વિશ્રામ ૭૯
ત્યાર પછી વૈશાખ વદમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પોતાના શરીરમાં કિંચિત્ જવર ગ્રહણ કર્યો હતો, તેથી સાધુ કેશવપ્રિયદાસ ને વિજ્ઞાનદાસ -તેઓ બાપાશ્રીનાં દર્શન કરવા ગયા હતા ને બાપાશ્રીની સ્નાન, પૂજા વગેરે સેવા કરવાનો ને વાતો સાંભળવાનો લાભ લેતા હતા. તેમાં એક દિવસ અનાદિ મુક્તરાજ વાડીમાં જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર સૂતા હતા ને તે બેય સંતે ત્યાં આવીને દર્શન કર્યાં ને બાપાશ્રીને બાફેલાં શક્કરિયાં ને ધોયેલી સાકર જમવા આપ્યાં -તે બાપાશ્રી સારી રીતે જમ્યા ને સંતને પ્રસાદી આપીને બહુ રાજી થયા.
પછી કોઈક દિવસ બાપાશ્રી નારાયણપુર-ધનજીભાઈને ઘેર પધાર્યા હતા, ત્યારે તેમણે બાપાશ્રીને જમવા બેસાર્યા, તેમાં શીરો, પૂરી, લાડુ, શાક, કઢી, અથાણાં, ચટણી, પાપડ વગેરે ખૂબ જમ્યા. પછી જમીને બોલ્યા જે, ‘‘આ ઘર મારું જૂનું છે; આ ઘેર જાદવજીભાઈ રહેતા તેમણે અમારી સેવા કરીને પ્રસન્નતા મેળવી હતી ને પોતાનું ધન, કુટુંબ, પરિવાર તે સર્વે શ્રીજીમહારાજ ને અમારે તથા સત્સંગને અર્થે કરી રાખ્યું છે ને આ ઘરે અમે હજારો વારો જમ્યા છીએ અને આ ઘરમાં રહેનાર જાદવજીભાઈ ને તેમના વંશના સર્વેને ખૂબ સુખ આપ્યું છે ને તેમણે પણ અમારી બહુ જ સેવા કરી છે, ને જેવા જાદવજીભાઈ હતા તેવા જ આ ધનજીભાઈ પણ છે અને તેમના દીકરા પણ ત્રણેય એવા જ છે ને સત્સંગની સેવા પણ બહુ જ સારી કરી છે ને હવે પણ સદાય કરશે.’’ -એ આદિ પ્રસન્નતાની ઘણીક વાતો તે ગામના ઘણાક હરિભક્ત આવ્યા હતા તેમની આગળ કરી. પછી તે ઘરની ડેલીમાં મંદિરવાળું(જેમાં શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવેલી હતી અને જે ઘર પાઠ-પૂજા તરીકે જ ઉપયોગમાં લેવામાં આવતું) ઘર છે તેમાં પલંગ ઉપર પોઢી ગયા, પછી જાગીને જળપાન કરીને પાછા વૃષપુર પધાર્યા.
વળી કોઈક દિવસ ધનજીભાઈના દીકરા રામજીભાઈ બાપાશ્રીને તેડવા આવ્યા, ત્યારે બાપાશ્રી બારશની સવારમાં સાધુ કેશવપ્રિયદાસ ને વિજ્ઞાનદાસને પોતાની ગાડીમાં ભેગા બેસારીને નારાયણપુર પધાર્યા ને મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી ઓસરીમાં બેસીને સાધુ કેશવપ્રિયદાસ પાસે પોતે કરેલી ટીકાએ સહિત ‘વચનામૃત’ વંચાવીને સાંભળતા હતા. તે સમે ધનજીભાઈ જમવા બોલાવવા આવ્યા ને બાપાશ્રીને કહ્યું જે, ‘‘થાળ તૈયાર થયા છે માટે જમવા પધારો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘પ્રથમ વચનામૃતની કથા સાંભળ્યા વિના અમે કોઈ દિવસ જમતા નથી; તે પૂછો આ સાધુને, જે કલાક બે કલાક વચનામૃતની કથા નિત્યે પ્રથમ સાંભળીએ છીએ કે નહિ ?’’ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘હા બાપા ! એ આપનો નિયમ છે, તે જ્યારે અમે આપની પાસે હોઈએ ત્યારે દેખીએ છીએ.’’ પછી ધનજીભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! આજ બારશનાં પારણાં સર્વેને કરવાનાં છે, તેથી જો આપ જમો તો પછી સર્વે જમે. માટે ઘરના સૌ આપની વાટ જઈને બેઠાં છે ને મને તો બહુ ભૂખ લાગી છે, માટે દયા કરીને જમવા પધારો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ વચનામૃતની ટીકામાં કેટલાક ખોટ કાઢે છે, તે આમાં શું ખોટું છે ? એક અક્ષર કોઈ ખોટો બતાવે તો તેનો જવાબ હું દઉં. આ વચનામૃત શ્રીજીમહારાજનાં વચન છે; તેવીજ આ ટીકા પણ શ્રીજીમહારાજનાં વચન છે; કેમ જે શ્રીજીમહારાજે અમારા દ્વારે કરી છે ને શ્રીજીમહારાજનો ખરો સિદ્ધાંત આમાં છે. આ પ્રમાણે સજમશે તે શ્રીજીમહારાજને પામશે, અને આમાં જે ખોટ કાઢે છે તે શ્રીજીમહારાજનો દ્રોહ કરે છે; આ શ્રીજીમહારાજની વાણીની મૂર્તિ છે.’’ ત્યારે દેવરાજભાઈ અને ધનજીભાઈએ કહ્યું કે, ‘‘હે કૃપાળુ ! અમે તો આપ જેમ કહો છો તેમ જ ટીકા ને આ વચનામૃતનો મહિમા સમજીએ છીએ પણ કેટલાક ન સમજે તેને શું કરીએ, તોપણ જે માનશે તેને સમજાવશું ને નહિ માને તો એ જાણે, પરંતુ અમે તેના ભેળા નહિ ભળીએ.’’ ત્યારે બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, ‘‘આ સટીક વચનામૃતની કોઈ પારાયણ કરશે અથવા કરાવશે તેને અમે ધામમાં તેડી જઈશું.’’ -એમ વર આપ્યો. પછી જમવા પધાર્યા ને જમીને ધનજીભાઈના ઘેર ડેલીમાં જે મંદિરવાળું ઘર છે તેમાં ઢોલિયા ઉપર સુંદર આસન પાથરેલું તે ઉપર થોડી વાર પોઢ્યા, પછી જાગીને જળપાન કર્યું ને મંદિરમાં આવ્યા. ત્યાં થોડી વાર આસન ઉપર બેઠા ને સાંજના ઘોડાગાડીમાં બેસીને વૃષપુર પધાર્યાં.
