વિશ્રામ ૭૨

ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી ધર્મનું સ્થાપન કરતા થકા વૃષપુરમાં નિવાસ કરીને રહ્યા છે. તે સમે બ્ર. નિર્ગુણાનંદજી તથા પુ. કેશવપ્રિયદાસજી ભૂજથી બાપાશ્રીનાં દર્શન કરવા સારુ વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રી મંદિરના ચોકમાં તડકે બેઠા હતા ને ચારે કોર હરિભક્ત બેઠા હતા ને પોતે ‘વચનામૃત’ની કથા વંચાવીને સાંભળતા હતા. તે સમે બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીને દંડવત્‌ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી બેઠા થઈને તેમને મળ્યા. પછી પાસે બેસાડીને ભૂજમંદિરના સર્વે સમાચાર પૂછ્યા. ત્યાર પછી પોતે સ્નાન કરવા ઊઠ્યા ને જાજરૂ જઈ આવીને કૂવા ઉપર આવ્યા, ત્યારે મુનિસંતે બાપાશ્રીને સ્નાન કરાવ્યું. પછી બ્રહ્મચારી તથા મુનિને ફરી વાર અતિ સ્નેહે મળ્યા. તે સમે ગુજરાતમાંથી સાંખ્યયોગી બાઈઓનાં મંડળ બાપાશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યાં હતાં ને તેમણે બાપાશ્રી સારુ અનેક પ્રકારનાં પકવાનના થાળ કર્યા હતા, તેથી બાપાશ્રીએ તેમને ઉતારે જઈ મગજ આદિ પકવાન લાવીને મંદિરમાં સંત-બ્રહ્મચારીને આપ્યું ને જમવાની આજ્ઞા કરી. પછી પોતે આશાભાઈ આદિ હરિભક્તોને સાથે લઈને બાઈઓના ઉતારે જમવા પધાર્યા ને પછી મંદિરમાં આવીને બ્રહ્મચારી ને સંતને જવાની રજા આપી, ને પોતે પણ તેમની સાથે ગાડીમાં બેસીને સૂરજપુર આવ્યા. પછી ત્યાં સ્વામી મહાપુરુષદાસજી પાણીબદલો કરવા આવ્યા હતા તેમને મળીને બાપાશ્રી ત્યાંથી પાછા વૃષપુર આવ્યા ને બ્રહ્મચારી ને પુરાણી ભૂજ ગયા. ત્યાર પછી મૂળીના સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીનો સમાગમ કરવા વૃષપુર આવ્યા હતા. તેમને પણ ઘણા દિવસ બાપાશ્રીએ સમાગમનું સુખ આપ્યું પછી મૂળી જવાની રજા આપી.

ત્યાર બાદ ગામ ભારાસરમાં કેસરાજભાઈ તથા રામજીભાઈ તેમણે શ્રીજીમહારાજ ને અનાદિ મુક્તરાજશ્રીને તથા સંત-હરિભક્તને રાજી કરવા ને પોતાના મોક્ષને અર્થે મોટો કથાયજ્ઞ પ્રારંભ્યો હતો. હવે તે ભક્તજનો યજ્ઞમાં વિઘ્ન ન થાય તેવી બાપાશ્રીને પ્રાર્થના કરવા ને યજ્ઞમાં આવવાનું આમંત્રણ દેવા વૃષપુર આવ્યા ને બાપાશ્રીને દંડવત્‌ કરીને પાસે બેઠા. પછી બાપાશ્રીએ તેમને મધુર વચને બોલાવીને સત્કાર કર્યો. ત્યારે તે ભક્ત બોલ્યા જે, ‘‘હે દયાળુ ! આપ દયા કરીને અમોએ કરવા માંડેલ જે યજ્ઞ તે નિર્વિઘ્ન કરશો ને યજ્ઞમાં પધારીને અમારા મનોરથ પૂરા કરાવશો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમારા યજ્ઞમાં કાંઈ પણ વિઘ્ન નહિ થાય અને અમે સૌથી પહેલાં આવીશું.’’ ત્યારે તે ભક્ત રાજી થઈ બાપાશ્રીની આજ્ઞા લઈને પોતાને ગામ ગયા ને ચૈત્ર સુદ તેરસ ને ગુરુવારે ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા બેઠી ને સાધુ કેશવપ્રિયદાસજી કથા વાંચતા હતા, અને ભૂજના સંતમંડળ સર્વે આવ્યા હતા ને ફરતા ગામડાના હરિભક્ત દર્શન કરવા ને કથા સાંભળવા આવતા ને પાછા જતા. પછી અનાદિ મુક્તરાજશ્રી વૃષપુરથી પોતાના પુત્ર મનજીભાઈ ને માવજીભાઈ તેમની પાસે ઘોડાગાડી જોડાવી તેમાં બેસી તેમને સાથે લઈને પૂનમને દિવસ દસ વાગે ભારાસર પધાર્યા અને સંત-હરિભક્તને દર્શનદાને કરીને નવલા નેહ વધાર્યા. ત્યાં મુક્તરાજશ્રી કેસરાજભાઈના નવા ઘરમાં ઊતર્યા હતા ને સર્વે સંતનો જમવાનો ભંડાર પણ ત્યાં જ કર્યો હતો ને સંતમંડળ અહોનિશ બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેતા ને બાપાશ્રી પણ પાંચ વખત સભામાં આવીને બિરાજતા ને દર્શન દઈવાતો કરીને આનંદ પમાડતા.

