વિશ્રામ ૩૮
હવે તે યજ્ઞમાં બીજે દિવસ સવારની કથા નવ વાગે થઈ રહી ને સર્વે હરિભક્ત જમવા ગયા, ને તે સમે ગુજરાત ને ઝાલાવાડ દેશના ઘણા હરિભક્ત બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ આવ્યા. તે સમે બાપાશ્રી સદગુરુ આદિ સંતો સહિત સભામંડપમાં વિરાજમાન હતા. તેમનાં દર્શન કરીને તે સર્વે હરિભક્તને અતિશય આનંદ થયો, તે કહીએ છીએ.
તે સમે કેટલાક ભક્તને બાપાશ્રીનું સ્વરૂપ દિવ્ય તેજોમય દેખવામાં આવ્યું ને કેટલાકને તો બાપાશ્રીનું સ્વરૂપ મનુષ્યાકૃતિ, જેવા છે તેવા જ ને સર્વે અંગમાં સુશોભિત એવા બાપાશ્રીનાં દર્શન થવા લાગ્યાં, તેથી તે ભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને દેહનું ભાન પણ ભૂલી ગયા ને ઘાટસંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને શ્રીજીમહારાજ ને અનાદિમુક્તમાં અતિ સ્નેહે કરીને તલ્લીનપણે જોડાઈ ગયા. અને તે સમે સર્વેને બાપાશ્રીનું સ્વરૂપ પણ અલૌકિક દેખાવા લાગ્યું; તે કેવા, તો જેમનું શરીર પુષ્ટ છે અને જેમનું મુખ મંદ હાસ્યે જુક્ત છે ને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ, તેમાં ભક્તજને ચંદનનું લેપન કર્યું છે એવા, અને જેમનાં નેત્ર શાંત ને શોભાયમાન છે, અને જેમના કંઠમાં તુલસીની કંઠી ને ઘણાંક પુષ્પના હાર તે શોભી રહેલાં છે ને જેમનું હૃદય ઊપડતું ને વિશાળ છે, અને જેમનું ઉદર સરખું ને ઊપડતું છે ને તેમાં ત્રિવળીએ સહિત ઊંડી નાભિ શોભે છે ને બે ખભા તે અતિ પુષ્ટ છે ને ડાબા ખભાને વિષે ઉપવીતે સહિત શ્વેત વસ્ત્રને ધારી રહ્યા છે, અને તે બે બાહુ તે અતિ બળવાન છે અને બે કાંડાં ને પોંચાં તે પણ અતિ શોભાયમાન છે, અને જેમનો પૃષ્ઠ ભાગ તે અતિ લાસો અને પુષ્ટ ને અતિશય શોભાયમાન છે, અને કટિ ભાગને વિષે શ્વેત ધોતિયું ધારણ કર્યું છે, અને તે મુક્તરાજના સાથળ તે પુષ્ટ છે ને બે ઢીંચણ તે ગોળ શોભે છે ને પિંડીઓ ને પાનીઓ અતિ સુંદર છે, અને બે ચરણનાં તળાં તે રક્ત છે. આવી રીતે અનાદિ મુક્તરાજશ્રી અંગે અંગને વિષે શોભાયમાન છે ને શાંત સ્વભાવે યુક્ત છે ને મુક્તરાજ બાપાશ્રીનો સ્વર અતિ ઘેરો ને મધુર છે ને પોતે સ્પષ્ટ વાણીએ કરીને સંત-હરિભક્તને બોલાવે છે, ત્યારે તેમનાં મન મહારાજની મૂર્તિમાં આકર્ષણ થઈ જાય છે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્તશ્રીનાં પણ દર્શન થાય છે તેથી સર્વે સંત-હરિભક્તો સમાધિને પામ્યા હોય, તેમ મહારાજ ને અનાદિમુક્તમાં અતિ સ્નેહે કરીને જોડાઈ ગયા હતા તેથી કોઈને ત્યાંથી ઊઠવાનું પણ મન થતું નહિ અને સર્વેના સંકલ્પમાત્ર બંધ થઈ ગયા હતા. પછી બાપાશ્રીએ આવેલા સર્વે હરિભક્તને કૃપાદૃષ્ટિ કરીને બોલાવ્યા ને સત્કાર કર્યો ત્યારે સર્વેને શરીરનું ભાન આવ્યું. પછી સર્વે બાપાશ્રીની આજ્ઞાએ કરી બાપાશ્રીને નમસ્કાર કરીને ઉતારા કરવા ગયા. હવે વૃષપુર ગામના હરિભક્ત બાપાશ્રીની આજ્ઞાથી યજ્ઞમાં આવેલા હરિભક્તને ઉતારા કરાવવા વગેરે સેવા કરતા અને હરિભક્તને રસોડે તે સર્વેને જમાડતા અને તે હરિભક્ત બાપાશ્રીનાં દર્શન-સમાગમનો તથા સંત-હરિભક્તનાં દર્શનનો લાભ લેતા હતા.
