વિશ્રામ ૯૪

પછી તે સદગુરુ આદિ સંતને બાપાશ્રીના આશીર્વાદથી ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાતી હતી ને તેઓ મૂર્તિમાં રહીને કથાવાર્તા-ધ્યાનભજન કરતા ને અનંત જીવોને તેવા સુખિયા કરતા હતા. હવે સંત ગયા પછી અનાદિમુક્તશ્રી પોતાના માવજી, જાદવજી અને હરજીને સાથે લઈને છેલ્લી વાર નારાયણપુર હરજીભાઈને ઘેર પધાર્યા ને તેમને ઘેર થાળ જમ્યા.પછી હરજીભાઈના માવજીના લગ્નમંડપનું મુહૂર્ત (માણેકસ્થંભારોપણ વગેરે) કરીને પોતાના હાથે સર્વેને ખારેકો વહેંચી તે બાવીસ મણ ખારેકો વપરાણી. પછી લાલજીભાઈ તથા હરજીભાઈ આદિ સર્વેએ બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રી સર્વેને રાજી કરીને વૃષપુર પધાર્યા.

ત્યાર પછી જ્યેષ્ઠ સુદ બીજને દિવસ ભૂજમંદિરમાં ‘સત્સંગિજીવન’ની કથા બેઠી, તેમાં અનાદિ મુક્તરાજશ્રી સુદ પાંચમના નવ વાગે ભૂજ પધાર્યા ને ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સભામંડપમાં આવ્યા, એટલે સર્વે સંત બાપાશ્રી પાસે આવ્યા ને બાપાશ્રીએ સર્વેને મળીને દર્શન દઈને રાજી કર્યા.

હવે તે દિવસ માધાપુરનાં બન્ને મંદિરોમાં મૂર્તિઓ પધરાવવાનીહતી અને સંત-હરિભક્ત બાપાશ્રીને આવવાની વાટ જોતા હતા, તેને બાપાશ્રી અંતર્યામીપણે જાણીને તેમના મનોરથ પૂરા કરવા સારુ પોતે પ્રથમ ભૂજ-બાઈઓના મંદિરમાં જમી પોતાની ગાડીમાં બેસીને માધાપુર પધાર્યા. ત્યાં સર્વે હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને અતિ આનંદ પામ્યા; કેમ જે બાપાશ્રીના હાથે ભાઈઓના મંદિરમાં મૂર્તિ પધરાવવાની ઇચ્છા હતી ને સંતો સિંહાસનમાં મૂર્તિ પધરાવતા હતા પણ બેસતી આવતી નહોતી, તે વાર બહુ લાગી એટલામાં બાપાશ્રી આવ્યા ને બાપાશ્રીએ સંતને કહ્યું જે, ‘‘આ મૂર્તિ આ સિંહાસનમાં પધરાવો ને આ ખંડની ઓલા ખંડમાં પધરાવો.’’ -એમ કહીને પોતાને હાથે મૂર્તિઓ ફેરવીને પધરાવી ને બરાબર બેસતી થઈ ગઈ. તે ચમત્કાર જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા. પછી મૂર્તિઓની પૂજાવિધિ કરીને આરતી ઉતારી. આવી રીતે બાપાશ્રીના બિરદ હસ્તે મૂર્તિઓ પધરાવાણી તેથી સર્વે સંત-હરિભક્તના મનોરથ પૂરા થયા. પછી બાપાશ્રી બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવવા પધાર્યા, ત્યાં પણ સંત-હરિભક્ત સહિત બાપાશ્રીએ મૂર્તિઓ પધરાવી. પછી બાપાશ્રી ત્યાંથી નારાયણભાઈની મેડી ઉપર પોઢ્યા અને સાંજના ભૂજ આવ્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં આવ્યા. ત્યાં દર્શન કરી પુસ્તક ને પુરાણીની પૂજા કરીને સભામાં ગાદીતકિયે બેઠા. પછી કથાના ‘શ્રીપતિમ્‌’ થયા, ત્યારે બાપાશ્રી બાઈઓના મંદિરમાં જમીને વાડીએ પધાર્યા ને ગરમીના દિવસ હતા તેથી સૂવા બેસવાનું આસન મંદિરની વાડીએ રાખ્યું હતું ને વાડીમાં રાત્રીએ વચલા ઓરડામાં પોઢતા. અને સવારમાં સ્નાન-પૂજા કરી છત્રીના ઓટા ઉપર બેસીને વચનામૃત વંચાવીને સાંભળતા તથા વાતો કરતા ને આઠ વાગે મંદિરમાં કથામાં પધારતા, ને દિવસે બાર વાગ્યા પછી વાડીમાં જે બંગલો છે તેની ઓસરીમાં પોઢતા ને બહુધા તો દિવસના વાંસડાના થૂમડા નીચે પોઢતા ને સેવકો ચારે તરફથી પાણી છાંટીને ઠંડી હવા કરતા. અને બાપાશ્રી સવારના સાત વાગે ગાડીમાં બેસીને મંદિરમાં પધારતા અને ઠાકોરજી ને સંતનાં દર્શન કરી કથાની પૂજા કરીને સભામાં ગાદીતકિયે બેસતા ને ‘શ્રીપતિમ્‌’ થયા પછી સભામંડપમાં બ્રહ્મચારીનું આસન જ્યાં રહેતું ત્યાં બાપાશ્રીનું આસન રાખ્યું હતું, ત્યાં આવીને ઘડીક આડે પડખે થતા ને હેતવાળા સર્વે સંત-હરિભક્ત પાસે આવીને બેસતા ને બાપાશ્રી રહસ્યની વાતો કરતા.

