વિશ્રામ ૧૯
ત્યાર પછી સર્વને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવામાં સમર્થ અને મંગળકારી એવા મુક્તશ્રી અબજીભાઈ-તે વૃષપુરમાં સુખે કરીને પોતાના ઘરને વિષે રહ્યા છે અને નિત્ય પ્રત્યે મંદિરમાં વિરાજતા ને હરિભક્તને વાતો કરીને મૂર્તિનું સુખ આપતા.
એક દિવસ બાપાશ્રીએ વાત કરી જે, ‘‘શ્રીજીમહારાજે ગઢપુરમાં સમૈયો કર્યો ને ઘણા સંત-હરિભક્ત આવ્યા હતા, તેમને શ્રીજીમહારાજે પોતાનાં દર્શન-સમાગમનું બહુ સુખ આપ્યું. પછી સર્વેને જવાની રજા આપી, ત્યારે પર્વતભાઈએ શ્રીજીમહારાજની પ્રાર્થના કરી જે, ‘‘અમારે બ્રહ્મયજ્ઞ કરવો છે માટે અગત્રાઈમાં મોટામાં મોટા સંતનું મંડળ છ મહિના રહે તેમ મોકલવા કૃપાવંત થશોજી.’’ -એમ કહીને પોતાને ઘેર ગયા. પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામીને મંડળધારી કર્યા ને એમની સાથે સ્વરૂપાનંદસ્વામી, વ્યાપકાનંદસ્વામી, સંતદાસજી, રામદાસભાઈ આદિ ત્રીશ સદગુરુઓને જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા જે, ‘‘હે મહારાજ ! ગોપાળાનંદસ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક; કેમ જે, એ તો બાર મહિનાથી સાધુ થયા છે.’’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘આ ગોપાળાનંદસ્વામી તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે ને સૌથી મોટા છે માટે તેમને મંડળધારી કર્યા છે, તે તો તમે સૌ એમની આજ્ઞામાં રહેજો, પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહિ ને ગોપાળાનંદસ્વામી ને પર્વતભાઈ જે વાતો કરે તે સાંભળીને જીવમાં ઉતારજો, તેથી તમને અમારી મૂર્તિનું બહુ સુખ આવશે.’’ -એમ કહીને સર્વેને અગત્રાઈ જવાની આજ્ઞા કરી. ત્યારે તે સર્વે ગયા ને પર્વતભાઈની વાડીમાં આંબા નીચે ઊતર્યા ને નિત્યે ત્યાં વાડીમાં સભા થાય ને સ્વરૂપાનંદસ્વામી, વ્યાપકાનંદસ્વામી આદિ સંતની તથા પર્વતભાઈ, ભીમભાઈ, રાજાભાઈ તથા બીજા ગામના મયારામ ભટ્ટ આદિ ઘણા હરિભક્તની સભા બેસતી.
એક સમે ગોપાળાનંદસ્વામી વાતો કરવા લાગ્યા જે, ‘‘સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને અક્ષરધામ છે તે તેમનો પ્રકાશ છે, તેમાં દિવ્ય દ્વિભુજ સાકારમૂર્તિ એવા પોતે સદા બિરાજમાન છે અને તે ધામમાં શ્રીજીમહારાજની પાસે અનંતકોટિ પરમએકાંતિક મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં થકાં શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન-સ્પર્શનું સુખ ભોગવે છે ને અનંત કોટિ અનાદિમુક્તને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યા છે ને તે મુક્તોને શ્રીજીમહારાજ પોતાની સળંગ મૂર્તિનું રોમરોમનું નવીન નવીન સુખ ભોગવાવે છે, ને તે અનાદિમુક્તને કૈવલ્યમુક્ત ને નિત્યમુક્ત કહેવાય છે. તે મુક્ત શ્રીજીમહારાજના સ્વરૂપનું સમુદ્ર જેટલું સંપૂર્ણ સુખ ભોગવે છે ને શ્રીજીમહારાજ તે સર્વે મુક્તને સુખ આપે છે, ને તે તેજમાં રહ્યા જે પરમએકાંતિક મુક્ત તેમનું સુખ અનાદિમુક્તના સુખ-સમુદ્ર આગળ નદીના પાણી જેવું છે; અનાદિમુક્ત તો જેમ મોટા તિમિંગલ મહાસાગરમાં રમ્યા કરે છે, તેમ મૂર્તિના સુખમાં રમ્યા કરે છે ને મૂર્તિના સુખમાં જ થીજી રહ્યા છે, તેથી પરમએકાંતિકની મુક્તની સભા ને તેજરૂપ ધામ તેને પણ જોતા નથી; મૂર્તિના સુખમાં જ કિલ્લોલ કરે છે, માટે આપણે પણ એ મૂર્તિના સુખમાં રમવું, પણ મૂર્તિ વિના બીજું જોવું નહિ.’’ -એમ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા.
