વિશ્રામ ૮૯
હવે ચૈત્ર સુદ ૧૩ને સોમવારે ‘સત્સંગિજીવન’નું પારાયણ ચાલુ કરવાનું છે, તે સારુ અનાદિમુક્ત બાપાશ્રી ત્રણ વાગે જાગ્યા ને શ્રીજીમહારાજનું ધ્યાન કરીને શૌચવિધિ કરવા ઊઠ્યા. પછી દાતણ કરીને કૂવા ઉપર આવ્યા, ત્યારે મુનિ સાધુ કેશવપ્રિયદાસજી તથા દેવજીવનદાસજી તથા મુક્તવલ્લભદાસજી -તે બાપાશ્રીને સ્નાન કરાવવા લાગ્યા ને ઘણા હરિભક્ત દર્શન કરવા તથા પ્રસાદીનું જળ મસ્તકે ચડાવવા ચારે કોર ઊભા હતા. પછી બાપાશ્રી વસ્ત્ર બદલાવીને ઓરડામાં પધાર્યા ને પૂજા કરવા આસને બેઠા, ત્યારે સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ બાપાશ્રીને તિલક ને ચાંદલો કર્યાં. પછી બાપાશ્રીએ માનસીપૂજા કરીને મહારાજની મૂર્તિઓ પધરાવી, ને આવાહન કરીને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે મહારાજને અર્પણ કર્યાં. પછી મહામંત્રનો જપ કરવા લાગ્યા. ત્યાર પછી બાપાશ્રી દંડવત્-પ્રદક્ષિણા કરવા મંડ્યા, ત્યારે સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીની સાથે પ્રદક્ષિણા ને દંડવત્ કરવા લાગ્યા. પછી સર્વે દર્શન કરીને પાસે બેઠા ને બાપાશ્રીએપૂજા કરીને શિક્ષાપત્રીનો પાઠ કર્યો. પછી ઊભા થઈને સર્વેને મળ્યા. ત્યાર બાદ મંદિરમાં ઠાકોરજી ને સંતનાં દર્શન કરી તથા અંગરખું વગેરે પોતાનાં વસ્ત્ર પહેરીને ઘેર પધાર્યા, ત્યારે બાઈઓ આદિ સર્વેને દર્શન દઈને પાછા મંદિરના ચોકમાં આવ્યા. હવે તે દિવસ કથાનું પૂજન કરવાનું છે તેથી પૂજાની સર્વે સામગ્રી તૈયાર કરી હતી ને બાપાશ્રી પૂજા કરવા સારુ ઠાકોરજીને સન્મુખ આસન ઉપર બેઠા ને પોતાના પુત્રપરિવાર આદિ બાપાશ્રીના ડાબા પડખે બેઠા. તે સમયે વિવિધ પ્રકારનાં વાજિંત્ર વાગવા લાગ્યાં અને ચંદનપુષ્પની વૃષ્ટિએ થવા લાગી ને હજારો સંત-હરિભક્ત આવીને બાપાશ્રીના મુખ સામું જોઈને દર્શન કરતા હતા. પછી તે સમે વિદ્વાન એવા વિપ્ર દેવશંકર ને પુ. કેશવપ્રિયદાસ તથા ઉત્તમપ્રિયદાસજી તેમણે બાપાશ્રીની પાસે મુક્તમંડળે સહિત પ્રત્યક્ષ શ્રીહરિકૃષ્ણ મહારાજની વિધિપૂર્વક પૂજા કરાવી. પછી તેઓએ પરિવારે સહિત બાપાશ્રીની પૂજા કરી, ને મંત્ર બોલીને મંગળસૂત્રથી બાપાશ્રીનું કાંડું બાંધવા લાગ્યા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, ‘‘ગોર મહારાજ ! કાંડાને બરાબર બાંધજો; આ મૂર્તિ ઊડી જાય તેવી છે એટલે કોઈને કળ ન પડે ને અદૃશ્ય થઈ જાય એવી છે, પણ કાંડું બાંધે રહે તેવી નથી.’’ -આવું મર્મવચન બોલ્યા, તેને સાંભળીને મોટા મોટા સંત-હરિભક્તના મનમાં અનેક પ્રકારે વિચાર થવા લાગ્યો. એવી રીતે પૂજા કરીને શ્રીજીમહારાજને કથાની પાટ જોડે સિંહાસનમાં પધરાવ્યા. પછી બાપાશ્રી પુસ્તક ને પુરાણીની પૂજા કરીને આરતી કરવા લાગ્યા. તે સમયે આકાશ ચિદાકાશ જેવું શોભી રહ્યું હતું અને મુક્તનાં મંડળ ને દેવનાં વિમાન પણ આકાશમાં છાઈ રહ્યાં હતાં ને ચંદનપુષ્પની વૃષ્ટિઓ થવા માંડી ને અનેક પ્રકારનાં વાજિંત્ર વાજી રહ્યાં હતાં ને સર્વે સંત-હરિભક્ત આનંદમાં ‘જય સદગુરુ સ્વામી, પ્રભુ જ્ય સદગુરુ સ્વામી’ -એ આરતી બોલતા હતા. એવી રીતે આરતી થઈ રહી, ત્યારે સાધુ કેશવપ્રિયદાસ મુક્તે સહિત શ્રીજીમહારાજની મૂર્તિને અંતરમાં ધારી મંગળાચરણ કરીને કથા કરવા લાગ્યા.
