શ્લોક : ૩૯
धर्मेण रहिता कृष्णभक्ति: कार्या न सर्वथा ।
अज्ञनिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ॥ ૩૯ ॥
અને શ્રીકૃષ્ણભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ॥ ૩૯ ॥
ભાવાર્થ
'કૃષ્ણ' એટલે આનંદઘન સ્વરૂપ, સર્વ કારણના કારણ, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ જે મહાકાળ, મહામાયા, મહાપુરુષ આદિ પણ જેમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરતા નથી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની શ્રવણાદિ નવ પ્રકારની ભક્તિ. 'ધર્મે રહિત' એટલે શતાનંદ - મુક્તાનંદાદિ સંતપુરુષોએ રચેલાં શાસ્ત્રમાં શ્રીજીમહારાજની આજ્ઞારૂપ જે ધર્મ, તેનો ત્યાગ કરીને ન કરવી; ધર્મમાં રહીને જ ભક્તિ કરવી. અને જે મનુષ્યો ભક્તિ કે જ્ઞાનના મહિમાનું અવલંબન કરીને બુદ્ધિપૂર્વક ધર્મનો ત્યાગ કરે છે, તેઓ જ્ઞાન તથા ભક્તિથી ભ્રષ્ટ થઈને નિશ્ચે અધોગતિ પામે છે. વળી એવા મનુષ્યો શ્રીહરિના શત્રુ છે; કારણ કે આ લોકમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે. અને પોતાના ધર્મને વિષે નિષ્ઠાવાળા હોય એવા શ્રીજીમહારાજના ભક્તને જ મુમુક્ષુઓએ ગુરુ કરવા. અને તેમને મોક્ષદાતા જાણીને પૂજવા ને તેવા સત્પુરુષમાં જ સુહૃદભાવ રાખવો. અને એવા સત્પુરુષ થકી બીજા જે અસત્પુરુષ તેમને મોક્ષદાતા જાણીને તેમનામાં પૂજ્યબુદ્ધિ, આત્મબુદ્ધિ અને ગુરુબુદ્ધિ કરે છે તે તો પશુ જેવા અજ્ઞાની છે. અજ્ઞાની એટલે પ્રત્યક્ષ ભગવાન જે શ્રીહરિ, તેમના ભક્તો તથા તેમના સંબંધવાળો ભાગવત ધર્મ, તેના માહાત્મ્યને ન જાણતા હોય તેવા. આવા અજ્ઞાની જનોની બુદ્ધિ માન-ઈર્ષ્યાએ કરીને વિપરીત ભાવને પામેલી હોય છે, લોભ-કામ-ક્રોધે કરીને અંતરમાં બળતા હોય છે ને આસુરી સંપદાએ યુક્ત હોય છે; અને તેથી એવા અજ્ઞાની મનુષ્યો, ભગવાન ને ભગવાનના ભક્તની નિંદા કરે છે. તેના ભયથકી શ્રીજીમહારાજની સેવા, જે ધર્મે સહિત ભક્તિ તેનો ત્યાગ કરવો જ નહિ; કેમ કે દુર્જનનો તો સ્વભાવ જ એવો હોય છે. જે ભક્ત પારકાએ કરેલા ઉપદ્રવ તથા નિંદા સહન કરે છે તેની રક્ષા શ્રીહરિ જ કરે છે. વળી અન્ન-વસ્ત્રાદિકની ચિંતાથી પણ ભગવાન ભૂલવા નહિ; કેમ કે વિશ્વનું ભરણપોષણ કરનારા શ્રીહરિ જ છે, તે પોતાના ભક્તનું પોષણ તો કરે જ ને. વળી શ્રીહરિએ રામાનંદ સ્વામી પાસે પોતાના સર્વે અશ્રિતોનું દુઃખ માગી લીધું છે.
અને જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરવામાં લજ્જા પામે છે તે જીવે છે તો પણ મરેલો છે. પ્રકટ શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુમાં ભક્તિ નિષ્ઠાવાળો ભક્ત, લોકની લાજનો ત્યાગ કરી અતિ ઉચ્ચ સ્વરે કરીને હર્ષાયમાન થકો ભગવાનના નિર્મળ યશને ગાય છે. અને પ્રત્યક્ષ પ્રભુની આજ્ઞામાં સર્વદા નિષ્કપટભાવે વર્તીને શ્રીહરિની પ્રસન્નતા મેળવે છે.