વિશ્રામ ૬૨

હવે તે બાપાશ્રીના યજ્ઞમાં સદ્‌. સ્વામી ઈશ્વરચરણદાસજી, વૃંદાવનદાસજી ને ઘનશ્યામજીવનદાસજી આદિ સંતનાં મંડળ તથા મૂળીપુરથી સ્વામી ધર્મકિશોરદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી આદિ ઘણાક સંતનાં મંડળ આવ્યાં, તે અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન કરીને અતિ આનંદથી પૂર્ણ થયાં ને બાપાશ્રીએ સર્વેને મળીને સત્કાર કર્યો. તેમ જ દેશદેશના ઘણાક હરિભક્તોના સંઘ પણ આવ્યા હતા. તેમ જ સાંખ્યયોગી બાઈઓનાં મંડળ પણ આવ્યાં હતાં ને તે સર્વે બાઈઓનાં મંડળ બાઈઓના મંદિરમાં તથા ઉતારાની જગ્યામાં ઊતર્યાં હતાં.

હવે તે બાઈઓ કેવાં છે તો શ્રીજીમહારાજ ને અનાદિમુક્તને રાજી કરવા સારુ આ લોકના વિષય-સુખ, તેને ઝેર જેવાં જાણીને સાંખ્યયોગીનાં વર્તમાનને દૃઢ પાળતાં અને લોષ્ટની પેઠે દેહનો અનાદર કરીને અહોનિશ ભગવાનની કથાવાર્તા કરવા-સાંભળવામાં શ્રદ્ધાવાળાં ને ઊંઘ-આળસ ત્યાગ કરીને પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતાં અને જેમણે વ્રત-તપ કરીને દેહને કાષ્ઠની પેઠે સૂકવી નાખ્યાં છે ને જેમને શ્રીજીમહારાજ ને મુક્તશ્રીને રાજી કરવાનું એક જ તાન છે-એવાં તે સર્વે બાઈઓ હતાં. અને મુક્તરાજશ્રીપણ આશાભાઈ, મોતીભાઈ આદિ હરિભક્તને સાથે લઈ હાથને વિષે લાકડી ઝાલીને ધીમે ધીમે ચાલતા થકા તે બાઈઓને દર્શન દેવા પધારતા ને સર્વેને દર્શન દઈ આનંદ પમાડી પાછા મંદિરમાં આવતા. અને તે સાંખ્યયોગી બાઈઓ કચ્છ, ઝાલાવાડ, ગુજરાત, કાઠિયાવાડ આદિ દેશનાં મળીને આશરે ત્રણસો હતાં.

અને તે યજ્ઞમાં હરિભક્તનો સમુદાય તો ઘણો જ હતો. તે કેવા, તો શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસનાએ જુક્ત અને સત્સંગને અર્થે માથું દે તેવા, ને પ્રત્યક્ષ મહારાજ ને અનાદિમુક્ત એમને તન, મન ને ધન અર્પણ કરીને પરોણાની પેઠે ઘરમાં રહેલા અને જળમાં કમળ રહે તેમ વ્યવહારમાં અસંગી રહેલા ને શિક્ષાપત્રી, વચનામૃત ને ભક્તચિંતામણિ તેમાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ ગુણ કહ્યા છે તેણે જુક્ત એવા હરિભક્ત, તે તો હજારે હજાર આવ્યા હતા અને તેમની સંખ્યા સાઠ-સિત્તેર હજાર જણાતી હતી. અને જે હરિભક્ત યજ્ઞની સેવા કરવામાં રહ્યા હતા, તે તો મુક્તરાજ બાપાશ્રીને રાજી કરવા ઊંઘ-આળસનો ત્યાગ કરીને થાક, ભૂખ, તરસ આદિને નહિ ગણીને રાત્રી-દિવસ સેવામાં તત્પર રહેતા તેનાં નામ લખે પાર આવે તેમ નથી. અને તે બાપાશ્રીના યજ્ઞમાં આવેલાં સંતનાં મંડળ તે આશરે સવાસો જણાતાં હતાં.

તે સંત કેવા છે તો શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશુદ્ધિમાં જે સાધુના એકાંતિક ધર્મ કહ્યા છે તેમાં દૃઢપણે વર્તતા ને શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તેમને વિષે દૃઢ આત્મબુદ્ધિને પામેલા, અને અનાદિમુક્તને વિષે આત્માની એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહીને મૂર્તિના સુખભોક્તા એવા હતા. તેઓ -સર્વે યજ્ઞમાં બાપાશ્રીનાં દર્શન-સમાગમનું તથા કથાવાર્તાનું સુખ લેતા હતા. અને નિત્યે સવારમાં છ વાગે કથા શરૂ થતી ને નવ વાગે સમાપ્તિ થતી. પછી દિવસના અઢી વાગે કથા બેસતી ને છ વાગે સમાપ્તિ થતી ને પુ. કેશવપ્રિયદાસ ને હરિનારાયણદાસજી ‘સત્સંગિજીવન’ની કથામૃતનું સર્વેને પાન કરાવતા. અને મુક્તરાજ બાપાશ્રી બેય વખત સભામાં પધારતા ને પુસ્તકની પૂજા-આરતી ક્યારેક પોતે કરતા ને ક્યારેક પોતાના સેવક પાસે કરાવતા ને પોતે સભામાં વિરાજતા ને સર્વેને દર્શનદાને આનંદ પમાડતા ને પોતાના વચનરૂપી અમૃતનું પાન કરાવતા, તેણે કરીને સર્વે સંત-હરિભક્તને અક્ષરધામ તુલ્ય સુખ-શાંતિ થતી. અને જેમ ઉત્તમ નૃપતિના આંગણામાં સંત-હરિભક્તની સભામાં અનંત મુક્તના સ્વામી એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થતા ને તે સભાનો જેમ સર્વેને દિવ્યભાવ છે, તેમ જ આ સંત-હરિભક્તની સભા દિવ્ય છે એવું કેટલાક સંત-હરિભક્તને દિવ્ય દૃષ્ટિથી દેખાતું, ને કેટલાકને તો તેવી જ દિવ્ય સભા છે ને આ સભામાં શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત બિરાજે છે એવી જ્ઞાનની સમજણે કરીને સમજાતું હતું.