હવે તે કથામાં બાપાશ્રીનું આસન સાધુની સભા પાસે ને કથાને સન્મુખ વચલી ચોબે(ચંદરવાની નીચે જે લાકડાં ઉભાં કરવામાં આવે છે તે) રાખ્યું હતું, ત્યાં બાપાશ્રી નિત્યે વિરાજતા અને બાપાશ્રીના પૌત્ર માવજી તથા જાદવજી આદિ ચંદન તથા પુષ્પના હારથી સંત-હરિભક્તની પૂજાઓ કરતા ને સર્વે સંત-હરિભક્ત બાપાશ્રી અને સભાનાં દર્શન કરી સભામાં બેસીને કથામૃતનું પાન કરતા. વળી તે કથામાં રહસ્ય વાતો આવે, તેનું વિવેચન કરીને સદ્. સ્વામી વૃંદાવનદાસજી સર્વેને સમજાવતા. અને કોઈ સમે અનાદિમુક્ત બાપાશ્રી પણ પોતાના મુખની વાણીનો રસ સર્વેને પાન કરાવતા. એવી રીતે નવ વાગ્યા સુધી કથાપ્રસંગ ચાલતો. પછી ‘શ્રીપતિમ્’ થાય, ત્યારે સર્વે સંત-હરિભક્ત અતિ આનંદમાં ઝિલણિયા કીર્તન બોલતા ને પ્રસાદી વહેંચાતી. પછી સર્વે હરિભક્ત બાપાશ્રી તથા સંત-સભાનાં દર્શન કરી બાપાશ્રીની આજ્ઞાએ કરીને રસોડે જમવાજતા અને બાપાશ્રી મંદિરમાં સંતની પંક્તિનાં દર્શન કરી ઘેર જઈને જમતા. પછી મંદિરમાં આવી ઓરડામાં બિરાજતા ને ક્યારેક ચંદની નીચે ખુરસીમાં બેસતા, ને સંત-હરિભક્ત બાપાશ્રી પાસે આવીને દર્શન કરતા ને બાપાશ્રી વાતો કરીને સર્વેને આનંદ ઉપજાવતા. પછી ઓરડામાં પોઢી જતા ને પાછલા પહોરમાં ત્રણ વાગે કથા બેસતી ને સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીની વાત જોઈ રહેતા. તેવામાં ઉદયાચળ ઉપર જેમ સૂર્ય આવે તેમ અનાદિમુક્તરૂપ સૂર્ય સભામાં પધારતા, ત્યારે સર્વેને દર્શનથી આનંદ થતો ને બાપાશ્રી પુસ્તક ને પુરાણી તથા સદગુરુ આદિની પૂજા કરતા ને સભામાં સર્વેનાં દર્શન કરીને આસને બેસતા, અને સર્વે સંત-હરિભક્ત પણ બાપાશ્રીનાં દર્શન કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ થઈ જતા. અને દિવસના બે વાગે પુ. ઉત્તમપ્રિયદાસજી કથા વાંચતા ને સાંજના છ વાગે કથાની સમાપ્તિ કરતા ને કીર્તન બોલતા. એવી રીતે નિત્યે મહા જ્ઞાનયજ્ઞ ચાલુ રહેતો ને સંત-હરિભક્ત બાપાશ્રીની અમૃતવાણીનું પાન કરીને તથા મોટા સદગુરુ થકી શ્રીજીમહારાજ ને અનાદિમુક્તનું માહાત્મ્યજ્ઞાન તે રૂપી અમૃતનું પાન કરીને આનંદમાં કિલ્લોલ કરતા હતા ને દેહ સંબંધી ખાનપાન સર્વે ભૂલીને એક મૂર્તિના સુખમાં જ ગુલતાન રહેતા.