તેમ જ તે યજ્ઞમાં મૂળી-અમદાવાદથી આવેલા સંત તથા બ્રહ્મચારી તે પણ બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેતા હતા. તેમાં મૂળીના સદ્. બ્ર. કરુણાનંદજી તેમના મનમાં એમ સંશય રહેતો હતો જે, ‘કેટલાક સારા સાધુ ને સત્સંગીઓ તે પણ બાપાશ્રી વાંસે આટલા બધા કેમ તણાતા હશે ? ને તેમના સમાગમથી શું સુખ આવતું હશે ?’ -એવા વિચારથી પોતે યજ્ઞમાં આવ્યા હતા. તેમને રાત્રીએ સ્વપ્નમાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં અનંત સંત-હરિભક્તે સહિત દર્શન થયાં. તે જાણે સભામંડપમાં તેજના સમૂહમાં શ્રીજીમહારાજ વિરાજમાન છે ને અતિશય રૂપાળા એવા શ્રીજીમહારાજ છે ને તેમના ડાબા પડખે બાપાશ્રીનાં પણ દર્શન થયાં તે પણ અંગેઅંગને વિષે સુશોભિત ને મનુષ્યાકૃતિ અને ચારે કોર મોટા મોટા સદગુરુ-સંતો ને મોટા મોટા હરિભક્તો તેમની સભા ભરાઈને બેઠી છે. તેમ જ બજારમાં પણ શ્રીજીમહારાજ માણકીઘોડી ઉપર અસવાર છે ને મોટા મોટા પાર્ષદ, બ્રહ્મચારી ને બાપાશ્રી તે પણ સર્વે સાથે છે ને મહાઅલૌકિક વરઘોડાની શોભા થઈ રહી છે, એવાં દર્શન બ્ર. કરુણાનંદજીને થયાં ને અતિ આનંદ થયો. પછી જાગી ગયા ને સવારે બીજા સંતને વાત કરવા લાગ્યા જે, ‘‘હું ચાળીસ પચાસ વર્ષથી બ્રહ્મચારી થયો છું ને સર્વે શાસ્ત્ર ભણીને વાંચ્યાં, મોટા મોટા સંતોની વાતો સાંભળી પણ આવી નિર્વિકલ્પ સમાધિનું સુખ ક્યારેય પણ આવ્યું નથી ને આ બાપાશ્રીની કૃપાથી મને અતિ શાંતિ થઈ ને હવે આ જોગથી કાંઈ પણ મારું અધૂરું નહિ રહે.’’ -એવું કૃતાર્થપણું દૃઢ થઈ ગયું. એમ તેમને બાપાના જોગથી આનંદ થયો, તેમ જ ઘણા સંત-હરિભક્તને બાપાશ્રીનાં દર્શન-સમાગમથી લાભ મળતો.
પછી તે યજ્ઞમાં બાપાશ્રીએ સર્વે હરિભક્તને જમાડવા પાક કરવાની આજ્ઞા કરી, ત્યારે તે ગામના પટેલ ઝીણાભાઈ તથા માવજી, તથા નારાયણપુરના ધનજીભાઈ, તથા ભારાસરના પટેલ ગાંગજી ને માવજી એ આદિ સર્વે હરિભક્તો તેમણે મોટી પાકશાળા કરી હતી અને ગામેગામ ઘઉં દળવા આપ્યા હતા. પછી લોટનાં ગાડાં ભરીભરીને આવવા લાગ્યાં અને તે રસોડામાં પાંચસો હરિભક્તો રસોઈ કરવા નીમ્યા હતા. ને શીરો ભરવા માટે મોટા મોટા હોજ કરાવ્યા હતા ને પાણી ભરવા માટે ટાંકીઓ કરી હતી ને ટાટપટ્ટીના કોસથી પાણી આવવાની સગવડ કરી હતી ને આઠસો હરિભક્ત ઘી, ગોળ, લોટ વગેરે સામાન જોખીને પાક કરવા આપવા ને પાક થયો હોય તેને ઓરડામાં સાચવી રાખવો તેરૂપી સેવા કરતા હતા ને બીજા હરિભક્તો ટાંકીમાંથી પાણી ગાળી આપવું, કાષ્ઠ લાવી આપવાં, એ આદિ સેવા કરતા હતા. એવી રીતે દોઢ હજાર મનુષ્ય તો તે યજ્ઞમાં પાકશાળામાં રસોઈ કરવી, પીરસવું, તે રૂપી સેવામાં રાત્રી-દિવસ તત્પર હતા. અને રસોઈ કરનારા હરિભક્તો રસોડામાં પાક કરવા લાગ્યા ને ચાળીસ-પચાસ ચૂલો ચાલુ કરી અને અધમણ લોટ, અધમણ ગોળ ને પંદર શેર ઘીનો પાક કરવા લાગ્યા. એવી રીતે હજારો મણ સુખડી કરીને મોટા મોટા ઓરડા ભર્યા હતા. તેમ જ હજારો મણ ઘી, ગોળ, લોટ તેનો શીરો કરીને મોટા મોટા હોજ ભર્યા હતા.
ત્યાર પછી બાપાશ્રીએ ચોવીસ ગામના સર્વે હરિભક્તોને સહકુટુંબ યજ્ઞમાં આવવાની કંકોત્રીઓ ફરીથી લખાવી મોકલી. હવે ગામડાનાં હરિભક્ત સહકુટુંબ ગાડાં જોડાવીને આવવા લાગ્યા ને ઉત્સવિયાની મંડળીઓ પણ આવવા લાગી ને લાખો હરિભક્તથી વૃષપુર ગામ ને સીમ ઊભરાતાં હતાં ને તે સર્વે હરિભક્તો ગામ બહાર એક વાડીમાં સર્વે ભેગાં ગાડાં છોડીને ઊતર્યા હતા અને મંદિરમાં ઠાકોરજી ને બાપાશ્રીનાં તથા સભાનાં દર્શન કરવા વારાફરતી આવતા. પછી તે દિવસે બપોરના ચાર વાગે કથાની સમાપ્તિ કરી ને સર્વે હરિભક્તને જમવાની હાકલ થઈ. તેમાં પ્રથમ હજારો બાઈઓને વાડીમાં પંક્તિ કરાવીને જમાડ્યાં. પછી સર્વે ભાઈઓની પંક્તિ થવા લાગી ને તે વાડીમાં હજારેહજાર હરિભક્તની પંક્તિઓ બેઠી, તેમાં કણબીના ચોવીસ ગામના હરિભક્તની પંક્તિઓ વાડીના એક ભાગમાં બેઠી હતી ને એક ભાગમાં દેશાંતરના આવેલા હરિભક્ત જે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આદિ તેમની પંક્તિઓ નોખી નોખી બેઠી હતી. પછી પીરસનારા પાંચસો હરિભક્તો પીરસવા લાગ્યા ને પંક્તિમાં બેઠેલા જે ભક્તજનો તે એકાગ્રવૃત્તિઓ કરી શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ એવી ધૂન સહુ બોલતા હતા. પછી બધી પંક્તિઓમાં સર્વે વસ્તુ પિરસાઈ રહી, ત્યારે પીરસાવવા સારુ ઉપરી રહેલા જે ધનજી પટેલ, દેવરાજભાઈ આદિ હરિભક્ત તેમણે ‘સહજાનંદસ્વામી મહારાજ’ની જય બોલાવી. પછી જમનારા પણ સર્વે જય બોલીને જમવા લાગ્યા. અને બાપાશ્રી સર્વેને દર્શન દેવા પંક્તિઓમાં પધાર્યા હતા ને તાણ કરીને પીરસાવતા હતા ને જમનારા હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરી આનંદમાં ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ બોલતા થકા જમતા હતા, પણ કોઈ બીજો શબ્દ બોલતા નહિ ને સર્વે જમી રહ્યા, ત્યારે ઊઠવાની જય બોલાણી એટલે સર્વે ઊઠ્યા. અને તે સમૈયામાં જે બ્રાહ્મણવર્ગ હતા તેઓ કોઠારથી સીધું લઈને હાથે રસોઈ કરીને જમતા. તે સમે એટલા માણસોમાં કોઈકની કાંઈક વસ્તુ પડી ગઈ હોય, તો તે ત્યાં જ પડી રહે પણ કોઈ ત્યાંથી લે જ નહિ ને આટલા માણસમાં કળાહોળ પણ થાતો નહિ ને જમી જમીને કેટલાક તો ભગવાન સંબંધી વાતો કરતા ને કેટલાક તો કથામાં બેસીને કથા સાંભળતા ને ઉત્સવિયાની મંડળીઓ ઉત્સવ કરવા લાગતી. આવી રીતે મુક્તરાજ બાપાશ્રીના પ્રતાપથી ગૃહસ્થાશ્રમી ભક્ત પણ એકાંતિકપણું પામ્યા હતા. એમ કરતાં રાત્રીએ ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી, ત્યારે ગુલાલ ને હજારીફૂલથી ગરકાવ શ્રીજીમહારાજની મૂર્તિ પાલખીમાં પધરાવી. આગળ મોટા મોટા વીજળીના દીવાઓ ને નેજા, નિશાન, છત્ર, ચામર, આરતી, ડંકા ને તેની આગળ ઉત્સવિયા હરિભક્તોની મંડળીઓ કીર્તનની ઝૂક મચાવતા શેરીએ શેરીએ ફરતા હોવાથી એ શોભા જોઈ કોઈ તૃપ્ત થતા નહિ. વચમાં હરિભક્તનાં ઘર આવે ત્યાં પાલખી ઊભી રહે, એટલે બાઈઓ શ્રીફળ, રૂપામહોર આદિ ભેટ મૂકી મહારાજને અક્ષતકંકુમથી વધાવે. છડીદાર ઊંચે સ્વરે છડી બોલે, ચામર થાય, વચમાં ગુલાલ ઊડે, ભડાકા થાય, એમ ગાજતેવાજતે ઠાકોરજીનું ફુલેકું આખા શહેરમાં ફરીને સલોખા બોલતા ને કીર્તન બોલતા સૌ બાર વાગે મંદિરમાં આવ્યા.
ઇતિ વિશ્રામ ૩૮