વિશ્રામ ૩૭

આ અનાદિ મુક્તરાજશ્રીના પ્રાદુર્ભાવનો હેતુ એ છે જે, ‘‘માહાત્મ્યજ્ઞાને સહિત શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સંત-હરિભક્તને સમજાવવી ને તે સમજે તેને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખવા ને આ મુક્તદ્વારે અનંત જીવનો મોક્ષ કરવો.’’ એવો શ્રીજીમહારાજનો સંકલ્પ છે. તેથી અનાદિ મુક્તરાજશ્રીએ એવો વિચાર કર્યો જે, ‘‘મારે મોટો યજ્ઞ કરીને તેમાં ઘણા સંત-હરિભક્તને તેડાવવા, જેથી સર્વેને મારાં દર્શન-સમાગમનો લાભ મળશે ને જે માહાત્મય સમજીને સેવા-સમાગમનો લાભ લેશે, તેને મૂર્તિમાં રાખવા છે. માટે યજ્ઞમાં ઘણા જીવો સુખિયા થશે.’’ -એમ ધારીને મુક્તરાજશ્રીએ યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં સંત-હરિભક્ત કેટલા આવ્યા હતા ને વળી યજ્ઞમાં મુક્તરાજશ્રીએ જે જે ચમત્કાર ને ઐશ્વર્ય જણાવ્યાં હતાં તે સર્વે કહીએ છીએ.

પ્રથમ અનાદિ મુક્તરાજશ્રી નારાયણપુરના ધનજીભાઈ ને વૃષપુરના ઝીણા પટેલ તેમને સાથે લઈને ભૂજ પધાર્યા, ત્યાં સ્વામી મહાપુરુષદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી ને ભોગીલાલભાઈ મહેતા, તથા કોઠારી વેલજીભાઈ આદિ સંત-હરિભક્તને ભેગા કરીને તે યજ્ઞ કરવાની વાત જણાવી, ત્યારે તે સર્વે રાજી થયા ને જોશીને બોલાવીને યજ્ઞના પ્રારંભનું મુહૂર્ત જોવરાવી ફાગણ વદ એકાદશીનું નક્કી કર્યું. પછી બાપાશ્રી ને ધનજી પટેલ સર્વે પાછા વૃષપુર આવ્યા ને વૃષપુરના પટેલ ઝીણા, નારાયણપુરના પટેલ ધનજી તથા બીજા ગામના મોટો મોટા હરિભક્તને યજ્ઞ કરવાની વાત જણાવી, ત્યારે તે સર્વે બહુ રાજી થયા. પછી યજ્ઞ સારુ ઘી, ગોળ આદિ સર્વે સામાન લાવવાની હરિભક્તને ભલામણ કરી, ત્યારે તે હરિભક્તે સર્વે સામાન લાવી લાવીને મોટા ઓરડા ભરાવી રાખ્યા. પછી અમદાવાદ, મૂળી તથા ગઢપુર આદિ ધામોમાં ને ગામેગામ સંત-હરિભક્તોને કંકોત્રીઓ લખાવી મોકલી. તેની વિગત :-

‘સ્વસ્તિ શ્રી મહાશુભસ્થાને બિરાજમાન, ઉત્તમોત્તમ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના અનન્ય ઉપાસક, શ્રીજીમહારાજ કૃત, મર્યાદાપાલક, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ શુભ ગુણસંપન્ન હરિભક્તશિરોમણિ એવી અનેક ઉપમા યોગ્ય ભાઈશ્રી..... પ્રત્યે કચ્છ બળદિયાથી લિ. અનાદિ મુક્તરાજ અબજીભાઈ પાંચાભાઈના ‘જય સ્વામિનારાયણ’ વાંચશો.

અત્ર શ્રીજીમહારાજના પ્રસાદીના સ્થાને છત્રી કરાવી છે, તેમાં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ પધરાવવાના છે. તે નિમિત્તે ‘સત્સંગિજીવન’નું પારાયણ કરાવીએ છીએ. તેનો સમારંભ સંવત ૧૯૭૧ના ફાલ્ગુન વદ એકાદશીને દિવસે થશે ને તેની સમાપ્તિ ચૈત્ર સુદ ત્રીજની થશે. આ બ્રહ્મયજ્ઞમાં મોટા મોટા સદગુરુ સંત ઘણાં ધામોમાંથી આવ્યા છે ને આવશે ને બ્રહ્મસ્વરૂપ ને મૂર્તિઓના સુખભોક્તા એવા હજારો હરિભક્તો આવશે અને કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ થશે. તેનો પરમ લાભ લેવા સર્વે સહકુટુંબ આવશો, જે આવશે તેનો શ્રીજીમહારાજ મોક્ષ કરશે.’’

