વિશ્રામ ૭
સર્વથી પર એવું પોતાના તેજરૂપ અક્ષરધામ, તેને વિષે સદાય વિરાજમાન એવા શ્રીજીમહારાજ તેમના સંકલ્પથી જેમનું પ્રગટપણું છે એવા અનાદિમુક્ત તે જ્યારે કિશોર અવસ્થાના થયા, ત્યારે તેમના પિતા પાંચાભાઈ તથા માતુશ્રી દેવબા તેમને પોતાના પુત્રને પરણાવવાની ઇચ્છા થઈ. ત્યારે શ્રીજીમહારાજની ઇચ્છાથી માનકૂવા ગામના કણબી ગાંગજી ને તેમનાં પત્ની રામબા તેમને પણ પોતાની પુત્રીને પરણાવવાની ઇચ્છા થઈ; તે ગાંગજીનાં દીકરી કેવાં હતાં, તો અખંડ સૌભાગ્યવતી ને સુશીલ સ્વભાવવાળાં, ધર્મને વિષે નિષ્ઠાવાળાં, પ્રત્યક્ષ શ્રીજીમહારાજને વિષે દૃઢ ભક્તિવાળાં, અવસ્થાએ દશ વર્ષનાં ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શમદમાદિક ગુણે યુક્ત એવાં અને અતિ સ્વરૂપવાન ને જેમના શરીરની કાંતિ તેજસ્વી છે એવાં ગૌરાંગિની હતાં ને સર્વે લોક પણ તેમને તેજોવતીતથા દેવુબા નામે કરીને કહેતાં અને નામ પણ દેવુબા હતું. હવેતે કન્યાના પિતા ગાંગજી તથા માતા રામબા તે પોતાની પુત્રીને રૂપ ને ગુણે કરીને કોઈની ઉપમા ન દેવાય તેવાં મુક્તસ્વરૂપ જાણીને તે કન્યાને યોગ્ય એવા પતિને ખોળવા લાગ્યાં. ત્યારે વૃષપુરને વિષે વેકરિયા પાંચાભાઈના પુત્ર અબજીભાઈને પોતાની પુત્રી આપવા યોગ્ય જાણીને તે ગાંગજીભાઈએ અબજીભાઈ સાથે પોતાની પુત્રીનું સગપણ કર્યું. પછી થોડાક દિવસમાં લગ્ન મોકલાવ્યું, ત્યારે પાંચાભાઈએ તથા દેવબાએ લગ્નની કંકોતરી આવી જાણી હર્ષભર્યાં લગ્ન વધાવ્યાં અને બીજા માણસો આ અનાદિમુક્તનાં લગ્નની વધામણી સાંભળીને રાજી થયાં અને વાજિંત્ર સાથે બાઈઓ માંગલિક ગીત ગાવા લાગ્યાં. તે સમયે મુક્તરાજશ્રીને આખે શરીરે પીઠી ચોળીને સ્નાન કરાવ્યું અને ભારે નવીન વસ્ત્ર તથા આભૂષણ પહેરાવ્યાં ને પગે મોજડીઓ પહેરાવી ને ભાલમાં અક્ષત સહિત કંકુમનો ચાંદલો કર્યો ને હાથમાં ખાંડુ તથા શ્રીફળ આપી ગાડામાં બેસાર્યા અને ગામમાં ફુલેકું ફેરવ્યું. તેમાં પ્રથમ મંદિરમાં આવી મુક્તરાજશ્રી અબજીભાઈએ ઠાકોરજીનાં દર્શન કર્યાં ને ઠાકોરજી આગળ શ્રીફળ તથા ખારેકો સાથે સવાસો રૂપિયા ભેટ મેલી. તે સમયે સેવક નારાયણ ભક્તને સિંહાસનમાં શ્રીજીમહારાજની મૂર્તિનાં દિવ્યરૂપે દર્શન થયાં અને મહારાજના તેજથી મંદિર ભરાઈ ગયું અને મુક્તરાજશ્રીનું ફુલેકું ગામમાં ફરવા લાગ્યાં. તે સમયે શ્રીજીમહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થયેલા અને પાર્ષદો ગુલાલ ઉડાડે છે અને સંતમંડળ કીર્તન ગાય છે ને કેડે મુક્તશ્રી અબજીભાઈ ગાડામાં બેઠા છે ને હજારો મનુષ્યથી બજારમાં ચાલવાનો માર્ગ પણ રહ્યો નથી એવાં દર્શન કેટલાકને થતાં હતાં. એવી રીતે બધા ગામમાં ફરીને અબજીભાઈશ્રી પોતાને ઘેર આવ્યા, ત્યારે દેવબાએ હેતભર્યાં મીઠડાં લીધાં.
