શ્લોક : ૧૧૩

तस्यैव सर्वथा भक्ति: कर्तव्या मनुजैर्भुवि ।

नि:श्रेयसकरं किचित्ततोऽन्यन्नेति दृश्यताम् ॥ ૧૧૩ ॥

અને એવા જે તે શ્રીકૃષ્ણભગવાન તેની જે ભક્તિ તે જે તે, પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી. અને તે ભક્તિથકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી - એમ જાણવું. ॥ ૧૧૩ ॥

ભાવાર્થ

આ શ્લોકમાં શ્રીહરિ કહે છે : અનાદિ કૃષ્ણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે હું, તે મારી ભક્તિ, પૃથ્વીને વિષે સર્વ મનુષ્યોએ કરવી.

અહીં પૃથ્વી શબ્દે કરીને વિશેષમાં ભરતખંડ જાણવો. તેમાં પણ જે દેશમાં પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એ સંત-હરિભક્ત સાથે વિવિધ લીલાચરિત્ર કર્યાં હોય, એ દેશ સર્વોત્તમ ને પવિત્ર જાણવો. અને મનુષ્યોને ભક્તિ કરવાનું કહ્યું કેમ કે કામોપભોગ આદિ વિષયસુખ તો પશુ આદિ યોનીમાં સર્વત્ર પ્રાપ્ત થાય છે; પરંતુ 'મોક્ષ તો મનુષ્યદેહે જ થાય છે.' (મનુષ્યદેહનું એ જ દુર્લભપણું છે.) પરંતુ, ધર્મે સહિત ભક્તિ ન થાય તો મનુષ્યદેહ પ્રાપ્ત થયો હોય છતાં, તેવા મનુષ્યદેહધારીને પશુ જેવો જ કહેલો છે. અને જે મનુષ્યો ધર્મે સહિત ભક્તિ કરી વિષયમાંથી મનને પાછું વાળીને ભગવાનની મૂર્તિમાં રાખે છે તે મનુષ્યો ભગવાનની મૂર્તિના સુખભોક્તા થાય છે. માટે મન, વચન ને દેહે - એમ સર્વપ્રકારે ભક્તિ કરવી અને આત્માને શ્રીજીસ્વરૂપમાં જ એકાત્માભાવે જોડી દઈને મૂર્તિમાં નિમગ્ન રહેવું. કેમ જે તે ભક્તિથકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ પણ નથી. પ્રકટ શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુને વિષે, ભક્તિ વિના મેરુ જેટલાં કરેલાં સાધન પણ, અણુ જેટલાં - અતિ અલ્પ ફળ આપનારાં થાય છે. અને પ્રકટ શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુને વિષે ભક્તિભાવથી, તેમની પ્રસન્નતાને અર્થે કરેલું થોડું પણ સાધન, તે ચિંતામણિ તુલ્ય ફળ પ્રાપ્ત કરાવનારું થાય છે. આવા હેતુથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિ તથા માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી એકાંતિકી ભક્તિ - એ જે શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન છે તેને દૃઢ કરીને રાખવાં - એ જ શ્રીહરિને પ્રસન્ન કરવાનો ઉપાય છે.