અને તે સભામાં સ્વામી ઘનશ્યામજીવનદાસજી શ્રોતાજનને કથારસ જીવમાં ઉતારવા સારુ વાતો કરતા. તેમના સદ્‌ઉપદેશથી સંત-હરિભક્તોના હૃદયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિની ઊંડી છાપ પડતી ને કોઈ સમે સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા જે, ‘‘અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈને સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ લે છે, માટે આપણે તે મૂર્તિના સુખભોક્તા થાવું.’’ એવું તેમની વાતોનું રહસ્ય હતું.

અને કોઈક વખત બાપાશ્રીની આજ્ઞાએ કરીને સ્વામી ઈશ્વચરણદાસજી વાતો કરતા જે, ‘‘સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ એક જ ભગવાન છે. તેમના તેજનો પુંજ છે, તે જ અક્ષરધામ છે. તે અક્ષરધામના એક કિરણમાં અનંતકોટિ અક્ષર ઊડતાં ફરે છે, અક્ષરના એક કિરણમાં અનંતકોટિ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ ઊડતાં ફરે છે, વાસુદેવબ્રહ્મનાં એક કિરણમાં અનંતકોટિ મહામાયા ને મહાપુરુષરૂપી બ્રહ્માંડ રહ્યાં છે, તે સર્વે અક્ષરપર્યંત શ્રીજીમહારાજના એક કિરણે કરીને પ્રકાશમાન છે-એવા અક્ષરધામના પતિ શ્રીજીમહારાજ છે. અને અનંતકોટિ પરમએકાંતિક મુક્ત તે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે ને અનંતકોટિ અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજના સ્વરૂપમાં રહ્યા છે, તે સર્વે મુક્તના સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે તે આપણને પ્રત્યક્ષ મળ્યા છે, ને તેમણે કેવળ કૃપા કરીને આપણને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે માટે હું અનદિમુક્ત છું; સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ અખંડ અનુભવું છું, એવી સ્થિતિનું જાણપણું રાખવું, પણ દેહ પડશે ને ધામમાં જવું છે ને મૂર્તિ પામવી છે એમ ન સમજવું. દેહ પડી ગયો ને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે’-આવી શ્રીહરિના ગુહ્ય જ્ઞાનની વાતો કરતા. તેને સાંભળીને શ્રોતાજનો આશ્ચર્ય પામીને આનંદિત થતા ને તેમની વાતથી અનાદિમુક્તની સ્થિતિનું ભાન થતું.

અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી નિર્ગુણમૂર્તિ ને વૈરાગ્યમૂર્તિ છે, તેમનો ઉપદેશ સંત-હરિભક્ત બેયને એકસરખો અસરકારક નીવડતો. અને તેમની વાતોમાં એ રહસ્ય આવતું જે, ‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિમુક્ત પ્રગટ છે, તેમને શરણે આવે તેને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખે છે અને શ્રીજીમહારાજની મૂર્તિ ને તેમના મુક્ત તથા તેમની આજ્ઞા-એ જ આત્યંતિક મોક્ષ છે.’ ને તેમના ઉપદેશથી સર્વેને પ્રત્યક્ષ મુક્ત અને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો અનુભવ થતો અને એમના ઉપદેશમાં એવું આકર્ષણ હતું જે, ‘બ્રહ્મચારી પોતે શરીરની શુદ્ધ પણ ભૂલી જતા, તે જાણે તેમના દ્વારા પ્રત્યક્ષ શ્રીજીમહારાજ બોલતા હોય તેમ ભાસ થતો.’ આવી રીતે સભામાં સદગુરુઓ શાસ્ત્રનું દોહન કરીને સ્વાનુભવગમ્ય કથારસનું સર્વેને પાન કરાવતા. અને સાયંકાળની આરતી થયા પછી સભામાં કોઈક દિવસ પુ. ધર્મકિશોરદાસજી, કોઈકદિવસ પુ. હરિપ્રસાદદાસજી ને કોઈક દિવસ ભૂજના મહંત સ્વામી ભક્તિપ્રિયદાસજી પ્રત્યક્ષના શાસ્ત્રમાંથી પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને તેમના સંત-હરિભક્તોનાં આખ્યાનોથી પ્રગટ મહારાજ ને મુક્તનો મહિમા કહેવાપૂર્વક એકાંતિક ધર્મનું વ્યાખ્યાન કરીને શ્રોતાજનોને આનંદ પમાડતા. એવી રીતે વૃષપુરમાં મહાયજ્ઞરૂપ મહાસાગરમાં સર્વે સંત-હરિભક્તો અહોનિશ આનંદમાં કિલ્લો કરતા હતા ને નિત્યે નવ વાગે કથાની સમાપ્તિ કરીને સંત કીર્તન બોલતા ને પ્રસાદી વહેંચાતી.

ઇતિ વિશ્રામ ૬૨