વિશ્રામ ૪૮

સર્વથી પર એવો જે ભગવાનના અંગના તેજનો સમૂહ છે તેમાં પોતે નિવાસ કરીને રહ્યા છે ને તે ધામમાં પોતાની પાસે પરમએકાંતિક મુક્તને રાખ્યા છે ને અનાદિમુક્તને પોતાના સ્વરૂપમાં રાખ્યા છે એવા, ને સર્વે મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા અને સર્વ કારણના કારણ અને સર્વમાં અન્વય થકા વ્યતિરેક છે, તે જ પોતે જીવોના આત્યંતિક મોક્ષ કરવા ધર્મભક્તિ થકી પ્રગટ થયા છે -એવા સ્વામિનારાયણ શ્રીજીમહારાજ છે. અને જેમનું હસવું તે ભક્તના શોકસમુદ્રને સમાવે છે ને જેમની ચલની તે ભક્તના ચિત્તને ચોરી લે છે ને જેમની બોલની તે ભક્તને વશ કરી રાખે છે, જેમને જોતાં જગતની આસક્તિ જીવમાંથી જતી રહે છે ને જેમના જ્ઞાન-ધ્યાનથી જીવાત્મા પુરુષોત્તમરૂપ થાય છે, આવા પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે એક જ છે ને તેમના અનાદિમુક્ત અનંત છે એવા શ્રીજીમહારાજ તે અત્યારે પણ આ મુક્ત દ્વારે મોક્ષ કરે છે. તે કહીએ છીએ :-

ત્યાર પછી અનાદિ મુક્તરાજ એવા બાપાશ્રી તે વૃષપુરમાં પોતાના ભુવનને વિષે સુખે કરીને રહ્યા છે. તે સમે પોતાના પુત્ર જે કાનજીભાઈ આદિ બીજા હેતવાળા હરિભક્ત તથા બીજા ગામના હરિભક્ત તે સર્વે બાપાશ્રીની સેવા-સમાગમનો લાભ લેતા હતા. તેવા સમયમાં સંવત ૧૮૭૩ની સાલમાં મુનિ કેશવપ્રિયદાસ બાપાશ્રીનાં દર્શન-સમાગમનું સુખ લેવા સારુ કચ્છમાં નિવાસ કરીને રહેવા માટે આવ્યા હતા. તેમાં પ્રથમ ભૂજના સ્વામી વિજ્ઞાનદાસજી અમદાવાદ આવ્યા હતા. તેમણે સાધુ કેશવપ્રિયદાસને કહ્યું જે, ‘‘તમારા ગુરુ ધામમાં ગયા છે માટે તમે ભૂજમંદિરમાં આવો, ત્યાં કથાવાર્તા કરજો ને ભણનારા સાધુને ભાગવત્‌, ગીતા, સત્સંગિજીવન વગેરે પુસ્તક વંચાવજો ને બાપાશ્રીને સમાગમ કરવા બાપાશ્રી પાસે જજો.’’ -એમ કહ્યું, ત્યારે તે વાત કેશવપ્રિયદાસને સારી લાગી, પણ બાપાશ્રીને પૂછ્યા વિના જવાય નહિ; બાપાશ્રી કહે તો જવું. એવો વિચાર કરી રાત્રીએ સૂતા હતા ને સ્વપ્નમાં બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, ‘‘સુખેથી આવો; બે મહિના ભૂજમાં કથાવાર્તા કરજો ને બે મહિના વૃષપુર અમારી પાસે રાખશું.’’ -એમ કહી બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. પછી સાધુ કેશવપ્રિયદાસે સ્વામી વિજ્ઞાનદાસજીને ભૂજ આવવાની હા કહી ને તેમની સાથે ભૂજ આવ્યા. ત્યાં ચાતુર્માસમાં ભૂજમંદિરમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા વાંચતા હતા ને શ્રાવણ માસમાં હિંડોળામાં બાપાશ્રી ધનજી પટેલની ઘોડી ઉપર બેસીને ભૂજ આવ્યા, તેથી બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ તથા સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને બહુ રાજી થયા. તે વખતે બાપાશ્રીનું આસન સભામંડપના મેડા ઉપર ઉગમણા બારણાને પડખે રાખ્યું હતું ત્યાં બાપાશ્રી આસને બેઠા હતા, ને સર્વે સંત-હરિભક્ત પણ પાસે બેઠા હતા. તે સમે બ્રહ્મચારી મહારાજે બાપાશ્રીને સુખસમાચાર પૂછ્યા તેથી બાપાશ્રીએપોતાના સમાચાર કહ્યા; તે શું,તો રસ્તામાં ઘોડી માખીઓ વળગવાથી રેતીમાં આળોટી પડી ને બાપાશ્રીનો એક પગ ઘોડીના નીચે આવી ગયો, પણ વાગ્યું નહિ અને ઘોડી બીજે પડખે ફરીને ઊભી થઈ ગઈ ને બાપાશ્રી પાસે આવીને ઊભી રહી ને પોતે ઘોડી ઉપર બેસી ગયા -તે વાત બાપાશ્રીએ કરી. તે સમે બાપાશ્રીના પગે ગૂમડું થયું હતું તેનો પાટો સાધુ કેશવપ્રિયદાસ બાંધતા હતા. વળી તે સમે શહેરના ને ગામડાના ઘણા હરિભક્ત આવ્યા હતા તેથી બાપાશ્રી પાસે અહોનિશ સભા ભરાઈ રહેતી ને બાપાશ્રી દિવસ ને રાત્રીએ સભામાં બેસીને કથાવાર્તા સાંભળતા નેપોતે પણ વાતો કરતા ને રાત્રે મેડા ઉપર શયન કરતા ને સોની મોતીભાઈ સ્નાન કરાવવું, ધોતિયું ધોવું વગેરે સેવા કરતા ને સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીને તિલક ચાંદલો કરાવવો વગેરે સેવા કરતા ને બાપાશ્રી નિત્યનિયમ કરીને વસ્ત્ર પહેરી ઠાકોરજી ને સંતનાં દર્શન કરવા પધારતા. પછી સભાનાં દર્શન કરીને ચંદનપુષ્પના હારથી પુસ્તક ને પુરાણીની પૂજા કરતા ને સભામાં આસન ઉપર બેસીને કથા સાંભળતા ને વાતો કરીને સર્વેને રાજી કરતા ને કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી વાડીએ પધારતા ને તળાવમાં સ્નાન કરીને છત્રીએ બેસતા અને ઘણા સંત-હરિભક્ત પાસે આવીને બેસતા ને બાપાશ્રી વાતો કરીને સુખ આપતા. પછી મંદિરમાં આવે, ત્યારે બ્ર. નિર્ગુણાનંદજી બાપાશ્રીને જમવા બોલાવીને ઠાકોરજીના થાળની પ્રસાદી જમાડતા ને સાધુ કેશવપ્રિયદાસજી ટાઢા જળનો લોટો ભરીને બાપાશ્રીને જળપાન કરવા આપતા. એવી રીતે બાપાશ્રી નિત્યે સર્વેને સુખી કરતા.

કોઈક દિવસ સાધુ ભક્તિપ્રિયદાસજી ને કેશવપ્રિયદાસજી ને કોટવાળ ધનજીભાઈ -તે બાપાશ્રી પાસે બેઠા હતા, ત્યારે બાપાશ્રીએ સ્વામી ભક્તિપ્રિયદાસજીને તથા કોટવાળને કહ્યું જે, ‘‘આ સાધુ કેશવપ્રિયદાસને બે મહિના ભૂજ રહેવું ને બે મહિના અમે વૃષપુર રાખશું એવો ઠરાવ કરીને અમે આવ્યા છીએ. તે અહીં બે મહિના થયા, હવે તેમને વૃષપુર લઈ જઈશું.’’ વળી કોઈક દિવસ બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રી પાસે બેઠા હતા. તે સમે બાપાશ્રીએ અતિ પ્રસન્ન થઈને બેયના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું જે, ‘‘તમે બેય સરખા લાગો છો ને આજથી અમેતમારી બેયની જોડ કરી ને તમે બેય જોડ રાખીને ભગવાન ભજજો ને ભજાવજો.’’ -એમ કહીને બેયને અતિશય આનંદ આપ્યો ને પાંચ દિવસ રહી પાછા વૃષપુર પધાર્યા.