પછી બીજે દિવસે પાંચાભાઈએ જાન જોડીને માનકૂવે જવાની તૈયારી કરવા માંડી, ત્યારે દેવબાએ પોતાના પુત્રને નવાં વસ્ત્ર-આભૂષણ પહેરાવ્યાં ને ઘરને આંગણે વાજિંત્ર વાગવા લાગ્યાં અને જાનૈયા પણ સાથે તૈયાર થયા અને બાઈઓ ગીત ગાવા લાગ્યાં. તે સમે મુક્તરાજે મસ્તકે છેડાવાળી પાઘ બાંધી હતી અને અંગને વિષે અંગરખું પહેર્યું હતું ને કટીને વિષે સુરવાલ પહેર્યો હતો ને અતિ સૌમ્ય મૂર્તિ ને ભાલમાં અક્ષત સહિત કંકુમનો ચાંદલો કરેલો છે, એવા થકા હાથમાં ખાંડુ તથા શ્રીફળ લઈને ગાડામાં બેઠા અને સાથે જાનડીઓ ગીત ગાવા લાગી ને બીજા ગાડામાં જાનૈયા બેસી ગયા ને જાન ચાલી. આવી રીતે પોતાના પુત્રની શોભા જોઈને માતાપિતાને હૈયે હર્ષ ઊભરાતો હતો. અને મુક્તરાજશ્રી વહેલમાં બેઠા, તે જ સમયે દિવ્ય સોનેરી વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણોથી અતિશય શોભાયમાન એવા શ્રીજીમહારાજ મુક્તરાજશ્રીને જમણે પડખે બિરાજમાન છે, એવાં દર્શન કેટલાકને થયાં, તેથી સર્વેને અતિશય આનંદ થયો. અને જાન જ્યારે માનકૂવે પહોંચી ત્યારે બંદૂકોના ભડાકા થયા ને ઢોલ, શરણાઈ, પડઘમ વગેરે વાજિંત્ર વાગવા લાગ્યાં ને તે સમયે આકાશ ચિદાકાશ જેવું શોભતું હતું. ને શીતળ ને સુગંધીમાન એવો વાયુ ‘મંદ મંદ’ વાતો હતો ને સર્વેનાં મન વૃત્તિઓ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે આકર્ષણ થાતી હતી ને સર્વેને અતિશય આનંદ ઊભરાતો હતો. તે સમે પટેલ ગાંગજી સામૈયું લઈને સન્મુખ આવ્યા અને હેતે સહિત મળી પાંચાભાઈ આદિને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પછી વાજતેગાજતે ગામમાં ઉતારે આવ્યા ને સર્વેને ભારે ભોજન જમાડ્યાં. પછી બીજે દિવસે પટેલ ગાંગજી ને તેમનાં પત્ની રામબાએ તે પાંચાભાઈના પુત્ર અનાદિમુક્ત અબજીભાઈને પોતાની પુત્રી દેવુબાનું દાન દેવા સારુ પોતાના ઘરના આંગણામાં સુશોભિત મંડપ રચેલો હતો તેમાં બાજઠ ઉપર મુક્તરાજશ્રીને પધરાવીને પોંખ્યા. પછી કન્યાદાનનો સમય થયો તે સમે માંગલિક વાજિંત્ર વાગવા લાગ્યાં અને બાઈઓ ભગવાનનાં કીર્તન ગાવા લાગ્યાં ને ઘણાં ભગવાનનાં ભક્ત બાઈઓ-ભાઈઓથી મંડપ શોભતો હતો. તે સમયે કન્યાને વરને ડાબે પડખે બેસાર્યાં. પછી ભગવાનના ભક્ત એવા વિપ્ર તેણે અક્ષત-કંકુમથી વર-કન્યાની પૂજા કરી ને વર-કન્યા પાસે ષોડશોપચારથી ભગવાનની પૂજા કરાવી. પછી વિપ્રે વિધિપૂર્વક વેદમંત્રનું ઉચ્ચારણ કરીને વર-કન્યાની છેડાછેડી બાંધી ને હસ્તમેળાપ કરાવ્યો અને મંગળફેરા ફેરવ્યા. તે સમે આ મુક્તરાજનું દિવ્ય એવું સ્વરૂપ તેને જોતાં એવાં સર્વે બાઈઓ-ભાઈઓ, તેમને શ્રીજીમહારાજનાં દર્શન થયાં જેવો આનંદ થવા લાગ્યો. અને તે સમે વીરજી ભક્તને તે મુક્તની સાથે શ્રીજીમહારાજનાં સાક્ષાત્ દર્શન થતાં હતાં ને સર્વેને અતિશય આનંદ ઊભરાતો હતો. આ પ્રમાણે લગ્નવિધિ પૂરો થયો, પછી વેવાઈએ વર તથા જાનૈયાઓને જમાડવાનો લહાવો લીધો. ને પછી જાન વળાવવાનો સમય થયો, ત્યારે કન્યાના પિતા ગાંગજી પટેલે વર-કન્યાને પહેરામણી કરી. તેમાં બે બળદ સહિત એક ગાડું તથા વાછડા સહિત શણગારેલી એક ગાય તથા પંદરસો રૂપિયા પહેરામણીમાં આપ્યા. ત્યારે પાંચાભાઈ તે સર્વે પહેરામણી લઈ વર-કન્યાને રથમાં બેસાડી તથા કેડે આવેલા પોતાના સંબંધી જન તેને પાછા વાળી સૌને મળીને વૃષપુર આવ્યા. ઇતિ
વિશ્રામ ૭