તે કંકોત્રીઓ મોકલાવ્યા પહેલાં જ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી આદિ તથા ભૂજના સંતનાં મંડળ, તે તો બાપાશ્રીના સંકલ્પથી આગળથી જ આવ્યા હતા ને બાપાશ્રીનાં દર્શન-સેવાસમાગમનો લાભ લેતા હતા. પછી આ કંકોત્રીઓ ગામેગામ સંત-હરિભક્તને પહોંચી ત્યારે અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢડા, ભૂજ, જૂનાગઢ આદિ ધામોના તથા ગુજરાત, કાઠિયાવાડ, ભાલ, નળકાંઠો આદિ દેશમાં તથા ગામેગામમાં રહેલા સર્વે સંત-હરિભક્ત વૃષપુર આવવા લાગ્યા અને સંત-હરિભક્તથી વૃષપુર ઊભરાવા લાગ્યું. પછી ફાગણ વદ એકાદશીનો દિવસ આવ્યો ત્યારે ચોઘડિયાં વગેરે નાના પ્રકારનાં વાજિંત્ર વાગવા લાગ્યાં અને અનાદિ મુક્તરાજશ્રી પોતાના પુત્ર-પૌત્રાદિક સહિત પૂજા કરવા સારુ સભામંડપમાં આવ્યા ને સિંહાસન સન્મુખ બેઠા. પછી બ્ર. મુનીશ્વરાનંદજી ને પુરાણી ધર્મકિશોરદાસજી તેમણે બાપાશ્રીની પાસે શ્રીહરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચારે કરીને પૂજન કરાવ્યું ને મુક્તે સહિત મહારાજનું સ્થાપન કર્યું. પછી પરિવારે સહિત બાપાશ્રીનું પૂજન કરી બાપાશ્રી આદિના કાંડે મંત્ર બોલીને મંગળસૂત્ર બાંધ્યાં. પછી પુ. ધર્મકિશોરદાસજી કથા વાંચવા પાટ ઉપર બેઠા ને બાપાશ્રી પોતાના પુત્રે સહિત પુસ્તકની ને પુરાણીની પૂજા કરીને ધોતિયાં ઓઢાડી આરતી કરવા લાગ્યા. તે વખતે આકાશમાંથી ચંદનપુષ્પની વૃષ્ટિ થવાલાગી ને આકાશ ચિદાકાશ જેવું શોભી રહ્યું હતુ અને સિંહાસનમાં પધરાવેલી જે શ્રીજીમહારાજની મૂર્તિ તેમાંથી તેજની છટાઓ છૂટતી હતી ને બાપાશ્રીનું દર્શન અલૌકિકરૂપે થાતું હતું અને સર્વે સંત-હરિભક્તનાં હૃદય આનંદથી ઊભરાતાં હતાં અને મોટા મોટા સંત-હરિભક્તને છતે દેહે જ અક્ષરધામનું સુખ આવતું હતું. પછી બાપાશ્રી આરતી કરી રહ્યા ત્યારે પ્રકાશ બંધ થઈ ગયો ને સર્વે સંત-હરિભક્ત સભામાં બેસી ગયા ને પુ. ધર્મકિશોરદાસજી કથા વાંચવા લાગ્યા. પછી બાપાશ્રીએ પોતાના દીકરાને સંત-સભાની પૂજા કરવાની આજ્ઞા કરી ને પોતે સભામાં વિરાજમાન થયા. હવે બાપાશ્રીના દીકરાએ પ્રથમ આગળ બેઠેલા મોટા સદગુરુઓની પૂજા કરી. પછી સર્વે સભામાં સંતને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. તેમ જ હરિભક્તની સભામાં સર્વેને ચંદન ચર્ચી પૂજાઓ કરી. ને તે સમે સંત-હરિભક્તની સભા અક્ષરધામની સભા જેવી શોભતી હતી ને સિંહાસનમાં બિરાજમાન શ્રીજીમહારાજ તથા સભામાં ગાદીતકિયે વિરાજમાન -એવા બાપાશ્રી તેમની શોભા તો અવર્ણનીય હતી પણ તે સમે જેને દર્શન કર્યાં હશે તેને અનુભવ થયો હશે. અને તે સભામાં સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તે કથામાં જે રહસ્ય આવતું, તેનું વિવેચન કરીને સર્વેને સમજાવતા ને કોઈક વખત બાપાશ્રી પણ પોતાના અમૃત વચનનું સર્વેને પાન કરાવતા અને નવ વાગે કથાની સમાપ્તિ થતી, ત્યારે સંત-હરિભક્ત ઝિલણિયા કીર્તન બોલતા, તેથી સભામંડપ ગાજી રહેતો ને પ્રસાદી વહેંચાતી. પછી સર્વે હરિભક્ત સભામાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં તથા સંતનાં દર્શન કરીને ગામમાં હરિભક્તને રસોડે જમવા જતા, ત્યાં સાંખ્યયોગી બાઈઓ રસોઈ તૈયાર કરતાં ને પીરસવાનું કામ હરિભક્ત કરતા ને બાપાશ્રી તેવીરીતે સર્વે હરિભક્તને બે વખત જમાડતા ને સર્વે સંત હાથે રસોઈ કરીને શ્રીજીમહારાજને જમાડીને જમતા ને બાપાશ્રી સંતની પંક્તિનાં દર્શન કરવા આવતા અને તાણ કરીને પિરસાવતા ને દહીં-દૂધ પિરસાવીને સારી પેઠે જમાડતા ને કોઈક દિવસ ખીચડીમાં ઉપર ધારે ઘી પિરસાવીને જમાડતા. ને પોતે તો ઘેર જઈને પોતાના સેવકે કરેલ જે રોટલો, શાક, ખીચડી, છાશ તે થોડું જમીને મંદિરમાં આવતા ને સંત-હરિભક્તને વાતો કરતા, ને સંત-હરિભક્તને પણ બાપાશ્રીની વાતો ને દર્શનથી જે આનંદ ઊપજતો -તેનું તો વર્ણન થઈ શકે તેવું નથી, પણ છતે દેહે અક્ષરધામનું સુખ આવતું અને પાછલા પહોરમાં અઢી વાગે કથા બેસતી ને બ્ર. મુનીશ્વરાનંદજી કથા વાંચતા અને સંત-હરિભક્તની મોટી સભાઓ થતી ને બાપાશ્રી પોતે પુસ્તક અને પુરાણીની પૂજા કરતા. પછી બાપાના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈ સર્વે સંતની તથા હરિભક્તની પૂજા કરતા ને સાંજના છ વાગે કથાની સમાપ્તિ થતી. પછી સર્વે હરિભક્ત હરિભક્તોના રસોડે જમવા જતા.

ઇતિ વિશ્રામ ૩૭