વિશ્રામ ૯૩

હવે સદગુરુ આદિ સંતમંડળ ગયા પછી અનાદિ મુક્તરાજશ્રીએ એમ ધાર્યું જે, ‘‘હવે મારે અંતર્ધાન લીલા કરવાની છે, માટે સંતને ભૂજથી તેડાવીને મારો છેલ્લો મેળાપ કરાવું : જે તેમને સંભારવા થાય.’’ -એમ સંકલ્પ કરીને બારસના દિવસે અરજણભાઈના દીકરા રામજીને સંતમંડળને તેડવા ભૂજ મોકલ્યા. તેણે ભૂજ આવીને સંતને વાત કરી જે, ‘‘તમને બાપાશ્રીએ તેડાવ્યા છે.’’ પણ બીજે દિવસ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી તેથી સંતને રોક્યા ને તેરસની એમની રસોઈ જમીને સંતો વૃષપુર આવ્યા. તે સમે બાપાશ્રી ચોકમાં સૂતા હતા તે બોલ્યા જે, ‘‘અમો વાટ જોઈને રહ્યા હતા ત્યાં તમે આવ્યા; તે બહુ સારું થયું. -એમ કહીને સર્વેને મળ્યા ને બોલ્યા જે, તમારા વિના સર્વે સૂનું ભાળીને અમને વિચાર થયો જે, ‘અમારા સંતને બોલાવીએ, પછી તમને તેડાવ્યા ને તમે આવ્યા તે સારું થયું ને આનંદ થયો.’ પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, ‘‘તમારે જવું હતું પણ અમે પાછા વાળ્યા; અમે તમને સ્નેહરૂપી નેવળ બાંધીને રાખીએ તેવા છીએ તે આગળ ફરી વાળ્યા ને પાછા વાળી લાવ્યા. હવે જવાનો સંકલ્પ કરતા નહિ.’’ પછી વાત કરી જે, ‘‘અહીં હાલ વિવાહ ચાલે છે તે લોકો ગાંડા થઈ ગયા છે અને તે સર્વે એક સાથે વિવાહ કરે છે એટલે ખર્ચ ઓછું થાય; કેમ જે એક ઘરના માણસો આવે એટલાં જ જમાડવા પડે, ને આપણે જે યજ્ઞરૂપ પુરુષોત્તમ વિવાહ કર્યો હતો, એમાં તો બહુ જ ખર્ચ થયું હતું. તે આપણે યજ્ઞ કર્યો એવો તો મોટા રાજાથી પણ બની શકે નહિ. ને આપણે તો ‘હાજી કહેતાં હજારું ઊઠતા, ચાલતા લશ્કર લારજી;’ -એવું છે ને ‘સાહેબ સરીખા શેઠિયા, વસલે નગરકી માંહી; તાકે ધનકી કહા કમી, જાકી હૂંડી ચલે નવખંડ માંહી.’ -એમ થાય છે. તે રાજાને ત્યાં પણ સેવા કરનાર ન હોય એવા તો અહીં સેવક છે. આ સેવક તો મૂર્તિમાં રહીને સેવા કરે છે તે મૂર્તિ વિના બીજું દેખે જ નહીં, તો બીજું અંતરમાં પેસે ક્યાંથી ? એવા સેવકો હતા. એવા ભક્તને આ પુરુષોત્તમની સાથે વિવાહ થાય છે પણ બીજાથી પુરુષોત્તમ વરાય નહિ, તે આ પુરુષોત્તમ વિવાહ કર્યો તેમાં સંત અનંત ભક્ત પુરુષોત્તમને વર્યા.’’ -એમ વાત કરીને ઓરડામાં પોઢવા પધાર્યા.

પછી બીજે દિવસ નિત્યવિધિ કરીને ઢોલિયે બેઠા ને વિઠ્ઠલજીની રસોઈનો થાળ જમ્યા ને સાંજના સંત-હરિભક્તોએ સહિત છત્રીએ પધાર્યા, ત્યાં ટીકાએ સહિત ‘વચનામૃત’ની કથા વંચાવીને સાંભળતા હતા. તે સમે દેવરાજભાઈ તથા નારાયણપુરના હરજી તથા લાલજી -તેમણે બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો જે, ‘‘શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહે છે તેઓ મૂર્તિ જેવા જ મૂર્તિમાન છે, માટે તે બધાય મુક્ત મૂર્તિમાં કેવી રીતે રહ્યા હશે ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘જેમ બિલોરી કાચમાં સભા જણાય છે તેમ મૂર્તિમાં મુક્ત રહ્યા છે; તે મૂર્તિનું એવું અલૌકિક ઐશ્વર્ય જ છે. તે જેમ ચિંતામણિમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલાં પદાર્થ નીકળે છે તોપણ ચિંતામણિ દૂબળી થાતી નથી અને સર્વે તેમાંસમાઈ જાય તેને કરીને પુષ્ટ થતી નથી; જેવી હોય તેવીને તેવી જ રહે છે, એવું અદભુત સામર્થ્ય તો જડ વસ્તુમાં પણ જેના પ્રતાપથી આવ્યું છે એવા દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ તેમાં સર્વે મુક્ત સમાઈ જાય તેમાં શું આશ્ચર્ય છે ? એ તો હોય જ.’’