હવે તે યજ્ઞમાં અમદાવાદથી સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી ને પૂ. હરિપ્રસાદદાસજી આદિ સંતો પોતપોતાના મંડળે સહિત આવવાની અતિ ત્વરા કરતા હતા, પરંતુ સત્સંગના વ્યવહારના કામમાં રોકાયા હતા.પછી શ્રીજીમહારાજની ઇચ્છાથી તે કામની નિવૃત્તિ આવી ત્યારે તે સદગુરુ આદિ સંતમંડળ તુરત જ તૈયાર થઈને રેલમાં બેસી જેમ નદીઓ સમુદ્રને મળે, તેમ રસ્તામાં ભૂખ-તરસ, ઊંઘ-આળસ આદિનું દુઃખ નહિ ગણીને ભારાસર આવ્યા. તે સમે મંદિરના ચોકમાં સાધુ-હરિભક્તની સભામાં આસન ઉપર વિરાજમાન એવા બાપાશ્રીને જોઈને સદગુરુ આદિ સંતમંડળ દંડવત્‌ કરવા મંડ્યા, ત્યારે બાપાશ્રી ઊભા થઈને સન્મુખ જઈ હાથ ઝાલીને અતિ હેતથી સર્વેને મળ્યા ને સત્સંગના સ્તંભરૂપ ને વૃદ્ધ અવસ્થાવાળા એવા સદગુરુને આસન ઉપર બેસાડીને પોતે આસન ઉપર વિરાજમાન થયા. પછી એ યજ્ઞ કરાવનાર કેસરાજભાઈ તથા રામજીભાઈ તેમની પાસે સદગુરુ આદિ સંતમંડળની પૂજા કરાવી. પછી કથાની સમાપ્તિ થઈ એટલે બાપાશ્રી સંતમંડળને સાથે લઈને ઉતારે આવ્યા ને ભૂજના સાધુની પાસે મોતૈયા લાડુ, પૂરી, શાક આદિ ભોજન કરાવ્યાં હતાં -તે સંતને જમાડ્યાં. પછી જમીને સદગુરુ આદિ સંત બાપાશ્રી પાસે ઓરડામાં બેઠા ને બાપાશ્રીએ તેમને ગુજરાતના હરિભક્તના સમાચાર પૂછ્યા, ત્યારે સ્વામીએ બાપાશ્રીને સર્વે સમાચાર કહ્યા. પછી કથાવાર્તા કરીને સૂઈ રહ્યા -એમ નિત્યે સુખ આપતા. પછી તો કથાયજ્ઞ પૂરો થયો ત્યારે કેસરાજભાઈ તથા રામજીભાઈએ પુસ્તક ને પુરાણીની પૂજા કરીને આરતી ઉતારી. પછી બાપાશ્રીની તથા સર્વે સંતમંડળની પૂજા કરી ને વસ્ત્ર ઓઢાડ્યાં ને સર્વે સંત ને બાપાશ્રી જમ્યા. પછી સર્વે સંત તથા બાપાશ્રી ગામ બહાર હરિભક્તની પંક્તિઓ જમવા બેઠી હતી ત્યાં દર્શન દેવા પધાર્યા અને સર્વેને દર્શન દઈને સંત સહિત પાછા ઉતારે આવ્યા. પછી બીજે દિવસ સંત સહિત ભૂજ પધાર્યા, ત્યાં ભારાસરના કેસરાજભાઈ ને રામજીભાઈએ ચાંદીના ઉપાડની શ્રીજીમહારાજની મૂર્તિ ભૂજ મંદિરની સજ્જામાં(હાલમાં તે મૂર્તિ બ્રહ્મચારીની જાયગામાં પધરાવેલ છે.) બાપાશ્રીના હાથે પધરાવી ને ચાંદીના થાળ ને ચાંદીના બાજઠ કરાવીને અર્પણ કર્યા. પછી બાપાશ્રી સદગુરુ આદિ સંતમંડળને સુખપુર ને નારાયણપુર એ બે ગામોમાં હરિભક્તને દર્શન દઈને વૃષપુર આવજો-એમ કહી પોતે ઘોડાગાડીમાં બેસીને વૃષપુર પધાર્યા ને સંત તે તે ગામોમાં ગયા.

ઇતિ વિશ્રામ ૭૨