાલી ને ગાડું તણાયું. તે સમે બાપાશ્રી ગાડાને તણાવાથી પોતે પડી ગયા ને ડાબા ખભાને માંહી ને ગળાને પડખે હાંસડીમાં વાગ્યું. તે સમે કાનજીભાઈ ને મનજીભાઈ આદિ સર્વે દોડી આવ્યા ને બાપાશ્રીને તેડી લઈને ખાટલામાં સુવાડ્યા ને ઝીણા પટેલને અણદા કેરાઈ આદિ હરિભક્ત બાપાશ્રીને જોવા આવ્યા.
હવે તેઓએ કુંવારના પાઠામાં આંબાહળદર ને સાજીખાર નાખી બાફીને પછી તેનો પાટો બાંધ્યો ને ઉપર શેક કરવા માંડ્યો. પછી બાપાશ્રી માંચીમાં બેસીને મંદિરમાં પધાર્યા ને બાપાશ્રીને લાગ્યું, -તેવા સમાચાર બીજે દિવસે ભૂજમાં સર્વેને મળ્યા. ત્યારે સાધુ કેશવપ્રિયદાસ, શ્રીરંગદાસ ને મોતીભાઈ એ ત્રણે જણે તે જ દિવસે વૃષપુર આવીને બાપાશ્રીનાં દર્શન કર્યાં તે વખતે બાપાશ્રી ઓરડીમાં સૂતા હતા ને કુંવારના પાઠાનો પાટો બાંધ્યો હતો ને જાદવજી ને પ્રેમજી બેય સેવામાં હતા. પછી બાપાશ્રીને તેમણે બેઠા કર્યા ને સાધુ કેશવપ્રિયદાસ આદિને દર્શન દઈ રાજી થઈને સેવામાં રાખ્યા, ને તેઓ બાપાશ્રીને નિત્યે સ્નાન-પૂજા કરાવતા. પછી રબ્બરની કોથળીમાં ગરમ પાણી નાખીને દિવસના આઠ-નવ વાગ્યા સુધી શેક કરતા ને રાત્રીએ પણ બેત્રણ વાગ્યા સુધી શેક કરતા. અને ધનજીભાઈને બાપાશ્રીએ કહ્યું હતું જે, ‘તમને ત્રણ દિવસમાં પીડા મટી જશે.’ તે મટી ગઈ, તેથી ધનજીભાઈ પણ બાપાશ્રીને પડી ગયા સાંભળી ગાડામાં બેસીને દર્શન કરવા આવ્યા ને બાપાશ્રીને દુઃખે બહુ દુઃખી થયા. ત્યારે બાપાશ્રીએ ધનજીને હિંમત આપીને કહ્યું જે, ‘‘અમારે કાંઈ દુઃખ નથી; અમે તો બીજાના સુખને અર્થે દુઃખ લીધું છે.’’ પછી ધનજીભાઈ દર્શન કરીને નારાયણપુર ગયા.
ત્યાર પછી ભૂજથી મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી, જોગેશ્વરદાસજી, નીલકંઠદાસજી આદિ પાંચ સંત ધનજીભાઈને જોવા નારાયણપુર ગયા હતા ને ત્યાંથી બાપાશ્રીનાં દર્શન કરવા સારુ વૃષપુર આવ્યા હતા. તે વખતે બાપાશ્રી મંદિરની ઓસરીમાં બિરાજમાન હતા અને સંતમંડળ દર્શન કરીને પાસે બેઠા ને સંતોએ બાપાશ્રીને દુખાવાની વાત પૂછી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘દુખાવો તો એવો થાય છે : જે દેહમાં રહીએ તો ખમાય નહિ; પણ અમે તો દિવ્ય મૂર્તિમાં જ રહીએ છીએ તેથી કાંઈ જણાતું નથી.’’ પછી બાપાશ્રીએ તે સાધુના આગળ વાત કરી જે, ‘‘અમદાવાદથી સદગુરુને તેડાવો તો સારું. નહિતર કોઈક બીજા તેડાવશે ત્યારે તમારે પસ્તાવું પડશે; પણ તેના કરતાં તમે તેડાવો તો સારું.’’ તે સમે દેવરાજભાઈ પણ ત્યાં હતા. તેમણે ને કેશવપ્રિયદાસે પણ તે સંતોને કહ્યું જે, ‘‘અનાદિમુક્તરાજ બાપાશ્રીને રાજી કરો ને સદગુરુને તેડાવો.’’ પણ તે વાતમાં સાધુએ ચિત્ત દીધું જ નહિ ને સાંજના ભૂજ રવાના થયા ને સાધુ કેશવપ્રિયદાસ ને શ્રી રંગદાસ -તે પણ બાપાશ્રીની આજ્ઞા લઈને ભૂજ ગયા. પછી થોડા દિવસમાં બાપાશ્રીને દુખાવો મટીને સારું થયું.