સંવત ૧૯૮૨ના ભાદરવા સુદ ૭ના દિવસ સ્વતંત્રપણે મનુષ્યલીલાને કરતા એવા દિવ્યસ્વરૂપ અનાદિમુક્તરાજ અબજીબાપાશ્રી તેમણે શ્રીજીમહારાજની ઇચ્છાથી સર્વેને પોતાનાં દર્શન-સમાગમનું સુખ દેવા મંદવાડ ગ્રહણ કર્યો હતો. તેના સમાચાર ભૂજ ત્રીજે દિવસ -કહેતાં ભાદરવા સુદ દશમના મળ્યા. ત્યારે સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ ને સોની મોતીભાઈ બાપાશ્રી પાસે જવા તે જ દિવસે રવાના થયા ને રાત્રે નવ વાગે વૃષપુર પહોંચ્યા. તે સમે અનાદિ મુક્તરાજશ્રી ઓરડીમાં ઢોલિયા ઉપર સૂતા હતા; તેમને દંડવત્ કરીને બાપાશ્રીનાં દર્શન કર્યાં ત્યારે બાપાશ્રી સેવકનો હાથ ઝાલીને બેઠા થયા ને બેઠા થકા મળ્યા. પછી સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને મંદવાડના સમાચાર પૂછ્યા, ત્યારે કહ્યું જે, ‘‘પ્રથમ બે દિવસ શરદીનો તાવ બહુ આવ્યો; હવે તાવ થોડો છે, પણ ગરમી બહુ જણાય છે ને લઘુ કરવાનું હરઘડી થાય છે ને કોઈક હાથ ઝાલે તો મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા તથા ઘેર જવાય છે, પણ મંદવાડ વધશે ને અમદાવાદ, મૂળી ને ભૂજથી સાધુને તેડાવશું.’’ -એમ બાપાશ્રી બોલ્યા. પછી પુ. કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ તથા સોની મોતીભાઈ ને બાપાના જાદવજીભાઈ -એ ચાર જણા બાપાશ્રીની સેવામાં રહ્યા ને અનાદિ મુક્તરાજશ્રી સવારમાં નિત્યવિધિ કરીને ઢોલિયામાં સૂતા સૂતા રહસ્યાર્થ પ્રદીપિકાટીકાએ સહિત ‘વચનામૃત’ વંચાવીને સાંભળતા. પછી બીજે દિવસ ચોકમાં વચ્ચે ચંદની બંધાવીને તે નીચે ઢોલિયામાં સૂતા. તે સમે બાપાશ્રીને વચનામૃતની કથા સંભળાવવી, સ્નાન કરાવવું, લઘુ કરાવવું, આસન પાથરવું, વાયરો નાખવો એ આદિ સેવા સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ કરતા ને બાપાશ્રીની રુચિ અનુસાર જમવાનું ઘેર બાઈઓ કરતાં ને મોતીભાઈ ને જાદવજીભાઈ ઘેરથી જમવાનું મંદિરમાં લાવીને બાપાશ્રીને જમાડતા.
તે મંદવાડમાં બાપાશ્રી પ્રથમ કેટલાક દિવસ તો કેવળ પાણી પીને રહેતા ને કાંજી જમવા લાવે તે ઘૂંટડો પીને રહેવા દે; કાંઈ જમે નહિ -એમ દસબાર દિવસ થયા. ત્યાર પછી કાંઈક કાંજી, કાળિંગાનું પાણી વગેરે લેવા માંડ્યું. ને ખીચડી વગેરે કાંઈક થોડું જમવા માંડ્યું. તેમાં એક દિવસ મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘મોતૈયા લાડુ લાવો તો જમીએ.’’ ત્યારે મોતૈયા લાડુ કરી રાખ્યા હતા તે સાધુ કેશવપ્રિયદાસે લાવીને બાપાશ્રીને આપ્યા, તેમાંથી એક લાડુ જમ્યા.
વળી કોઈક દિવસ બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ખજૂર લાવો તો જમીએ.’’ ત્યારે મૂળજી પટેલની દુકાનેથી સારી ખજૂર લાવ્યા ને સાધુ કેશવપ્રિયદાસે તેને સુધારી ઘીમાં બોળીને બાપાશ્રીને જમાડવા માંડી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ ખજૂર શ્રીજીમહારાજ આ મુક્ત દ્વારે જમે છે એમ જાણજો.’’ -એમ કહીને સારી પેઠે ખજૂર જમ્યા ને બાપાશ્રીને ઉધરસ હતી તે પાકી ગઈ. વળી કોઈક વખત રાત્રિએ બાપાશ્રીને ઉધરસ બહુ આવવા માંડી ત્યારે મુનિએ ઘી-ગોળમાં સૂંઠ ઊની કરીને ચટાડી તેથી ઉધરસ બંધ થઈ ગઈ ને પોઢી ગયા. વળી તે સમે બાપાશ્રીને નિત્યે સવારમાં માંચીમાં બેસારીને કૂવા ઉપર સ્નાન કરાવતા ને બાપાશ્રીને ગરમી બહુ થતી, તેથી સાધુ કેશવપ્રિયદાસ તરબૂચને સુધારી તેનું પાણી કાઢી માંહી સાકર નાખીને બાપાશ્રીને પાતા.
