શ્લોક : ૧૮૯
सर्वेन्द्रियाणी जेयानि रसना तु विशेषत: ।
न द्रव्यसडग्रह: कार्य: कारणीयो न केनचित् ॥ ૧૮૯ ॥
અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી, ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી; અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. ॥ ૧૮૯ ॥
ભાવાર્થ
શ્રી હરિના આશ્રિત સાધુઓએ 'સર્વ ઇંદ્રિયો' એટલે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો, તેમ જ મન તેમને જીતવાં; કેમ જે ઇંદ્રિયો ચલિત થવાથી બંધન અને તેનો સંયમ કરવાથી મોક્ષ થાય છે.
તેમાં પણ 'રસના' જે જીહ્વા, તે તો વિશેષે કરીને જીતવી; કેમ કે રસને જીતે તો સમસ્ત ઇંદ્રિયો નિશ્ચે જિતાય છે, માટે તપસ્વી એવા સાધુપુરુષ તેમણે, ઉપવાસ આદિ વ્રતે કરીને તે જીહ્વાને વિશેષ પ્રયત્નવડે જીતવી. અને તે રસના જીતવા માટે જે સમયમાં જેવું અન્ન, કે ફળાદિ ઈશ્વર-ઇચ્છાથી પ્રાપ્ત થાય તે શરીરધારણમાત્ર - પર્યાપ્ત, અન્નફળાદિક વડે સંતુષ્ટ રહેવું. તથા નાના પ્રકારના ખાટા, ખારા, તીખા, ગળ્યા, ચીકણા આદિ રસે યુક્ત એવા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય - એ ચાર પ્રકારના, જીહ્વા ઇંદ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોમાં દોષદૃષ્ટિ રાખીને, બુદ્ધિમાન ત્યાગીસાધુએ ક્યારેય તેમાં લોભાવું નહિ. આમ, રસાસક્તિએ રહિત દેહના નિભાવરૂપ યુક્ત જ આહાર કરવો.
વળી, તે સાધુઓએ જેણે કરીને નાણાંની ઉત્પત્તિ થાય તેવી રીતનાં નવીન વસ્ત્ર, પાત્ર વગેરે પોતાની પાસે રાખવા નહિ તથા બીજા કોઈ દ્વારા રખાવવાં પણ નહિ. કારણ કે દ્રવ્ય જ, સર્વે વિષયસુખના સંપાદનનું મૂળ છે; માટે ધનનો પ્રસંગ પણ સ્ત્રીના પ્રસંગની પેઠે જ તજવો. જે સંન્યાસી ધનને આસક્તિથી જુએ તે બ્રહ્મઘાતી થાય છે; જો આસક્તિથી તેનો સ્પર્શ કરે તો, તે પૌષ્કસ થાય છે અને જો આસક્તિથી તેનું ગ્રહણ કરે તો, તે આત્મઘાતી થાય છે. માટે ત્યાગીઓએ, ધનને આસક્તિથી જોવું નહિ, સ્પર્શ ન કરવો તથા ગ્રહણ પણ ન કરવું.
જે ત્યાગી બુદ્ધિપૂર્વક વીર્યપાત કરે તથા દ્રવ્યનો સંગ્રહ કરે, તે નિશ્ચે અધોગતિ પામે છે.