શ્લોક : ૧૮૮

साधवो येऽथ तै: सर्वैर्नेष्ठिकब्रह्मचारिव्रत ।

स्त्रीस्त्रैणसंड्.गदि वर्ज्यं जेतव्याश्चान्तरारय: ॥ ૧૮૮ ॥

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ: અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે, સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો; તથા સ્ત્રૈણ પુરુષનાં પ્રસંગાદિકનો ત્યાગ કરવો; અને અંત:શત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક - તેમને જીતવા. ॥ ૧૮૮ ॥

ભાવાર્થ

'સાધુઓ' એટલે, જે વાસુદેવી મહાદીક્ષા ગ્રહણ કરીને ત્યાગાશ્રમમાં પ્રવેશ પામ્યા હોય તેવા શ્રીહરિના આશ્રિતો; તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે, સ્ત્રીઓનો તેમ જ 'સ્ત્રૈણ' કહેતાં, સ્ત્રીઓમાં આસક્ત હોય એવા પુરુષોનો, જોવા વગેરેનો પ્રસંગ જાણી જોઈને પાડવો નહિ. કેમ જે બ્રહ્મચર્ય, અહિંસા, ઈર્ષ્યારહિતપણું, શૌચ, ક્ષમા, દયા, સત્ય, મૌન, યશ, બુદ્ધિ, લજ્જા, અસ્તેય, શમ, દમ-આ બધા ગુણો, સ્ત્રી તથા સ્ત્રૈણ-પુરુષના સંગથી વિનાશ પામી જાય છે. તેમ જ જન્મ-મરણરૂપ સંસૃતિમાં પણ સ્ત્રી તથા સ્ત્રૈણપુરુષનો સમાગમ કારણભૂત છે.

વળી ત્યાગી સાધુઓએ શ્રીજીમહારાજની ભક્તિમાં વિઘ્ન કરનારા 'લોભ' જે દ્રવ્યાદિકનો લોભ; 'કામ' જે સ્ત્રીને વિષે વાસના; 'રસાસ્વાદ' જે રસને વિષે જીહ્વાની આસક્તિ; 'સ્નેહ' જે કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય તે અને 'માન' જે દેહાભિમાન - એ પાંચ મહાદોષોને જ્ઞાન-વૈરાગ્યાદિ ગુણોવડે જીતવા.

તેમાં જે લોભ છે તે રસાસક્તિ થવાનું કારણ છે ને બીજા સર્વે દોષો પણ લોભથકી જ પ્રવર્તે છે. માટે ધર્મ-જ્ઞાન-વૈરાગ્યે યુક્ત એવા મોટા સંતો, તેમના સમાગમે કરીને લોભને જીતવો.

અને કામ છે તે સર્વ દોષમાત્રનો આશ્રય છે. આત્મા-પરમાત્માના જ્ઞાનને બોધ કરનારા અને બ્રહ્મસ્થિતિવાળા એવા પુરુષો પણ, જો કામસુખને વિષે આસક્ત થાય છે તો, બ્રહ્મના આનંદથકી પણ, સ્ત્રીસંબંધ સુખને અધિક માનીને તેમાં જઈને પડે છે. માટે પોતાના પ્રાણનો નાશ થવાની બીકે પણ સ્ત્રીનો અંગસંગ ક્યારેય ન કરવો. સમસ્ત 'સુખનું મૂળ વિજ્ઞાન છે' અને તે સદગુરુથકી જ પમાય છે; માટે હિતૈષીમુમુક્ષુએ, જિતેન્દ્રિય રહી, સદગુરુને સેવવા ને સ્ત્રીસંબંધી સંકલ્પ ત્યાગ કરવા વડે કામ જીતવો.

અને જે માન છે તે પણ સદા અનર્થ કરનારો છે ને માનમાંથી ક્રોધ ઉત્પન્ન થતાં તે ક્રોધ, વ્રત, દાન, તપ વગેરેનો નાશ કરે છે. માની પુરુષને બોલવાનો વિવેક રહેતો નથી; અને તેથી પોતાનું કલ્યાણ કરે તેવા સત્પુરુષોનું પણ અપમાન કરે છે. તથા તેમની બાંધેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. પૂર્વે જે જે મોટી પદવી પામ્યા છે તે તે, માનનો ત્યાગ કરીને તથા મોટા પુરુષ સાથે નમ્ર ને સરળપણે વર્તવાથી પામ્યા છે - આમ વિચારી કોઈ ગમે તેવા કઠોર વચન કહે, તિરસ્કાર ઇત્યાદિ કરે તો પણ ક્ષોભ પામવું નહિ; પરંતુ રાજી રહેવું. પણ બ્રહ્મચર્યવ્રતરૂપ ધર્મ પાળવામાં તો માન રાખવું; કેમ જે મનોદુર્બળતાને લીધે બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય છે. રસાસ્વાદ અને સ્નેહનું વિવેચન આગળ કહેવાશે.