વળી કોઈક દિવસ પર્વતભાઈ વાતો કરતા જે, ‘શ્રીજીમહારાજના તેજરૂપ ધામના એક કિરણમાં અનંતકોટિ અક્ષરરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે ને તે અક્ષરના તેજનાં કિરણોમાં વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે ને વાસુદેવબ્રહ્મના તેજનાં કિરણોમાં અનંતકોટિ પુરુષરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે ને પુરુષ જે શ્રીકૃષ્ણભગવાન તેમના તેજનાં કિરણોમાં પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે, તે પ્રધાનપુરુષથી અક્ષર સુધી કોઈને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનાં દર્શન-સ્પર્શનું સુખ નથી. એવા સ્વામિનારાયણ શ્રીજીમહારાજ તે આપણને મળ્યા છે ને તેમણે આપણા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે અને અને હું અનાદિમુક્ત છું ને સળંગ મૂર્તિનું સુખ ભોગવું છું એવું અખંડ ધ્યાન રાખવું.’’ -એમ નિત્યે વાતો કરતા. ત્યારે સ્વરૂપાનંદસ્વામી, વ્યાપકાનંદસ્વામી એ આદિ મોટા મોટા સંતને પણ એમ થયું જે, ‘‘આ શું વાતો કરે છે ! આપણને બરાબર સમજાતી નથી,’’ પણ શ્રીજીમહારાજે આપણને કહ્યું છે જે, ‘‘તેમની વાતો સાંભળજો. તેથી તમને અમારી મૂર્તિનું બહુ સુખ આવશે.’’ માટે આપણે તેમની વાતોમાં જીવ ઉતારીને તે પ્રમાણે ધ્યાન કરીએ.’’ પછી એમ કરવા માંડ્યું, ત્યારે તેમને શ્રીજીમહારાજની મૂર્તિ દેખાતી હતી, પણ પછી તો મૂર્તિમાંથી અનુભવજ્ઞાન પ્રગટ થયું. તેણે કરીને સળંગ મૂર્તિના સુખનો અનુભવ થયો ને શ્રીજીમહારાજના સ્વરૂપમાં અનંતકોટિ અનાદિમુક્ત રહ્યા થકા સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવે છે તે સર્વેનો અનુભવ થયો ને અતિ સ્નેહે કરીને શ્રીજીમહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા ને અનાદિમુક્ત થઈને મૂર્તિનું સુખ ભોગવવા લાગ્યા. પછી ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજે અમને તમારા ભેગા મોકલ્યા અને તમે ભેગા લાવ્યા, તે તમે ને મહારાજે અમારા ઉપર બહુ દયા કરી અને તમારી વાતો સાંભળીને અમને પણ તમારા જેવી સમજણ ને સ્થિતિ થઈ. તેથી હવે શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ રહીને સળંગ મૂર્તિનું સંપૂર્ણ સુખ ભોગવાય છે.’’ એમ સંતને-અનાદિમુક્તની સ્થિતિ પમાડી. તેમ જ મયારામ ભટ્ટ આદિ સર્વે હરિભક્ત પણ ગોપાળાનંદસ્વામી ને પર્વતભાઈની વાત સાંભળીને એવા જ સુખિયા થયા. એવી રીતે છ મહિના સુધી બ્રહ્મયજ્ઞ કરી પછી બીજે ગામ ગયા.’’ -એમ નિત્યે બાપાશ્રી સભામાં વાતો કરતા. તેવા સમયમાં શ્રીનગરમાં સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ તથા વૃષપુરમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો તેની વિગત :-
સંવત ૧૯૪૮ના જ્યેષ્ઠ માસમાં મુક્તરાજશ્રીને શરીરે પ્રથમ તાવ આવવા માંડ્યો ત્યારે ઘરમાંથી સાધારણ ઉપચાર કરવામાં આવ્યા પણ આ તાવ તો દિવસે દિવસે વૃદ્ધિ પામતો ગયો ને વળી મુક્તશ્રી આ લોકમાંથી પોતે ઉદાસી ગઈ હોય તેમ આસનમાંથી ઊઠીને પૃથ્વી પર સૂઈ જાય ને અન્નજળ પણ ગ્રહણ કરે નહિ ને ઘરનાં સહુ બહુ આગ્રહ કરે ને દિલગીર થાય ત્યારે થોડું જમીને પાણી પીએ, પણ દેહનો અનાદર કરી નાખ્યો હોય તેમ મંદવાડ જણાય. તેને જોઈને ઘરમાં પુત્ર-પુત્રીઓ સર્વે દિલગીર થઈ ગયાં ને હેતવાળાસર્વે હરિભક્ત તે પણ દિલગીર થવા લાગ્યા. પછી નારાયણપુરના જાદવજીભાઈએ અમદાવાદમાં સદ્. સ્વામી નિર્ગુણદાસજીને આ મંદવાડના ખબર આપ્યા જે, ‘‘વૃષપુરમાં અનાદિમુક્તશ્રી પોતાના અંગમાં મંદવાડ દેખાડે છે.’’ -આ સમાચાર મળ્યા એ પહેલાં જ થોડા દિવસ થયા સદ્. સ્વામી નિર્ગુણદાસજીને મંદવાડ થઈ ગયો હતો. તેવામાં આ મુક્તરાજશ્રીનો મંદવાડ સાંભળ્યો, તેથી પોતે ઘણી દિલગીરી જણાવી. પછી પોતાના સાધુ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે ભૂજમાં સ્વામી અક્ષરજીવનદાસજી ઉપર એક પત્ર લખાવ્યો જે, ‘‘વૃષપુરમાં અનાદિમુક્તશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે તેના ખબર અમને મળ્યા તેથી ઘણા ઉચાટ થાય છે, માટે તમે એમની સંભાળ રખાવશો ને તેમનો ખાટલો મંદિરમાં રખાવશો અને સેવામાં બે સાધુ જરૂર મોકલજો; કેમ જે મંદિરમાં રહેવાથી ઘણાને દર્શનનો લાભ મળે ને સંત હોય તો સેવા પણ સારી થાય.’’ -આ પત્ર વાંચી સ્વામીશ્રીએ બે સાધુ મુક્તશ્રીની સેવામાં મોકલ્યા ને તે સંતો વૃષપુર આવ્યા પહેલાં નિર્ગુણદાસજીસ્વામીનો પત્ર મુક્તશ્રીને પણ આવેલ હતો, તેથી મુક્તરાજશ્રીનો ખાટલો મંદિરમાં લાવ્યા,ત્યાં તો આ મુક્તશ્રી તુરત મૂર્તિના સુખમાં ઊતરી ગયા. તે કાંઈ બોલે કે ચાલે નહિ; સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ. એ જોઈને સંતો મુઝાયા જે, ‘આપણે સેવા કરવા આવ્યા પણ આમની સેવા હવે શું કરવી !’ -એમ મુક્તશ્રી દસ દિવસ સુધી સૂઈ રહ્યા ત્યારે ઘરનાંસર્વે તથા સેવા કરનારા સંત-હરિભક્ત અકળાઈ ગયા ને ઘણું જગાડવાનું કર્યું, ત્યારે નેત્ર ઉઘાડી જાગ્રત થઈને કહ્યું જે, ‘‘મને જગાડશો નહિ; હું તો સ્વતંત્ર છું, મારી મરજી આવશે ત્યારે જાગીશ,’’ -એમ કહી નેત્ર મીંચી ઊંડા ઊતરીગયા. તે સમયે અનંત દેવ મુક્તશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યા ને મંદિરના ચોકમાં સર્વે ઊભા રહી મુક્તશ્રીનાં દર્શન કરવા લાગ્યા એટલે મુક્તશ્રી ઓચિંતા બેઠા થયા ને સર્વેના સામી દૃષ્ટિ કરીને ચારે કોર જોયું, એમ સર્વે દેવને દર્શન દઈને જવાની રજા આપી ત્યારે તે સર્વે દેવ પોતપોતાના સ્થાનકે ગયા ને મુક્તશ્રી શયન કરી મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી ગયા તે બીજા સત્તર દિવસ થયા પણ જાગ્યા નહિ, ત્યારે સર્વે અકળાઈ ગયાને ધીરજ રહી નહિ. પછી ભૂજમાં સ્વામી અક્ષરજીવનદાસજીને માણસ મોકલી આ હકીકત જણાવી, તેથી સ્વામીનું હૃદય ભરાઈ આવ્યું અને તુરત જ મંદિરમાં તમામ સંત-હરિભક્તને કહ્યું જે, ‘‘જેને અનાદિ મુક્તશ્રીનાં દર્શન કરવાં હોય, તે તૈયાર થાઓ; હાલ જવું છે.’’ -આમ આજ્ઞા થતાં સંત-બ્રહ્મચારી, પાર્ષદ વગેરે તૈયાર થઈ સ્વામી સાથે ચાલ્યા, તે રાત્રીએ આઠ વાગે વૃષપુર પહોંચ્યાને પ્રથમ ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી મુક્તશ્રીનાં દર્શન કર્યાં. તે સમે મુક્તશ્રીનો મંદવાડ જોઈને સ્વામી આદિ સર્વે અતિશય ઉદાસી થઈ ગયા. પછી સ્વામી મંદિરમાં આસને બેસી મહારાજનું ધ્યાન કરવા લાગ્યા ને બીજા સર્વે મુક્તશ્રીના ખાટલા ફરતા બેસીને ધ્યાન-ભજન કરતા હતા ને મુક્તરાજશ્રીનો ખાટલો ઓસરીના ખૂણામાં રહેતો પણ રાત્રીએ હવા સારુ ઓસરીનાં બે બારણાં વચ્ચે રાખ્યો હતો ને મુક્તશ્રી તેમાં સૂતા હતા.
