વિશ્રામ ૯૭
હવે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના સંકલ્પથી અનાદિમુક્ત અબજીબાપાશ્રીએ આ લોકમાં આવીને શું કાર્ય કર્યું તો :-
(૧) પ્રથમ પોતે સ્વતંત્રપણે નિર્વિકલ્પ સમાધિ કરીને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના ્સ્વરૂપમાં નિમગ્ન થઈ રહેતા. ત્યારે તેમના શરીરમાં નાડી-પ્રાણની ગતિ જણાતી નહિ; શરીર કાષ્ઠ જેવું સજ્જ જણાતું, તેવી સમાધિમાં કોઈક સમયે ચાર પાંચ દિવસ ને કોઈક સમયે દસ બાર દિવસ રહેતા. કોઈ દિવસ તો એક બે દિવસ સમાધિમાં રહીને જાગતા. અનાદિ મુક્તશ્રીની આવી સમાધિની સ્થિતિ જોઈને જ્ઞાની-ધ્યાની એવા સાધુ-સત્સંગીઓને એમ જણાતું જે; ‘આ સત્સંગમાં આવા મોટા પુરુષ છે : જે સમાધિ કરીને સ્વતંત્રપણે અક્ષરધામમાં જઈ શ્રીહરિનાં દર્શન કરીને પાછા આવે છે ને શ્રીજીમહારાજની મરજીને જાણે છે. આવા અનાદિમુક્ત છે તે બીજા મુમુક્ષુ જીવોના મોક્ષ કરે તેમાં શું કહેવાનું છે ! એ તો કરે જ. કારણ કે આ સત્સંગમાં શ્રીજીમહારાજ ને તેમના મુક્ત સદાય પ્રગટ છે ને સત્સંગ દિવ્ય છે.’ -આમ સૌ કોઈ જાણી શકતા. આમ બાપાશ્રીને પોતાના ચારિત્ર્યથી સત્સંગનો મહિમા સમજાવીને અનંત જીવોના આત્યંતિક મોક્ષ કર્યા.
(૨) અને અનાદિ મુક્તશ્રીએ મોટા છ યજ્ઞ(બાપાશ્રીના કાર્યમાં બધો સત્સંગ તેડાવી પારાયણ કરાવ્યું હતું અને તેમની વરશી નિમિત્તે શ્રીનગરમાં મોટો કથાયજ્ઞ કર્યો હતો, તે બન્ને બાપાશ્રી-નીમિત્તના યજ્ઞ હોવાથી ૮ યજ્ઞ પણ કેહવાય છે) કર્યા, તેમાં હજારો સાધુ-સત્સંગીઓ ને બ્રહ્મનિષ્ઠ મોટા સંત આવતા, તેઓ સકળ અનાદિમુક્તનાં દર્શન-સમાગમનો લાભ લેતા. વળી તે યજ્ઞમાં આવેલા સાધુ-સત્સંગીને જાગ્રતમાં ને કેટલાકને સ્વપ્નમાં શ્રીજીમહારાજ ને તેમની સાથે અનાદિમુક્ત બાપાશ્રીનાં દર્શન થતાં, તેમાં કેટલાકને શ્રીજીમહારાજને વિષે બાપાશ્રી અદૃશ્ય થઈ જતા એવાં દર્શન થતાં ને કેટલાકને ધ્યાનમાં શ્રીજીમહારાજનાં દર્શન થતા; આવાં દર્શનથી તેમને છતે દેહે જ મોક્ષ થઈ ગયો છે તેવો આનંદ આવતો ને બાપાશ્રીએ અમને મૂર્તિમાં રાખ્યા છે એવો દૃઢ નિશ્ચય જીવમાં થઈ જતો ને તે યજ્ઞમાં સર્વે વસ્તુ અખૂટ જ રહેતી ને તે વિના બીજા નાના યજ્ઞ તો ઘણા કર્યા હતા. આવી રીતે બાપાશ્રીએ ઐશ્વર્ય-પ્રતાપ દેખાડીને સત્સંગમાં મહારાજ ને મુક્તનું પ્રગટપણું જણાવ્યું ને સર્વે સત્સંગ દિવ્ય સમજાવ્યો ને ઘણાક સંત-હરિભક્તને એકાંતિક ધર્મને વિષે સ્થિતિ કરાવી.
