વિશ્રામ ૨૦

ત્યાર પછી અનાદિમુક્ત એવા સ્વામી નિર્ગુણદાસજી તે સર્વે સંત-હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, ‘‘અત્યારે શ્રીજીમહારાજ આ મુક્તરૂપે સુખ આપે છે. પણ તેવા સંતનો જોગ થાય ને અંતદૃષ્ટિ કરીને જુએ તેને જણાય પણ બીજાને ખબર પડે નહિ. માટે આપણને આવા મોટા મુક્ત મળ્યા છે, તેમનો જોગ કરીને પોતાનું પૂરું કરી લેવું ને જો આવા મુક્તપુરુષને વિષે આત્મબુદ્ધિ થાય ને શ્રીજીમહારાજમાં ‘નીર સ્નેહી મીન, ચંદ્ર સ્નેહી ચકોર; હરિ મેરે હારલકી લકરી.’ તેવી પ્રીતિ થાય તો મૂર્તિમાં રસબસ થઈ જવાય. માટે મહારાજની આજ્ઞામાં રહેવું ને મોટાને વિષે આપોપું કરવું ને અનાદિમુક્તરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ જવું ને આ મુક્ત છે તે સ્વતંત્ર, પુરુષોત્તમરૂપ, નિરાવરણ દૃષ્ટિવાળા અને નિર્લેપ એવા અનાદિમુક્ત છે. તે શ્રીજીમહારાજની ઇચ્છાથી આપણને સમાગમનું સુખ દેવાને અર્થે આ લોકમાં આવ્યા છે.’’ -એમ વાત કરીને વિરામ પામ્યા. તે સમે સ્વામીનું શરીર અતિશય જ કૃશ થઈ ગયું હતું ને બેસી પણ શકાતું નહિ. તેથી ઘડીક સૂઈને પછી બેઠા થયા ને મુક્તશ્રી પ્રત્યે બોલ્યા જે, ‘‘તમે સમાધિ કરીને મહારાજના ધામમાં જઈને મહારાજને મારા વતી પૂછો; જે મને મહારાજની મૂર્તિના સુખમાં ક્યારે તેડી જશે ?’’ ત્યારે અબજીભાઈ પોતે અનાદિમુક્ત છે ને નિર્ગુણદાસજીસ્વામી તથા ગોપાળાનંદસ્વામી મહારાજની મૂર્તિમાં રહ્યા છે તેમને અખંડ દેખે છે, તોપણ બીજા સર્વેના સમજાવવા સારુ પોતે બાર કલાક સમાધિમાં રહ્યા. પછી સ્વામીની પાસે આવીને બેઠા ત્યારે સ્વામી મુક્તશ્રી સામું જોઈને હસ્યા ને મુક્તરાજ પણ સ્વામી સામું જોઈને હસ્યા. ત્યારે સાધુ બાળકૃષ્ણદાસજી મુક્તશ્રી પ્રત્યે બોલ્યા જે, ‘‘કૃપાળુ ! તમે હસ્યા ને સ્વામી પણ હસ્યા તેમાં અમે કાંઈ સમજ્યા નહિ, પણ સ્વામીએ જે આપનીપાસે મહારાજને પુછાવ્યું હતું તેનું તમે સ્વામીને શું કહ્યું ?’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘સ્વામી અહીં માંદા દેખાય છે, તે તો મનુષ્યલીલા કરે છે, પણ સ્વામી તો દિવ્યસ્વરૂપ છે ને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં દિવ્યસ્વરૂપે રહ્યા છે ને ગોપાળાનંદસ્વામી પણ મૂર્તિમાં રહ્યા છે, એમ અમે દેખ્યા ને દેખીએછીએ ને આ તો આપણા સુખને અર્થે મનુષ્યરૂપે દર્શન દે છે.’’ -એમ અનાદિ મુક્તરાજશ્રીએ કહ્યું ત્યારે સર્વે સંત-હરિભક્તને આનંદ થયો ને તેવું સ્વામીશ્રીનું ને મુક્તશ્રીનું માહાત્મ્ય સમજ્યા.