એમ કરતાં રાત્રીના બે વાગ્યાનો સમય થયો ત્યારે શ્રીજીમહારાજે મુક્તશ્રીને દિવ્યરૂપે પ્રત્યક્ષ દર્શન દીધાં ને ભેગા અનંત મુક્ત ને અવતાર પણ હતા ને શ્રીજીમહારાજના તેજથી મંદિર તેજોમય ઝળહળાટ થઈ રહ્યું અને શ્રીજીમહારાજ પોતે મુક્તરાજના ખાટલા પાસે આવ્યા, ત્યારે મુક્તશ્રીએ ઝટ ઊભા થઈને શ્રીજીમહારાજના ચરણમાં નમસ્કાર કર્યા ને શ્રીજીમહારાજ મુક્તના ખાટલા ઉપર બિરાજમાન થયા. પછી મુક્તશ્રી શ્રીજીમહારાજના ખોળામાં મસ્તક મેલી દર્શન કરી મૂર્તિ સામું જોઈ રહ્યા. ત્યારે શ્રીજીમહારાજ મુક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘તમે ધામમાં જવાની ઇચ્છાથી મંદવાડ ગ્રહણ કર્યો છે, પણ હવે સાજા થઈ જશો; કેમ જે અમારે તમને જીવોના મોક્ષ કરવા સારુ આ લોકમાં રાખવા છે ને નિર્ગુણદાસજીને ધામમાં તેડી જવા છે. માટે તમે અનંત મુમુક્ષુને મૂર્તિમાં રાખીને સળંગ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત કરો. અમે તમારા ભેગા છીએ; તમારા સ્વરૂપે સર્વના મોક્ષ અમે કરશું.’’ ત્યારે મુક્તે શ્રીજીમહારાજને કહ્યું જે, ‘‘હે સ્વામિન્ ! જેમ આપની મરજી છે તેમ જ કરવામાં હું અતિ રાજી છું.’’ -એમ કહ્યું -ત્યારે શ્રીજીમહારાજ બહુ રાજી થયા. પછી મુક્તશ્રી શ્રીજીમહારાજને પ્રદક્ષિણા ફરવા લાગ્યા. એવાં સેવક નારાયણ ભક્તને શ્રીજીમહારાજનાં દિવ્યરૂપે દર્શન થયાં ને કેટલાકને એકલું તેજ દેખાયું. અને સ્વામી અક્ષરજીવનદાસજીને ધ્યાનમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં; ત્યારે જાગી ગયા ને મંદિર તેજથી ભરેલું દેખાયું ને સિંહાસન પાસેના બારણામાં શ્રીનરનારાયણ દેવનાં દર્શન થયાં. ત્યારે સ્વામીએ શ્રીનરનારાયણ દેવ પાસે આવીને વિનયપૂર્વક દર્શન કરીને કહ્યું જે, ‘‘હે મહારાજ ! તમે કેમ પધાર્યા છો ?’’ ત્યારેતે દેવે કહ્યું જે, ‘‘આ મુક્તનાં દર્શન કરવા આવ્યા છીએ.’’ -એમ કહીને તરત અંતર્ધાન થયા ને પ્રકાશ પણ અદૃશ્ય થયો, ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજીએ મુક્તશ્રીને બે બારણાં વચ્ચે પ્રદક્ષિણા ફરતા દેખ્યા તેથી સ્વામીને મનમાં એમ જણાયું જે, ‘‘મુક્તશ્રી માંદા છે. સત્તાવીશ દિવસ થયા ખાધું પીધું પણ નથી ને સાજા માણસની પેઠે પ્રદક્ષિણા ફરે છે માટે તેમને શ્રીજીમહારાજનાં દર્શન થતાં હશે ! ને તેથી જ મને પણ ધ્યાનમાં શ્રીજીમહારાજનાં સાક્ષાત્ દર્શન થયાં ને મંદિરમાં તેજ દેખાયું ને નરનારાયણ દેવનાં દર્શનથયાં.’’ -એમ જાણીને સ્વામી નેબીજા સંત-હરિભક્ત પણ મુક્તશ્રી સાથે પ્રદક્ષિણા ફરવા મંડ્યા ને મુક્તશ્રીએ પચીસ પ્રદક્ષિણા કરીને મહારાજની સન્મુખ પચીસ દંડવત્ કર્યા. પછી શ્રીજીમહારાજ અદૃશ્ય થયા, ત્યારે મુક્તશ્રી ઠાકોરજીના સિંહાસન પાસે સન્મુખ બેઠા. તે સમે સ્વામી ને બીજા સંત-હરિભક્ત તે પાસે આવીને બેઠા. ત્યારે મુક્તશ્રી સ્વામી આદિ પ્રત્યે બોલ્યા જે, ‘‘આ મંદવાડમાં અમને શ્રીજીમહારાજનાં દર્શન અખંડ થતાં ને અમારે પણ આ લોકમાંથી મહારાજ પાસે જવાની ઇચ્છા હતી, તેને જાણીને ગોપાળાનંદસ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, ‘નિર્ગુણદાસજીને ત્યાંથી અદૃશ્ય કરીને અહીં લાવો ને એ મુક્ત અબજીભાઈને જીવોના મોક્ષ કરવા સારુ ત્યાં રાખો.’ તેથી મહારાજ અમને આ લોકમાં રાખવાના છે. -તે કહેવા સારુ મુક્તે સહિત પોતે અહીં પધાર્યા હતા ને અમને કહ્યું જે, ‘શ્રીનગરમાં સ્વામી નિર્ગુણદાસજી છે, તેમણે અનંત મુમુક્ષુ જીવને અમારી આજ્ઞા-ઉપાસના સમજાવીને સુખિયા કર્યા છે, તેમને અવસ્થા પણ થઈ છે ને માંદા છે, તેથી તેમને આ લોકમાંથી અદૃશ્ય કરીને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ જવાના છે. માટે હવે મુમુક્ષુને મૂર્તિમાં રાખીને મૂર્તિના સુખે સુખિયા કરે એવા સમર્થ તમે છો, તેથી સર્વેને સુખિયા કરવા તમે સત્સંગમાં રહો ને સર્વેને મૂર્તિના સુખે સુખિયા કરો ને અમે પણ તમારા ભેગા રહેશું ને અમે તમને કોઈ વિઘ્ન આવવા દેશું નહિ; રક્ષા કરશું ને તમારી સેવા કરવા સેવક આપ્યા છે, તે સેવા કરશે.’ -એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. માટે હવે અમારે રહેવાનું થયુંને અમારો મંદવાડ ગયો, પણ સ્વામી નિર્ગુણદાસજી ધામમાં જવાના છે તેમનાં દર્શનની ઘણી ઇચ્છા રહે છે, માટે સ્વામીશ્રીનાં દર્શન કરવા આપણે સર્વે જઈએ.’’ -એમ વાત કરતા થકા અરુણોદય-સમય થયો ને મુક્તશ્રી ધ્યાનમુદ્રાએ યુક્તથકા આસનમાં બેઠા ને સંત-હરિભક્ત સ્નાન કરવાગયા. પછી સેવકે મુક્તશ્રીને ઉષ્ણોદકથી સ્નાન કરાવીને પૂજા કરાવી. પછી બાપાશ્રી મંદિરમાં ઠાકોરજી ને સંતનાં દર્શન કરીને ઘેર ગયા, ત્યારે બાપાશ્રીના સેવક પુત્ર, પુત્રી વગેરે તેમણે શીરો, પૂરી, શાક, ખીચડી, દૂધ, દહીં આદિ ભોજન જમાડ્યાં ને મુક્તશ્રીનાં દર્શન-સેવા કરી આનંદ પામ્યા ને સ્વામી આદિ સંત, તે પણ ઠાકોરજી જમાડી ભૂજ ગયા. અને મુક્તશ્રી સાજા થયા, તે વાત સાંભળી સત્સંગમાં સર્વે સંત-હરિભક્તને આનંદ થયો ને સ્વામી નિર્ગુણદાસજી માંદા છે તે પણ ભાઈશ્રી સાજા થયા તે વાત સાંભળીને ઘણા રાજી થયા.
