શ્લોક : ૧૬૫
स्तनंधयस्य नु: स्पर्शे न दोषोऽस्ति पशोरिव ।
आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे ॥ ૧૬૫ ॥
અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો, જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે. તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. ॥ ૧૬૫ ॥
ભાવાર્થ
જે બાળક ધાવણું હોય એટલે કે જે મનુષ્ય નરજાતિનો હોય, પણ બાલ્યાવસ્થામાં હોય તો. તેની સ્પર્શમાં, ગાયના વાછરડાના સ્પર્શની પેઠે વિધવાને દોષ નથી. વળી અવશ્યના કાર્યમાં વૃદ્ધપુરુષનો સ્પર્શ કરવામાં, કે તેની સાથે ભાષણ-પ્રસંગે વાતચીત કરવામાં દોષ નથી; કેમ કે વિધવા સ્ત્રીઓને પુરુષનો સ્પર્શ થવાથી કામવિકાર થાય છે અને તેથી લોકાપવાદનો ભય આવે, તેથી વિધવાને પુરુષસ્પર્શનો નિષેધ કરેલો છે; પરંતુ કામવિકાર ધાવણા બાળકના અને વૃદ્ધના સ્પર્શથી થતો નથી.
વ્યાઘ્ર, સર્પ, અગ્નિ તથા જળ આદિકના ભયરૂપી આપત્તિમાં, ખેતીના કાર્યમાં, તેમ જ 'ક્રય' એટલે મૂલ્ય આપીને વસ્તુઓ વેચાતી લેવામાં અને 'વિક્રય' જે મૂલ્ય લઈને વસ્તુઓ વેચાતી આપવામાં - આ વગેરે ક્રિયાઓમાં, સમીપ સંબંધી થકી ભિન્ન પુરુષોનો સ્પર્શ, કામભાવ દોષેરહિત હોવાથી, વિધવા સ્ત્રીઓને દોષરૂપ થતો નથી.
કામના સર્વે વિકારો યૌવનને આશરીને રહેલા છે, માટે, સ્ત્રીઓ તેમ જ પુરુષોએ એ નિયમોનું પાલન કરવું.