ત્યાર પછી ચૈત્ર વદ પાંચમ ને સોમવારને દિવસ કચ્છનાં ચોવીસ ગામનાં સર્વે બાળ, વૃદ્ધ, બાઈઓ, ભાઈઓ તમામ હરિભક્તો ઘર વાસી ગામમાં ચોકીઓ રાખીને આવ્યા હતા ને પરદેશના હરિભક્ત પણ આગળથી આવ્યા હતા. તે ભક્તના સમૂહથી તે વૃષપુર ગામ ને સીમ તથા વાડીઓ ઢંકાઈ ગયાં હતાં. અને બાપાશ્રીએ પણ તે સર્વે હરિભક્તોને જમાડવા સારુ પોતાના વંડામાં શીરો કરાવીને મોટા હોજ ભરાવ્યા હતા ને સુખડી કરાવીને અરજણભાઈના ઘરના બે ઓરડા ભર્યા હતા, ને હજારો મણ પાક કરાવ્યો હતો ને શાક, દાળ, ખીચડી આદિ ભોજન કરાવ્યાં હતાં. અને ગામેગામના સારા સારા અઢી હજાર હરિભક્ત સેવામાં રહ્યા હતા. હવે તે દિવસે બાપાશ્રી સંત-હરિભક્તને સાથે લઈને પાકશાળામાં ઠાકોરજી જમાડવા સારુ પધાર્યા ને જ્યારે ઠાકોરજીને જમવા બેસાર્યા, ત્યારે પ્રતિમારૂપે દેખાતા શ્રીજીમહારાજ પ્રત્યક્ષ થઈને થાળ જમ્યા. પછી તે દિવસ બાઈઓ તથા ભાઈઓ આદિ સર્વે હરિભક્તને જમાડ્યા અને બીજે દિવસે પારાયણની પૂર્ણાહુતિ કરીને બાપાશ્રીએ તે ગામના તથા પરગામના સર્વે હરિભક્તોને જમાડ્યા, તેમ જ રાંક તથા શૂદ્ર વર્ણને પણ જમાડ્યા.
અને જેમ ભાઈઓના મંદિરમાં પારાયણ હતું, તેમ જ બાઈઓના મંદિરમાં પણ પારાયણ બેસાર્યું હતું ને તે કચ્છદેશના તથા બીજા દેશના હજારે હજાર સાંખ્યયોગી તથા કર્મયોગી બાઈઓ આવ્યાં હતાં, તે સર્વે મળીને પારાયણ સાંભળતાં ને ધ્યાન-ભજન, કથા-કીર્તન તે રૂપ બ્રહ્મયજ્ઞ કરતાં ને બાપાશ્રી તે સર્વેને જમાડતાં ને દર્શનદાને કરીને સુખિયાં કરતાં, ને તે બાઈઓ પણ એકાંતિક ધર્મ તથા માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિ તેણે જુક્ત હતાં. -એવી રીતે નિત્યે સુખ લેતાં.
એમ કરતાં કથાનો દસમો દિવસ આવ્યો, એટલે ચૈત્ર વદ સાતમ ને બુધવારે અનાદિમુક્ત બાપાશ્રી સ્નાન-પૂજા કરીને મંદિરમાં બેઠા હતા ને પાસે સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંત તથા ભોગીલાલભાઈ ને શેઠ બળદેવભાઈ આદિ કેટલાક હરિભક્ત પણ બેઠા હતા ને બાપાશ્રી વાતો કરતા હતા. તે સમે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા ને દર્શન કરીને બાપાશ્રીને કહ્યું જે, ‘‘આજ છાબો ભરવાની છે માટે ઘેર પધારો.’’ ત્યારે બાપાશ્રી હરિભક્તને સાથે લઈને ઘેર પધાર્યા ને અઢી હજાર રૂપામહોરોના થાળ ભરાવ્યા ને હજાર રૂપિયાના ઠાકોરજીના વાઘા, શેલા તથા ટોપીઓ કરાવ્યાં હતાં, તેની છાબો ભરાવી. પછી પોતાના પુત્ર ને પૌત્રની પાસે તે છાબો ઉપડાવીને હરિભક્ત સહિત પોતે ભેળા ચાલ્યા. તે વખતે મંડળીઓના ઉત્સવિયા હરિભક્ત ઝાંઝ-મૃદંગ વજાવી કીર્તન બોલીને ઉત્સવ કરતા થકા આગળ ચાલ્યા, ને બાપાશ્રી તથા છાબો ઉપાડનારા પોતાના સેવક તથા બીજા હરિભક્ત તેઓ સર્વે કેડે ચાલ્યા, તે પ્રથમ બાઈઓના મંદિરમાં દર્શન દઈ બાઈઓને કથાની સમાપ્તિ કરવાનું કહ્યું ને સર્વે સાંખ્યયોગી બાઈઓને સાડલા દેવરાવ્યા. પછી ઉત્સવ કરતા કરતા આ મંદિરમાં આવ્યા ને ઠાકોરજી આગળ થાળ ને છાબો મેલી ને કથાની સમાપ્તિ કરાવી. પછી બાપાશ્રીએ તથા તેમના પુત્રોએ પુસ્તક ને પુરાણીની પૂજા કરીને આરતી ઉતારી. પછી બાપાશ્રીની આજ્ઞાએ કરીને તેમના પુત્રો સભામાં સંતોને ધોતિયાં ઓઢાડવા લાગ્યા ને પોતે આસને વિરાજ્યા અને સંતો ઝિલણિયા કીર્તન બોલવા લાગ્યા, ને સર્વે હરિભક્ત સભામાં ‘જય ! જય!’ શબ્દ બોલીને બાપાશ્રીના યશનાં ને મહિમાનાં વર્ણન કરેલાં, એવાં કાવ્ય-કીર્તન તથા છંદ-છપ્પય બોલવા લાગ્યા. પછી ભૂજના મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા કોઠારી વેલજીભાઈ તેમણે ભૂજ-ઠાકોરજી તરફથી બાપાશ્રીની પૂજા કરીને મસ્તકે પાઘ બંધાવી અને બાપાશ્રીના પુત્ર તથા પૌત્ર તેમને પણ ચંદન ચર્ચી હાર પહેરાવીને ધોતલીઓ બંધાવી. ત્યાર પછી સર્વે હરિભક્ત બાપાશ્રીની પૂજા કરવા ને પાઘડીઓ બંધાવવા આવ્યા ને અતિશય ભીડ થઈ. એવી રીતે બે કલાક પૂજા અંગીકાર કરી. પછી બાકી રહેલાને બીજે દિવસે પૂજા કરવાની આજ્ઞા કરી ને પોતે પાલખીમાં બેસી વાડીઓમાં હરિભક્તની પંક્તિઓ જમવા બેઠી હતી ત્યાં દર્શન દેવા પધાર્યા. ત્યાં કચ્છદેશના તથા પરદેશના સર્વે હરિભક્ત જમવા બેઠા હતા ને પંક્તિઓમાં પિરસાઈ રહ્યું ત્યારે સર્વે હરિભક્ત ‘સહજાનંદસ્વામી મહારાજ’ની જય બોલી પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિ અંતરમાં ધારીને જમવા મંડ્યા, ત્યારે બાપાશ્રીએ પાલખીમાં બેસી પંગતમાંફરીને સર્વેને દર્શન દીધાં. પછી આંબા નીચે આવી ખુરસીમાં બેઠા ને સર્વે હરિભક્ત જમી રહ્યા, ત્યારે મોટા મોટા હરિભક્ત બાપાશ્રી પાસે આવીને બેઠા. તેમને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવી ને હરિભક્તોએ પણ બાપાશ્રીને પાઘડીઓ બંધાવી. એમ લીલા કરીને પાલખીમાં બેસી હરિભક્ત પાસે પાલખી ઉપડાવીને ઘેર પધાર્યા, ત્યારે બાપાશ્રીના સેવકોએ બાપા સારુ ભોજન કરી રાખ્યાં હતાં, -તે બાપાશ્રીને અતિ સ્નેહે કરીને જમાડ્યાં અને બાપાશ્રીજમીનેપોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. તે સમે ગામેગામના કણબીની નાતના સર્વે મોટા મોટા હરિભક્ત બાપાશ્રી પાસે આવ્યા ને પોતપોતાના ગામની ભેટો કરવા લાગ્યા. પછી બાપાશ્રીની રજા લઈ તેમનાં દર્શન કરી પોતાનાં ગાડાં જોડીને ચાલ્યા અને ભૂજ, મૂળી ને વડતાલના સંતો પણ બાપાશ્રીનાં દર્શન કરી આશીર્વાદ લઈને ગયા ને પરદેશના સર્વે હરિભક્ત પણ બાપાશ્રીનાં દર્શન કરી આશીર્વાદ લઈને ગયા, ને સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુ. ધર્મકિશોરદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ સંતને બાપાશ્રીએ પોતાના સમાગમનું સુખ દેવા સારુ રાખ્યા.
ઇતિ વિશ્રામ ૮૯