એક દિવસ કથા ઊઠી ત્યારે બાપાશ્રી આસને આવીને બેઠા ને સાધુ કેશવપ્રિયદાસ તથા દેવરાજભાઈ, ભોગીલાલભાઈ, મોતીભાઈ, વિઠ્ઠલજીભાઈ ને લાલશંકરભાઈ આદિ હરિભક્ત પાસે બેઠા હતા. તે વખતે બાપાશ્રીએ સાધુ કેશવપ્રિયદાસને કહ્યું જે, ‘‘પુરાણી ! તમે ‘સત્સંગિજીવન’ની કથા વાંચો છો ને અમે વાડીમાં ‘હરિવાક્યસુધાસિંધુ’ની કથા વંચાવીને સાંભળીએ છીએ. તે સુધાસિંધુ કારણ છે ને શ્રીજીમહારાજના મુખનાં વચન છે માટે આ કથા તેના તુલ્ય ન થાય, માટે વચનામૃતનું રહસ્ય જીવમાં ઉતારવું ને જીવમાં મૂર્તિ પધરાવવી; ત્યારે જ કારણ શરીર બળે.’’ ત્યારે મુનિ કેશવપ્રિયદાસે બાપાશ્રીને હાથ જોડીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપ દયા કરીને અમારા કારણ શરીરના ભાવ ટાળીને મૂર્તિમાં સાક્ષાત્‌ જોડી દો ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમારે કારણ શરીર ક્યાં છે ? બળી ગયું છે; તમને તો અનાદિમુક્ત કર્યા છે ને મૂર્તિમાં રાખ્યા છે.’’ -એમ કહીને બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજના સંત-હરિભક્ત છે તે તો મૂર્તિને સન્મુખ રમે છે. જેમ ભમરો પુષ્પ ઉપર ગુંજારવ કરે છે ને સુગંધ લે છે, તેમ મૂર્તિ સન્મુખ રમે તો કારણ શરીર બળી જાય, પણ કાર્યમાં અથમગથમ કર્યા કરે તેમાં કારણ શરીર બળે નહિ ને મૂર્તિનું સુખ પણ આવે નહિ માટે શ્રીહરિજીની મૂર્તિમાં વળગવું. અમે તો વનમાં હોઈએ, ડુંગરમાં બેઠા હોઈએ, ઝાડ હેઠે બેઠા હોઈએ પણ મૂર્તિ વિના લૂખા ન રહીએઃ અમે તો સદા મૂર્તિમાં જ રહીએ છીએ. તે મૂર્તિ વિના એક અણુ માત્ર પણ ખાલી જગ્યા દેખતા નથી; એકરસ તેજને વિષે તેજોમય મૂર્તિમાં રહ્યા છીએ.’’ વળી કહ્યું જે, ‘‘પુરાણી મહારાજ ! તે મૂર્તિ વિના અણુ માત્ર પણ ક્યાંય ખાલી નથી, ત્યારે હવે દેહ મેલીને જાવું ક્યાં ? ત્યારે કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘એવી સ્થિતિવાળાને તો જવું-આવવું ક્યાંય નથી.’’ પછી બાપાશ્રીએ ભોગીલાલભાઈને કહ્યું જે, ‘‘તમારા દાદા માધવજી ને તમારા પિતા પુરુષોત્તમભાઈ -એ અમારા હતા; અમે તેમને અક્ષરધામમાં લઈ ગયા છીએ, તમે પણ અમારા જ છો; તમને પણ મૂર્તિમાં રાખ્યા છે. હવેઅમે તો અક્ષરધામમાં જઈને બેસશું, પણ કેડે જે રહ્યા તેમનું શું થશે -એમ સમજશો નહિ; અમે તો અક્ષરધામમાં બેઠા થકા પણ કેડે રહ્યા જે ભક્તજન તેમની ખબર રાખશું.’’ ત્યારે દેવરાજભાઈએ કહ્યું જે, ‘‘ખરું બાપા !’ ત્યારે બાપાશ્રીએ તેમના (દેવરાજભાઈના) સામો હસ્ત કરીને કહ્યું જે, ‘‘તમે તો પૂરું કરી લીધું છે ને ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચી ગયા છો.’’

પછી સ્વામી ભક્તિપ્રિયદાસજી આવ્યા ને બાપાશ્રીને હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘‘આ સત્સંગીઓને સાચવજો; અમે તો હવે પચીસ-ત્રીસ દિવસના મહેમાન છીએ.’’ -એમ કહીને કેટલીક ભલામણ કરી, ને પોતે જમવા પધાર્યા ને જમીને વાડીએ આવ્યા. પછી બાર વાગે સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ એ બે સંત વાડીએ આવ્યા ને બાપાશ્રીના ઢોલિયા પાસે વીરણવાળાની ટટ્ટીઓ બંધાવી ને પાણી છાંટીને ઠંડી હવા કરી, અને બાપાશ્રી જાગ્યા ત્યારે જળપાન કરાવ્યું ને પાકાં આમ્રફળ સુધારીને જમાડ્યાં. પછી ભોગીલાલભાઈ, લાલશંકરભાઈ ને મોતીભાઈ આદિ સર્વે બાપાશ્રી પાસે આવ્યા અને દર્શન કરીને પાસે બેઠા ને બાપાશ્રીએવાતો કરી. પછી સાંજના બાપાશ્રી ગાડીમાં બેસીને કથામાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પૂજા કરીને ઘડીક કથામાં બેઠા, ત્યાં કથા ઊઠી એટલે બાપાશ્રી સર્વેને દર્શન દઈ બાઈઓના મંદિરમાં વાળુ કરીને વાડીએ પધાર્યા, ને ત્યાં વાંસડા નીચે ઢોલિયામાં પોઢી ગયા.

ઇતિ વિશ્રામ ૯૪