પ્રકાશકીય

સ્વામિનારાયણ સંપ્રદાયની જીવનપ્રાણ સમી અને આલોક-પરલોકમાં સર્વપ્રકારે સુખદાયિની એવી આચારસંહિતા 'શિક્ષાપત્રી' પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે સર્વ સત્શાસ્ત્રોનો સાર દોહન કરી, સર્વજીવહિતાવહ ઉદ્દેશથી રચી છે. આ લઘુ પત્રી પોતાની પરાવાણી હોવાથી પોતાનું જ વાઙ્ગ્મય સ્વરૂપે છે તેવું વિધાન આ પત્રીમાં શ્રીજીમહારાજે પોતે જ કર્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સત્શાસ્ત્રોના તેમજ અન્ય ધર્મશાસ્ત્રોના સંદર્ભ લઈ, અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીના કૃપાસ્પર્શ દ્વારા દિવ્ય સ્થિતિને પામેલા સ. ગુ. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીએ 'શિક્ષાપત્રી રહસ્યાર્થ' નામક વિશાળ ગ્રંથ તૈયાર કરી સત્સંગને ઉપકૃત કર્યો છે. તેમાં દરેક શ્લોકના પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થને વિસ્તૃત રીતે વર્ણવેલા છે. કોઈ પણ શાસ્ત્રપ્રેમી વિદ્વાનને શિક્ષાપત્રીના ગહન અભ્યાસ માટે સાહજિક રીતે જ આકર્ષે તેવો આ અદભુત ગ્રંથ છે.

શિક્ષાપત્રીના અમૂલ્ય આદેશો - આચારોનો પ્રત્યક્ષાર્થ યથાર્થ પણે સમજી તેનું નિયમિતરૂપે પાલન કરવાથી જ આ લોકના સઘળા ધર્મમય પુરુષાર્થોની સિદ્ધિની સાથે સાથે પરભાવમાં પૂર્ણ પુરુષોત્તમરૂપ થઈ, પુરષોત્તમના દિવ્ય સ્વરૂપમાં સળંગ રસબસભાવે જોડાઈને પુરુષોત્તમ સંબંધી અનિર્વાચ્ય મહાસુખનો ઉપભોગ કરવારૂપી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તી થાય છે.

શ્રીજીમહારાજે વચનામૃતમાં કહેલા વચન મુજબ સત્શાસ્ત્રનો સાર-ગંલિતાર્થ અનુભવી સત્પુરુષ થકી જ સમજાય છે. એ કલ્પસૂત્રને મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈએ આ પુસ્તક દ્વારા સાર્થક કરી બતાવ્યું છે.

વિશાળ શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરવા માટે તથા પોતાના શ્રેય માટે પણ દૈનિકજીવન વ્યવહારમાંથી સમય ન ફાળવી શકવો તે આજના યુગની કરૂણ વિડંબના છે. પોતાને મળતા અલ્પ સમયમાં આ સારરૂપ પુસ્તક વાચકને આશીર્વાદરૂપ નિવડે તેવી અંતરની અભ્યર્થના.

આ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં પ્રૂફ સુધારણા, સુંદર મુદ્રણકાર્ય, બાઈન્ડિંગ આદિ છપાઈકામમાં કાળજી રાખી, જહેમત ઉઠાવી સેવારૂપ થનાર સર્વે પર શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મહામુક્તોની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ પ્રાર્થના.

સં. ૨૦૬૬, ફાગણ સુદ બીજ

ઇ. સ. ૨૦૧૦, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન