શ્લોક : ૧૮૪

परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि ।

न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ॥ ૧૮૪ ॥

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય, તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ; ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. ॥ ૧૮૪ ॥

ભાવાર્થ

જે બ્રાહ્મણના ઘરને વિષે 'સ્ત્રીજાતિ' એટલે કન્યા, યુવતી, અગર વૃદ્ધ સ્ત્રી ભોજન પીરસનારી હોય, તે ઘેર શ્રીહરિના આશ્રિત વર્ણીઓએ ભોજન માટે જવું નહિ; કારણ કે એવા ઘરમાં ભિક્ષા કરવાથી, સ્ત્રીનાં દર્શન થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ને તેથી બ્રહ્મચર્યનો ભંગ થવાની આપત્તિ આવે છે, માટે જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જ ભિક્ષાર્થે જવું. અને જો ક્ષત્રિયાદિકના ઘેર જમવાનું નિમંત્રણ હોય તો, ત્યાં ધર્મવાળા પવિત્ર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી. અથવા ત્યાં જઈને જાતે રસોઈ કરવી ને પોતે પૂજવા રાખેલ 'હરિકૃષ્ણ મહારાજ'ની મૂર્તિને લઈ જઈ, ત્યાં જ તેમને નૈવેધ કરી, માનસીપૂજા, ભગવત્સ્મરણ વગેરે વિધિ કરવાપૂર્વક જમવું.

અને પવિત્ર ને સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણે રસોઈ કરી હોય, અથવા તેવા બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી હોય - એવી રીતના બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યાદિ વર્ણના ઉત્તમજનો તૈયાર રાંધેલ અન્ન જમવાનું આમંત્રણ આપે; અથવા ત્યાં જઈને જાતે જ રસોઈ કરવાની હોય તો, પાંચ ત્યાગી મળીને, બ્રહ્મચારી અગર સાધુએ તેને ઘેર જમવા જવું. અને તૈયાર રાંધેલ અન્નનું આમંત્રણ કોઈએ ન આપ્યું હોય ત્યારે તો, સ્વધર્મનિષ્ઠ એવા જનોની કાચા સીધાની ભિક્ષા ગ્રહણ કરવી.