વિશ્રામ ૩૪

હવે બીજે દિવસ બાપાશ્રી નિત્યની પેઠે નિયમ કરીને ઘેર જમવા પધાર્યા. પછી મંદિરમાં આવીને પગથિયાના રમણા સુધી સૂતા ને સંત-હરિભક્ત પાસે બેસીને દર્શન કરતા હતા. પછી બેઠા થઈને કહ્યું જે, ‘‘સંતો ! આવતી ફાગણ સુદ પૂનમનું ગ્રહણ છે, તે તમે ક્યાં કરશો ? રામપુરગંગાએ કરો કે ભૂજમાં કરો; કેમ જે તીર્થમાં કરો તે ઉત્તમ કહેવાય.’’ ત્યારે સંતે કહ્યું જે, ‘‘બાપા ! અમારે તો આપના ચરણમાં સર્વે તીર્થ આવી ગયાં માટે આંહીં ગ્રહણ કરશું.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સમજાવું તો એમ જ જોઈએ પણ તીર્થનો વિધિ રાખવો જોઈએ.’’ -એમ કહીને પોતે વાડીએ પધાર્યા ને સંત ઠાકોરજીના થાળ કરીને જમ્યા ને બે વાગે વાડીએ નાહવા ગયા ને નાહીને વૃક્ષ નીચે બેઠા હતા, ત્યાં જ બાપાશ્રી આવ્યા ને સંત પાસે બેસીને વાતો કરવા લાગ્યા જે, ‘‘આ સત્સંગમાં મોટા સત્પુરુષને ઓળખવા ને ઓળખીને જોગ કરવો પણ જ્યાં બાઝી પડવું નહિ. કેટલાક તો જેમાં ધર્મ-નિયમ ન હોય તેવાને પણ મોટા માને છે ને તેવી સેવા કરે છે પણ તેમાંથી શું ફળે ? કાંઈ મળે નહિ ને જીવનું બગડે, માટે જાણપણું રાખવું તે જે મહારાજની આજ્ઞામાં દૃઢ રહેતા હોય ને મહારાજની ઉપાસના પરિપક્વ હોય ને ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિની સ્મૃતિ રાખતા હોય એવા એકાંતિક હોય ને તેજમાં અખંડ મૂર્તિ દેખે એવા પરમએકાંતિક હોય, તેમને ઓળખીને જોગ કરવો. સત્સંગમાં તેવા મુક્ત છે ને આવા અનાદિમુક્ત પણ છે, તેમને ઓળખીને જોગ કરવો ને જોગ કરીને તેમના જેવાથાવું તો જ સુખ આવે ને મોટાની મરજી પ્રમાણે વર્તવું તો જ મોટા રાજી થાય.’’ ત્યારે સંતે કહ્યું જે, ‘‘બાપા ! આપે મંદિરમાં અમને કહ્યું હતું જે, ‘રામપુર કે ભૂજમાં ગ્રહણ કરો, પણ આપની મરજી અમે જાણી શક્યા નહિ માટે દયા કરીને કહોઃ જે અમે રામપુરમાં ગ્રહણ કરીએ, કે ભૂજમાં કે આંહીં કરીએ તે આપની મરજી જેમ હોય તેમ અમારે કરવું છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું, ‘‘રામપુરમાં ગ્રહણ કરો.’’ ત્યારે સંતે કહ્યું જે, ‘‘અત્યારે જઈએ કે કાલે ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘કાલ રહો ને પરમ દિવસે જમીને જાજો.’’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘‘વળતા આંહીં આવીએ કે બારોબર જઈએ ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘નારાયણપુર રહીને દર્શન કરી જાજો, પછી દેશમાં જાજો.’’ ત્યારે સંતે પણ તેવી જ રીતે કર્યું. તે રામપુર ગ્રહણ કરીને નારાયણપુર આવ્યા, ત્યાંથી બાપાશ્રીનાં દર્શન કરવા સારુ વૃષપુર આવ્યા ને બાપાશ્રી બહુ રાજી થયા ને રાજી થઈને સુખડીની પ્રસાદી આપી ને ચરણરજની પ્રસાદી કરી આપી ને સર્વે સંતને મળીને આશીર્વાદ આપ્યા જે, ‘‘અમે સદાય ભેગા રહીશું.’’ પછી સંતો નારાયણપુર આવ્યા ને ત્યાંથી અંજાર જઈ જામનગર થઈને મૂળીએ આવ્યા.