વળી તેમણે પૂછ્યું જે, ‘‘મૂર્તિમાં મુક્ત રહ્યા છે તેમને સુખ સરખું આવતું હશે કે અધિક ન્યુન આવતું હશે ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સુખ તો જેટલો મહિમા સમજાય એટલું આવે ને જેમ જેમ મહિમા વધુ સમજાતો જાય છે તેમ તેમ સુખ પણ વધતું જાય છે, માટે પાત્રની તારતમ્યતા પ્રમાણે સુખ આવે છે.’’ -એમ વાતો કરીને બાપાશ્રી સર્વેને મળ્યા. પછી મંદિરમાં પધાર્યા.

ત્યાર પછી વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસ સંત-હરિભક્ત સહિત બાપાશ્રી નવીવાડીએ પધાર્યા ને ત્યાં સભા કરીને વાતો કરી. પછી સંતને કહ્યું જે, ‘‘હજુ આંબામાં કેરીઓ કાચી છે, તે પાકશેત્યારે તમને જમાડશું માટે ત્યાં સુધી રહો ને ભૂજ ને માધાપર સમૈયામાં આપણે ભેગા ચાલશું. પછી ત્યાંથી જાઓ તોય તમારી મરજી ને પાછા આંહીં આવો તો ઘણું સારું; આપણે ઘેર રોટલા ઘણાય છે તે જમાડશું ને ભગવાન ભજશું, અસાડ માસ રહીને પછી જાજો. અમારી મરજી તો ત્યાં સુધી રાખવાની છે; કેમ જે આ જોગ ક્યાંથી મળે ? માટે રહો તો સારું ; પછી તમારી મરજી. અને આ વખતે તો તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી.’’ -એમ બાપાશ્રીએ પોતાને અસાડ માસમાં અંતર્ધાન લીલા કરવાની છે એ વાત મર્મમાં જણાવી પણ પોતાને જાણવા દેવી હતી નહિ, તેથી કોઈ જાણી શક્યા નહિ. તેથી જ કેટલાક સંતને દેશમાં જવાનો સંકલ્પ મટ્યો નહિ ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કેટલાક સંતને જવાનો સંકલ્પ હતો નહિ પણ બાપાશ્રીએ સર્વેને ભેગા જવાની આજ્ઞા કરી હતી, તેથી નોખું પડીને રહેવાય તેમ હતું નહિ.

પછી બીજે દિવસે સવારમાં કથાની સમાપ્તિ કરીને અનાદિ મુક્તરાજ બાપાશ્રી બોલ્યા જે, ‘‘સંતો ! તમારે કેમ છે, જવાનો વિચાર છે; કે રહેશો ?’’ ત્યારે કેટલાક સંતે કહ્યું જે, ‘બાપા ! અમારે ધર્માદો ઉઘરાવવાનું કામ છે તે જવું જોઈએ, પણ જો આપ કહો તો જઈએ.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે તો રહો તોય રાજી નેજાઓતોય પણ રાજી; જેમ તમારી મરજી હોય તેમ કરો.’’ ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતે કહ્યું જે, ‘‘આપ રાજી છો માટે જઈશું.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આજ સંધ્યા-આરતી કરીને રવાના થાઓ; ગાડાં મેલવા આવશે ને સવારે ભૂજસ્ટેશન નાહી પૂજાઓ કરીને રેલમાં ચઢીજાજો.’’ ત્યારે સર્વે સંતમંડળ ઠાકોરજીના થાળ કરીને તથા જમીને ઓસરીમાં કથા કરવા બેઠા, ને અનાદિ મુક્તરાજ બાપાશ્રી સભામાં આસને આવીને વિરાજમાન થયા. પછી સદગુરુ આદિ સંતમંડળ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવીને આશીર્વાદ માગવા લાગ્યા. ત્યારે મુક્તરાજશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘‘તમને સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખ્યા છે અને મૂર્તિના સુખે સુખિયા કર્યા છે ને કરશું.’’ -એમ કહી ઓરડામાં જઈને ઢોલિયામાં પોઢી ગયા. પછી ચાર વાગે જાગીને જળપાન કર્યું ને સંતમંડળ જવા તૈયાર થઈ બાપાશ્રી પાસે આવીને બેઠા. પછી સંધ્યા-આરતી કરી ઠાકોરજીને દંડવત્‌ કરીને દર્શન કર્યાં અને બાપાશ્રીને પણ દંડવત્‌ કરીને મળ્યા ને ગાડામાં સામાન નાખીને ચાલ્યા, ત્યારે ગામના હરિભક્તોએ સહિત બાપાશ્રી પાલખીમાં બેસી હરિભક્તપાસે પાલખી ઉપડાવીને નદી સુધી સંતને વળાવવા આવ્યા ને ત્યાં ફેર સંતને મળીને જવાની આજ્ઞા કરી, એટલે સંત ચાલ્યા ને બાપાશ્રી હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા.

ઇતિ વિશ્રામ ૯૩