શ્લોક : ૬

स्वधर्मरक्षिका मे तै: सर्वैर्वाच्या: सदाशिष: ।

श्रीमन्नारायणस्मृत्या सहिता: शास्त्रसम्मता: ॥ ૬ ॥

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ॥૬॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે : 'શ્રી અયોધ્યાપ્રસાદજી આદિ સર્વે મારા આશ્રિત તેમણે મારા, શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત રૂડા આશીર્વાદ વાંચવા'. અહીં શ્રીજીમહારાજે શ્રીમન્નારાયણ નામે પોતાને જ કહેલા છે; કારણ કે સકળ અવતારને મુક્ત તે થકી અધિક છે શોભા જેમની તે શ્રીમાન કહેવાય, અને શ્રીમાન જે શોભાએ યુક્ત એવા નારાયણ તે શ્રીમન્નારાયણ કહેવાય.

અહીં 'નારાયણ' એટલે નરસ્વરૂપ ધર્મદેવના પુત્ર. વળી સ્વરૂપથી, સ્વભાવથી ને વિભૂતિથી અક્ષય હોય એવા મહામુક્ત તે 'નર' કહેવાય અને તેમનો સમૂહ તે 'નાર' કહેવાય. હવે 'અયન' ના બે અર્થ છે. પહેલા અર્થ પ્રમાણે 'નાર' જે મુક્તોનો સમૂહ તેમાં 'અયન' જે નિવાસ કરીને રહ્યા છે, માટે 'નારાયણ'. આ પરમએકાંતિક મુક્તની સ્થિતિનો અર્થ છે. અને બીજા અર્થ પ્રમાણે 'નાર' જે મુક્તસમૂહના 'અયન' જે આશ્રયભૂત છે, એટલે કે અનાદિમુક્તોને પોતાનાં નિવાસ આપનારા માટે 'નારાયણ'.

આમ શ્રીહરિ કહે છે : 'શ્રીમન્નારાયણ જે હું તે મારી સ્મૃતિએ સહિત અને સચ્છાસ્ત્રમાં પ્રમાણભૂત અને સ્વધર્મની રક્ષા કરનારા એવા અમારા રૂડા આશીર્વાદ વાંચવા.'