ત્યાર પછી સ્વામી નિર્ગુણદાસજી મુક્તશ્રી અબજીભાઈ પ્રત્યે બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજે જ્યારે આ લોકમાંથી અદૃશ્ય થઈ ધામમાં જવાનો વિચાર કર્યો ત્યારે સર્વેને કહ્યું જે, ‘‘અમને રજા આપો.’’ ત્યારે સર્વે દિલગીર થયા પણ કોઈ બોલી શક્યા નહિ ત્યારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, ‘‘હે મહારાજ ! જેમ આપની મરજી હોય તેમ કરો; અમારે જેમ આપની મરજી હોય તેમ રહેવું છે.’’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘‘હું તમારા ઉપર બહુ રાજી છું ને તમારા ભેગો રહીશ ને તમે સર્વેને મારી સર્વોપરી ઉપાસના સમજાવજો.’’ પછી મહારાજ અંતર્ધાન થયા ને ગોપાળાનંદ સ્વામીએ મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું ને કેટલાકને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ જ્યારે ધામમાં જવાની ઇચ્છા કરી ત્યારે મને કહ્યું જે, ‘તમે મારા શિષ્ય છો, પણ મારા જેવા જ છો. તો તમે શ્રીનરનારાયણના દેશમાં સર્વે સંત-હરિભક્તને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવજો ને સુખિયા કરજો ને મને રજા આપો.’ ત્યારે મેં કહ્યું જે, ‘સારું સ્વામી ! હું તમારો શિષ્ય છું, માટે જેમ તમે કહ્યું તેમ હું કરીશ; તમે સુખેથી ધામમાં પધારો.’ તેમ જ મારે પણ તમને એ જ કહેવાનું છે કે, ‘તમે મને રજા આપો ને તમે મારા શિષ્ય થયા છો પણ મારાથી મોટા છો ને શ્રીજીમહારાજના સંકલ્પથી મનુષ્યસ્વરૂપે પ્રગટ થયા છો ને અનાદિમુક્ત છો ને જે કાર્ય કરવા સારુ શ્રીજીમહારાજે તમને મોકલ્યા છે તે કાર્ય જે, અનંત જીવોને મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ પમાડવું તે કરો ને હું મહારાજના ધામમાં જવા ઇચ્છું છું.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામી ! તમે મારા ગુરુ છો માટે તમે રાજી થશો તેમ હું કરીશ ને તમે જેમ તમારી મરજી હોય તેમ કરો.’ ત્યારે સ્વામી બહુ રાજી થયા.

ત્યાર પછી સ્વામી નિર્ગુણદાસજીએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘આ સાધુ ઈશ્વરચરણ તમારા છે; તમે એને સુખિયા કરજો.’’ -એમ કહીને તેમનો હાથ ઝાલીને મુક્તશ્રીના હાથમાં આપ્યો. ત્યારે મુક્તશ્રી તેમના માથે બે હાથ મેલીને બોલ્યા જે, ‘‘સ્વામી ! આ તો બહુ સમર્થ છે; તમારી પેઠે જ સર્વેને સુખિયા કરશે ને અમે તેમને સુખિયા કરશું.’’ ત્યારથી સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રી સાથે એકતા થઈ ગઈ ને પોતાની સ્થિતિનું ભાન પણ થઈ ગયું. પછી મુક્તશ્રીએ કેસરાભાઈ, જાદવજીભાઈ આદિને કહ્યું જે, ‘‘હવે સ્વામીશ્રીનાં દર્શન ઝાઝા દિવસ થશે નહિ, માટે સ્વામીને રાજી કરી લેવા.’’ -એમ વાત કરી. એવી રીતે કેટલાક દિવસ રહી સ્વામીશ્રીને રાજી કરી તેમની રજા લઈને પાછા વૃષપુર આવ્યા.