ત્યાર પછી રામપુરનાં મુક્ત ધનુબાએ ‘વચનામૃત’ની કથા કરાવી હતી ને તે પ્રસંગે ભૂજથી સંત રામપુર ગયા હતા ને બાપાશ્રીને પણ તેડાવ્યા હતા, તેથી બાપાશ્રીએ પણ તે કથામાં પધારી સર્વેને બહુ સુખ આપ્યું હતું. પછી શ્રાવણ મહિનાની પૂનમનાદિવસે કથાની સમાપ્તિ કરી, અને બાપાશ્રી ને સર્વે સંત-હરિભક્ત ગંગાએ સ્નાન કરવા ગયા. પછી બાપાશ્રી રામપુરથી સાધુ કેશવપ્રિયદાસ આદિ સંતને સાથે લઈ ગાડામાં બેસીને એકમના દિવસે વૃષપુર આવ્યા ને સાધુ ઉત્તમપ્રિયદાસ આદિ ભણનારા સંત પણ ભેળા હતા. અને તે વર્ષમાં બે ભાદરવા માસ હતા ને વૃષ્ટિ પણ ઘણી થઈ હતી ને બાપાશ્રી દિવસના ઓસરીમાં બેસતા ને ઘણા હરિભક્ત પણ પાસે આવીને બેસતા ને વરસાદ આખો દિવસ વરસ્યા કરતો. અને તે સમે બાપાશ્રી વાતો કરીને સર્વેને આનંદ ઉપજાવતા ને ક્યારેક સાધુ પણ વાતો કરાવતા ને રાત્રીએ મંદિરમાં કથા બેસતી ને બાપાના કાનજીભાઈ તથા મનજીભાઈ આદિ હરિભક્ત કીર્તન બોલતા અને તે સમે સાધુ કેશવપ્રિયદાસ ‘સત્સંગિભૂષણ’ની કથા વાંચતા હતા ને બાપાશ્રી સભામાં બિરાજીને સર્વેને દર્શન આપતા. વળી ગામડામાંથી નિત્યે દસ કે પંદર હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા આવતા, તે સર્વેને બાપાશ્રી પોતાને ઘેર તેડી જઈને રોટલા, ખીચડી આદિ જમાડતા અને બાપાશ્રીને ઘેર તેટલા હરિભક્તને સારુ તેટલુ દળવું, રોટલા ઘડવા એ આદિ સેવા સાંખ્યયોગી બાઈઓ કરતાં, ને સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીને સવારમાં સ્નાન કરાવીને તિલક-ચાંદલો કરતા. અને તે સમે પુ. નંદકિશોરદાસજી શ્રીજીમહારાજના જન્મસ્થાનકનો ખરડો કરવા આવ્યા હતા ને બાપાશ્રી પાછલા પહોરમાં તે સંતને સાથે લઈને કાળુ તલાવડીએ સ્નાન કરવા પધારતા. એવી રીતે બાપાશ્રીએ બે મહિના સુખ આપ્યું. પછી મુનિ કેશવપ્રિયદાસ ને ભણનારા સંત બાપાશ્રીની આજ્ઞાએ કરી બીજા ગામડામાં ફરીને ભૂજ આવ્યા ને બાપાશ્રી પણ અન્નકૂટ ઉપર ભૂજ પધાર્યા ને સર્વેને સુખ આપી પાછા ઘેલાભાઈની ઘોડાગાડીમાં બેસીને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૪૮