એક દિવસ જાદવજીભાઈએ કાંજી, ખીચડી, કઢી, પૂડલા, શાક ને અથાણાં આદિ ભોજનનો થાળ લાવીને બાપાશ્રીની આગળ ધર્યો ને બાપાશ્રી ઢોલિયામાં બેઠા થઈને જમવા લાગ્યા, પણ કાંજીમાં સાકર ને ઘી કાંઈક ચડિયાતું હતું, તેથી બાપાશ્રીએ જાદવજીને કહ્યું જે, ‘‘તમે જાણતા હશો જે, ‘બાપાશ્રીને સારું સારું ખવરાવીને સાજા કરીએ.’ તે અમે કાંઈ કર્યા સાજા થઈએ તેવા નથી; અમારે સાજા થવું હશે તો થઈશું.’’ -એમ કહીને થોડું જમ્યા. પછી કરાંચીથી સોમચંદભાઈ લીલવા દ્રાક્ષ ને દાડમ આદિ મેવો લાવ્યા હતા તેનું પાણી કાઢીને બાપાશ્રીને પાયું.
એક દિવસ જાદવજી બાપાશ્રીને વાયરો નાખતા હતા, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘વાહ રે વાહ, જાદવા ! આ સેવક બહુ ખરેખરો છે, ક્યારેય થાકે નહિ; આમ સેવામાં મંડ્યો જ હોય. એને ગમે તેટલું વઢીએ તોય કાંઈ નહિ.’’
એક વખત સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીના સાથળ દાબતા હતા ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘‘વાહ રે વાહ મુનિબાવા ! તમે અમારી સેવા કરો છો, તેથી અમે તમારી સેવા કરશું ને મૂર્તિનું સુખ ભોગવાવશું.’’
વળી એક દિવસ સોમચંદભાઈ બાપાશ્રીને વાયરો નાખતા હતા ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘‘વાહ રે વાહ, સોમચંદ ! તમારું અમે પૂરું કરશું; -તમને શ્રીહરિની મૂર્તિમાં રાખ્યા છે.’’ -એમ રાજી થઈને આશીર્વાદ આપતા ને સેવકોને આનંદ પમાડતા.
એક દિવસ બાપાશ્રીએ પાણી પીવા માગ્યું, ત્યારે સાધુ કેશવપ્રિયદાસજી પાણી લાવ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામિનારાયણ ભગવાન છે, તે આ મુક્ત દ્વારે બોલે છે, જમે છે, જળપાન કરે છે, એમ આ મુક્તદ્વારે સર્વે ક્રિયા કરે છે.’’ -એમ કહીને જળપાન કર્યું.
એક દિવસ બપોરે બાપાશ્રીને સ્નાન કરાવીને ધોયેલું ધોતિયું પહેરાવ્યું ને ઢોલિયો-ગાદલું ખંખેરી આસન પાથરી ધોયેલો ઓછાડ બિછાવીનેતે ઉપર બાપાશ્રીને સુવાડ્યા. એટલામાં લઘુ કરવાનું થયું ત્યારે લઘુ કરાવ્યું. વળી બીજી વાર થયું. -એમ ઘડીમાં બેત્રણ વાર લઘુ થયું ને શરીરમાં તાવ આવ્યો હતો ને ગરમી થતી હતી તેથી બાપાશ્રી અકળાઈ ગયા. પછી ભીંજાયેલા પંખાની વાયરો નાખ્યો -એટલે શાંતિ થઈ, ને બોલ્યા જે, ‘‘આ અમારો મંદવાડ જોઈને કોઈકનું ઠીકરું ફૂટી જશે; પણ આ મંદવાડને ને અમારો શો સંબંધ છે. અમે તો કિયા દરજ્જામાં છીએ તો અનાદિમુક્ત છીએ ને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં રહ્યા છીએ ને તેમના સ્વરૂપનું સુખ ભોગવીએ છીએ, -એમ સમજશો તો આ લીલામાં લેશમાત્ર મોહ થાશે નહિ.’’