ત્યાર પછી જેઠ વદમાં સિનોગ્રાના મિસ્ત્રી ગાંગજી ડાહ્યાને કથા કરાવવી હતી, તેથી ભૂજ આવીને સાધુને વાત કરી. ત્યારે સ્વામી ભક્તિપ્રિયદાસજી ને જોગેશ્વરદાસજી તે મિસ્ત્રીની પારાયણ બેસારવાનો નિર્ધાર કરવા મિસ્ત્રી કાનજીભાઈને સાથે લઈને બાપાશ્રી પાસે વૃષપુર આવ્યા. તે સમે દેવરાજભાઈ ને ધનજીભાઈ પણ બાપાશ્રી પાસે બેઠા હતા ને સાધુએ પારાયણ કરવાની વાત પૂછી ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હાલમાં કામના દિવસ છે તેથી હરિભક્ત કથામાં પહોંચી શકશે નહિ; માટે હમણાં બંધ રાખો ને ભાદરવામાં પારાયણ કરાવવાનું રાખો, ને તમારે ભૂજ જવું હોય તો તુરત જાઓ; નહિતર વરસાદ તમને પલાળશે ને રાત્રી રહેવી હોય તો સુખેથી રહો.’’ પછી તે મિસ્ત્રી અને સાધુ મંદિરની ગાડી લઈને આવ્યા હતા તેમાં બેસીને ભૂજમંદિરમાં પહોંચ્યા ને વરસાદ આવ્યો. ત્યારે તે સાધુ કહેવા લાગ્યા જે, ‘બાપાશ્રીએ કહ્યું હતું તેમ જ થયું; જો આપણે થોડી વાર ત્યાં રોકાયા હોત તો પલળત.’ પછી સંવત ૧૯૮૩ના ભાદરવા સુદ છઠ ને સોમવારનું પારાયણ-પ્રારંભનું નક્કી કર્યું ને કંકોત્રીઓ છપાવીને હરિભક્તને ગામેગામ મોકલી. ત્યારે રામપુર, નારાયણપુર આદિ ગામના હરિભક્ત બાપાશ્રી પાસે આવ્યા ને દર્શન કરીને બાપાશ્રીને કહ્યું જે, ‘આ સિનોગ્રાની કથામાં અમદાવાદથી સદગુરુ સ્વામી આદિને તેડાવશે તો અમે સમૈયામાં જાશું; નહિતર નહિ જઈએ, પણ જો આપ પધારશો તો પછી અમારો નિયમ નહિ રહે; ને જો આપ નહિ પધારો તો અમે સૌ હરિભક્ત તથા સાંખ્યયોગી બાઈઓ તમારા વિના નહિ જઈએ.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સારું.’’ ત્યારે તે વાતની મિસ્ત્રી ગાંગજીને તથા ભૂજના સાધુને ખબર પડી તેથી તેમણે વિચાર કર્યો જે, ‘અનાદિ મુક્તરાજ બાપાશ્રી નહિ પધારે તો મોટા મોટા હરિભક્ત અને સાંખ્યયોગી બાઈઓ તે પણ નહિ આવે ને યજ્ઞ ફીટશે, માટે ગમે તેમ કરીને બાપાશ્રીને તેડાવવા જોઈએ; બાપાશ્રી આવે તો જ યજ્ઞ પૂરો થયો કહેવાય.’ પછી સાધુએ મિસ્ત્રી કાનજીભાઈને બાપાશ્રી પાસે મોકલ્યા. તેમણે આવીને બાપાશ્રીના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું જે, ‘‘બાપા ! આપ દયા કરીને અમારા યજ્ઞમાં પધારો ને અમે આપના દાસ છીએ ને આપ જેમ કહેશો તેમ કરશું.’’ ત્યારે અનાદિ મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘અમે તમારા યજ્ઞમાં આવવા તૈયાર થઈને બેઠા છીએ; માટે જરૂર આવશું જ, પણ તમે અમારું એટલું કામ કરજો : જે અમદાવાદથી સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજીને મંડળે સહિત જરૂર બોલાવજો.’’ ત્યારે મિસ્ત્રીએ કહ્યું જે, ‘‘તે મારું કામ છે; તે હું જરૂર સદગુરુ આદિ સંતને તેડાવીશ.’’ પછી બાપાશ્રીએ તેમને જવાની રજા આપી તેથી તે ભૂજ ગયા ને ત્યાં સાધુને તે વાત કરી. પછી ભાદરવા સુદ છઠ ને સોમવારની સવારમાં પારાયણ બેઠી ને સત્યસંકલ્પ ને પૂર્ણકામ ને આત્મારામ એવા બાપાશ્રી આઠમના સિનોગ્રે પધાર્યા અને ભૂજના સર્વે સંત આગળથી આવ્યા હતા, ને સદગુરુને પણ મિસ્ત્રી ગાંગજીભાઈના કહેવાથી ભૂજના સાધુએ તેડાવવાની હા કહી, તેથી મિસ્ત્રીએ સદગુરુને તાર કરીને તેડાવ્યા, એટલે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંત ભાદરવા સુદ એકાદશીને દિવસે આવ્યા ને દર્શન કરીને બાપાશ્રીને મળ્યા ને બાપાશ્રી નિત્યે બેય વખત સભામાં વિરાજતા ને મિસ્ત્રી પૂજા કરતા. પછી ભાદરવા સુદ પૂર્ણિમાને દિવસે પારાયણની પૂર્ણાહુતિ થઈ, તેથી મિસ્ત્રીએ કથાની ને સદગુરુ આદિ સર્વે સંતમંડળની પૂજા કરીને આરતી ઉતારી ને સર્વે સંતને ધોતિયાં ઓઢાડ્યાં. પછી બાપાશ્રી મિસ્ત્રીના સગરામમાં સદગુરુસહિત બેસી અને બીજા સંતમંડળને બીજા ગાડામાં બેસાડીને અંજાર આવ્યા ને મંદિરમાં દર્શન કરી પછી રેલે બેસીને ભૂજ આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને મેડા ઉપર આસને બિરાજ્યા. પછી સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને દૂધ, ખીચડી, અથાણું આદિ ભોજન જમાડ્યાં.
