શ્લોક : ૧૪૨

गवादीनां पशुनां च तृणतोयादिभिर्यदि ।

सम्भावनं भवेत्स्वेन रक्ष्यास्ते तर्हि नान्यथा ॥ ૧૪૨ ॥

અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ, તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય, તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ॥ ૧૪૨ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત ગૃહસ્થોએ ગાય, ઘોડો, ભેંશ, એ આદિ પશુઓની ઘાસ-પાણી વગેરેથી દરરોજ, સમય-સમય પ્રમાણે જો, પોતાથી સંભાવના થાય તો જ તે પશુઓ પોતાને ઘેર રાખવાં; જો એની સંભાવના ન થાય તો પોતાને ઘેર રાખવાં નહિ; પરંતુ જે સારી રીતે પાલન કરી શકે એમ હોય તેને આપી દેવાં. કારણ કે, ભૂખ-તરસ, તીવ્ર દંશ તથા વિષમસ્થાનથી પીડાતાં એવાં પશુઓના નિસાસાથી, સર્વે સમૃદ્ધિ નાશ પામે છે.