વિશ્રામ ૬૦

ત્યાર પછી બાપાશ્રી વૃષપુરને વિષે નિવાસ કરીને રહ્યા છે. તે સમે ભૂજમાં બાઈઓના મંદિરમાં નાગરજ્ઞાતિ સાંખ્યયોગી હીરાકુંવરબાઈ રહેતાં, તે દેહ મેલી શ્રીજીમહારાજના ધામમાં મૂર્તિના સુખભોક્તા થયાં. તેમની વાંસે કાર્તિક માસમાં કથા બેસાડી હતી ને તેની સમાપ્તિ કાર્તિક સુદ એકાદશીની હતી. તેમાં મુક્તરાજ બાપાશ્રીને તેડવા સારુ સોની મોતીભાઈને મંદિરની ગાડી લઈને મોકલ્યા, ત્યારે મોતીભાઈ વૃષપુર આવી બાપાશ્રીની વાડીએ ગયા. તે સમે બાપાશ્રી નવીવાડીએ કૂવા પાસે જાંબુડાના વૃક્ષ નીચે બેઠા હતા ને રામપુર આદિ ગામના હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા -તેમની જોડે વાતો કરતા હતા. તે સમે મોતીભાઈ બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા, ત્યારે મુક્તરાજશ્રીએ તે ભક્તને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મોતીભાઈએ કહ્યું જે, ‘‘કાલે બાઈઓના મંદિરમાં કથાની સમાપ્તિ છે, તેથી બાઈઓએ મહંત સ્વામી મહાપુરુષદાસજીને કહેવરાવ્યું જે, ‘અનાદિ મુક્તરાજશ્રીને તેડાવો.’ ત્યારે મહંત સ્વામી મહાપુરુષદાસજીએ આપને તેડવા માટે મને ગાડી લઈને મોકલ્યો છે ને સર્વે સંત, બ્રહ્મચારી ને હરિભક્ત તેમને આપનાં દર્શનની ઘણી ઇચ્છા છે. તે જો આપ કૃપા કરીને પધારો તો આપના પધારવાથી સર્વેને ઘણો આનંદ થશે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સર્વે વાટ જોતા હશે માટે ચાલો આવીએ.’’ -એમ કહીને પૂજાનો ખડિયો મંગાવી લીધો. પછી હરિભક્તને રજા આપી ને પોતે ઊભા થઈ મોતીભાઈને સાથે લઈને મંદિરની ગાડીમાં બેઠા તે પાંચ વાગે ભૂજ આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સંત-હરિભક્તને મળીને સભામાં બેઠા. હવે બાપાશ્રીને પધાર્યા જાણીને સર્વે રાજી થયા ને બાઈઓના મંદિરમાં પણ ખબર પડી જે, ‘બાપાશ્રી પધાર્યા છે તેથી ઘણાં રાજી થયાં.’ પછી બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસે મુક્તરાજશ્રીને જમવા સારુ ખીચડી, શાક વગેરે કરીને રાખ્યાં હતાં, તેથી સંધ્યા-આરતી કર્યા પછી બ્રહ્મચારીની જગ્યામાં મુક્તરાજશ્રીને સાદડીના ચાકળા ઉપર જમવા બેસાર્યા ને બાપાશ્રી ખીચડી, ઘી, શાક, અથાણું, પાપડ, મગજ-પૂરી, દૂધ એ આદિ ભોજન જમ્યા ને ચળુ કરી મેડા ઉપર આસનમાં સૂતા. તે વખતે ચાર-પાંચ હરિભક્ત બાપાશ્રી પાસે બેઠા હતા. પછી બ્રહ્મચારી ને પુરાણી બાપાશ્રીનાંદર્શન કરી કથામાં જઈને બેઠા ને કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી પાસે આવીને ધ્યાન કરવા બેઠા ને પોણાબારનો સમય થયો ત્યારે બાપાશ્રીએ જાગીને મુનિ સ્વામીને પૂછ્યું જે, ‘કેટલા વાગ્યા છે ?’ ત્યારે મુનિએ કહ્યું જે, ‘‘પોણાબાર વાગ્યા છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘પાણી લાવો.’ ત્યારે મુનિ કેશવપ્રિયદાસે પાણી પાયું. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘બાર વાગ્યા પછી પાણી પિવાય નહિ.’’ તે સમે બ્ર. મહારાજ ધ્યાનમાંથી જાગીને બાપાશ્રીને પગે લાગ્યા. ત્યારે બાપાશ્રીએ બ્રહ્મચારીને કહ્યું જે, ‘‘અત્યારે પાણી પીવું પડ્યું એનું કારણ તમે જાણો છો ?’’ ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, ‘‘ના બાપા !’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આજ સવારમાં જમ્યા વિના જ વાડી ગયા હતા ત્યાં હરિભક્તને વાતો કરવા બેઠા અને ઘેરથી ભાત આવ્યું, પણ વાતો કરતા હતા તેથી જમવા ઊઠ્યા નહિ. તે બે વાગ્યા, ત્યાં આંહીંથી ગાડી લઈને મોતીભાઈ અમને તેડવા આવ્યા તેથી જમ્યા વિના જ ગાડીમાં બેસીને અહીં આવ્યા. તે આખા દિવસના ભૂખ્યા હતા તેથી વધારે જમાયું ને તેથી જ અત્યારે પાણી પણ પીવું પડ્યું.’’