(૩) વળી અનાદિમુક્ત બાપાશ્રીનો સમાગમ કરવા સેંકડો સંત ને હરિભક્ત આવતા, તેમને બાપાશ્રીએ વાતો કરીને શ્રીજીમહારાજની સર્વોપરી આજ્ઞા-ઉપાસના ને એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવી અને તેવા અનંત મુક્ત કર્યા. વળી કેટલાકને આત્મા, પરમાત્મા ને અનાદિમુક્તની સ્થિતિનો સાક્ષાત્કાર પણ કરાવ્યો. આવી રીતે બાપાશ્રીએ શ્રીહરિજી મહારાજના આશ્રિતને ૮૩ ત્યાશી વર્ષ, ૭ સાત માસ ને ૨૪ ચોવીસ દિવસ સુધી જ્ઞાનદાન તથા પોતાનાં દર્શન-સેવાસમાગમનું સુખ આપ્યું ને છતે દેહે જ મોક્ષ થઈ ગયો છે -એવી સ્વરૂપનિષ્ઠાની દૃઢતા કરાવી.
(૪) અને વચનામૃતમાં શ્રીજીમહારાજના સ્વરૂપનું અતિ રહસ્ય ને ગુહ્યમાં ગુહ્ય એવું ને વળી પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થ તથા સર્વોપરી અને અદ્વિતીય એવું દ્વિઅર્થી જ્ઞાન છે તે સમજવું ઘણું જ દુષ્કર છે. તેમાં શ્રીજીમહારાજનો સર્વોપરી સિદ્ધાંત છે, તે મોક્ષાર્થીને અવશ્ય સમજવો જોઈએ. તે સારુ બાપાશ્રીએ વચનામૃતની ‘રહસ્યાર્થ-પ્રદીપિકાટીકા’ કરી છે અને બાપાશ્રીએ પોતાની વાતો પણ લખાવી છે : કે જેણે કરીને કેડેથી પણ સર્વેને આત્યંતિક મોક્ષના જ્ઞાનનો માર્ગ ચાલુ જ રહે, એવો જ્ઞાનમાર્ગ સમજાવ્યો.
આવી રીતે ઉપરોક્ત ચાર કાર્યો કરીને અનાદિ મુક્તરાજ બાપાશ્રી વૃષપુરમાં પોતાના ઘરને વિષે બિરાજમાન છે. તે સમે બાપાશ્રીનાં દર્શન કરવા સારુ ફરતા ગામના ભક્તજનો સમૂહે સમૂહ નિત્યે આવતા ને બાપાશ્રી તે સમે શરીરમાં પણ સાજા સારા હતા. હવે અસાડ સુદ એકમને દિવસ બાપાશ્રી પોતાની નવીવાડીએ બેઠા હતા અને બાપાના સેવક કાનજીભાઈ ને મનજીભાઈ તથા પૌત્ર માવજી, જાદવજી ને હરજી આદિ સર્વે પાસે બેઠા હતા, તેમ જ વૃષપુર ગામના પટેલ ઝીણા અને તેમના દીકરા રામજી ને મૂળજી તથા અરજણ ભોજાણી, અણદા કેરાઈ આદિ, તથા નારાયણપુરના હરજી, ધનજી, લાલજી ધનજી, શામજી કરમણ આદિ તથા ભારાસરના પટેલ ગાંગજી, રામજી રૂડા ને રામજી વાલજી તથા માનકૂવાના માવજી ડબાસિયા આદિ સર્વે બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા હતા. તે સમે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પોતાને અંતર્ધાન થવું છે, તે નિમિત્ત સર્વે ભક્તને ભલામણ કરવા લાગ્યા જે, ‘‘હવે હું અક્ષરધામમાં જઈને મહારાજની મૂર્તિમાં બેસીશ ને મહારાજની મૂર્તિમાં રહીને સુખ ભોગવીશ. અને તમે સર્વે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહીને ભજન કરજો, તમે સર્વે મારા છો; તમને સર્વેને મૂર્તિમાં રાખ્યા છે ને મારા રૂપ છો; હું તમારા ભેગો રહીશ ને તમારી રક્ષા કરીશ. આગળ દેશકાળ કઠણ આવશે; કેમજે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, સત્સંગમાં રાહુ-કેતુ જેવા જીવ આવ્યા હોય તે સંતના મંડળમાં રહે તથા સત્સંગીના ભેળા રહે; પણ તેને સંતનો રંગ લાગે નહિ ને પોતાના સ્વભાવને મૂકેનહિ. તેવાના સંગે કરીને દૈવી ને મુમુક્ષુ હોય તે પણ સારા સંત-હરિભક્તનો દ્રોહ કરે અને શ્રીજીમહારાજની સર્વોપરી આજ્ઞા-ઉપાસનાની વાતો કરવામાં પણ ઉપાધિ કરે ને સત્સંગમાં તથા વ્યવહારમાં પણ ઉપાધિ કરે, માટે હું અંતર્ધાન થયા પછી કેટલીક ઉપાધિ થશે ત્યારે તમારી પરીક્ષા થશે; અત્યારે તો અમારી છાયામાં કિલ્લો કરો છો; -દર્શન સમાગમનું સુખ લો છો ને તે દિવસ પણ જો તમે શૂરવીર થઈને ઉપાધિને ગણશો નહિ ને અમારા કહેવા પ્રમાણે શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજીને કથાવાર્તા કરશો ને આજ્ઞામાં રહેશો તો અમે રક્ષા કરશું; તમે કાંઈ મૂંઝાશો નહિ. જેમ વાયુ-વરસાદનું ગમે તેટલું તોફાન થાય પણ મોટા પર્વતને કાંઈ અડતું નથી; તેમ તમને પણ તે ઉપાધિ કાંઈ અડશે નહિ, એમ હું રક્ષા કરીશ ને અંતે મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ ભોગવાવીશ. હવે તમને મારાં દર્શન ઝાઝા દિવસ નહિ થાય; હવે હું ચાર-પાંચ દિવસમાં શ્રીજીમહારાજની સેવામાં ધામમાં જઈને બેસીશ, આ અમારાં વચન સત્ય માનજો. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પણ આ અમારું વચન કોઈ દિવસ નહિ ફરે.’’ -એમ કહીને બોલ્યા જે, ‘સત્પુરુષ-વાક્યં ન ચલંતિ ધર્મ’ વળી બોલ્યા જે, ‘‘અમે જે જે લીલા કરી છે તથા આશીર્વાદ આપ્યા છે તે સર્વે સંભારી રાખશો; ભૂલશો માં, જરૂર ભૂલશો માં.’’ -આવાં બાપાશ્રીનાં વચન જીવમાં ધારીને તે સર્વે ભક્ત પોતપોતાને ગામ ગયા. પછી બાપાશ્રી ગાડીમાં બેસીને પોતાના સેવકોએ સહિત ઘેર આવ્યા ને ત્યાં પોતાના સેવક વાલબા તથા કાનબા આદિ ઘણાં બાઈઓ દર્શનની વાટ જોઈને બેઠાં હતાં, તેમને પણ બાપાશ્રીએ દર્શન દઈને પોતાને અંતર્ધાન થવાની વાત કરી. ત્યાર પછી બાપાશ્રી મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કરીને ઓરડામાં ઢોલિયે બિરાજ્યા ને તેગામના સર્વે ભક્તજનો દર્શન કરીને ગયા. પછી બાપાશ્રીએ એમ ધાર્યું જે, ‘હું મંદવાડ ગ્રહણ કરીશ તો સમીપના ભક્ત તુરત ભેગા થઈ જશે ને મને રહેવાની પ્રાર્થના કરશે. પછી દૂર દેશના ભક્તજનો તથા સદગુરુ વગેરે સંત આવી પહોંચશે ને તેઓ પણ મને રહેવાની પ્રાર્થના કરશે. તે સર્વેનો અનાદર કરીને અંતર્ધાન થવું તે સારું નહિ માટે કોઈ ન જાણે તેમ કરું : જેથી કોઈ પણ મુને રહેવાની પ્રાર્થના કરી શકે નહિ ને મંદવાડની સેવાનું સુખ તો મેં પ્રથમ સર્વેને બહુ જ આપ્યું છે તે જુઓ :-