તે સમે અનાદિમુક્તરાજ બાપાશ્રીને માંદા જાણીને રામપુર, નારાયણપુર, દહીંસરા, કેરા, ભારાસર, સુખપુર આદિ ગામોના હરિભક્તોના સમૂહેસમૂહ દર્શન કરવા આવતા ને અનાદિમુક્ત બાપાશ્રીનાં દર્શન કરી ઢોલિયાને ચારે કોર બેસતા ને બાપાશ્રી ઢોલિયામાં સૂતા સૂતા વચનામૃત સાંભળતા ને કેશવપ્રિયદાસ પાસે હરિભક્તની આગળ વાતો કરાવતા. વળી બાપાશ્રીને માંદા જાણીને ભૂજથી સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ ને ગામડાંમાંથી શ્રીવલ્લભદાસજી આદિ સંત પણ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા ને અહોનિશ સંત-હરિભક્તોના સમૂહથી સમૈયા જેવું રહેતું હતું. -એવી રીતે એકવીસ દિવસ થયા.
ત્યાર પછી અમદાવાદથી સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી આદિ ને મૂળીથી પુ. ધર્મકિશોરદાસજી ને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ ઘણા સંત આવ્યા. તેમ જ દેશ-દેશના હરિભક્તો પણ ઘણા આવ્યા હતા. તે સર્વે સંત તથા હરિભક્ત બાપાશ્રીનો મંદવાડ જોઈને, તથા આ લોકમાં અદૃશ્ય થવાની લીલા જોઈને સર્વે અતિશય દિલગીર થઈને ઉદાસી થઈ ગયા. પછી બીજે દિવસ સવારમાં બાપાશ્રી નિત્યવિધિ કરીને ચોકમાં ઢોલિયામાં સૂતા હતા ને ચારે કોર સદગુરુ આદિ સંત-હરિભક્તની સભા બેઠી હતી ને વચનામૃતની કથા વંચાતી હતી. પછી બાપાશ્રી તે સર્વેની ઉદાસીનતા ટાળવા માટે સદગુરુઓ પ્રત્યે બોલ્યા જે, ‘‘ઉદાસી થઈને કેમ બેસી રહ્યા છો વાતો કરો.’’ ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી તે ત્રણે સદગુરુ બાપાશ્રીનો રાજીપો જોઈ હાથ જોડીને બોલ્યા જે, ‘હે કૃપાળુ ! આપ તો સ્વતંત્ર છો ને શ્રીહરિની ઇચ્છાથી જ સર્વેને સુખ દેવા સારુ પ્રગટ થયા છો, તે આપે આ મંદવાડ ગ્રહણ કર્યો તેથી અમને અશાંતિ ને ઉદ્વેગનો પાર રહ્યો નથી, માટે આપ દયા કરીને આ મંદવાડને રજા આપો ને સાજા થઈને સત્સંગમાં બિરાજો ને અમને દર્શન દો, તો અમને આનંદ થાય.’ ત્યારે પરમ દયાળુ ને વિનોદી છે સ્વભાવ જેમનો એવા બાપાશ્રી કરુણાએ ભીના થકા બોલ્યા જે, ‘‘આ અમારો મંદવાડ છે તે અદૃશ્ય થઈએ તેવો નથી; આ તો તમને સર્વેને સેવા-સમાગમનું સુખ દેવા સારુ જ ગ્રહણ કર્યો છે. તે જુઓને, કેટલાકને એમ છે જે, ‘બાપાશ્રી પાસે કોઈને ભેગા થવા દેવા નહિ’ તોપણ અમે તમને મંદવાડનું નિમિત્ત કરીને ખેંચ્યા, તેથી તમે સર્વે જેમ નદીઓ સમુદ્રને મળે તેમ અમને મળ્યા ને સમાગમનું સુખ લો છો, ને આ મંદવાડ તો હમણાં મટી જશે ને સારું થઈ જશે.’’ -એવા બાપાશ્રીનાં વચન સાંભળીને સર્વેને શાંતિ થઈ. પછી વચનામૃત વંચાવીને સ્વામીએ વાતો કરી ને પ્રશ્નોત્તર થયા ને આઠ વાગે કથાની સમાપ્તિ થઈ. ત્યાર પછી જાદવજી ને મોતીભાઈ બાપા સારુ થાળ લાવ્યા ને બાપાશ્રીને ઢોલિયામાં બેઠા કરીને વાંસે તકિયો મૂક્યો ને આગળ થાળ ધર્યો. તેમાં ઘઉંના લોટની કાંજી, શીરો, શાક, ખીચડી, દૂધ-દહીં આદિ ભોજન હતાં, તેમાંથી બાપાશ્રી થોડું જમ્યા ને કાંજી તથા દહીં પીધું ને કેશવપ્રિયદાસે બાપાશ્રીને ચળુ કરાવીને જળપાન કરાવ્યું. પછી પોઢી ગયા ને સેવકો વાયરો નાખવા લાગ્યા. પછી સાંજની સભા થઈ, -તેમાં વચનામૃતની કથા વંચાતી હતી ને બાપાશ્રી ઢોલિયામાં સૂતા સૂતા સાંભળતા હતા ને કંઠમાં હાર પહેર્યા હતા, તેમાંથી એક હાર હાથમાં લઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘‘આ હાર ઝીણા પટેલને પહેરાવો ને કહો જે, બાપાશ્રીનો મંદવાડ ગયો ને સાજા થયા.’’ પછી સ્વામીએ હાર લઈને ઝીણા પટેલને પહેરાવ્યો ને બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ કહ્યું, ત્યારે તે રાજી થયા.
ત્યાર પછી બીજે દિવસ તે જ ચંદની હેઠે સાંજના મુક્તશ્રી ઢોલિયામાં સૂતા હતા ને વચનામૃતની ટીકાએ સહિત કથા વંચાવીને સાંભળતા હતા. તે સમે સારંગપુરનું ૧૫મું વચનામૃત વાંચ્યું, -તેમાં ગોપીઓના મુગ્ધા, મધ્યા ને પ્રૌઢા એ ભેદ આવ્યા. ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘આમાં ગોપીઓ કહી તે અત્યારે આપણે ગોપીઓ કોને જાણવી ? ને ગોકુળ ને મથુરા કોને જાણવાં ?’’ ત્યારે કોઈ બોલ્યું નહિ ને બાપાશ્રીના સામું સર્વે જોઈ રહ્યા. ત્યારે સ્વામીના તથા નાગજીભાઈના સામો હાથ કરીને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘કોઈક તો બોલો; કેમ બોલતા નથી.’’ એમ કહીને પોતે જ સંત-હરિભક્તની સભા સામો હસ્ત કરીને કહ્યું જે, ‘‘જેનો સમાગમ કરવા તમે આવો છો તે સમાગમ કરવાથી જ્યારે જેને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે તેને શ્રીજીમહારાજની મૂર્તિ ભેળું જ અક્ષરધામ ને મુક્તની સભા ભાસે છે, માટે જ્યાં શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત બિરાજે છે ત્યાં સર્વે છે. અને મોટા સંતોએ ગોપીઓ આદિ પરોક્ષ નામે કરીને શ્રીહરિજીના સંત તથા હરિભક્તોને કહ્યા છે અને ગોકુળ, મથુરા આદિ પરોક્ષ નામે કરીને શ્રીજીમહારાજે જે સ્થાનમાં રહીને લીલા કરી છે એવાં ગઢપુર, શ્રીનગર આદિ, સ્થાનને કહ્યાં છે. આવાં બાપાશ્રીનાં વચનો સાંભળીને સર્વેને ઘણો આનંદ થયો.
ઇતિ વિશ્રાવ ૭૯