ત્યાર પછી સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી દેહોત્સવ કરવાના હતા તે પહેલાં બે દિવસ પોતાને વિષે હેતવાળા ને પોતાના મંડળના સાધુને તથા હેતવાળા હરિભક્તને પોતે હિતનો ઉપદેશ કર્યો જે, ‘‘તમે સર્વે મારા શિષ્ય છો માટે તમને હું હિતની વાત કહું છું જે, કચ્છ-વૃષપુર ગામમાં અનાદિમુક્તશ્રી અબજીભાઈ છે, તેમની સત્સંગમાં કોઈ જોડ નથી ને શ્રીજીમહારાજે તે અનાદિમુક્ત દ્વારે અનંત જીવોને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે, માટે તમે તેમના થઈ રહેજો ને એ કહે તેમ કરજો. બીજું શ્રીજીમહારાજની આજ્ઞામાં રહેજો; શ્રીજીમહારાજે પોતાના આશ્રિત ત્યાગી સાધુને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું કહ્યું છે ને જો અશક્ત હોય, મંદ શ્રદ્ધાવાળો હોય, તે જો એક બે લૂગડાં અધિક રાખે અથવા બીજી વખત જમે તેનો ઝાઝો બાધ નહિ પણ પંચવર્તમાન તો કહ્યું છે તેવી રીતે દૃઢ પાળવાં. તેમાં પણ સ્ત્રીધનનો ત્યાગ દૃઢ રાખવો ને જો સ્ત્રીધનના ત્યાગમાં ફેર પડે તો મોક્ષનો ઝાંપો વસાઈ જાય. તે સત્સંગિજીવનમાં શ્રીજીમહારાજે કહ્યું જે, ‘‘ત્યાગી સાધુ થઈને દ્રવ્ય રાખે ને સ્ત્રી સાથે બોલે, તેવા સાધુની કથાવાર્તા મોક્ષાર્થીએ ન સાંભળવી, ને સાંભળે તો ચાંદ્રાયણ વ્રત કરવું.’’ માટે શ્રીજીમહારાજની આજ્ઞામાં દૃઢ રહેવું ને મહારાજની આજ્ઞામાં રહ્યા હોય તેવા સાધુનો સમાગમ કરવો ને મારા સ્નેહી સર્વે સાધુ-સત્સંગી તેમણે બાર માસે એક માસ કચ્છમાં મુક્તશ્રીનો સમાગમ કરવા જાવું ને તેમના સમાગમથી શ્રીજીમહારાજ પ્રસન્ન થઈ પોતાની મૂર્તિમાં રાખશે ને મૂર્તિના સુખે સુખિયા કરશે.’’ -એમ કહીને સ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા. પછી સંવત ૧૯૪૮ના આસો વદ એકમની રાત્રીએ એક વાગે અંતર્ધાન થયા ને અક્ષરધામમાં શ્રીજીની મૂર્તિમાં અખંડ સુખભોક્તા થઈ રહ્યા. અને જે વખતે સ્વામીએ દેહોત્સવ કર્યો, તે જ વખતે વૃષપુરમાં મુક્તશ્રીને ખબર પડી, એટલે ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ કરતા તરત ઊઠ્યા ને ભૂજના સ્વામી અક્ષરજીવનદાસજી મંડળે સહિત ત્યાં હતા, તે પણ મુક્તશ્રીના ઊઠવાથી જાગ્યા, ત્યારે મુક્તશ્રીએ તેમને આ વાત કહી જે, ‘‘અત્યારે શ્રીનગરમાં આપણા ગુરુ અંતર્ધાન થયા, માટે આપણે સ્નાન કરવું જોઈએ.’’ -એમ કહીને મુક્તશ્રીએ સંતોને તથા ગામના હરિભક્તોને જગાડીને નવરાવ્યા ને પોતે પણ નાહ્યા. પછી ઓસરીમાં બેસીને સ્વામીના મહિમાની ઘણી વાતો કરી ને અતિશય ઉદાસી થઈ ગયા ને ત્રણ દિવસ સુધી અન્ન જમ્યા નહિ.

ઇતિ વિશ્રામ ૨૦