સંવત ૧૯૪૮ના વૈશાખ-જ્યેષ્ઠ માસમાં સ્વામી નિર્ગુણદાસજીને આ લોકમાં રાખવા અને અમારે અંતર્ધાન થવું, એવું નિમિત્ત કરીને ૨૭ દિવસનો મંદવાડ કર્યો હતો. પછી ૧૯૭૪ના અસાડ-શ્રાવણ માસમાં ધામમાં જવાનું નિમિત્ત કરીને મોટો મંદવાડ ગ્રહણ કર્યો હતો. ત્યાર પછી ૧૯૮૨ના ભાદરવા માસમાં લઘુ-નિમિત્તનો મંદવાડ ગ્રહણ કર્યો હતો, એ ત્રણ મંદવાડમાં સર્વેને ભેગા કરીને મંદવાડની સેવાનું બહુ સુખ આપ્યું હતું. તે વિના બીજા નાના મંદવાડ : જે એક વખત પેટના દુખાવાથી ટાઢા દેવરાવ્યા હતા. એક સમયે શરીરમાં ‘વા’ ગ્રહણ કર્યો હતો. એક સમયે પડખામાં શૂળ આવતું હતું. એક વખત ભૂજ-ઠાકોરજીનાં દર્શન કરવા જતાં રસ્તામાં ઘોડીએ તોફાન કર્યું તેથી પડી જવાથી વાગ્યું હતું. વળી એક વખત ઘોડી ઉપરથી ઊતરીને ગાડેથી ઊતરતાં પડી જવાથી વાગ્યું હતું ને એક સમે કાનમાં દુખાવો થયો હતો, એમ ઘણી વાર મંદવાડ ગ્રહણ કરીને સેવાનાં નિઃસીમ સુખ દીધાં છે; માટે હવે તો તુરત જ મનુષ્ય-લીલા સંકેલી લઉં.’ -એમ ધારીને સંવત ૧૯૮૪ના અસાડ સુદ ત્રીજ ને બુધવારના દિવસના બાર વાગ્યા સુધી પોતાની મેળે જ હરતા ફરતા હતા; પણ શરીરમાં અશક્તિ ને ગરમી જણાવતા હતા ને બાર વાગ્યા પછી તો બોલવું જ બંધ કર્યું ને ચોથ ને ગુરુવારની રાત્રિના એક વાગે અંતર્ધાન લીલા કરી; એમ દોઢ દિવસમાં લીલા સંકેલી લીધી. તેમાં પણ સર્વેને ભેગા કરી લીધા ને બહુ જ પ્રતાપ જણાવ્યો ને અનેક ભક્તને અનેક ઠેકાણે દિવ્યરૂપે દર્શન દીધાં તે હવે કરીએ છીએ :-
અનાદિ મુક્તરાજ બાપાશ્રી અસાડ સુદ બીજ ને મંગળવારની સવારે સ્નાન કરવા ઊઠ્યા ને દાતણ-પાણી કરીને કૂવા ઉપર આવ્યા ત્યારે અતિશય અશક્તિ જણાવી અને ઊલટી થઈ ને લથડિયાં ખાઈ પડી જવા લાગ્યા, એટલે સેવક જાદવજી ને પ્રેમજી તેમણે બાપાશ્રીને ઝાલી રાખીને સ્નાન કરાવ્યું. ને વસ્ત્ર બદલાવી હાથ ઝાલીને ઓરડીમાં તેડી ગયા. પછી ધોતિયું પહેરાવી બીજું વસ્ત્ર ઓઢાડીને પૂજા કરવા બેસાર્યા, ત્યારે બાપાશ્રીએ પૂજા કરી અંગરખું પહેરીને મસ્તકે ફેંટો બાંધ્યો ને મંદિરમાં શ્રીજીમહાાજની મૂર્તિનાં દર્શન કરીને ઘેર પધાર્યા, ત્યાં કાંજી ને દૂધપાન કર્યું. પછી ગાડીમાં બેસીને નવીવાડીએ પધાર્યા ત્યાં કૂવા ઉપર જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયામાં સૂતા ને શરીરમાં કાંઈક કસર જણાવી. પછી સાંજે ગાંડીમાં બેસીને મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને ઓરડામાં ઢોલિયે સૂતા, ત્યારે મનજીભાઈએ જમવાનું પૂછ્યું એટલે ના કહી. પછી સાકર નાખી ગરમ કરેલું દૂધ લાવ્યા તે પાન કરીને સૂઈ રહ્યા.
