શ્લોક : ૧૭૯
न स्पृश्यो नेक्षणीयश्च नारीवेषधर: पुमान् ।
न कार्यं स्त्री: समुद्दिश्य भगवद्गुणकीर्तनम् ॥ ૧૭૯ ॥
અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ, અને તેની સામું જોવું નહિ, અને તે સાથે બોલવું નહિ; અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા-વાર્તા-કીર્તન પણ ન કરવાં. ॥ ૧૭૯ ॥
ભાવાર્થ
શ્રી હરિના આશ્રિત વર્ણીઓએ, સધવા અથવા વિધવા સ્ત્રીનો વેષ ધારી રહેલા પુરુષનો સ્પર્શ કરવો નહિ, તથા તેને જોવો પણ નહિ; કારણ કે તેનાં દર્શનાદિકથી પણ સ્ત્રી ભાવની સ્ફૂર્તિ થઈ આવે છે. વળી 'સ્ત્રીઓને ઉદ્દેશીને' એટલે દૂર રહેલી સ્ત્રીઓ સાંભળે એવા આશયથી, પુરુષોની આગળ પણ, ભગવાનનાં ગુણ-કીર્તન કરવાં નહિ; કારણ કે એવી રીતે ગુણ-કીર્તન કરવાથી મનમાં સ્ત્રીનું સ્મરણ થવા પામે અને તેથી નૈષ્ઠિકવ્રતમાં દૂષણ આવે.