સંવત ૧૯૬૯ના ચૈત્ર સુદ બીજને દિવસ અસલાલીનાં કંકુબાએ અમદાવાદ મંદિરમાં ‘સત્સંગિભૂષણ’નું પારાયણ બેસાડવાનું નક્કી કરીને પ્રાણશંકરભાઈ પાસે બાપાશ્રીને પત્ર લખાવ્યો, ને બીજો પત્ર સ્વામી ઈશ્વરચરણદાસજીએ સર્વે વિગતનો બાપાશ્રીનો લખ્યો હતો. તે બેય પત્ર બાપાશ્રીને મળ્યા, તે વાંચીને બાપાશ્રી ધનજીભાઈ, ખીમજીભાઈ, દેવરાજભાઈ આદિ દસ હરિભક્તને પોતાની સાથે લઈને ભૂજ આવ્યા ને ત્યાં સંતને મળી રેલમાં બેસીને મૂળી-સ્ટેશને આવ્યા. તે સમે ભૂજથી સ્વામી મહાપુરુષદાસજીએ સ્વામી હરિનારાયણદાસજીને બાપાશ્રીના સમાચાર તારથી આપ્યા હતા, તેથી મૂળીના સ્વામી હરિનારાયણદાસજીના શિષ્ય સ્વામી ગુણાતીતદાસજી આદિ પચીસ સંત શગરામ ને ગાડાં લઈને બાપાશ્રીને સન્મુખ સ્ટેશન આવ્યા હતા. પછી રેલગાડી આવી, ત્યારે સર્વેસંતોએ બાપાશ્રીનાં દર્શન કર્યાં ને પુ. ધર્મકિશોરદાસજી આદિ સર્વે સંતે બાપાશ્રીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપ દયા કરીને મૂળીએ પધારો.’’ ને સ્વામી હરિનારાયણદાસજીએ પણ કહ્યું જે, ‘‘મારી વતી બાપાશ્રીને કહેજો : જે મૂળી પધારી અમને દર્શન દે.’’ ત્યારે પરમ કૃપાસાગર બાપાશ્રી કરુણાએ ભીના થકા તત્કાળ સેવક સહિત રેલગાડીમાંથી ઊતર્યા. પછી સંતમંડળે મુક્તરાજશ્રીને શગરામમાં બેસાડ્યા ને બાપાશ્રી સંત-હરિભક્ત સહિત મંદિરમાં આવ્યા ને બાપાશ્રીનો ઉતારો નવી ઇસ્પિતાલની જગ્યામાં રાખ્યો હતો. ત્યાં સ્વામી હરિનારાયણદાસજી આદિ સર્વે સંત બાપાશ્રીને મળીને બહુ રાજી થયા અને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને પોતાને ઉતારે આવ્યા ને બાપાશ્રી મૂળીમાં પાંચ દિવસ રહ્યા. તે વખતે ઘણા સંત-હરિભક્ત દર્શને આવ્યા હતા ને બાપાશ્રી નિત્યે સભામાં બેસીને વાતો કરતા. પછી બાપાશ્રી સ્વામી હરિનારાયણદાસજી આદિ સંતની રજા લઈ શ્રીનગર આવ્યા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ને વૃંદાવનદાસજી આદિ સંત મંદિરના દરવાજા સુધી સામા જઈ બાપાશ્રીનાં દર્શન કરીને બહુ જ રાજી થયા ને બાપાશ્રીનો ઉતારો ઇસ્પિતાલ સામે નવે મેડે રાખ્યો હતો, ત્યાં આવીને બાપાશ્રીએ નિવાસ કર્યો. હવે બાપાશ્રીને આસને હજારો સંત-હરિભક્ત આવી બેસતા ને બાપાશ્રી સર્વેને દર્શન દઈ વાતો કરીને રાજી કરતા અને સભામંડપમાં કથા બેસતી ને બ્ર. બાળમુકુંદાનંદજી ‘સત્સંગિભૂષણ’ની કથા વાંચતા ને સંત-હરિભક્તની મોટા સભા ભરાતી. તે સમે મુક્તરાજશ્રી સંત-હરિભક્ત સહિત સભામાં આવતા અને ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી તથા સંત-સભાનાં દર્શન કરી ગાદી-તકિયે બેસતા ને સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને અતિ આનંદ પામતા. પછી ચૈત્ર સુદ અષ્ટમીને દિવસ કથાની સમાપ્તિ થઈ ને નોમને દિવસ શ્રીજીમહારાજની જન્મતિથિનો સમૈયો છે ને અનાદિ મુક્તરાજશ્રી પધાર્યા છે એમ જાણીને હજારો હરિભક્ત આવ્યા હતા અને મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન કરીને તે સર્વે પોતાને કૃતાર્થ માનતા હતા.

એક દિવસ બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીને સાથે લઈને શ્રીઘનશ્યામ મહારાજના અક્ષરભુવનના સામેના ઓરડામાં સ્વામીશ્રી હરિનારાયણદાસજી હતા. તેમનાં દર્શન કરવા સારુ ત્યાં પધાર્યા. તે વખતે સ્વામીને આંખે મોતિયા ઉતરાવેલા હતા ને ગરમીનો શરીરમાં તાવ પણ હતો. પછી બાપાશ્રીએ સ્વામીશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કહીને પૂછ્યું જે, ‘‘સ્વામી પીડા કેવી રીતે થાય છે ?’’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘‘બીજા પૂછે છે તેને તો સારું છે-એમ કહું છું, પણ પીડા તો બહુ થાય છે.’’ -આ વચન સાંભળી બાપાશ્રીએ તેમને બધે શરીરે હાથ ફેરવીને કહ્યું જે, ‘‘મહારાજને સંભાર્યા કરજો, એ બધુંય સારું કરશે.’’ -એમ કહી પોતે સભામાં ગયા, એટલામાં તો સ્વામીશ્રીને પીડા થતી હતી તે મટી ગઈ. પછી સ્વામી પાસે ભગવત્ત્સ્વરૂપદાસજી હતા, તેમણે સ્વામીને પૂછ્યું જે, ‘‘આ અબજીબાપા વાંસે બહુ માણસો તણાય છે ને મોટા મોટા સદગુરુઓથી પણ એમનો ભાર વધુ જણાય છે, તે કેવા મોટા હશે ?’’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘‘આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વે કાર્ય કરે છે; એ તો અતિ મોટા છે પણ એ વાત કોઈને ખમાય નહિ માટે ન કરવી.’’ -એમ બોલ્યા.

અને તે સમૈયામાં દેવપરાના હરિભક્ત આવ્યા હતા, તેમણે બાપાશ્રીને પોતાને ગામ લઈ જવા સારુ પ્રાર્થના કરી જે, ‘‘અમારે ગામ મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની છે ને તે પ્રસંગે ‘વચનામૃત’નું પારાયણ કરવાનું છે, માટે આપ પધારીને અમને કૃતાર્થ કરો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સારું, તમારે ત્યાં આવશું; હવે તમે જાઓ ને કથા ચાલુ કરાવો.’’ પછી તે ભક્ત કેટલાક સંતને સાથે લઈને પોતાને ગામ ગયા ને બાપાશ્રીના કહેવા પ્રમાણે કથા ચાલુ કરાવી ને બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને સાથે લઈને શ્રીનગરથી ચાલ્યા, તે ધોળકા-જયતલપુર ગયા. ત્યાંથી બારેજડી થઈને સરસપુર પધાર્યા, ને મોટા મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી કેટલાક સંત-હરિભક્તને સાથે લઈને કાલુપુર સ્ટેશન પધાર્યા. તે વખતે બાપાશ્રીનાં દર્શન કરવા હજારો સંત-હરિભક્ત આવ્યા હતા, તેમને દર્શન દઈ પોતાની સાથે આવનાર સંત-હરિભક્ત સહિત પોતે ગાડીમાં બેઠા ને ગામ કડી પધાર્યા. ત્યાંથી સંત-હરિભક્ત સહિત ગામ દેવપરે આવ્યા, ત્યાં મંદિરમાં ઊતર્યા ને મંદિરને કૂવે સ્નાન કરતા. અને ચોકમાં કથામંડપ બાંધ્યો હતો તે નીચે સંત-હરિભક્તની સભા બેસતી ને મૂળીના પૂ. નારાયણસેવકદાસજી વચનામૃતની કથા વાંચતા ને બાપાશ્રી સભામાં બિરાજીને સર્વેને દર્શન દેતાં ને વચનામૃતમાં રહસ્ય વાત આવે, ત્યારે સંત બાપાશ્રીને પૂછતા ને બાપાશ્રી વિવેચન કરીને સર્વેને સમજાવતા.

તે પારાયણમાં મૂળી-અમદાવાદના સંત તથા ગુજરાત, ઝાલાવાડ આદિ દેશના ઘણા હરિભક્તો આવ્યા હતા અને ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પણ પધાર્યા હતા. પછી ચૈત્ર વદ ચોથની કથાની સમાપ્તિ કરી અને પૂજ્ય આચાર્યશ્રી ને બાપાશ્રી, તથા સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તેમણે શ્રીજીમહારાજની મૂર્તિઓ પ્રતિષ્ઠાવિધિપૂર્વક સિંહાસનમાં પધરાવી. પછી હરિભક્તોએ ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીની તથા મુક્તરાજ બાપાશ્રીની તથા સંતમંડળની પૂજા કરી ને યજ્ઞની સમાપ્તિ થઈ.

ત્યાર પછી બાપાશ્રી ત્યાંથી ચાલ્યા ને કેટલાક સંત-હરિભક્ત પણ ભેળા ચાલ્યા તે ભંકોડા-સ્ટેશને આવ્યા. પછી બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત ને પોતાના દેશના હરિભક્તને સાથે લઈને રેલમાં બેઠા ને બીજાને પાછા વળવાનું કહ્યું ને પોતે વાંકાનેર આવ્યા. ત્યાંથી મોરબી-નવલખી આવી આગબોટમાં બેઠા ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને પાછા જવાનું કહી પોતે કચ્છભૂજ પધાર્યા ને ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરી સંત-હરિભક્તને મળી બીજે દિવસ વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૩૪