શ્લોક : ૧૬૦

रु़पयौवनयुक्तस्य गुणिनोऽन्यनरस्य तु ।

प्रसङ्गो नैव कर्तव्यस्ताभि: साहजिकोऽपि च ॥ ૧૬૦ ॥

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે, રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ, તેનો પ્રસંગ સહજસ્વભાવે પણ ન કરવો. ॥ ૧૬૦ ॥

ભાવાર્થ

અને તે સધવા સ્ત્રીઓએ શરીરે સુંદર, તરુણ અને વિદ્યા, કળા તથા ધર્મ વગેરેથી યુક્ત એવો જે અન્ય પુરુષ, તેનો પ્રસંગ પોતાની ઇચ્છા ન હોય ને કોઈ કાર્યનિમિત્તે પ્રાપ્ત થયો હોય, તો પણ તે ન પાડવો. 'પ્રસંગ' એટલે તેનું વારેવારે નિરીક્ષણ, તેની સાથે વાર્તાલાપ, અગર તેની સાથે રહેવું - એ વગેરે લક્ષણવાળો જે પ્રકૃષ્ટ સંગ, તે ન કરવો. અને બુદ્ધિપૂર્વકના સ્વેચ્છાથી, પુરુષના પ્રસંગનો તો દૂરથી જ ત્યાગ કરવો. કેમ કે જેમ યુવતીના પ્રસંગથી પુરુષ નાશ પામે છે, તેમ યુવાન પુરુષના સહજસ્વભાવના પ્રસંગથી, સારા આચારવાળી સાધ્વી સ્ત્રી હોય, તો પણ તે નાશ પામે છે.

વળી તે સ્ત્રીઓએ સ્વતંત્ર ન રહેવું. સ્ત્રીઓની રક્ષા, કૌમાર અવસ્થામાં પિતા કરે છે, યુવાન અવસ્થામાં તેનો પતિ રક્ષણ કરે છે, વૃદ્ધ અવસ્થામાં તેના પુત્ર-પૌત્રાદિ રક્ષણ કરે છે; રક્ષણ સિવાય સ્ત્રીઓને સ્વતંત્રપણે રહેવું નહિ. પતિવ્રતા સ્ત્રી, સર્વદા સદાચારપરાયણ થાય. સમાજસંપાદ્ય જે વિવાહ આદિ ઉત્સવ તેનું નિરીક્ષણ ન કરે. સંબંધીગૃહોમાં વિવાહવીક્ષણ માટે સ્વયં એકાકી ન જાય, કિંતુ વડીલોની સાથે જાય, તથા તીર્થમાં પણ સ્વયં એકાકી ન જાય.