શ્લોક : ૧૧૬
निजात्मानं ब्रह्मरु़पं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्ति: कृष्णस्य सर्वदा ॥ ૧૧૬ ॥
અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ - એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી, તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિષે કરવી. ॥ ૧૧૬ ॥
ભાવાર્થ
ત્રણ દેહથી વિલક્ષણ ને તેના પ્રકાશકપણે કરીને ભિન્ન; કહેતાં, ત્રણ દેહની ભાવનાએ રહિત શુદ્ધ એવો પોતાનો આત્મા, તે આત્માને, 'બ્રહ્મરૂપ' એટલે શિતળ, શાંત, ઘન, સુખરૂપ ને શ્વેત એવા શ્રીજીમહારાજના તેજનો સમૂહ જે બ્રહ્મ તથા અક્ષરધામ કહેવાય છે, તે બ્રહ્મને વિષે પોતાના આત્માને લીન કરીને ધર્મ-જ્ઞાન-વૈરાગ્યે સહિત ભક્તિ-ઉપાસના કરવી.
અને તે ભક્તિ કેમ કરવી તો; પોતાના સ્વામી જે શ્રીજીમહારાજ તેમનાં કથા-કીર્તનનું શ્રવણ કરવું, શ્રીજીના કથા-કીર્તન બોલવાં, શ્રીજીની મૂર્તિનું સ્મરણ કરવું, શ્રીજીના ચરણારવિંદની સેવા કરવી, તેમનું અર્ચન-પૂજન કરવું, તેમને વંદન કરવું, તેમના દાસ થઈને રહેવું- વર્તવું, તેમની સાથે સખાભાવ રાખવો ને દેહાદિક સર્વ તેમને અર્પણ કરી દેવું; અથવા પોતાનો આત્મા શ્રીજીને અર્પણ કરવો; અર્થાત્ મૂર્તિમાં જોડી રાખવો - આ નવ પ્રકારે જે ભક્ત શ્રીજીને શ્રદ્ધા-માહાત્મ્યથી સેવે છે, તે ભક્તને સમર્થ એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીને વિષે ગાઢ પ્રેમ થાય છે. ત્યારબાદ તે ભક્તના પ્રાણ, ઇંદ્રિયો, મન ને બુદ્ધિનો શ્રીજીના સ્વરૂપમાં 'નિરોધ' - લય થાય છે, ત્યારે એ ભક્ત શ્રીજીની મૂર્તિને જ સર્વત્ર દેખે છે; બીજું કાંઈ દેખતો નથી. ભગવાનના ભકતને આવી પ્રેમલક્ષણા ભક્તિએ કરીને જ ભગવદ્ભાવની સ્થિતિ થાય છે અને સર્વ પ્રકારે શ્રીજીની મૂર્તિનું સુખ આવે છે. માટે જ્ઞાની ભક્ત હોય તે બ્રહ્મરૂપ થઈને માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિનો આશ્રય કરે છે.
અને આવી રીતે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરતા એવા જે ભક્તજન તે, પરબ્રહ્મની પ્રસન્નતાથી પરબ્રહ્મરૂપ થાય છે. તે શ્રીહરિએ કહ્યું છે : "જે ભક્ત ઉપર હું કૃપા કરું છું તે ભક્ત મારા પરમ સાર્ધમ્યને પામે છે." એટલે સર્વ મુક્તનું સ્વામીપણું, સુખદાતાપણું ને નિયંતાપણું - તે સિવાય બીજા રૂપ, ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, સાર્મથ્ય ઇત્યાદિ દિવ્ય ને કલ્યાણકારી ગુણે કરીને સરખાપણું જે તુલ્યભાવ તેને પામે છે. ને સુખદુઃખ, જન્મ-મૃત્યુ આદિથી પોતાને અસંગી માનીને શ્રીજીની મૂર્તિનું સુખ ભોગવે છે. અને એ જ બ્રહ્મરૂપા ભક્તિનું ફળ છે.