ત્યાર પછી બીજે દિવસ બાપાશ્રી સ્નાન, પૂજા વગેરે કરીને સભામાં ગાદીતકિયે બેઠા ને કથાવાર્તા થઈ. પછી બાપાશ્રીએ સદગુરુઓને કહ્યું જે, ‘‘તમે અહીંના હરિભક્તો રાજી થાય ત્યાં સુધી રહેજો, પછી નારાયણપુર આવજો.’’ -એમ વાત કરીને બાપાશ્રી વૃષપુર જવા તૈયાર થયા, પણ મિસ્ત્રી જયરામભાઈની રસોઈ હતી તેથી તેમણે કરીને રોક્યા ને બીજે દિવસે જમીને વૃષપુર પધાર્યા, ને સદગુરુ પણ પાંચ દિવસ ભૂજમાં રહીને નારાયણપુર ગયા. પછી બાપાશ્રી પણ ભાદરવા વદિ દશમના નારાયણપુર પધાર્યા ને સંતને દર્શન દઈને પાછા વૃષપુર ગયા ને સદગુરુ આદિ સંત ભારાસર ગયા. ત્યાર પછી બાપાશ્રી પણ વૃષપુરથી ઘોડી ઉપર બેસીને બારશના બે વાગે તડકામાં ભારાસર પધાર્યા ને સંતને મળીને આસને બેઠા. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘આજ અમે તમારા સારુ તપ કર્યું; કેમ જે તમે દરિયો ઉલ્લંઘી રસ્તાનાં દુઃખ નહિ ગણીને અમારા સારુ આવોછો, તે અમે પણ જાણીએ છીએ; અમે કાંઈ કૃતઘ્ની નથી. અમે પણ ટાઢ-તડકો વેઠીને તમારી કેડે કેડે ફરીએ છીએ.’’
વળી બાપાશ્રી બોલ્યા જે, ‘‘સુખ માત્ર એક મૂર્તિમાં જ છે, તમે કલ્પે કલ્પ વીતી જાય તોપણ મૂર્તિના સુખમાંથી નીકળાય નહિ ને પૂર્ણ થવાય નહિ; મૂર્તિમાં જોડાયા વિના સુખી થવાય નહિ માટે મૂર્તિમાં જોડાવું. સદાય મૂર્તિમાં જ રહેવાય, એ ઉત્તમ સ્થિતિ છે.’’
પછી બીજે દિવસ વદ તેરસના પાછલા પહોરના બે વાગે તે ગામના હરિભક્ત રામજીભાઈ તથા ગાંગજી પટેલ આદિ સર્વે હરિભક્તોએ હાથ જોડીને બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! દયા કરીને અમારે ઘેર પધારો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે તમારે ઘેર ઘણી વાર આવ્યા છીએ ને તમારાં ઘર અક્ષરધામરૂપ ને તીર્થરૂપ કર્યાં છે અને આ ગામમાં પણ ઘેર ઘેર સો વાર ફર્યા છીએ, અને ઘેર ઘેર ભોજન કર્યાં છે. અને આ તલાવડીમાં પણ સંત સહિત ઘણી વાર નાહ્યા છીએ ને આ ગામની સીમ નેગામ તે અત્યંત પ્રસાદીનાં કર્યાં છે, ને તમે પણ અમારા જ છો.’’ ત્યારે હરિભક્તોએ બાપાશ્રીને કહ્યું જે, ‘એક બે ઘરે ભૂત-પ્રેતનો ઉપદ્રવ છે તે કાઢવો છે, અને સર્વે હરિભક્તને ઘેર તેડી જવાની ઘણી ઇચ્છા છે.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ભલે; આવશું.’’ પછી ઘરોઘર પધાર્યા ને હરિભક્તોએ પોતપોતાને ઘેર પધરાવીને સેવા-પૂજાનો ભારે લહાવ લીધો, અને જે ઘરમાં ભૂત-પ્રેતનો ઉપદ્રવ હતો તે ઘરમાં બાપાશ્રીએ પાણી છાંટ્યું ને સર્વે ભૂતનો મોક્ષ કર્યો, પછી મંદિરમાં પધાર્યા અને ત્યારથી ભૂત-પ્રેતનો ઉપદ્રવ બંધ થયો. આવી રીતે બાપાશ્રીને જેમણે રાજી કર્યા તેમનાં ભાગ્ય હું શું વખાણું ! કેમ જે પ્રગટ પરબ્રહ્મ ને તેમના મુક્તની પ્રાપ્તિ તે સર્વથી દુર્લભ છે, તે તેમને થઈ. એવી રીતે સર્વે હરિભક્તને સુખ આપીને બાપાશ્રી સંત સહિત વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૮૧