હવે બાપાશ્રી ત્રીજ ને બુધવારને દિવસે બ્રાહ્મમુહૂર્તને વિષે જાગ્રત થયા, ત્યારે સેવક કાનજીભાઈ તથા મનજીભાઈ અને જાદવજી, માવજી ને પ્રેમજી આદિ સર્વે સેવામાં હતા. તે સમે કાનજીભાઈએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘બાપા ! સ્નાન કરવું છે ?’’ ત્યારે બાપાશ્રીએ હા કહી, પણ બાપાશ્રીથી ચાલી શકાશે નહિ એવું જણાયું, તેથી બાપાશ્રીને બેઠા કરીને ખુરસી જેવી માંચીમાં બેસાડ્યા ને ઓરડા આગળ માંચી રાખીને ત્યાં જ દાતણ કરાવ્યું. પછી સેવકોએ કહ્યું જે, ‘બાપા, સ્નાન કરાવીએ ?’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમને કિયા સ્થાનમાં બેસાર્યા છે ?’’ ત્યારે બાપાના કાનજીભાઈએ કહ્યું જે, ‘‘આપ મંદિરના ચોકમાં છો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ મંદિર છે કે આ ચોક છે; આ ઓરડો છે કે આ ઘર છે, કે આ ગામ છે તે હું કાંઈ દેખતો નથી; હું ચો એકરસ તેજમાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજને દેખું છું ને તે મૂર્તિમાં જ રહ્યો છું; તે વિના બીજું કાંઈ જણાતું નથી.’’ -એમ કહીને ઘણીવાર ઊંડા ઊતરી ગયા. પછી જાગ્રત થયા ને કહ્યું જે, ‘‘હવે સ્નાન કરાવો.’’ ત્યારે સેવકોએ તે જ ઠેકાણે માંચીમાં બાપાશ્રીને સ્નાન કરાવ્યુંને કોરાં વસ્ત્રથી શરીર લૂછીને ધોતિયું પહેરાવ્યું ને ઓરડામાં ઢોલિયે બેસાર્યા એટલે સઈ ગયા. પછી ચાંદલે સહિત તિલક કરાવ્યું ને પૂજાની મૂર્તિઓનાં દર્શન કરાવ્યાં, પછી બે ઘડી સૂઈ રહ્યા. ત્યાર પછી જાદવજીનો હાથ ઝાલીને ઊઠ્યા ને મંદિરમાં દર્શન કરીને ઘેર પધાર્યા ને સેવકે જમવાનું પૂછ્યું, ત્યારે કહ્યું કે, ‘‘મારે શરીરે ઠીક નથી તેથી જમાશે નહિ.’’ પછી ગરમ દૂધ લાવ્યા તે લગાર પાન કરીને ઢોલિયામાં સૂતા. પછી પોતાના પુત્ર જે કાનજીભાઈ, મનજીભાઈ આદિ સર્વેને ભલામણ કરતા થકા બોલ્યા જે, ‘‘હવે મારા શરીરનો નિર્ધાર નથી માટે તમે મારો ચીલો રાખજો, એટલે મંદિરમાં કથાવાર્તા કરવાનો ખટકો રાખજો ને મંદિરને તથા સંત-હરિભક્તને સાચવજો ને સેવા કરજો અને અમોએ જેમ વાતો કરીને તથા અનેક પ્રકારે સર્વેને સુખિયા કર્યા છે તેમ તમે પણ સર્વેને સુખિયા રાખજો ને સુખિયા રહેજો; ભગવાન ભજજો ને ભજાવજો. હવે તમને આ મારા દેહનાં દર્શન થાશે નહિ ને મારો દેહ પડશે તેનો અગ્નિસંસ્કાર છત્રીને જમણે પડખે કરજો. હવે હું તમને કહેવા નહિ આવું; હું તો અક્ષરધામમાં મહારાજ પાસે જઈશ.’’ એમ બોલ્યા. એવાં બાપાશ્રીનાં વચન સાંભળીને કાનજીભાઈ ને મનજીભાઈ તથા માવજી, જાદવજી ને હરજી તથા ઘરના સર્વે તથા બીજા સર્વે હરિભક્ત - તે અતિશય દીલગીર થયા ને હૃદય ભરાઈ આવ્યાં ને નેત્ર સજળ થઈ ગયાં અને કાંઈ પણ બોલવા સમર્થ રહ્યા નહિ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે ચિંતા ન કરો; હું તમારા ભેગો જ છું ને તમારી રક્ષા કરીશ; તમને મૂર્તિમાં રાખ્યા છે અને તમે મને કેવા જાણો છો ? હું તો જે ક્ષર-અક્ષરથી પર ને સર્વ કારણના કારણ ને સદાય દિવ્ય સ્વરૂપ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એમની મૂર્તિમાં રહ્યો છું માટે અવિનાશી છું પણ નાશ થઈ જાઉં એવો નથી; અખંડ-અવિનાશી છું.’’ ત્યારે સર્વેને ધીરજ આવી.
પછી કહ્યું જે, ‘‘મને અહીં ગરમી થાય છે તેથી મારે વાડીએ જવું છે, માટે ગાડી લાવો.’’ ત્યારે જાદવજી ગાડી લાવ્યા, તેમાં બેસી સેવકોને સાથે લઈને વાડીએ આવ્યા ને ત્યાં જાંબુડાના વૃક્ષ નીચે ઘડીક સૂતા. પછી શરીરમાં ગરમી જણાયાથી ઊઠ્યા ને કહ્યું જે, ‘‘મને સ્નાન કરાવો.’’ ત્યારે જાદવજી, ખીમજી તથા પ્રેમજી આદિ સેવકોએ બાપાશ્રીને કૂવાના થાળામાં બેસાર્યા ને કૂવામાંથી જળના લોટા ભરીને સ્નાન કરાવવા લાગ્યા, એમ ઘણીકવાર સ્નાન કર્યું. પછી સેવકોએ પ્રાર્થના કરી જે, ‘‘આપનું શરીર અશક્ત છે તેથી બહુ સ્નાન કરવું તે સારું નહિ.’’ ત્યારે બાપાશ્રી વસ્ત્ર બદલાવી જાંબુડા નીચે ઢોલિયામાં વસ્ત્ર ઓઢી મુખ ઉઘાડું રાખીને સૂતા. તે સમયે નારાયણપુરનાં અમરબા તથા મોંઘીબા આદિ સાંખ્યયોગી બાઈઓ બાપાશ્રીને જમાડવા સારુ પૂડલા, આંબાનો રસ ને શાક-પાક આદિ ભોજનનો થાળ લઈને આવ્યાં ને બાપાશ્રીને જમવાની પ્રાર્થના કરી અને બેઠા કરીને આગળ થાળ ધર્યો. ત્યારે બાપાશ્રીએ તેમાંથી એક ગ્રાસ જમીને કહ્યું જે, ‘‘જમાશે નહિ.’’ એમ કહીને જમ્યા નહિ. ત્યારે સેવકોએ મુખ-શુદ્ધિ કરાવી ને જળપાન કરાવ્યું એટલે તુરત જ શયન કરીને ઊંડા ઊતરી ગયા તે બોલાવ્યા પણ બોલે નહિ, ત્યાં જ ઘેરથી વાલબા ને કાનબા આદિ બાઈઓ કાંજી આદિ ભોજન લઈને આવ્યાં ને બાપાશ્રીને જમવાની બહુ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી જાગ્રત થયા ને સેવકોએ જમવાનું કહ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘હવે અમે જમશું નહિ ને બોલશું પણ નહિ અને અમને બોલાવશો પણ નહિ.’’ -એમ કહીને ઊંડા ઊતરી ગયા, તે દિવસના બાર વાગ્યાથી બોલવું જ બંધ કર્યું ને ઉપશમ સ્થિતિ ગ્રહણ કરી. તે વાત જાણીને કાનજીભાઈ તથા મનજીભાઈ આદિ સર્વે ત્યાં હતા, તે સર્વે બાપાશ્રીની આવી રીતની ઉપશમ અવસ્થાની લીલા જોઈને ઉદાસી થઈ ગયા. પછી બાપાશ્રીને પાલખી જેવી માંચીમાં બેસારીને ઘેર તેડી લાવ્યા ને ઘરના બારણાની સામે ઢોલિયામાં સુવાડ્યા.
તે સમયે પણ બાપાશ્રીએ બોલવું તથા કોઈના સામું જોવું બંધ રાખ્યું ને ઉપશમ સ્થિતિમાં રહ્યા હતા. ત્યારે બાપાશ્રીના કાનજીભાઈ ને મનજીભાઈ તેમણે જાણ્યું જે, ‘‘બાપાશ્રી કહેતા હતા જે, ‘યજ્ઞ થઈ રહ્યા પછી અમે ધામમાં જઈને બેસશું.’ તે આ બાપાશ્રીની છેલ્લી અંતર્ધાન થવાની લીલા છે.’’ -એમ જાણીને ત્રીજનેદિવસ સાંજ વખતે સાઇકલથી માણસ મોકલીને ભૂજમાં સ્વામી ભક્તિપ્રિયદાસજી ને પુ. કેશવપ્રિયદાસજી આદિ સંતને તથા ભોગીલાલભાઈ, મોતીભાઈ ને વિઠ્ઠલભાઈ આદિ હરિભક્તને બાપાશ્રીના છેલ્લા મંદવાડના સમાચાર આપ્યા ને રામપુરના દેવરાજભાઈ, નારાયણપુરના હરજી, લાલજી ને રામજી અને દહીંસરાના ખીમજીભાઈ, રતનાભાઈ ને દેવજીભાઈ આદિ સર્વે હરિભક્તને ગામેગામ સમાચાર દીધા. ત્યારે ભૂજના સોની મોતીભાઈ, મગનભાઈ, વિઠ્ઠલજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ આદિ સર્વે હરિભક્ત તે જ રાત્રીના બાર વાગે વૃષપુર પહોંચ્યા ને બાપાશ્રીને દંડવત્ કરીને દર્શન કરતા હતા ને બાપાશ્રી તો સમાધિની માફક સૂતા હતા. ત્યારે બાપાશ્રીના કાનજીબાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરીને કહ્યું જે, ‘‘બાપા ! દેવરાજભાઈ આદિ આપનાં દર્શન કરવા આવ્યા છે.’’ ત્યારે બાપાશ્રી બેઠા થયા ને નેત્ર ઉઘાડીને સર્વેના સામું જોયું ને બોલ્યા જે, ‘‘ભલે આવ્યા; દર્શન કરો.’’ એમ કહીને પાછા સૂઈ ગયા.
ઇતિ વિશ્રામ ૯૭