પછી બ્રહ્મચારીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘કાર્ય તે શું ? ને કારણ તે શું ?’’ ત્યારે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘કારણ એટલે મહારાજની મૂર્તિ અને અનાદિમુક્ત, ને કાર્ય એટલે અક્ષરધામ ને અનંત ઐશ્વર્ય તથા મંદિર, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી, ઉત્સવ, સમૈયા તે સર્વે કાર્ય કહેવાય. તે કાર્ય જોઈને નિશ્ચય કર્યો હોય તો રહે નહિ; ડગીજાય અને કારણ જે શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તેમને ઓળખીને નિશ્ચય કર્યો હોય તો તે ડગે નહિ. નિશ્ચયનીવાત અટપટી છે. તે આવા મહારાજ ને મુક્ત સત્સંગમાં બિરાજે છે ને આવી ઉપાસના પ્રવર્તાવી તોપણ કહેશે જે, ‘મહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ હોય તો આમ કેમ થતું હશે ?’ -એમ સંકલ્પ થાય તો નિશ્ચયમાંથી ડગ્યો કહેવાય, પરંતુ જે કાંઈ અવળું થાય તો તે ક્રિયમાણમાંથી થાય છે પણ શ્રીજીમહારાજ તો આ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે અને મોટા એકાંતિક સાધુ-સત્સંગી છે તે તો મહારાજ ને મુક્તને પ્રત્યક્ષ દેખે છે. ને જો નિશ્ચયમાંથી ડગ્યો, તો પછી સાધને કરીને પૂરું ન થાય; માટે કારણ મૂર્તિનો નિશ્ચય કરવો.’’

ત્યારે વળી બ્રહ્મચારીએ પૂછ્યું જે, ‘‘હે બાપા ! ‘સર્વે કારણના કારણ જીવન જાણું છું’ એમ કહ્યું છે. માટે બે કારણ થયાં તે કિયાં સમજવાં ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘બે કારણ છે; તે સર્વે સત્સંગના કારણ અનાદિમુક્ત છે ને અનાદિમુક્તના કારણ શ્રીજીમહારાજ છે તે બેય કારણ છે, પણ દાતા-ભોક્તાપણું છે; સ્વામી-સેવકભાવ છે. અત્યારે તો સત્સંગમાં બહુ મોટી પ્રાપ્તિ છે, તે મહારાજ ને મોટા મુક્તને જેવા સમજશો તેવી પ્રાપ્તિ થશે.’’ -એમ વાતો કરીને યોગનિદ્રાને અંગીકાર કરી. પછી એકાદશીના દિવસે બ્રાહ્મમુહૂર્તમાં સાડા ત્રણ વાગે જાગીને મહારાજનું ધ્યાન કરવા બેઠા ને ચાર વાગે સ્નાન કરી માનસીપૂજા-મૂર્તિપૂજા કરીને ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કર્યાં. પછી બાપાશ્રી છ વાગે સભા થઈ ત્યારે સભામાં બેઠા, ને સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં કારિયાણીના ૧૦ના વચનામૃતમાં એમ આવ્યું જે, ‘ભગવાનના ભક્ત હોય તે ભગવાનના પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય.’

ત્યારે ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજીએ પૂછ્યું જે, ‘‘બાપા ! આ વચનામૃતમાં બ્રહ્મ તથા અક્ષર જેવા થાય તે બ્રહ્મ તથા અક્ષર કોને જાણવા ?’’ ત્યારે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘મહામાયાના પતિ મૂળપુરુષ તેમને પ્રકૃતિપુરુષ કહ્યા છે, તેથી પર મહાકાળ, તેથી પર જે નરનારાયણ, તેથી પર જે વાસુદેવ તેમને અહીંયાં બ્રહ્મ કહ્યા છે ને તેથી પર સૃષ્ટિકર્તા અક્ષર છે તેમને અક્ષર કહ્યા છે. તે જો ઉપાસના પરિપૂર્ણ સમજાણી નહોય ને મહારાજને અક્ષર જેવાજાણે તો અક્ષરની સભામાં રહી જાય, ને બ્રહ્મ જેવા મહારાજને જાણે તો બ્રહ્મની સભામાં રહી જાય, પણ અક્ષર પર પુરુષોત્તમની સભામાં ન પહોંચાય.’’ એમ ઘણીક વાતો કરી. પછી બોલ્યા જે, ‘‘અમે ન્યાય-કાયદા કાંઈ જાણતા નથી; અમે તો જંગલી છીએ પણ મૂર્તિમાં રેહવું હશે તે સર્વેને અમારું કામ પડશે.’’ -એમ મોટી સભામાં વાત કરી. તેને સાંભળીને સર્વે સંત-હરિભક્તને ઘણો આનંદ થયો. પછી કથાની સમાપ્તિ થઈ એટલે બાપાશ્રી સંત-હરિભક્તને સાથે લઈને હમીરસરમાં સ્નાન કરવા પધાર્યા ને મંદિરની વાડીમાં બારીએથી સરોવરમાં સ્નાન કર્યું. પછી છત્રીએ દર્શન કરીને પરથાર ઉપર બેઠા ને બ્ર. નિર્ગુણાનંદજી ને કેશવપ્રિયદાસ આદિ સંત તથા ભોગીલાલભાઈ ને ઘેલાભાઈ આદિ હરિભક્તો પાસે બેઠા હતા, તેમના પ્રત્યે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમદાવાદમાં મહાસભાના હરિભક્તો ભેગા થયા છે માટે આપણા સંકલ્પ ત્યાં મેલો.’’ -એમ કહી પછી પ્રબોધિની એકાદશી-તિથિનો ને હમીરસરનો મહિમા કહ્યો. એ આદિ ઘણીક વાતો કરીને મંદિરમાં પધાર્યા ને બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રીને ફળાહાર કરાવ્યો ને બાપાશ્રી બીજે દિવસ જમીને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૬૦