ત્યાર પછી સ્વામીએ શ્રીનગરથી વૃષપુરમાં મુક્તશ્રી અબજીભાઈ ને જાદવજીભાઈ આદિ હરિભક્ત પ્રત્યે પત્ર મોકલાવ્યો જે, ‘‘અમારે શરીરે મંદવાડ છે, તેથી દર્શન કરવા ને દર્શન દેવા આવજો.’’ ત્યારે સર્વે હરિભક્ત વૃષપુરમાં મુક્તશ્રી પાસે આવ્યા ને સ્વામીનાં દર્શન કરવા જવાની વાત કરી. ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામીએ આપણને સર્વેને તેડાવ્યા છે, માટે આપણે જરૂર જવું જોઈએ; અમને તો સ્વામીનાં દર્શનની ઘણી જ ઇચ્છા છે માટે અમે પણ આવશું.’’ ત્યારે બીજા સર્વે હરિભક્તોએ કહ્યું જે, ‘‘તમારે શરીરે મંદવાડ બહુ થઈ ગયો છે તેથી તમારું શરીર રસ્તામાં ખમે નહિ, તેથી તમે અહીં રહો ને અમે સર્વે જઈએ.’’ ત્યારે મુક્તશ્રી કહે, ‘‘તમે ભલે જાઓ પણ સ્વામીને અમારા વિના સંતોષ નહિ વળે.’’ તોપણ તે ભક્તો સમજી શક્યા નહિ જે, ‘સ્વામીએ મુક્તશ્રીને જ મુખ્ય તેડાવ્યા છે ને આપણે તો તેમની કેડે છીએ.’ પછી તો સર્વે તૈયાર થઈને સ્વામીનાં દર્શન કરવા સારુ અમદાવાદ ગયા ને ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીને આસને આવી દંડવત્ કરવા લાગ્યા ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘તમે સર્વે આવ્યા પણ અમારા જીવનપ્રાણ ક્યાં ?’’ ત્યારે બીજા હરિભક્તોએ કહ્યું જે, ‘‘તે તો મંદવાડને લઈને આવી શક્યા નથી.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘તેમને તો સર્વેનો મંદવાડ મટાડીને મૂર્તિના સુખે સુખિયા કરવા શ્રીજીમહારાજે રાખ્યા છે. તે કાલે આવીને દર્શન દેશે.’’ પછી બીજે દિવસ સ્વામીએ છગનલાલ આદિ હરિભક્તને કહ્યું જે, ‘‘તમે કાલે સ્ટેશન ઉપર જજો; કચ્છના મુક્તશ્રી આવવાના છે. તે આવે ત્યારે તેમનો જે સામાન હોય તે તમે લઈ લેજો ને તેમને તમારીસાથે મંદિરમાં તેડી લાવજો.’’ પછી તે હરિભક્તો સ્ટેશન ઉપર ગયા ને રેલગાડીમાં મુક્તશ્રી આવ્યા એટલે તેમનાં દર્શનકરી દંડવત્-પ્રણામ કર્યા ને તેમનો સામાન લઈ સાથે ચાલીને મંદિરમાં આવ્યા ને મુક્તશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ને હરિભક્તે સ્વામી પાસે આવીને કહ્યું જે, ‘‘મુક્તશ્રી આવ્યા ને આ અમે તેમની પૂજા લાવ્યા.’’ ત્યારે સ્વામી અતિશય રાજી થયા. તેટલામાં તો મુક્તશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામી પાસે આવી દંડવત્ કરવા લાગ્યા, ત્યારે સ્વામી તત્કાળ ઊઠી પોતાના હાથે મુક્તશ્રીનો હાથ ઝાલીને અતિ સ્નેહે કરીને મળ્યા. પછી પોતાની પાસે બેસાડી મુક્તશ્રીના મુખ સામું જોઈને કહ્યું જે, ‘‘તમે આવ્યા તે હું બહુ રાજી થયો; હવે મારો મંદવાડ મટી જશે.’’ -એમ કહીને સંત પાસે સ્નાન કરાવરાવ્યું. પછી સ્વામીએ સાધુ પાસે રસોઈ કરાવી રાખી હતી, તે મુક્તશ્રીને જમાડી ને સ્વામી પણ જમ્યા. પછી મુક્તશ્રી સ્વામીની પાસે બેઠા ને કેસરાભાઈ આદિ તે પણ સ્વામીની પાસે બેઠા. ત્યારે સ્વામી નિર્ગુણદાસજીએ હરિભક્તોને કહ્યું જે, ‘‘મુક્તશ્રી માંદા છે તે આવી શકે તેમ નથી -એમ તમે કહેતા હતા પણ જુઓ, આ આવ્યા કે નહિ ?’’ ત્યારે સર્વે હરિભક્તે કહ્યું જે, ‘‘તમારા મોટાની ક્રિયા અમારાથી કળાય નહિ.
ઇતિ વિશ્રામ ૧૯